AME BANKWALA - 15 books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 15 - લાજવંતી

લાજવંતી

(અત્રેનાં પાત્રો વાચકો ઓળખી જાય તો મૌન રહે. પાત્રોની ક્ષમાયાચના. જો ચાલીસ વર્ષ પહેલાંની ઘટનાનાં પાત્રો ઓળખી જનારા પડ્યા હોય તો આ તો નજીકની ઘટના કહેવાય. ઉદ્દેશ એ વખતનાં બેંકનાં વાતાવરણનું દર્શન અને હળવાશ ભર્યો પ્રસંગ કહેવાનો છે. અન્ય પ્રસંગોની જેમ પ્રસંગ કથા માણીને આનંદ કરાવવાનો જ ઉદ્દેશ છે.)


1994 થી 1997 ચાર વર્ષ હું મસ્કતી માર્કેટ શાખામાં હતો. ગોલ્ડન પિરિયડ ગણી લો. બ્રાન્ચ પણ સારી, કામમાં પણ ખોટું વૈતરું નહીં. સ્ટાફ સભ્યો બધા મારા મિત્રો બની ગયેલા. એમ કહો કે એક જાતની ધીંગામસ્તી કામ સાથે થયા કરતી. હું સ્કેલ 2 કેડરમાં થોડો સિનિયર હતો.


એક થી બીજે છેડે ઘરર.. કરી સરકતાં અને આપમેળે પોસ્ટિંગ કરતાં, એક ટેબલથી પણ પહોળાં આસ્કોટા મશીન જોઈ ગ્રાહકો સાથે પાંચેક વર્ષ પહેલાં મને નવાઈ લાગતી તેને બદલે હવે 6 ટેબલો પર ડેસ્કટોપ કોમ્પ્યુટરના 'સીઆરટી' સ્ક્રીન તમારી સામે ડોક ઊંચી કરી જોઈ રહેતા. તેમાં જ ઇલેક્ટ્રોનિક લેજર સ્ટોર થતું. આજની જેમ સેન્ટ્રલ સર્વર જેવું ન હતું એટલે ડેઇલી, મંથલી બેકઅપ ઉપરાંત લેજરના પ્રિન્ટઆઉટ રાખવા પડતા.


કેશબુક અને જનરલ લેજર જેનો સરળ ઉલ્લેખ મેં પ્રકરણ 1,2 માં કર્યો છે તે મેળવવાં અને દરેક એકાઉન્ટના બેલેન્સનો સરવાળો કરી એનું કુલ બેલેન્સ 'પ્રોગ્રેસીવ' સાથે (જેમાં લેજર વાઇઝ કુલ ડિપોઝિટનો સરવાળો હોય) અને એ બધાનો ટોટલ જનરલ લેજર સેવિંગ કે કરંટ સાથે મેળવવો.. વાચક કંટાળી ગયા ને? અમે એ મેન્યુઅલી મેળવતા, (જે સહેલું કામ ન હતું, ક્યારેક અમને ફ્રી કરી એ જ કામ કરવા કહે તો પણ રાત્રે સાડાનવ વાગતા.) આ બધું બેંકના ઇનહાઉસ પેકેજમાં કેટલી વારમાં ટેલી થતું, કહું? 30 થી 40 સેકંડમાં!

આ બધાં મશીનોને ALPM, એડવાન્સ લેજર પોસ્ટિંગ મશીન કહેવાતાં. પોસ્ટિંગ કરવા મશીન દીઠ એક ઓપરેટર અને એવા બે ઓપરેટરનું પોસ્ટિંગ ચેક કરવા એક સુપરવાઈઝર. ઓફિસર કે મેં અગાઉ કહ્યું તેમ સ્પેશિયલ આસિસ્ટન્ટ. મારી ઉંમર 37 વર્ષ, બીજા બે ઓફિસરો એવડા જ. ઓપરેટર્સ 50 આસપાસના.


હું સ્કેલ2માં સહુથી સિનિયર હતો અને એકાદ વર્ષ પહેલાં રોલવાલા ઇન્સ્ટિટ્યૂટનો સર્ટિફિકેટ કોર્સ કરેલો એટલે મને એ 6 વત્તા 3 સુપરવાઇઝરનો હેડ, 'કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ' બનાવ્યો. લાડમાં જોઈન્ટ મેનેજર જે ચીફ મેનેજર સ્કેલના હતા તે મને 'કેપ્ટન' કહેતા.


ઓપરેટર્સને અમુક જ સીટ જોઈતી હોય કે કોઈને એલાવન્સ વાળાં કામ વગર ઓપરેટર એલાવન્સ લેવું હોય ત્યારે હું મક્કમ થઈ જાઉં. કામ એલોટ વ. માટે ક્યારેક ઘર્ષણ થાય બાકી રોજ ઇનવર્ડ ક્લિયરિંગ આવે અને રિટર્ન તૈયાર થઈ જાય એટલે ફ્રી. સાંજે 4 વાગે એટલે ડેઇલી વ્યવહારો ક્યુમ્યુલેટિવ ફાઈલોમાં મશીન લેતાં રહે, બેકઅપ એક નોટબુક જેવડી મોટી સવા પાંચ ઇંચની ફ્લોપી પર લેવાતા રહે અને 'પ્રેસ એની કી ટુ કંટીન્યુ' આવે એટલે હાથ મારતા અમે નજીકથી મરી વાળા ગાંઠિયા કે ભજીયાં મંગાવી ખાતા રહીએ.


એક લેડી ઓફિસર સેવિંગ્સ સંભાળે. મારી જ ઉંમરનાં કે બે ચાર વર્ષ નાનાં. બીજા એક સાહેબ જે આજે પણ સંપર્કમાં છે અને મારા વાચક પણ છે તે કેશબુકનું પેકેજ મેળવતા હોય. 4 વાગે બેકઅપ લઈ ઓપરેટર રવાના થઈ જાય પછી પોણા છ સુધી અમે ત્રણ.


એકવાર સ્ટેટમેન્ટ્સ કે ઓડિટ ટ્રેઇલ (જે પોસ્ટિંગ કર્યાં હોય તેનું લિસ્ટ) પ્રિન્ટ કરતો કાગળ સેવિંગ મશીનમાં ફસાયો. પર્કોલેટર સરખાં ન હોઈ પાનું ફાડવું ફાવતું ન હતું. બહેન 'આમ એને ચપટી મારો' કહી કેરમના સ્ટ્રાઈકરને આંગળી મારીએ તેમ ફાડી ગયાં. ડૂચો મશીનમાં હતો તે કાઢવા મેં મશીન પોઝ કર્યું અને બેને 'બે જોટાળી' બોલપેન (એક બાજુ લાલ, બીજી બાજુ બ્લ્યુ રિફિલ વાળી બેંક સ્પેશિયલ) ડૂચા પર ખોસી. મેં હળવેથી કાળા રોડ પર હાથ દબાવી કાગળ ઉપર ખેંચ્યો, બહેને નીચે. અમારા કાંડા સુધીના હાથ ટચ થયા. કાગળ તો નીકળ્યો પણ તેમણે ઇલેક્ટ્રિકનો ઝટકો વાગ્યો હોય તેમ હાથ ખેંચી લીધો.


એમ તો અમે નવરાં હોય ત્યારે વાતો કર્યા કરતાં. 'તમારો પેલો પવિત્ર મહિનો શરૂ થયો ને? એ શું છે?' તેમણે પૂછ્યું અને મેં ટૂંકમાં શ્રાવણ માસની કથા કહી. એકાદ વાર પોણા છ એ મારી સાથે જ બહાર નીકળ્યાં અને મેં કહ્યું કે લો નજીક સુધી લિફ્ટ આપું તો ના પાડી. 'બધા કસ્ટમરની દુકાનો લાઈનમાં છે. જુએ તો કેવું લાગે? વાતો કરે.' (જો કે પછી એમને ઘેર એમણે બનાવેલી સેવૈયા ખાઈ આવ્યો છું. એક વાર અમે મોતી બેકરીમાં સાથે આઈસ્ક્રીમ પણ ખાધો છે. મારી બદલી થઈ ત્યારે એમણે જ માગણી કરી)


બેન ક્યારેક અગિયાર ઉપર બે ત્રણ મિનિટે દોડતાં આવે અને 'હાય અલ્લા, એસી ચાલતું નથી' કહી પરસેવો લૂછે. એક પેડસ્ટલ ફેન એમણે પોતાની પાસે રાખવા જીદ કરી. એસી બંધ હોય ત્યારે ઠીક છે બાકી જરૂર ન હતી. પેલા મિત્ર ઓફિસર કહે 'સુનિલભાઈ, કજીયાનું મોં કાળું. બ્રાન્ચમાં પડ્યો હશે નહીંતો ચીફ મેનેજરને કહી અપાવો.'


ચીફ બ્રાન્ચ મેનેજર એક પારસી મેડમ હતાં. લોનની બાબતો અને એડમિનિસ્ટ્રેટિવ આંટીઘૂંટીઓની ઉકલત તેમનામાં જેવી મેં બહુ ઓછામાં જોઈ છે. મને મઝાકમાં કહે 'જા તને એ પંખા સાથે આપી. એનું જે કરવું હોય તે કર. એને સાચવ.'


એ ઓફિસર બહેન કહે છે ઘેર ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનતાં કોઈ કહે છે અનડિકલેર્ડ તલાક, કોઈ પણ કારણે વાતવાતમાં અપસેટ થતાં, ક્યારેક ગુસ્સે થાય તો ક્યારેક સાડીનો છેડો ઊંચો કરી આંખો લૂછી લે. સાડી કાયમ હજામનાં કપડાંની જેમ ગોળ વીંટેલી રાખે. અતિ લાગણીશીલ હતાં. છતાં પણ કામ બરાબર કરતાં.


મારી સાથે તો એમને બનવા લાગ્યું કેમ કે લગભગ એમની હા માં હા પુરતો. સાવ ન જ એગ્રી થવાય ત્યાં ના. એ પછી તેઓ થોડું બોલી બેસી રહેતાં પણ ઓપરેટર તો ક્લાર્કસ. ખાનગીમાં વાત કરતા હોય એમ બોલતા એને ખબર પડે તેમ એની મઝાકો કરે.


બેન એક ઓપરેટરને કહે ' મારી સામું શું જોયા કરે છે? મારામાં કાંઈ દાટયું છે? પેલો વળી કહે 'હા. દાટયું છે એ જોઉં છું. બોલો પછી?' વળી ગરમાગરમી. છુટા પાડ્યાં. વળી મને અને પેલા ઓફિસરને બીજા સાંભળે તેમ ફરિયાદ કરી, 'મારી છાતી સામે જુએ છે.' સાંજે પાર્કિંગમાં ક્લાર્કસની હસાહસી ચાલી. 'છાતી સામે જોયું' વાળી. એ ભાઈને વળી અમે જુનિયર મોરારી બાપુ કહેતા. વાતવાતમાં રામાયણનાં ઉદાહરણો આપે એટલે. રામાયણ વિશે એમને સારું જ્ઞાન હશે. મને કોઈ સમજ કે રસ એ વખતે રામાયણમાં ન હતો.

પેલા ઓફિસર એ બહેન સાથે વોલ્ટમાં ચેકબુકનો જથ્થો કાઢવા ગયા. બહેન કહે 'સહેજ પાછળ રહો ને, મને બીક લાગે છે તમારી.' એ ઓફિસરે વળી 'લો, તમારા પ્રિય આસિસ્ટન્ટ સાથે તમે પણ અંદર આવો' કહી મને બોલાવ્યો.


આવી સિક્યોરિટી આઇટેમ- ચેકબુક, ફિક્સ રસીદ વગેરે હમેશાં બે વ્યક્તિથી જ નીકળે.


પાછાં એકલા મારી સાથે વોલ્ટમાં આવે તો પણ રજિસ્ટર પકડી દૂર ઉભે. મારે મસમોટું પેકેટ ઊંચકીને કાઢવાનું. એક વાર મને કહે, 'મને પાછળથી કોઈ અડશે એમ બીક લાગે છે.'


(તો પણ એકવાર હિન્દુઓના સતયુગ, કળિયુગ ની વાતો કરતાં મને 'પ્યોર સતયુગનો માણસ' કહી દીધેલો. મને પછી ભાઈ કહેતાં, સ્ટાફ કોલેજમાં બેંકના ગરબામાં મારી પત્ની સાથે ઓળખાણ કરાવી તો એને ભાભી. એનો નવમાં દસમામાં ભણતો પુત્ર એકવાર નવરાશ વખતે સાંજે 5 વાગ્યે આવ્યો તો એની પાસે મને 'મામા' બનાવેલો. હા ભાઈ, હું મઝાકમાં કહું છું કે હું મારી પત્ની પર પણ કુદ્રષ્ટિ નથી કરતો!)


તે એ પાંચ ફૂટ ઊંચો 'બાબો' એકવાર બેંકમાં આવ્યો ત્યારે મમ્મી આવો કોઈ ઓડ જોબ કરી રહેલી. પટાવાળાઓ પણ સાડા ચારે જતા રહે પછી અમારે અમુક જાતે કરવું પડે. 'બાબો' મમ્મીને મદદ કરવા ગયો તો કહે 'દૂર રહે. મારી કમરે ટચ થાય છે!'


એક ગ્રાહકનું ગોડાઉન જોવા એમને પેલાં પારસી ચીફ મેનેજરે સોંપ્યું. આમ તો એક આખાબોલી ક્લાર્ક માટે પણ કાર લાવતો એ કસ્ટમર જાણી જોઈ કહે 'મેડમ, આ વનવે અને ગિરદીમાં સ્કૂટર જ ઠીક રહેશે. ચાલો.' બહેન કહે 'હું લેડી છું. કાર લાવો તો જ વટવા સુધી આવીશ'. પેલો ધરાર સ્કૂટર લઈને જ આવે. મેં બન્નેને સમજાવ્યાં. જરૂર પડે તો મારું એ વખતનું સ્કૂટર વિજય સુપર પહોળું અને મોટા સ્પેરવ્હીલ વાળું હતું તે લઈ જવા કહ્યું. આમ તો ગ્રાહકે કાર લાવવી જોઈતી હતી. એ બહેનને ગ્રાહક પાછળ બેસી જવું પસંદ ન હતું. ટ્રાફિકમાં ટચ થયા કરે ને!


'તું તારે શરમાયા કર. લે, હું લેડી છું તોયે જઈશ. આપણને અમુક અંતર રાખતાં આવડવું જોઈએ.' ગુસ્સામાં બેનને કહી એ ચીફ મેનેજર મેડમ કસ્ટમરને કહે 'ચાલો. થાઓ આગળ.' પેલો ત્યારે તો સ્કૂટર લાવેલો પણ કોઈની કાર મંગાવી.

આવું ને આવું. મેનેજર મેડમ પછી કહે 'બહુ લાજવંતી છે આ … ઓફિસર.'


એ વખતે યુવાન પરિણીત લેડીઝ સાડીને બદલે સલવાર કમીઝમાં આવવા લાગેલી. પણ આ બહેન કાયમ સાડી જ પહેરે. ગળું, અર્ધો હાથ ને કમર ઢાંકયા કરે. હજામ વાળ કાપે ત્યારે કપડું ઢાંકે એમ જ. છાતી પાસે ક્રિઝ દેખાય એમ છેડો સરખો કર્યા કરે. કોઈ જોતું નથી એની ખાતરી કર્યા કરે.


એક વખત બહેન અગિયારને દસે દોડતાં આવ્યાં, રૂમાલથી મોં લૂછતાં 'હાય અલ્લા, બહુ ગરમી છે' કહી એસી ફૂલ કરાવ્યું. પટાવાળાને કહે પેડસ્ટલ ફેન લાવી ચાલુ કર. પેલાએ જાણી જોઈ વાર લગાડી. મને ફરિયાદ થઈ. મેં પટાવાળાને સાંજે મારા ભાગનાં ભજિયાં ખાવાની લાલચ આપી. હું વોલ્ટમાં પટાવાળા સાથે ફેન લેવા ગયો. બેનની પાછળ ફેન મુકાયો. તેમણે સ્વિચ કરી અને..


તેમની ચીસ. સાડીનો છેડો એ ફેનનાં પાંખીયાંમાં ભરાઈને ગોળ ફરી ગયો હતો. બેન ખેંચાતાં હતાં. મને આમેય કેટલાક ઓપરેટર હનુમાન કહેતા કેમ કે ક્યાંક ખોટું થાય, કોઈને અગેઇન્સ્ટ ક્લિયરિંગ પોસ્ટ થતું હોય, પ્રિન્ટરનો ડેટા કેબલ નીકળી ગયો હોય અને પ્રિન્ટિંગ ચાલતું હોય વગેરે ખોટું થતું લાગે ત્યારે હું તે ટેબલે દોડી જતો. મેં 'હનુમાને' લગભગ કૂદીને સ્વિચ બંધ કરી. પેડસ્ટલને લાત મારી દૂર કર્યો. અજ્ઞાતપણે જ. આ બહેનને હું કોઈ મદદ કરવા પણ નજીક જવા માંગતો ન હતો. ડર હતો, કે મારી પર પણ આક્ષેપ મુકાય તો? હું સહેજ દૂર ઉભો.


પેલા કેશબુકવાળા સાહેબે દોડીને ઉડી રહેલા ચેક, વાઉચર ટેબલ ઉપર પેપરવેઈટ નીચે મૂક્યાં અને.. 'જુનિયર મોરારીબાપુ'એ ગોળ ફરી ગયેલો સાડીનો છેડો હળવે હળવે સલામત બહાર કાઢ્યો. બહેન ખેંચાઈ જઈ પંખામાં આવી જતાં બચ્યાં હતાં.


'જુ. મોરારીબાપુ' ની દ્રષ્ટિ ફરી ચણીયો, ખુલ્લાં પેટ અને છાતી તરફ ગઈ પણ તે આડું જોઈ જઈ બે હાથે પંખાનાં પાંખીયાં ઊંધાં ફેરવી સાડી કાઢી રહ્યો હતો. મુદ્રા દુશાસન વસ્ત્રાહરણ કરતો હોય તેવી પણ અહીં દ્રૌપદીનાં ચીર પુરાઈ રહ્યાં હતાં. રામનું નામ બોલી તે 'કજીયાનું મોં કાળું' કહી વળી કોઈ રામાયણની પંક્તિ કહેતો છેડો મૂકી દૂર થઈ ગયો.


'લાજવંતી' બાકીના 9 પુરુષો સમક્ષ સાડી ઢંકાયા વિનાના દેહે લજ્જાથી નીચું જોઈ ઉભી હતી.

-સુનીલ અંજારીયા