Gumnam Taapu - 1 in Gujarati Thriller by BIMAL RAVAL books and stories PDF | ગુમનામ ટાપુ - 1

ગુમનામ ટાપુ - 1

ગુમનામ ટાપુ

પ્રકરણ-૧ - અવકાશી ઉપગ્રહોની સમસ્યા

અવકાશ કેન્દ્રના વડા ડૉ. દવે એક રિપોર્ટ વાંચી થોડા ચિંતિત થઇ ગયા હતા. તે રિપોર્ટ આવ્યો હતો તેમના કૃત્રિમ ઉપગ્રહ તકનીકી નિષ્ણાત વિભાગ તરફથી. રિપોર્ટ મુજબ ભારતે સંશોધન હેતુસર અવકાશમાં છોડેલા એક કૃત્રિમ ઉપગ્રહમાં છેલ્લા કેટલાક દિવસથી કઈંક ખામી સર્જાઈ રહી હતી, જેને કારણે તે ઉપગ્રહ પરથી કઈં ભળતા સળતા સંદેશાઓ અને સંકેતો બીજા વિદેશી ઉપગ્રહો પર જતા રહેતા હતા અને તેનું ગંભીર પરિણામ આવી શકે તેમ હતું.

આનું કારણ જાણવા માટે જયારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે પૃથ્વીપરની કોઈ જગ્યાએથી અમુક સમય માટે તે સંશોધક ઉપગ્રહનું નિયઁત્રણ કોઈ શક્તિશાળી માધ્યમથી પોતાના વશમાં લઇ કોઈ આ ખેલ ખેલી રહ્યું છે. ઘણીજ ઊંડી તપાસ અને અમુક દેશી વિદેશી જાસૂસી ઉપગ્રહોની મદદ લીધા પછી ચોક્કસ તો નહી પણ આ બધું જ્યાંથી થતું હતું તેનું અંદાજિત કેન્દ્રબિંદુ ભારત અને શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં કોઈ અગમ્ય સ્થળ હતું તેવું આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. આ સ્થળ ભારતથી નજીક હતું એટલે ભારત માટે ચિંતાનો વિષય એ હતો કે જો કોઈ ભારતીયની આમાં સંડોવણી નીકળી તો વિશ્વકક્ષાએ ભારત માટે મુસીબત ઉભી થઇ શકે તેમ હતી.

ડો. દવેની ચિંતાનું મુખ્ય કારણ એ હતું કે, છ મહિના પહેલા અમેરિકાના નાસા તરફથી આવેલો રિપોર્ટ પણ કઈંક આવુજ કહી રહ્યો હતો અને જો આની તપાસ કરી તેને રોકવામાં ન આવે તો આગળ જતા તે ખતરનાક સાબિત થઇ શકે તેમ હતું. કૌતુકની વાત એ હતી કે આટલા બધા દેશી વિદેશી શતકતીશાળી જાસૂસી કૃત્રિમ ઉપગ્રહો કે જેમાના અમુક તો, તમે તમારા ઘરની આસપાસ શું કરી રહ્યા છો તેની ચલચિત્રો સાથેની માહિતી ગણતરીની ક્ષણોમાં આપી દેતા હોય છે, તે પણ આનું ચોક્કસ સ્થળ કે બીજી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નિષ્ફળ થઇ રહ્યા હતા.

ડો દવેએ વધુ સમય ન બગાડતા તાત્કાલિક રો ના અધિકારી રઘુવીરસિંહનો સંપર્ક કર્યો અને બધી માહિતી આપી તેમને આ બાબત મદદ કરવા જણાવ્યું. રધુવીરસિંહે બધા રિપોર્ટનું અધ્યયન કરી બે દિવસ પછી ડો દવેને વળતો જવાબ આપ્યો કે તે આ મામલામાં તેમનાથી બનતી મદદ કરવા તૈયાર છે અને તે માટેની ચર્ચા કરવા તેમણે એક મિટિંગની ગોઠવણ પર કરી લીધી.

બે દિવસ પછી દિલ્હી શહેરની એક હોટલના રેસ્ટોરન્ટમાં ડો દવે અને રઘુવીરસિંહ કોફીની ચુસ્કી લેતા લેતા તપાસ કઈ રીતે આગળ વધારવી તેની ચર્ચા કરી રહ્યા હતા ત્યાં એક ભારે અને મક્કમ અવાજ તેમના કાને અથડાયો, કેપ્ટન રાજ રિપોર્ટિંગ સર.

ડો દવેએ ચમકીને તે વ્યક્તિની સામે જોયું તો જેટલો બુલંદ અને મક્કમ તે યુવાનનો અવાજ હતો તેટલુંજ બુલંદ તેનું વ્યક્તિત્વ હતું. તેના અવાજ અને શારીરિક ભાષા પરથી અંદાજો આવી જતો હતો કે તે સેનાનો એક બાહોશ ઓફિસર છે.

રઘુવીરસિંહે તેને ઈશારાથી બેસવા કહ્યું, રાજે ડો. દવે અને રઘુવીરસિંહ સાથે હસ્તધૂનન કર્યું અને પછી પુરા અદબથી ખુરશીમાં બેસી ગયો.

વુડ યુ લાઈક ટુ હેવ સમથિંગ યંગ મેન? રઘુવીરસિંહે તેને પૂછ્યું.

સ્યોર સર, “આઈ વુડ હેવ અ કપ ઓફ કોફી. ડો દવેને રાજનો આત્મવિશ્વાસ ગમ્યો, તેમણે વેઇટરને બોલાવી રાજ માટે કોફી ઓર્ડર કરી.

રાજે તરતજ મુદ્દા પર આવતા કહ્યું, સાહેબ મેં બધા રિપોર્ટ જોઈ લીધા છે. જે અંદાજિત સ્થળનો દવેસાહેબના નિષ્ણાતોના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે હીન્દ મહાસાગરમાં એક નાનકડો ગુમનામ ટાપુ છે. આમતો તે ટાપુ આપણા કે શ્રીલંકાના નકશા પર ક્યાંય નથી અને કોઈ માનવવસાહતનો કોઈ ઉલ્લેખ આજ સુધી થયો નથી.

હા થોડા સમય પેહલા કોઈ ખાનગી મોટરબોટમાં સવાર અમુક શ્રીલંકન જુવાનિયાઓ તે ટાપુ પર જવા પ્રયાસ કર્યો હતો પણ તેની નજીક પહોંચે તે પહેલા તેમના પર કોઈ વિચિત્ર અને ખૂંખાર દરિયાઈ પ્રાણીએ અચાનક હુમલો કરી દેતા તેમાંના એક નવયુવકે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. બચી ગયેલા જુવાનિયાઓના કહેવા મુજબ કોઈ ખૂંખાર અને શક્તિશાળી રાક્ષસે તેમના પર અચાનક હુમલો કરી દીધો અને તેમની બોટ લગભગ ઉંધી વળતા વળતા રહી ગઈ અને તે ઉલટ પુલટમાં તેમનો એક યુવાન દરિયામાં પડી ગયો ને તે લોકો ત્યાંથી જીવ બચાવવા નાસી ગયા. આ ઘટનાની જાણ શ્રીલંકાના સ્થાનિક સરકારી તંત્રને થઇ હતી, ને તે પછી આ વિષે તપાસ કરવા ત્યાંની જળસેનાને જણાવવામાં આવ્યું હતું, પણ તે લોકોએ આને એક માનવ ભ્રમિત અફવા ગણાવી બહુ ગંભીર નોંધ ન લેતા તે કોઈ મોટી દરિયાઈ માછલી જેવું કઈં હશે તેવો રિપોર્ટ ત્યાંની સરકારને મોકલાવી દીધો. આટલી માહિતી આપી રાજ જાણી જોઈને થોડુ અટક્યો.

રઘુવીરસિંહે રાજની પ્રશંસા કરતા કહ્યું ખુબ સરસ કેપ્ટ્ન, તમારી પ્રારંભિક તૈયારી તો ઘણી સારી છે પણ હવે આપણે શું એકશન લેવા છે તેનો કોઈ પ્લાન વિચાર્યો છે તમે.

રાજે કહ્યુ જી બિલકુલ, મારી પ્રારંભિક તપાસ પછી મેં જ્યારે તે ટાપુ પર હવાઈ માર્ગે જવા વિષે જાણકારી મેળવી તો મને ખબર પડી કે હકીકતમાં હવાઈ માર્ગના નકશામાં કે તેમના રેડિયો સિગ્નલ્સ પ્રમાણે ત્યાં એવો કોઈ ટાપુ છેજ નહિ, એનો મતલબ એ થાય કે રિપોર્ટમાં ત્યાં અવકાશી વિજ્ઞાનને લગતી કોઈ અવૈધ ગતિવિઘી ચાલી રહી છે તે શંકાને નકારી શકાય નહિ. મને તે જગ્યા વિષે જેટલી જાણકારી સાંપડી છે અને દવેસાહેબના રિપોર્ટમાં જે માહિતીઓ આપી છે તેના આધારે મારું મંતવ્ય એવું છે કે ત્યાં હવાઈ માર્ગે જવામાં પૂરેપૂરું જોખમ છે. એટલે તપાસ કરવા હું ત્યાં દરિયાઈ માર્ગે જવા માગુ છું અને તે માટે મે એક ટિમ નક્કી કરી છે.

આંદામાન નિકોબાર જંગલના રેન્જ ઓફિસર દેવ, પોર્ટબ્લેર પોલીસ મુખ્યાલયમાં મહિલા પોલીસ ઇનસ્પેક્ટરની ફરજ બજાવી રહેલ કાજલ અને દવેસાહેબની સાથે કામ કરતા તેમના મદદનીશ વૈજ્ઞાનિક ડો. સાકેત ને હું આ મિશન માટે સાથે લઇ જવા માંગુ છું. મારે તેમની સાથે વાત થઇ ગઈ છે, તે બધા આ મિશન પર જોડાવા તૈયાર છે પણ તમારે તે લોકોના ઉપરી અધોકારીઓ સાથે વાત કરી તેમને પરવાનગી અપાવવાની વ્યવસ્થા કરવી પડશે.

રઘુવીરસિંહે કહ્યું તે કામ થઇ જશે, તે સિવાય તમારે મિશન માટેની તમામ જરૂરિયાતો જણાવી દેજો તેની વ્યવસ્થા જે તે સરકારી ખાતાના અધિકારીઓને કહી કરી દેવામાં આવશે.

ડો. દવે તો આટલા ઓછા સમયમાં રાજની તે ટાપુ વિશેની માહિતી અને ત્યાં જવાની આ બધી તૈયારીઓ જોઈ અચંબિત થઇ ગયા.

તેમની પરિસ્થિતિ પારખીને રઘુવીરસિંહ બોલ્યા, દવેસાહેબ મગજ ઉપર આટલુ બધુ જોર ના આપો અમારા ઓફિસરો પાસે દેશના ખૂણે ખૂણાના અમારે કામ લાગે તેવા અધિકારીઓની રજેરજની માહિતી હોય છે, જેથી જ્યારે જે પ્રકારના મિશનમા જેની જરૂર પડે ત્યારે તેનો તાત્કાલિક સંપર્ક થઈ શકે.

ડો. દવેએ તેમને આ માટે અભિનંદન પાઠવતા કહ્યું તો પછી સાહેબ રાહ શેની જોવી છે, લેટ અસ કિક ઑફ ધ મિશન ઇમ્પોસિબલ.

રાજ જતા જતા બોલ્યો, સર મિશન ઇમ્પોસિબલ નહિ મિશન પોસિબલ, અમારા શબ્દકોશમાં ઇમ્પોસિબલ જેવા શબ્દ માટે કોઈ અવકાશજ નથી હોતો.

ડો દવે આત્મવિશ્વાસથી છલોછલ એવા કેપ્ટ્ન રાજને રેસ્ટોરન્ટની બહાર જતા જોઈ રહ્યા.

*****

Rate & Review

Lajj Tanwani

Lajj Tanwani 2 years ago

Nipa Upadhyaya

Nipa Upadhyaya 2 years ago

Gayatriba

Gayatriba 2 years ago

Krishna Makwana

Krishna Makwana 2 years ago

👍🏻👍🏻👍🏻👍🏻

Bhavesh Sindhav

Bhavesh Sindhav 2 years ago