vamad - 2 books and stories free download online pdf in Gujarati

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 2

પ્રકરણ ૨:પ્રેમ : એક અનોખી હોનારત

“પ્રેમની આ શરતમાં ખરો ફસાયો,
જીતવા તને નીકળ્યો ને ખૂદ જ લૂંટાયો. “




ઓગસ્ટ- ૨૦૧૫.

રાતના આઠ વાગ્યાનો સમય.

અરવલ્લીના ડુંગરોની ફરતે મળે એવું ગામ એટલે ધોલપુર. રાજસ્થાનના સીમાડા આ ગામ પછી શરૂ થતા. ૭૦૦ માણસોની વસ્તી ધરાવતું એક મોટું ગામ. ગામના પ્રવેશ પહેલાં વહેતી એક નદી અને એ નદી પર બાંધેલો એક નાનકડો પુલ.
નદી જ્યારે તેના પૂર્ણ વહેણમાં હોય ત્યારે તો પાણી પુલની ઉપર થી વહેતું જાય.
ગામના ઝાંપે આવેલું ભોળાનાથ નું મંદિર. સવાર સાંજ તેમાં થતી આરતીની ધૂન અને એ શંખનાદ એક અનુપમ શાંતિ અને ભક્તિની લાગણીઓથી ભીંજવી દેતો.
ગામના બધા મોભીઓ તથા જાગીરદાર ના ઉંચા મકાનો એક તરફ અને બીજી તરફ તેમની જમીનમાં પરસેવો પાડતા ખેત મજુર ના પથરાયેલા કાચા મકાનો.
ચંદ્રકાંત ગોરી એટલે ગામના મોભી અને સૌથી મોટા જમીનદાર. અમદાવાદમાં વ્યાપક બિઝનેસ ફેલાયેલો હોવાના લીધે વર્ષમાં એકાદ વાર જ મુલાકાત લેવા તેવો ગામડે આવતા. જમીનની દેખરેખની તમામ જવાબદારી છબીલ કાકાને તેમણે સોંપેલી. ખેત મજુર કરતા તેઓ છબીલ કાકાને ઘરના એક સભ્ય જ ગણતા. પોતાના વિશ્વાસુ ગણાતા છબીલ કાકાની દીકરી એટલે અન્વેષી. રૂપનો અંબાર અને સ્વભાવમાં ગુણોનો ભંડાર. ચંદ્રકાંત ગોરી સાહેબે બાળપણથી જ તેને ગામથી દૂર બીજી સારી સ્કૂલમાં મૂકેલી, તેના ભણવાનો તમામ ખર્ચો તેમણે ઉપાડેલો. ગોરી સાહેબ તેને પોતાની દીકરી તરીકે જ માન અને સન્માન આપતા. અર્પણ વર્ષમાં એકાદ બે વાર જ અન્વેષીને મળતો જ્યારે તે પોતાના પિતા સાથે ધોલપુર આવતો.
પણ બાળપણથી તેમની મિત્રતા ઘણી ખાસ હતી
આ વખતે પણ તે ધોલપુર આવેલો અને અન્વેષી સાથે તેની મુલાકાત થઈ. બંને જણા જ્યારે પણ મળતા બસ એક મેકમાં જ ખોવાયેલા રહેતા. નદી કાંઠે આવેલા બોરડીના ઝાડ પરથી હહંમેશાં અન્વેષી અર્પણને દેશી બોર ખવડાવતી અને હંમેશા મેહણુ મારતી કે તમારા અમદાવાદના પીઝા કરતા તો અમારા આ ચણીબોર સારા.
ગામમાં એક લોકવાયકા હતી કે અંધશ્રદ્ધા, પણ એક વાત હંમેશા ફરતી કે ડુંગરોમાં એક વાગ રહે છે જે હંમેશા રાતે નીકળે છે અને નદીની આસપાસ પાણી પીવા જરૂરથી આવે છે. કેટલાય વર્ષોથી અર્પણ અને અન્વેષી જ્યારે પણ મળતા ચોક્કસથી રાતે ડુંગરોમાં ફરતા અને વાઘને શોધતા. આજે પણ એમનો કંઇક એવો જ પ્રયાસ હતો.
રાતના બાર વાગ્યે બધા ઘરના સૂઈ ગયા પણ અર્પણ અને અન્વેષીની આંખો ખુલ્લી હતી.
"ગમે તે થઈ જાય, આજે તો વાગને શોધવો જ છે..!"
દબાતા અવાજે અર્પણ બોલ્યો.
"જલ્દી નદીના કિનારે પહોંચીએ, ક્યાંક વાગ ભાગી ન જાય..!"
હસતા હસતા અન્વેષી બોલી.
કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા હતા, અંધારી રાત આજે કંઇક ભયજનક અણસાર આપતી હતી.
બીજું કોઈ વ્યક્તિ હોય તો ચોક્કસથી ધ્રુજી ઉઠે, પણ અન્વેષી અને અર્પણ માટે આ રાત નવી ન હતી. નદીના કિનારે બ્રિજ પરથી ઉતરીને તેઓ બેઠા.
ધીમે ધીમે વહેતું એ નદીનું પાણી, ચંદ્રનુ શીતળ અજવાળું એ પાણીમાં છલકાતું હતું. આજુબાજુથી આવતો તમરાનો અવાજ અને જોડે પથરાયેલી એ ભીની માટીની સુગંધ અને આવા આહલાદક વાતાવરણમાં બેઠેલા અર્પણ અને અન્વેષી.

તરુણાવસ્થા છૂટી અને જવાની ફૂટવાની શરૂઆત થઇ ચૂકી હતી.આ વાતાવરણમાં બંનેને કંઈક અલગ લાગણીનો અહેસાસ થઇ રહ્યો હતો, જે તેમના માટે પણ ઘણો નવો હતો.
"એક વાત પૂછું તને..? ખરાબ ના લાગે તો..?"
અન્વેષી એ પૂછયું.

"ના ના પૂછને?અર્પણ બોલ્યો.

"તું તારા પપ્પા પર હંમેશા ગુસ્સો કેમ કરતો હોય છે?,
બિચારા કેટલા સારા છે...!"
અન્વેષી એ પૂછયું.
૨ મિનિટના વિરામ બાદ અર્પણ બોલ્યો.

"મારી મા ના ખૂની છે એ..!"

"શું કંઈ પણ બોલે છે એ શક્ય નથી. તારી મમ્મીનું મૃત્યુ તો અકસ્માતમાં થયેલું..!"
અન્વેષી બોલી.

"એવું દુનિયાને લાગે છે, વાસ્તવમાં કાર એકસીડન્ટ દારૂના નશામાં ધૂર્ત મારા પપ્પા, મહાન ચંદ્રકાંત ગોરી વડે થયેલો. તેમની આદત મારી મમ્મીનો જીવ લઈ ગઈ, એ વાત માટે તો હું તેમને કદી માફ નહીં કરું." ગુસ્સાવાળા અવાજે અન્વેષી એ કહ્યું.

"વર્ષોથી માં ની મમતાં માટે ભીખ માગતો ફરું છું બધું જ તેમણે મને આપ્યું છે, પણ એક વાત્સલ્ય જે મારે જોઈએ છે તે તેઓ કદી નથી આપી શકતા."
ગુસ્સા ભર્યા અવાજમાં અચાનક અર્પણને ડૂમો ભરાઈ જાય છે અનાયાસે અન્વેષીનો હાથ અર્પણના હાથ પર પડે છે તે જ સમયે તીવ્ર વાદળોની ગર્જના સાથે આભમાંથી વરસાદ પડે છે. સાંબેલા ધાર એવો વરસાદ બંનેને દસ જ સેકન્ડમાં બહારથી લઈને અંદર સુધી પર પલાળી દે છે.
બંને જણા ભાગીને થોડે દૂર ભેખડ પાસે આવેલા એક ઘટાદાર ઝાડ નીચે તેવો પહોંચે છે.
એક તો ભીના કપડા અને ઠંડો પવન, બંનેના દાંત કકડવા લાગ્યા.
"જોરદાર પલડી ગયા આજે તો..?"
એમ બોલી અર્પણ અને અન્વેષી એક સાથે હસી પડ્યા. અચાનક વીજળીનો એક કડાકો થાય છે અને એ વીજળીના પ્રકાશમાં અર્પણનું ધ્યાન અચાનક અન્વેષી પર પડ્યું. અન્વેષીની સુંદરતા આજે પહેલીવાર તે આટલી નજીકથી જોઈ રહ્યો હોય છે, ભીના વાળમાંથી નિકળતો પાણીનો રેલો તેના રેશમી વાળ પરથી તેની આંખોની પાંપણ ને સ્પર્શી રહ્યો હતો, ધીરે ધીરે તે પ્રસરીને અન્વેષીના ગુલાબી હોઠ ને જાણે વહાલથી ચૂમી રહ્યો હોય તેવો ભાસ થતો હતો. તેની ચોલીમાંથી દેખાતી ખુલ્લી કોમળ પીઠ, અને તેમા અડતો સૂસવાટાભર્યો ઠંડો પવન અન્વેષી ના શ્વાસની ઝડપ વધારતો હતો,
દરેક શ્વાસ સાથે ચોલીમાંથી ઉભાર લેતા અન્વેષીના વક્ષ અર્પણના શરીરમાં એક કંપારી છોડી દેવા માટે પૂરતા હતા.
અર્પણ કંઈ પણ વિચાર્યા વગર અન્વેષીને પોતાની બાહોમાં ભરી લે છે અને અન્વેષી પણ જાણે આ સ્પર્શની રાહ જોતી હોય તેમ અર્પણને વિંટળાઈ જાય છે. કામદેવ આજે બંને પર આવી હોય છે ,તમામ બંધનો તોડીને આજે નદીના કિનારે અર્પણ અને અન્વેષીનું પ્રેમસભર મિલન થાય છે. વહેલી સવારે પોતાના કપડા સરખા કરીને અન્વેષી બોલી,
"આજે પણ વાઘ ના મળ્યો પણ મને મારો પ્રેમ મળી ગયો...!"

આ સાંભળીને અર્પણે અન્વેષીને ખુશીથી ચૂમી લીધી.
થોડાક દિવસો સુધી બંનેનો આ નિત્યક્રમ રહ્યો. વાઘ તો ના મળ્યો પણ સહવાસની પળો ચોક્કસ મળી.

એક રાત્રે અચાનક અન્વેષી બોલી,
"પપ્પાને આપણા વિષે ક્યારે વાત કરીશું.?
શું તેઓ માનશે? "

"હું પાછો અમદાવાદ જવાનો છું કાલે,
સવારે ચોક્કસ પપ્પાને વાત કરીશ..!"
અર્પણ બોલ્યો.
"બસ, તું જતો રહીશ કાલે? "
નિસાસા સાથે અન્વેષી એ પૂછયું.

"કાલે તને લઈને જ અમદાવાદ જઈશ..!"
અર્પણે નિસાસાને દૂર કરવા કહ્યું.

શાંત ચાલતી આ વાતોમાં અચાનક કોલાહલ થયો,

"મારો દીકરો મારી નાખ્યો રે,
મારો દીકરો મારી નાખ્યો..!"
અર્પણ અને અન્વેષીના કાનમાં આ તીવ્ર આક્રંદનો જાણે પડઘો પડ્યો.
બંને અવાજની દિશામાં આગળ વધ્યા.
અચાનક અન્વેષી અટકી,
"ત્યાં જો અર્પણ..! "
આંગળી ચીંધીને અન્વેષી બોલી.

દૂર સ્મશાનમાં કોઈની ચિતા બળતી હોય અને તેમાંથી ઉડતી આકાશમાં ભળતી આગની જ્વાળાઓ દેખાઈ. હૈયાફાટ રૂદન ચાલી રહ્યું હતું,
"હે ઈશ્વર મારા જુવાન છોકરાને માર્યો,
નરકમાં પણ જગ્યા નહીં મળે પાપીઓને,
શું બગાડયું હતું તેણે તારૂં તે આટલી મોટી સજા આપી એને? "
એક ૫૦ વર્ષની ઘરડી સ્ત્રી હૈયાફાટ રૂદન કરી રહી હતી.
અર્પણે બીજા લોકો જોડે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગામના કોઇક ખેતમજૂરનો દીકરો હતો અને ગામના જ એક જમીનદારની છોકરીને તે પ્રેમ કરતો હતો. આ વાત ગામના અમુક લોકોને પસંદ પડી નહીં અને તેના કારણે તેનું કાસળ બધાની વચ્ચે કાઢવામાં આવ્યું.
વાત સાંભળી બંને ચોંકી ગયા,
"અર્પણ આપણી દશા તો આવી નહીં થાય ને.?"
અન્વેષી ધ્રૂજતા ધ્રૂજતા બોલી.

"તુ ચિંતા ના કરીશ , હું મનાવી લઈશ મારા પપ્પાને. હાલ તેમને આ વાત કરવી યોગ્ય નહીં રહે,
મને થોડો સમય આપ, હું અમદાવાદ જઈ થોડાક દિવસોમાં જરૂર વાત કરીશ."
અર્પણ સાંત્વના આપતા બોલ્યો.

બીજા દિવસે અર્પણ અન્વેષીને વિદાય આપી અમદાવાદ તરફ આવવા નીકળ્યો.
અન્વેષી કંઈ ક્યાંય સુધી ગામના ઝાંપે ઉભી રહી.

"મેડમ, તમારું સ્ટોપ આવી ગયું..!"
કંડક્ટર નો અવાજ અન્વેષીના કાનમાં અથડાયો.
અચાનક અન્વેષી જુદી યાદો માંથી બહાર નીકળી.
એ દિવસ અને આજનો દિવસ આજ દિવસ સુધી અર્પણ નો કોઈ ફોન આવ્યો નહોતો.
આવ્યો હતો તો એક પત્ર કે જેમાં લખ્યું હતું કે,
"આપણા મેરેજ નહીં શક્ય બને, મને અમદાવાદની કોઈ છોકરી ગમી ગઈ છે. "
લખાણની શૈલીથી એક વસ્તુની ખાત્રી અન્વેષીને હતી કે આ પત્ર અર્પણે જ લખ્યો છે.
અને આજે એ તમામ પ્રેમ નફરતમાં બદલાઈ ચુક્યો હતો.
"નહીં માફ કરૂ અર્પણ, ક્યારેય નહીં..! "
આટલું બબડતા આંખોમાં દરિયો સંભાળતા અન્વેષી બસમાંથી ઉતરીને ચાલવા લાગી.

બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં અર્પણ ઈન્સપેકટર જાડેજાની સામે બેઠો હતો.
"આટલી બધી નફરત કે પોતાના પપ્પાનું સીધું ખૂન જ કરી નાખ્યું..?"
ઇન્સ્પેક્ટર જાડેજાએ પ્રશ્ન કર્યો.

"પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈ શકો છો કે મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પ્રમાણ વગર મારા પર ખૂનનો આરોપ ના મૂકો..!"
સ્પષ્ટ શબ્દોમાં અર્પણ બોલ્યો.

"તો પછી એ રાતે તમારા પપ્પાની તરફ પિસ્તોલ તાકવાની જરૂર કેમ પડી હતી? કારણ કે મનસૂબો તો એમને ખતમ કરવાનો જ તમારો હતો..!"
ઈન્સપેકટર જાડેજાએ ઘટસ્ફોટ કર્યો.

"એ બધું તમને કઈ રીતેખબર?"
ગૂંચવાતા ભાવે અર્પણ બોલ્યો.

"આ તમામ ઘટના રાત્રે તમારા વિશ્વાસુ નોકર રામજીકાકા ની સામે જ બનેલી છે, કદાચ તમે દારૂના નશામાં એટલા ડૂબેલા હતા કે તમને યાદ પણ નહીં હોય..!"
કડકાઈથી જાડેજા બોલ્યા.

"મને માફ કરી દો સર, મને ગુસ્સો આવી ગયો હતો.
હું નફરત કરું છું મારા બાપને કબૂલું છું એ વાતને.
પણ એમનું ખૂન મેં નથી કર્યું. ભલે એમણે ઘણું ખોટું કર્યું પણ એમનો જ વિનાશ કરૂ એટલો નપાવટ હું નથી જ. "
ધ્રુસકે ધ્રુસકે રડતા અર્પણ બોલ્યો.
ઇન્સ્પેક્ટર જાડેજાને કોણ જાણે કેમ પણ અર્પણની વાત માં એક સત્ય દેખાયું.

"નફરતનું કંઈ ખાસ કારણ? "
જાડેજાએ શાંતિથી પૂછ્યું.

"એક છોકરીને પ્રેમ કરતો હતો સર, અન્વેષી નામ છે એનું. ખેત મજૂર ની દીકરી હતી, પપ્પાને વાત પણ કરી. પણ એમણે ધસીને ના પાડી દીધી.
ઉલટું મારા હાથે એક પત્ર લખાવ્યો કે હું એની સાથે મેરેજ કરવા નથી માગતો અને મને ધમકી આપી કે જો એની સાથે લગ્ન કરીશ કે એને મળવાની કોશિશ પણ કરીશ તો તેઓ અન્વેષીનું ખૂન કરાવી દેશે.
એમણે અન્વેષીના નજર અને દિલ બંનેમાંથી મને નીચો કરી દીધો. ગુસ્સો તો બહુ જ હતો મારા બાપ પર મને પણ અન્વેષીના જીવથી વધારે કંઈ ન હતું.
તમે કિધુ ને કે કદાચ હું નશામાં હોઈશ.
અન્વેષીથી દૂર થયો ત્યારથી જ તમામ પ્રકારના નશાનો હું આદી બન્યો.
જ્યારે પિસ્તોલ પપ્પાની સામે ઉગામી ત્યારે દારૂ મારા માથે ચડેલો હતો સર..!"

ઈન્સપેકટર જાડેજાને અર્પણની વાતમાં થોડા સત્યની મહેક આવી.
વધુ માહિતી સુધી પહોંચવા તેમણે અન્વેષીના ઘરે જવાનું નક્કી કર્યુ.


ગોરી સાહેબના મ્રુત્યુ ના ૧ સપ્તાહ બાદ,
સાંજના આઠ વાગ્યાનો સમય,
"હું ઇન્સ્પેક્ટર જાડેજા,
ચંદ્રકાંત ગોરીના રહસ્યમય મૃત્યુના વિષયમાં તમારા જોડે વાત કરવા આવ્યો છું. "

"હા સર, બોલોને. શું પૂછવું છે તમારે? "
છબીલ કાકા બોલ્યા.

"જુઓ મને ગોળ ગોળ વાત કરવી પસંદ જ નથી,
સીધો જ સવાલ પૂછીશ,
અન્વેષી શું તમે અર્પણને પ્રેમ કરો છો? "

"કરતી હતી સર, પણ હવે નફરત સિવાય કશું જ નથી...!"
અન્વેષીએ ત્વરિત જવાબ આપ્યો.
"અર્પણ નું કહેવું એમ છે કે ચંદ્રકાંત ગોરીએ તેને એવી ધમકી આપેલી કે જો એ તમારી સાથે લગ્ન કરશે તો ગોરી સાહેબ તમારું કાસળ કઢાવી નાખશે."

આ સાંભળી અન્વેષી ૨ મિનિટ માટે ચૂપ રહી,પછી મોટે મોટેથી હસવા લાગી અને બોલી,

"તમને ઉલ્લુ બનાવે છે સાહેબ.!"

"શબ્દો થોડા સંભાળીને બોલો મેડમ, તમે ઇન્સ્પેક્ટર જોડે વાત કરી રહ્યા છો. "
ઇન્સ્પેક્ટર જાડેજાએ કડકાઈથી કહ્યું.

"સોરી સર, પણ ગોરી અંકલ આવું કંઈ જ ના કરી શકે. ઉલટું તો એમણે તો મને ભણાવવા માટે આટલી મદદ કરી છે. આજે જર્નાલિઝમ કરીને હું જે ગર્વથી જીંદગી જીવુ છું એ એમની જ દેન છે.
તેઓ મને ગામડેથી અમદાવાદમાં લાવ્યા.
આટલું સારું મકાન લઈ આપ્યું. પપ્પાને પણ અમદાવાદ શિફ્ટ કરાયા. અમારી એક નવી જિંદગીની શરૂઆત કરાવી. મારા અને અર્પણના લગ્ન માટે કદાચ તેઓ માની પણ જાત. અર્પણે જે પત્રની વાત કરી રહ્યો છે, એ છે મારી પાસે.
અને મને નથી લાગતું કે ગોરી અંકલે બળજબરીથી એની જોડે કંઈ પણ લખાવ્યું હોય,
તેણે એક મોટી વાત મારાથી છૂપાવી હતી કે તેને કોઈ વ્યસન નથી. વાસ્તવિકતામાં તમામ નાના મોટા ડ્રગ્સનો તે વ્યસની હતો. તેની આ વાત માટે તો ગોરી અંકલ પણ હંમેશા ચિંતામાં રહેતા. એને રિમાન્ડમાં લો સર, એ કંઈક તો છૂપાવી રહ્યો છે તમારી જોડે. "

કેસ ગૂંચવાઈ રહ્યો હતો.
કોણ સાચું, કોણ ખોટું એનો તાગ કાઢવો મુશ્કેલીભર્યો હતો.
ઈન્સપેકટર જાડેજાએ આખા કેસની સઘન તપાસ કરવાનું શરૂ કર્યું.
એક રાત્રે ફોરેન્સિક લેબના અધિક્ષક ડૉ. અશોકકુમાર સાથે બેસીને તેઓ વિચારે ચઢ્યા.

"કોઈ જ વસ્તુ શંકાસ્પદ નથી લાગતી તમને ડૉક્ટર કુમાર.?"
આશાભરી નજરે ઈન્સપેકટર જાડેજા બોલ્યા.

"બધી જ વસ્તુઓ બરાબર છે. કોઈ જ પ્રકારનું પોઈઝન કોઈ જ વસ્તુમાં હોય એવું જણાતું નથી. બધા જ પુરાવાને ઈન્સપેકટર જાડેજા ઉડતી નજરે જોઈ રહ્યા હતા. અચાનક એમનું ધ્યાન એક વસ્તુ પર પડ્યું ,
" આ બ્લેંકેન્ટને (ધાબળો) કેમ અહીં રાખ્યો છે ડોક્ટર કુમાર..?"
ઈન્સપેકટર જાડેજાએ સવાલ કર્યો.


ક્રમશઃ

ડૉ. હેરત ઉદાવત.