CHHABILOK - 3 books and stories free download online pdf in Gujarati

છબીલોક - ૩

(પ્રકરણ – ૩)

કોરોનાની ગતિવિધિઓથી વાકેફ ‘અતિથી રેસિડેન્સી’ ના રહેવાસીઓએ સુઝબુઝથી વોચમેનને એનાં ઘરે મોકલી દીધો હતો. સવારે નવ વાગે દેવબાબુ વોચમેનની કેબીન પાસે ઉભાં રહી કંઇક બોલી રહ્યાં હતાં. પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) પહેરી. કોઈકે બાલ્કનીમાંથી નીચે જોયું, પણ સમજ ના પડી. એવું લાગતું હતું કે દેવબાબુ હવામાં વાત કરી રહ્યાં હતાં. હકીકતમાં એ છબીલોકના છબીવાસીઓને સંબોધી રહ્યાં હતાં. સ્વર્ગવાસીઓએ નક્કી કર્યુ હતું કે કોઈ જીવ કોરોનાની પીડાથી સ્વર્ગવાસી નહી થાય. દેવબાબુની સાથે એ બધાં દર્દીઓની સેવામાં જવા તૈયાર હતાં.

દેવબાબુ ગયાં અને થોડીવાર પછી એપાર્ટમેન્ટમાં બુમાબુમ શરૂ થઇ. બુમાબુમથી ઘરની બહાર નીકળેલા લોકો ઘરમાં જતાં અને પાછાં બહાર આવી વાતો કરતાં. એક બીજાનાં સચ્ચાઈની ટાપસી પૂરતાં. અજાયબી સર્જાઈ હતી, ઇતિહાસમાં પહેલીવાર. સ્વર્ગવાસીઓની ફોટો ફ્રેમ ખાલી દેખાતી હતી. દરેકનાં ઘરમાં. ફ્રેમમાં કોઈ નહોતું. ફક્ત કોરી ફ્રેમ, નો છબી.. બ્લેન્ક... બધાં અવાક !

‘’*****’

સ્વર્ગવાસીઓ છબીમાં નહોતાં કારણ તેઓ સેવા માટે કોરોના સંક્રમિત દર્દીઓની સેવા માટે દવાખાનામાં ગયાં હતાં. જરૂરી કે આવશ્યક નહોતું એમનાં માટે, છતાં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે બધાએ પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) પહેરેલ હતાં. બધાની જેમ. છબીલોકના સ્વર્ગવાસીઓ, પૃથ્વીવાસીઓના સેવામાં હતાં. માણસાઈ જીવંત કરી હતી દેવબાબુએ. એક અદ્રશ્ય સેનાથી. એમની આજે જરૂર હતી કારણ કેટલાંક ડોકટર અને નર્સ સંક્રમણને લીધે સેવામાં નહોતાં. કેટલાકની જાન દવાખાનામાં સેવા કરતાં ગઈ તો કેટલાકની જાન પોલીસમાં હોવાથી રસ્તા ઉપર સેવા કરતાં, વિનવણી કરતાં, સંક્રમિત થતાં ગઈ. તે ઉપરાંત ઘણાં હતાં જે સેવાકાર્ય કરતાં સંક્રમિત થયાં અને મોતને મળ્યાં. પોતે જાણતા હતાં, છતાં મોત હથેળીમાં લઇ સેવામાં હાજર હતાં. હથેળીમાં મોત અને ઉપરથી પથ્થરમારો. રક્ષણહાર ને હરાવી યુદ્ધ જીતવા માંગતા હતાં. શું જીતવું હતું ? ખબર નહી. માણસાઈ તો નહી હશે ને ?

દેવબાબુએ પોતાની વશીકરણ વિદ્યાથી બધું સરસ રીતે ગોઠવી લીધું હતું. બધાંને વશીભૂત કરી લીધાં હતાં, કોઈને શંકા ના પડે તે માટે. દેવબાબુની ટીમને હવે કોરોના સંક્રમિત દર્દીઓ જોઈ શકતાં હતાં, વાત કરી શકતાં હતાં, સેવા મેળવી શકતાં હતાં. પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) માં માણસાઈ સેવા કરી રહી હતી પણ દેહ વગરની ! ભ્રાંતિના પુતળા સહકાર્ય કરી રહ્યાં હતાં. ડોક્ટરો સેવા-કામમાં મશગુલ હતાં.

દેવબાબુ સરસ સમજ આપી સમાજ સેવાનું કામ કરાવી રહ્યાં હતાં. છબીલોક સેવામય હતું. સમયસર દવા, નાસ્તો, ભોજનની સેવા દરેક દર્દીઓને અપાતી હતી. એમાં એક યોગી બ્રહ્મચારી પણ હતાં નામે દેવેન્દ્રભાઈ. બિલ્ડીંગમાં કોઈએ ગુરૂ તરીકે માનેલ હતાં. તેઓ દરેકને સાંત્વન અને સંતવાણી કહી ભયમુક્ત કરી રહ્યાં હતાં. “આ જે ડોકટર, નર્સ, પોલીસ, સૈન્ય એ બધાં ભગવાન જ છે ! મંદિરો બંધ છે એટલે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ આપણી વચ્ચે સેવામાં છે. લોકવાયકા નથી જણાતાં ? ભક્તને જરૂર પડે ત્યારે ભગવાન હાજર થાય. ભક્તને સહાય કરવા. એ કોઈને ઉપર ના બોલાવે. પોતાનું સુલોક (દેવલોક) આપણાં જેવાં લબાડ, સ્વાર્થી લોકોથી અભડાવા ના દે. ઉપર જો કંઇ વિશેષ હોત તો એ નીચે આવત ? એ તો સોચ છે કે ઉપર કંઇક ખાસ છે. બાકી આપણે જોઈએ અને સાંભળીએ છીએ ને કે કર્મની સજા ભોગવે જ છુટકો. આજે આખું વિશ્વ આ મહામારીથી પીડાઈ રહ્યું છે, પરંતું ભારતમાં ઘણું જ ઓછું છે. કારણ આપણે ધાર્મિક, બધાં દેવોને પૂજીએ, ખુદાને ઈબાદત કરીએ. વાહે ગુરુને અજીજી કરીએ. જીસસને પ્રેયર કરી એનાં ચરણોમાં પ્રકાશ ધરીએ, દિવો, મીણબત્તી, દાન-ધરમ કરીએ, પ્રાર્થના કરીએ, જગતનું કલ્યાણ થાય એવી ભાવના રાખીએ અને હંમેશ સેવા, મદદ માટે તૈયાર. દયા એ આપણો સૌથી મોટો ગુણ છે. અહિંસા પરમો ધર્મ. આપણે આજે બીજાં દેશોને પણ મદદ કરી રહ્યાં છે કારણ આપણે સ્વાર્થી નથી. લીમીટેડ વિચારોમાં બંધાયેલા નથી. દુનિયા મારું કુટુંબ છે એ ભાવના સેવીએ છીએ. આજે જે મહામારી છે તે કુદરતનો પ્રકોપ હોઈ શકે ! દંડ તો દેવો પડે બાપા ! ત્રાહિમામ પોકારતી દુનિયા આજે ભારતને યાદ કરે છે, એનાં સંસ્કારોને ઉંચા ગણે છે.”

આમ દરેકને થોડી થોડી વાતો કરી સાંત્વન આપતાં હતાં દેવેન્દ્રભાઈ !

બપોરે પહેલી શીફ્ટવાળાને રજા મળી. બધાં છબીલોકના છબીવાસીઓ દેવબાબુ સાથે બહાર આવ્યાં. તેમનો બીજો પ્લાન હવે ફૂડ પેકેટ વહેંચવા જવાનું હતું. વડીલોના ઘુંટણમાં દર્દ નહોતું. રસ્તા ઉપર, ગલીઓમાં, જ્યાં જરૂર લાગી ત્યાં. સેવાભાવી સંસ્થા સાથે જોડાઈ ગયાં. બધાંને આનંદ હતો. ઉલ્હાસ હતો. વરસો બાદ તેઓ દેવબાબુ સાથે જાહેરમાં હતાં. શહેરો બદલાઈ ગયાં હતાં. રસ્તાઓ પહોળા હતાં. મોટા મોટા પુલો અને અદભુત મોલ, અચંબો પમાડે એવાં હતાં. પણ બધું સુમસાન હતું. જુજ વ્યવહાર હતો રસ્તાઓ ઉપર.

તડકામાં પોલીસ ખડેપગે સેવા આપી રહી હતી. ઘરવાળાં એમને બોલાવતાં હતાં, યાદ કરતાં હતાં પરંતું એમની ઈચ્છા આ કોરોના સંક્રમણને લક્ષમાં રાખી ઘરમાં ઘૂસવાની નહોતી. પોલીસ સ્ટેશનમાં જ સુઈ રહેતાં. આખું પરિવાર એમની હાજરીથી મુશ્કેલીમાં મુકાય એ ચોક્કસ હતું. સેવા સાથે બલિદાનની ભાવના !

કેટલાંક બુદ્ધિજીવીઓ એ.સી.માં બેઠાં બેઠાં આર્થિક નુકસાન ગણતાં હતાં. અરે ભાઈ ! જાન હૈ તો જહાન હૈ ! કમાવી લેશું. ઉભું કરીશું. સહન કરશું પણ ચમકદાર બનાવીશું. વરસો સુધી ચમકે એવું ભારત. અસ્સલ બળદ-ગાડાનું ભારત. લોકોની આંખો ચકાચોન્દ થઇ જશે. હિમ્મતે મરદા તો મદદે ખુદા. એ પાલનહાર તો છે ને ! અને હાં.. હાવું ઉભું કરવા કરતાં, આજ સુધી જે અહીંથી ભેગું કર્યુ છે તે કરોડોનું દાન કરી દો... છે હિંમત... ? જીવવાં માટે ખર્ચી ના શકાય એટલું ભેગું કેમ કર્યુ ભાઈ.. ? એ સમજાતું નથી. અરે ખરચવા માટે પણ સમય નથી તો શા માટે ? આજની પરિસ્થિતિ કેવી ? દો ગજ દુર.... નહી તો દો ગજ નીચે ! એવી દશા !

હવે લોકડાઉનમાં આપેલ છુટછાટનો સમય પુરો થઇ ગયો હતો. પાંચ વાગ્યાં હતાં. છબીલોક એમનાં દેવબાબુ સાથે પરત ફર્યું હતું.

સાંજે અતિથી રેસીડન્સીના જીજ્ઞાના નાનાં ટપુડાએ બુમ મારી.... દાદી આવી... દાદા આવ્યાં... દાદી આવી..

એપાર્ટમેન્ટમાં બુમાબુમ સાંભળી દોડધામ થઇ ગયી. સવારની પરિસ્થીતીની જેમ દરેક વ્યકિત ફરી આનંદમાં અચંબિત થઈ ઝૂમી રહ્યું હતું.

દરેકનાં ઘરની લટકતી ફ્રેમમાં સ્વર્ગવાસી સગાઓએ જગ્યા લઇ લીધી હતી. હવે તેઓ દ્રશ્યમાન હતાં ફ્રેમમાં વરસોની જેમ. બધાં ખુશ થયાં. જાણે ઘરની ખોવાયેલ વ્યકિત ઘરે પાછી પરત ફરી હોય તેમ.

સવારથી ફોટો ફ્રેમ કોરી કેમ થઇ હતી એ શંકાનું નિવારણ મળ્યું નહોતું. છબીલોકની અજાયબી ગજબ હતી.

દેવબાબુ આજે સવારથી સેવામાં ગયાં છે એ બધાં જાણતા હતાં. દેવબાબુએ અપાર્ટમેન્ટમાં નીચે હાથ ધોયાં અને ધોયેલા હાથ લુછતાં લુછતાં લિફ્ટમાંથી બહાર નીકળ્યાં ત્યાં તો બધાંએ એમને પેસેજમાં ઉભાં રહેવાં કહયું અને સવારે એપાર્ટમેન્ટના ઘણાં આત્મીયોની ફ્રેમ કોરી થઇ ગઈ હતી તે અજાયબીનું વર્ણન કરી રહ્યાં હતાં. દેવબાબુ આગળ આવ્યાં અને બાજુના દરવાજાંમાંથી સામે લટકતી છબીને જોઈ હસ્યાં. હાશ થઇ ! એમનું પ્રયોજન સરસ હતું અને સફળ થયું.

જયારે એ લોકો એમની સાથે વાતમાં મશગુલ હતાં તે જ સમયે દેવબાબુ જેવી વ્યકિત... અરે હમશકલ કહોને લીફ્ટ તરફ જઈ રહી હતી. નજર સ્થિર થાય તે પહેલાં લીફ્ટનો દરવાજો બંધ થયો. જેણે જોયું તે કંઈ કહે તે પહેલાં બિચારો પડ્યો... ધબ દઈને.... એને કંઇક તકલીફ થઇ રહી હતી. એ તડફડીયા મારી રહ્યો હતો. બધાં ગભરાઈ ગયાં. શું થયું હશે ? સંક્રમણ તો નહી થયું હોય ને ?

એપાર્ટમેન્ટના બધાં રહેવાસીઓ ભેગાં થયાં. દરેક પોતાની રીતે સલાહ આપી એને સારું થાય તેવાં ઉપચાર કરાવતાં હતાં. કોરોના ડરનો માહોલ સર્જાયો હોય એવું લાગતું હતું. કોઈકોઈ તો ભયભીત હતું શંકામાં ! સામે આવનાર પરિસ્થિતિ માટે... કોરેનટાઈન ??

થોડાં સમય બાદ શાન્તુને સારું થયું. વાતચીત કરવા લાગ્યો હતો. કદાચ પ્રેસર ડાઉન થયું હોય એવો એનો અંદાજ હતો. ઉપરના ફ્લોર પર ડોકટર બીપીન રહેતાં હતાં. એમણે શાન્તુને તપાસ્યો. ઘબરાવા જેવું નથી એવી ધરપત આપી બધાંને શાંત કર્યા.

ચોથાં ફ્લોરવાળા રાજનભાઈએ બુમ મારી. મારી પિંકીની ફ્રેમ હજુ કોરી છે, સવારથી... હજુ પિંકી દેખાતી નથી એમાં !

(ક્રમશઃ)