From To Do to What to Do books and stories free download online pdf in Gujarati

To Do થી What to Do

બેલાશક ● પૂજન જાની
--------------------

થોડા દિવસો અગાઉ ભુજમાં ‘બી.એ.પી.એસ.’ સંસ્થાના યુવાનોના પ્રિય એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું હતું. સ્વામીએ ઘણી બધી જીવનુપયોગી વાતો કહી હતી એમાં સૌથી વધારે જો મને કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો એ – ‘પૃથ્વીને એકેય ખૂણો નથી, કરેલું પાછું જ આવવાનું !’, ‘વાવો તેવું લણો.’

‘જૈસી કરની, વૈસી ભરની’ જેવી કહેવતો જેવી જ આ વાત થઈ કે ‘આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે.’ ન્યૂટનનો ગતિનો નિયમ પણ આ વાતને પુષ્ટિ આપે છે.
આ વિચારો પર ભારતીય તત્વજ્ઞાન પાયાનું રહ્યું છે. કર્મનો મહિમા કરતો એક આખો ‘કર્મ યોગ’ તેણે આપ્યો છે. આ યુનિવર્સમાં સિદ્ધાંતો સનાતન છે. કોઈ પણ કાળ હોય, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ સંસ્કૃતિ. આજે પશ્વિમના કેટલાક તત્વચિંતકોના વિચારો વિશે વાત કરીએ કે જેમણે ‘To Do’ પર ભાર મૂક્યો છે.

●‘Doing so is to be’ :

----------------------

ગ્રીક તત્વચિંતક પ્લેટોએ આ વાત કહી છે. ‘કરવું એ જ બનવું છે’. આ સિક્કાની એક બાજુ છે કે જે બનવું છે, મતલબ કે જિંદગીના ગણતરીના વર્ષોમાં અમુક ડીગ્રી, જોબ, જીવનસાથી, કેટલાક ગોલ કે જે આપણા To Do લીસ્ટમાં હોય.

એન્જીનિયરિંગ કોલેજોની સફળતાનો માપદંડ આજનાં વાલીઓ અને બાળકોમાં ‘પ્લેસમેન્ટ’ બની ગયું છે. કઈ કંપની આવશે ? કેટલો પગાર આપશે ? કેટલાને સિલેક્ટ કરશે ? – આવા કંઈક જાતના પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ પૂછે છે, પણ એ નથી પૂછતાં કે તમારાં પ્રોફેસરો કેટલાં ક્વોલિફાઇડ છે ? લેબોરેટરી વર્ક કેટલું એકયુરેટ છે ? આવા લોકો કે’તો છે કે અમારે એન્જીનિયર બનવું છે, પણ ખરેખર એમને ફક્ત નોકરીમાં રસ હોય છે. બનવું શું છે એ જ ક્લિયર ન હોવાથી ચાર વર્ષમાં એક્ચ્યુઅલ નોલેજ પર ફોકસ નથી થતું.

જ્યારે જ્યારે ધ્યેય સ્પષ્ટ ન હોય ત્યારે ત્યારે એ રસ્તા પરથી ઊતરી જવાના પ્રસંગ બહુ જલ્દી બની જાય છે. બંક, આકર્ષણ, વ્યસન અને જલ્સા – આ બધાંની વચ્ચે અમૂલ્ય સમય નીકળી જાય છે. હવે આવે છે ફાઈનલ યર અને એમાં હોય છે નોલેજની બોલબાલા. એટલે જેને ખરેખર નોકરી કરવી છે એને પોતાનાં To Do list માં જે નોકરી રાખી હશે એ નહીં મળે.

જિંદગીમાં પૈસા હંમેશા ‘બાય પ્રોડક્ટ’ હોય તો જ પૈસાને ખેંચી શકાય છે. વિરાટ કોહલીને બેટિંગ પર કામ કરવાનું છે, સારી બેટિંગ કરશે તો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના ૮૭ લાખ રૂપિયા મળશે. કામ પહેલાં કરવું પડે છે, મહિનાના અંતે પગાર મળે છે. આ નાની વાત બહુ મોટી વસ્તુ કહી જાય છે. લાયકાત કેળવવી પડે છે પછી જ પૈસા મળે છે.

બીજી મહત્વની વસ્તુ એ છે કે એક ફિલ્ડમાં લગભગ ૧૦,૦૦૦ કલાક આપવાથી એ ફિલ્ડના માસ્ટર થઈ જવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એકાગ્રતા. મૂર્તિ બનાવવા માટે માત્ર વધારાના પથ્થર જ દૂર કરવાના છે. મૂર્તિ એમાં જ રહેલી છે ! જિંદગીની સફળતા જિંદગીમાં જ રહી છે. વધારાના આકર્ષણો જે વ્યક્તિ દૂર કરી ગઈ એ દુનિયામાં કંઈક બની જાય છે.

● Being is to be done :

-------------------------

આ વાક્ય સોક્રેટીસનું છે. સિક્કાની બીજી બાજુ એટલે આ રીતે કામ કરવું – ‘બનવું એ કરવું છે.’ જે દિશામાં પ્રયત્ન કરીશું એ દિશામાં આગળ વધી શકાશે. જે જગ્યાએ જવું છે એ જ માર્ગ પર પ્રયત્ન કરવા એ પણ To Do લિસ્ટની સામે રાઈટની નિશાની મૂકવાનો રસ્તો છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઘણી જગ્યાએ કહે છે કે,

‘હું કરવા માટે પ્રયત્નશીલ રહું છું, બની આપોઆપ જાઉં છું.’

પ્રયત્ન કરવાની સત્તા આપણા હાથમાં છે જેના પર કોઈ અધિકારી, પ્રિન્સિપાલ કે પદાધિકારીના હસ્તાક્ષરની જરૂર નથી પડતી. હવે પ્રશ્ન એ થાય કે ખબર કઈ રીતે પડે કે આપણે જે પ્રયત્નો કરીએ છીએ એ સાચી દિશાના છે કે નહીં એનો પણ ઉપાય છે. આપણી અંદર એક તત્વ બેઠું છે જેનો અવાજ સાંભળવાથી તરત ખબર પડી જાય કે આપણે સાચી દિશામાં છીએ કે ના. ‘અહ્મ બ્રહ્માંસ્મિ.’ હજુ સરળ શબ્દોમાં કહીએ તો જે કાર્ય કરવામાં થાક કે કંટાળો ન આવે એ કાર્ય થતું હોય એનો મતલબ કે આપણે સાચી દિશામાં છીએ.

આ લખાય છે ત્યારે સરદાર પટેલનો જન્મદિવસ છે. એમણે પણ સિક્કાની આ બાજુ અપનાવી હતી. બસ કરતા ગયા, બનવાની અપેક્ષા ન રાખી અને આજે ૧૮૨ મીટરનું સ્ટેચ્યૂ દુનિયા જોશે. ભગવાન તથાગત (બુદ્ધ) અને કૃષ્ણની જિંદગી પણ આવી જ હતી. બસ કરતા ગયા, એક સનાતન અસ્તિત્વ બનતા ગયા.

બે રસ્તા છે, બે યોગ્ય છે, બે અંતિમ ધ્યેય સુધી પહોચાડશે. આપણી અંદર રહેલી શક્તિ, આપણા શરીરની ક્ષમતા, બુદ્ધિ ક્ષમતાથી નક્કી કરવું રહ્યું કે આપણા માટે શું છે.

મકરંદ દવેની એક સુંદર પંક્તિ છે જે આ બંને વિચારોને એકસાથે રજૂ કરે છે...

“મેં વેર્યા છે બીજ છુટ્ટા હાથે,

હવે વાદળ જાણે ને વસુંધરા.”

જિંદગીમાં કંઈક મેળવવા માટે એ માટેના બીજ મેં પ્રયત્ન કરી વેરી દીધા છે અથવા તો પ્રયત્ન ચાલુ કરી દીધા છે. હવે આગળ વાદળ અને જમીન કેટલા મારી સાથે આવે છે એના પર છે.

આ નવાં વર્ષે To Do લિસ્ટ બનાવી વિચાર કરીએ કે What to do ? ■