Corona.com - 4 books and stories free download online pdf in Gujarati

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 4

'નૈના.... '
'હા અવિ... '
'નૈના જો એક વાત કહું પણ તું ટેંશન ના લેતી... '
'શું વાત છે અવિ... ' અવિનાશની વાત પુરી થતા પહેલાજ નૈનાએ પૂછ્યું.
'નૈના કિટ્ટુ ... '
'શું થયું એને... ? જમવામાં નખરા કરે છે ? હું નથી એટલે... ચાલ વિડિઓ કોલ કરો જોઈએ મારી સાથે વાતો કરતા કરતા હમણાં ખાઈ લેશે... '
'નૈના એવી વાત નથી... '
'તો શું વાત છે અવિ.. બોલ ને... '
'નૈના કિટ્ટુ.. '
'શું કિટ્ટુ... ? કહો ને... '
'નૈના કિટ્ટુ નથી રહી... '
'વૉટ ? '
'હા નૈના... '
'અવિ આ શું મજાક છે... ? કાલે તો સહી સલામત હતી ને આમ અચાનક ? અચાનક શું થયું ? આમ કેમ બને ? નૈના ની આંખો છલકાઈ આવી.
'એ સૂતી હતી... હું જમવાનું આપવા ગયો... તો ઉઠી જ નહીં... '
'તો ભર ઊંઘમાં હશે... આમ કેમ અચાનક ?એને ઉઠાડને અવિ... '
'નૈના મેં ઘણીવાર ઉઠાડી.. મમ્મીએ પણ ઉઠાડી જોઈ ન ઉઠી...પછી ડોક્ટરને બોલાવ્યા તો ખબર પડી કે...'
'પણ અવિ... કિટ્ટુ... 'નૈના નું ગળું રૂંધાયું... શબ્દો ગળામાં જ રૂંધાતા રૂંધાતા માંડ માંડ બહાર આવ્યા...બાકીના શબ્દો ગળામાંજ અટકી ગયા...
'વિડિઓ કોલ કરું... ?'
'ના અવિ... હંમેશા રમતી રહેતી... મારી પાછળ દોડાદોડ.... કરતી મારી કિટ્ટુને સાવ શાંત...આવી હાલતમાં હું નહીં જોઈ શકું... ' નૈનામાં બોલવાનીયે તાકાત રહી નહોતી... એને ફોન કટ કરી નાખ્યો...
ફરી અવિનો ફોન આવ્યો... પણ ફોન ઉપાડવાનીયે હિમ્મત નૈનામાં નહોતી... ફોન વાગતો રહ્યો...
નૈનાની આંખોમાં કિટ્ટુની યાદોં આંસુ બની છલકાવા લાગી... કિટ્ટુ એની સહુથી વધુ નજીક હતી... બહુ થોડા સમયમાં લાગણીનો અતૂટ સબંધ બંને વચ્ચે સ્થપાયો હતો...અને પછી તો બન્ને એકબીજાને નજીક આવી ગયા હતા... હા કિટ્ટુ થોડી જિદ્દી હતી પણ નૈનાના પ્રેમ અને દેખરેખ સામે એની જીદ હારી જતી હતી...
એને હજીએ બરોબર યાદ હતું જયારે એ કિટ્ટુને પહેલીવાર મળી હતી...
એ સમયે અવિનાશના મામાના દીકરાની તબિયત ખરાબ હતી.નૈના ને અવિનાશ મળવા માટે એમના ઘરે ગયા હતા...ચા પીતાં જ હતા કે અચાનક કિટ્ટુ આવી અને નૈનાની સામે અનિમેષ નયને તાકતી રહી... નૈનાને થોડો અચંબો થયો..કે પહેલીવાર જોઈ છતાં એવું લાગે જાણે પહેલાંયે મળ્યા છીએ... નૈનાએ ચા પુરી કરી ત્યાં સુધી એમજ બેસી રહી...મામાના દીકરાએ પણ એને બોલાવી છતાં ખસવાનું નામેય નહોતી લેતી... ચા પીધા પછી નૈનાએ એને પાસે બોલાવી ગોદમાં બેસાડી તો ખુશીની ચિચિયારી પાડવા લાગી... પછી તો જ્યાં સુધી તેઓ ત્યાં રોકાયા બસ નૈનાની આસપાસ જ ફરતી રહી... કિટ્ટુ સાવ શાંત અને એકાંતમાં રહેવાના સ્વભાવવાળી હતી... પહેલાએ ઘરમાં ઘણાં મહેમાનો આવતા પણ કોઈની સાથે હળતી મળતી નહીં... પણ નૈના સાથે થોડી જ પળોમાં હળી મળી ગઈ... સાવ પોતીકાપણા ને હક્કથી વર્તવા લાગી... રમવા લાગી... અને એ જોઈ અવિનાશના મામાનો દીકરો પણ અચંબિત હતો... નૈનામાં કિટ્ટુએ શું પોતીકાપણું જોયું કે એના આગળ પાછળ ફરવા લાગી... ઘરમાં બીજા બે કિટ્ટુ જેવડા જ નાના બચ્ચા હતા એની પાસેય રમવા જતી ન હતી...
અવિનાશના મામાના દીકરાને જાનવરો પાળવાનો ઘણો શોખ હતો. તેથી પોપટ, સસલું, સફેદ બિલ્લીઓ પાળ્યા હતા. એક વર્ષ પહેલા લીલી નામની ડોગી લાવ્યા હતા. એમના જ આ ત્રણ બચ્ચા હતા. એમાં કિટ્ટુ સહુથી નાની હતી... સાવ શાંત... સફેદ રૂના પોલ જેવી... પૂંછડી પર હલકી ગોલ્ડન ઝાંય એના રૂપમાં ઓર વધારો કરતી હતી... એની આંખોમાં અજબ ચમક હતી... થોડી જ પળોમાં નૈનાને પણ એની સાથે પોતીકાપણું લાગવા માંડ્યું હતું...
ઘરે જવાનો સમય થયો... અવિનાશ અને નૈના ઘરમાંથી બહાર નીકળ્યા... ને નૈના કારમાં બેસવા જ જતી હતી કે દોડતાંક આવી કિટ્ટુએ નૈના નો દુપટ્ટો પોતાના દાંતમાં દબાવી ખેંચવા લાગી... જાણે કહી રહી હોય કે યાતો રોકાઈ જાવ યાતો મને પણ સાથે લઇ જાવ... ને દયામણું મોઢું કરી નૈના સામે જોવા લાગી...નૈનાએ એને ઉપાડી લીધી ને ખભે વળગાડી વ્હાલ કર્યું... નીચે ઉતારવાની કોશિશ કરી પણ નાકામ રહી... એ એને છોડી જ ન રહી હતી. આગળના બંને પગ મજબૂતાઈથી નૈના ગળે વીંટાળી દીધા... અચાનક નૈનાએ કહ્યું...
' અવિ આપણે આને આપણા ઘરે લઇ જઈએ ?'
'અરે પણ આમ... '
'પ્લીઝ અવિ મારે આને ઘરે લઇ લેવી છે... '
'પણ નૈના... '
'અરે અવિનાશભાઈ ભાભીને કિટ્ટુને લઇ જવી છે તો લેવા દો ને... ભાભી, લઇ જાવ તમે, તમારી સાથે હળી-મળી ગઈ છે તો મનેય ચિંતા નહીં... ' અવિનાશના મામાના દીકરાએ કહ્યું.
'ઓહ થેંક્યુ ભાઈ, હું આને લઇ જાવ છું... '
'અરે નૈના શું તું પણ નાના બાળકની જેમ કરે છે 'અવિનાશે નૈના તરફ જોતાં કહ્યું.
'અરે ભાઈ ભાભીને ના ખિજાવ... લઇ જાવ તમે આરામથી ભાભી ' કહેતાં અવિનાશના મામાનો દીકરો હસ્યો...
અને નૈના કિટ્ટુને ઘરે લઇ આવી. દિવસો વીતતા ગયા અને ધીરે ધીરે ઘરના બધા લોકો એને વ્હાલ કરવા લાગ્યાં... કિટ્ટુ હવે તો ઘરની સદસ્ય બની ચુકી હતી... એક બાળક જેવો લાડ પ્યાર એને બધા કરતા હતા.સહુના લાડ પ્યારમાં એ મોટી થવા લાગી.
એ સમયે અવિ મોટાભાગે બિઝનેસ ટુર પર રહેતો... અને સાસુમા પૂજા પાઠ ને ભજન મંડળીની બહેનો સાથે. એકલી રહી જતી તો નૈના. જોબ પરથી આવી એકલી પડી જતી નૈનાને હવે કિટ્ટુનો સહારો મળી ગયો હતો.હવે નૈનાની વાતો સાંભળવા વાળું કોઈ મળી ગયું હતું... કિટ્ટુ સમજે કે ન સમજે નૈના કલાકો સુધી એની સાથે વાતો કરતી રહેતી... કિટ્ટુ નૈના જે કહેતી એ બધું ધ્યાનથી સાંભળતી... જાણે બધું સમજતી હોય એમ... ક્યારેક હુંકારો પણ ભરતી... હવે કિટ્ટુ ઘણી સમજદાર થઇ ગઈ હતી... નૈનાની અમુક વાતો એ સમજવા લાગી હતી... ક્યારેક નાનું મોટું કામેય કરી દેતી... જેમકે ટેબલ પર મુકેલી નોટબુક લાવવી... ટી.વી નું રિમૉટ લાવવું... શાકભાજીની થેલી બહારથી ઘરમાં લાવવી. કચરાની થેલી બાહર મૂકી આવવું વગેરે... કહેવાય છે કે મૂંગા પ્રાણી માત્ર બોલી જ નથી સકતા બાકી સમજણ તો બધી જ હોય છે... એ વાતો નૈનાને કિટ્ટુની સમજણ જોતાં સાચી લાગતી. ક્યારેક નૈના ઉદાસ થઇ જતી રડતી તો કિટ્ટુની આંખો પણ છલકાતી, મોર્નિંગ વૉક પર પણ સાથે જતી...જેવી સાંજે નૈના ઑફિસેથી આવતી કિટ્ટુ નાના બાળકની જેમ દોડતાંક આવી નૈનાના પગ પાસે આળોટવા લાગતી... નૈના પણ એની પાસે બેસી વ્હાલથી માથે હાથ ફેરવતી...
કિટ્ટુના સ્મરણોમાં ખોવાયેલી નૈનાની આંખો છલકાતી રહી... કલાકો સુધી... એને ક્યારે ઊંઘ આવી ગઈ એનુંયે એને ભાન ન રહ્યું... આંખ ખુલી તો સવાર થઇ ગયું હતું ને મા એને જગાડી રહી હતી...
'સાવ પાગલ છોકરી છે... પોતાનું ધ્યાન બિલકુલ નથી રાખતી... અહીં જ ઊંઘી ગઈ... '
'મા... ' નૈના બોલી... મનમાં વિચાર્યું કે મા ને કહું... મા ને ગળે વળગી ખુબ રડું પણ એ તેવું કરી સકી નહીં... મા ની તબિયત નું વિચારી એ ચૂપ રહી...
ચૂપ રહેવું એની આદત બની ગયી હતી... હવે તો કિટ્ટુએ નથી રહી... એ ભયંકર વાસ્તવિકતા યાદ આવતા એ કંપી ઉઠી.
પોતાના ઈમોશનને કોન્દ્રોલ કરી રોજિંદા કામકાજમા પરોવાય... એની જિંદગીમા એજ તો હતું લાગણી પર કાબુ... બધું એકલીએ જ સહન કરવાનું... લોકોને લાગતું એના જેવું સુખી કોઈ નહીં... સુવિધાના બધા સાધનો થી સંપન્ન હતું પરીવાર પણ સુખ ક્યાં હતું ? જેવું દેખાતું હતું એવું કશું જ નહોતું... અસલિયત તો જુદી જ હતી... ઘણાં લોકોના ભાગે ઝેરના ઘૂંટડા એકલાયેજ પીવાના હોય ને છતાં અમૃત વહેંચવાનું હોય છે... નૈનાના નસીબમા પણ આવું જ હતું...
* * *