Lokdownno Prem - 2 books and stories free download online pdf in Gujarati

લોકડાઉનનો પ્રેમ - 2

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ટુ )


સમીરના આજુબાજુનું વાતાવરણ સંપૂર્ણ પણે સ્થિર થઈ ગયું હતું, તેને સમજાતું ન હતું કે એ જે જોઈ રહ્યો છે શું તે વાસ્તવમાં છે કે એ એની માત્ર કલ્પના છે પરંતું એ બીજી કોઈ નહીં સલોની પોતે હોય છે.

સલોનીની આંખો પણ સમીર ને જોતા નમ બની જાય છે
તેને પણ પોતાના ટેરેસ પર વિતાવેલા દિવસો, દૂરથી ઉભા રહીને સમીરને નિહાળવું અને એનો સ્મિત સાથેનો ચહેરો યાદ આવવા માંડે છે ( જોકે સમીર ની જેમ સલોની ને પણ સમીર ક્યારેય ભુલાયો ન હતો જે સમયે સમીર પોતાની પરીક્ષા આપવા વડોદરા પરત થયો હતો...ત્યારે સલોની ફરી એને શોધવા આંટી ના ઘરે આવી હતી..પરંતું સમીર તેને મળ્યો ન હતો... માટે તે હતાશ થયી વલસાડ પરત થયી હતી ) પરંતું તે કઈ વધારે કહેવાની અવસ્થામાં ન હતી, કારણકે બન્ને એકબીજાને પહેલીવાર રૂબરૂ મળ્યા હતાં.

" થેન્કયુ " સલોની સમીરની આંખોમાં નમ આંખો વડે જોતા આભાર વ્યક્ત કરે છે, અને સમીર ના હાથમાંથી પેન પાછી લઈ લે છે.


"વેલકમ" સમીર સલોની ની આંખોમાં જોતા-જોતા પેન પરત કરે છે, અને ફરી સલોનીની પાછળ ની લાઈનમાં ઉભો રહી જાય છે.

બન્નેના હૃદયનના ધબકાર વધવા લાગે છે, જે વ્યક્તિ ને આટલા સમય થી પ્રેમ કરતાં હતાં એ બન્ને આજે એક સાથે ઉભા હતાં, પરંતું એકબીજાને શું કહેવું એની મૂંઝવણમાં ઘેરાયેલા કરતા હતાં.

બન્ને મનમાં ખુશ પણ થતા હતાં કે હવે બન્ને એક સાથે યુનિવર્સિટીના B.sc વિભાગમાં ( કોલેજ) સાથે અભ્યાસ કરશે અને એકબીજાને રોજે નિહાળી શકશે.

" આલો મેડમ મારું ફોર્મ " સલોની બારી પર એડમિશન ફોર્મ સબમિટ કરે છે અને મનમાં સમીર પાછળ જ ઉભો છે તે વિચારતાં હરખાય છે.

" લાવો ફોર્મ "

"હા હવે તમે જઈ શકો છો અને તમારા ક્લાસ ક્યારથી શરૂ થશે તેની નોટિસ તમે નોટિસ બોર્ડ પર જોતા જજો". કાઉન્ટર લેડી બારીમાંથી સલોની બાજુ જોતા ઉત્તર આપે છે.

" થૅન્ક્યુ મેડમ હું જોઈ જઈશ " બારી છોડીને સમીરની બાજુ એક નજર કરતાં સલોની ડાબી બાજુએ આવેલા નોટિસ બોર્ડ ને શોધતાં શોધતાં સમીર પણ નોટિસ જોવા ત્યાં આવશે એ વિચારની સાથે આગળ વધે છે.

" મેડમ મારો ફોર્મ " સમીરે કહ્યું

" હા લાવો "

" આ શું તમે બારમાંની ધોરણની માર્કશીટ અટેચ કરી નથી!" કાઉન્ટર લેડી સમીર નો ફોર્મ બારીમાંથી પાછું આપતાં કહે છે,

" અચ્છા મેડમ એક મિનિટ કરું છું " સમીરનું ધ્યાન હજુ પણ સલોની તરફ દોરાયેલું હોય છે અને એ ઝડપથી માર્કશીટ અટેચ કરે છે,

" આ લો મેડમ અટેચ કરી દીધી છે" સલોની ને જોવાનો પ્રયાસ કરતાં કરતાં ફોર્મ મેડમને બારીમાંથી આપે છે.

" હાં લાવો "

" આ શું! તમે દસમા ધોરણની માર્કશીટ અટેચ કરીને આપી છે મેં તમને બારમાની અટેચ કરવાનું કહ્યું હતું ને ?"

" ઓહ.... સોરી મેડમ " સમીર ચમકીને ફોર્મ પાછુ લેઈ છે.

" હા હા હા " સમીર ની પાછળ ઉભેલી છોકરીઓનું ગ્રુપ સમીર તરફ જોઈને હસે છે.

"આ લો મૅડમ,હવે બારમાની જ છે."

" હા લાવો "

"ઠીક છે, તમે જઈ શકો છો" મોઢું બનાવીને મેડમ જવાનુ કહે છે.

સમીર મનમાં વિચારે છે કે મને તો નોટિસ બોર્ડ જોવાનું કહયું જ નહીં મેડમે, તેમ છતાં એ સલોનીને જોવાને બહાને નોટિસ બોર્ડ તરફ આગળ વધેછે,

સલોની સમીરની રાહ જોતી નોટિસ બોર્ડ ને જોઈ રહી હતી,અને તેટલામાં સમીર આવે છે,બન્ને આજુબાજુુમાં ઉભા રહી નોટિસ મનમાં વાચે છે, પરંતુ બન્ને એકબીજાની સાથે વાત કરવાની હિમ્મત કરી શકતા ન હતાં.

થોડીક ક્ષણો પછી સમીર....

" અરે ! કૉલેજ તો 19 થી શરૂ થવાની છે! " ધીમેથી બોલી પડે છે,

" શું 19 થી....? " સલોની કન્ફયુઝ થઈને સમીર બાજુ જોઈને પૂછે છે.

" હા જો... અહીં 19-ઓગસ્ટ છે " સમીર તેની આંગળી નોટિસ બોર્ડ પર છાપેલી તારીખ પર મુકતા કહે છે.

" અરે બાપા....એ 19 નહી ગુજરાતીના ૧૭ છે"

" જો....૧૭-ઓગસ્ટ " સલોની હસતાં હસતાં સમીરના ચહેરા બાજુ હળવી સ્માઈલ આપતાં કહે છે,

" ઓ શીટ... સોરી હાં" આવું સલોની તરફ એક આંખ મારતા સ્માઈલ આપતાં કહેછે.

"મારું તો ફસ્ટ ઈમ્પ્રેસનમા જ પોપટ થઈ ગયું " મનમાં સમીર વિચારે છે

" આ શું? " સલોની ચમકીને પૂછે છે,

" શું? "

" તે મને આંખ મારી.. !?" મનમાં સલોની હરખાયને પૂછે છે.

" અરે સોરી.... એવું ક્યારેક મારાથી થઈ જાય છે" સમીર હસતાં હસતાં જવાબ આપે છે.

" અરે કઈ નહીં, હું તો બસ તારી મજા લઈ રહી હતી" હસતાં હસતાં સલોની સમીર તરફ જોઈને કહે છે.

" અચ્છા એમ...કમાલ છે તુ પણ હાં....!" સમીર વળતો પ્રતિઉત્તર આપતાં સલોનીની મજા લેતા કહે છે.

" કમાલ એટલે શું? " સલોની આતુરતાપૂર્વક પૂછે છે.

" એટલે કંઈક અલગ જ પ્રકારની છોકરી"

" એટલે!? "

" એ તુ ના સમજી શકે " સમીર હસતાં હસતાં કહે છે.

" એટલે હું ડફોર એમ ને?" સલોની મનમાં હસતાં હસતાં સમીરની ટાંગ ખેંચવાનું શરૂ કરે છે.

" ના "

" તોહ? "

" તુ સમજાવ પછી " સલોની વાત આગળ વધારવાનો પ્રયાસ કરે છે.

" હે દેવી.....મને માફ કરી દિયો, હું તમને નહીં સમજાવી શકુ " સમીર બન્ને હાથ જોડીને સલોની આગળ નમન કરીને હસતાં હસતાં કહે છે.

" હા બાલક... હું તને માફ કરું છું,તથાસ્તુ" સલોની ફરીથી મજા લેતા કહે છે.

" તને ભૂખ લાગી છે? " સમીર વાત બદલાવાનો પ્રયત્ન કરે છે.

" હા " સલોની સ્મિત સાથે વળતો ઉત્તર આપે છે.

" ચાલ કેન્ટીન જઈએ " સમીર તેની ગરદનથી કેન્ટીન તરફ જવાનો ઇશારો કરે છે.

" હાં ચાલ" મલકાયને સલોની સ્વીકાર કરે.

******

કેન્ટીન તરફ જતા રસ્તે બન્ને આગળ વધતા હતાં,બપોર નો સમય હોવાને કારણે ગરમી પણ વધી રહી હતી, એ સમયે સલોની ના કપાળથી નીકળતો પરસેવો જે એના સુંદર મુલાયમ ગાલથી લસરીને જમીન પર પડી રહ્યો હતો.સમીરને એ પરસેવાના ટીપા મોતીના દાણા સમાન લાગે છે.

થોડોક સમય શાંત રહ્યા બાદ બન્ને કૅન્ટીન માં પ્રવેશે છે.

" શું લઇશ તું? "સમીર પૂછે છે.

" પહેલા તો એક ચિલ્ડ.....સ્પ્રાઇટ" સલોની હરખાયને કહે છે.

" ઠીકછે, તુ ત્યાં બારી પાસેની ટેબલ પર બેસ હું લઈને આવું છું" સમીર આવું કહીને કાઉન્ટર પર ટોકન લેવા જાય છે.

" હા"

" આ લે....તારી સ્પ્રાઇટ અને હક્કા નુડલ્સ ".

" વાહ..... તને કેમ ખબર પડી કે મને હક્કા નુડલ્સ ભાવે છે? "

" બસ એમજ અંદાજો લગાવીયો" સમીરે સ્પષ્ટતા સાથે ઉત્તર આપ્યો.

" સરસ "

" આટલી વાત થઈ ગઈ પણ હજસુઘી આપણે બન્નેએ બીજાનું નામ નહીં પૂછ્યું" સમીરે નુડલ્સને ફોક થી ગોળ ગોળ ફેરવતાં પૂછ્યું.

"પહેલા તુ બોલ તારું નામ" સલોની વળતો સવાલ કરે છે,

" સમીર " સમીરે પોતાનું પરિચય આપતાં કહ્યું.

" મારું નામ સલોની અને આપણા બન્નેના નામ S થી શરુ
થાય છે જો......! " સલોની ખુશીથી બોલી પડે છે અને બન્ને હસતાં હસતાં નુડલ્સ ખાવાનું શરુ કરે છે.

બન્ને કેન્ટીનમાં સાથે બેસી સારો એવો સમય પસાર કરે છે.

વાત વાત માં બન્નેએ આ પહેલા પારડી શહેરની પોતાની બિલ્ડીંગ પર એકબીજાને જોયા હતો તેની ઉલ્લેખ કરે છે.
તે ઉપરાંત, સલોની વલસાડની છે તે વાતની સમીરને જાણ થાય છે અને એ મનોમન ખુશ થઈ જાય છે.

" પછી તમે બિલ્ડીંગની ટેરેસ પર દેખાતા કેમ બંધ થઇ ગયા હતાં? " વાત વાત માં સમીર પૂછી લે છે.

" શું તુ અમારા પર નજર રાખતો હતો!? " સલોની એક આંખની નેણ ચડાવતા હળવા સ્મિત સાથે પૂછે છે.

" હા એમ કહી શકાય..... ઉપર હોઈએ તો નજર તો પડીજ જાઈ ને !"

" ઓહો એમ..... એતો એક દિવસે મારી મમ્મીની થોડી તબિયત બગડી ગઈ હતી એટલે એક રાત્રે અચાનક નીકળવું પડ્યું.

" અચ્છા એવું હતું....હવે મમ્મીની તબિયત કેવી છે? " સમીર થોડો ચિંતાતુર થઈને પૂછે છે.

" ખુબ જ સારી" આશ્વાસન આપતાં સલોની કહે છે.

" સરસ"

" તુ અહીં એકલી આવી છે? " સમીર પૂછે છે.

" હા... મારી બધી ફ્રેન્ડ અલગ અલગ કૉલેજ માં એડમિશન લેવા ગઈ છે...માત્ર એક જ ફ્રેન્ડ છે જે અહીં આવશે"

" ચાલ... તો શેમાં જશે તુ?" સમીર સામાન્ય રીતે પૂછે છે

" 5:30 ની મેમુ "

" અચ્છા તો બન્ને સાથે જઈ શકીયે છીએ, હું પણ મેમો પકડીને જવાનો છું"

બન્ને યુનિવર્સિટીથી 126 નંબરની બસ પકડીને રેલ્વેસ્ટેશને પહોંચીને 5:30ની મેમુ પકડે છે, ડબ્બામાં ભીડ હોવાથી તેઓ ડબ્બામાં ઉપરની સીટ પર ચઢીને બેસી જાય છે અને રસ્તામાં તેઓ ઘણી વાતો કરે છે, એકબીજાને સમજવા પ્રયાસ કરે છે... ત્યાં વાત વાત માં વલસાડ આવી જાય છે.

"Bye સમીર " સલોની એક સુંદર સ્મિત આપીને ટ્રેનના ડબ્બામાંથી બહાર નીકળી જાઈ છે.

સમીરને એની સાથે હજુ પણ સમય વિતાવવાનું મન થતું હતું પણ એ કઈ કરી શકતો ન હતો.

પંદર મિનિટમાં પારડી આવી જાઈ છે.

સમીર આજે ઘણો ખુશ હતો...તેમજ એના ચહેરા પર અલગ જ ખુશી દેખાઈ રહી હતી, એ સ્ટેશનેથી રીક્ષા પકડી ઘરે પહોંચે છે ત્યાંજ અચાનક એને યાદ આવે છે કે એ સલોનીનો મોબાઈલ નંબર લેવાનો ભૂલી ગયો છે માટે એ આતુરતાપૂર્વક ૧૭ તારીખની રાહ જોવા લાગે છે.

૧૭ ઓગસ્ટ નો દિવસ આવે છે, સમીર લાલ કલરની ફૂલ બાંયની ટીશર્ટ, ડાર્ક બ્લુ કલરનો નેરો પેન્ટ અને જેલ લગાવી વાળ થોડાક સેટ કરીને 6:45 ની મેમુ પકડવા બહાર નીકળી પારડી ચાર રસ્તા પર પહોંચે છે, ફરી રીક્ષાની આગળની સીટ પર ડ્રાઇવરની બાજુમાં એક હાથથી બેગ ખોળામાં પકડી અને બીજા હાથે માથાની ઉપર આવેલ રીક્ષાના સળિયાને પકડીને ટીંગાતાં ટીંગાતાં રેલવેસ્ટેશન પહોંચે છે.

ટ્રેન અને બસ પકડીને સમીર યુનિવર્સિટીમાં B.sc વિભાગના પ્રથમ લેક્ચરમાં સલોની ની મુલાકાતની આશ લઈને પહોંચે છે,
તે આમથી તેમ જુવે છે, દોડીને કેન્ટીનમાં જોવા જાય છે, લાયબ્રેરીમાં પણ તે શોધી આવે છે પણ તેને સલોની દેખાતી ન હતી, ક્લાસની અટેન્ડન્સની લિસ્ટમાં પણ તેનું નામ બોલાયુ ન હતું, તે હતાશ થયી જાઈ છે, લેક્ચરસ પછી તે ઘરે પહોંચે છે.

બીજા દિવસે આવીને તે ફરી સલોની ને શોધે છે,પણ તેને એ મળતી ન નહીં.

ત્રીજા દિવસે તે સલોની આજે એને મળશે આવી ઉમ્મીદ સાથે કૉલેજમાં ( વિભાગ ) પહોંચે છે, પણ સલોની તેને દેખાતી નથી તેથી તે અત્યંત હતાશ થઇ જાય છે.

****

એક અઠવાડિયું વીતી જાય છે, હવે સમીર ઉદાસ રહેતો હતો,માટે એક દિવસ નવા મિત્રો જોડે રીસેસમાં વાતો કરતો ઉભો હતો,

ત્યાં અચાનક.....

" હેય મિસ્ટર " અવાજની સાથે સમીરના ખભા પર એક છોકરીનો હાથ પડે છે.

" કોણ? " કહેવાની સાથે સમીર પાછળ ફરે છે, લાલ અને પીળા કલરની સુંદર ડ્રેસ પહેરીને કપાળ પર નાની લાલ બિંદી લગાવી એક છોકરી ઉભી હતી એ.... સલોની હતી.

સમીર અંદરથી ખુબ જ ખુશ થઈ જાય છે, એક ક્ષણ માટે તો એને સલોનીને ભેટી પડવાનો મન થઈ છે,પણ પોતાની ભાવનાને કંટ્રોલ કરે છે અને કઈ બોલ્યા વગર નિહાળતો રહે છે.

" સમીર... હેલો..... શું થયું તને!?" સલોની એના ચહેરાની સામે ચુટકી વગાડતાં કહે છે,

" ના ના કઈ નહીં...ક્યાં હતી તું?.... કેમ ના આવી આટલા દિવસ?.... કઈ થયું તો નહીં ને? " સમીર આતુરતાપૂર્વક પશ્નો પૂછવા માંડે છે.

" અરે અરે શાંત શાંત.... કહું છું.... ચાલ થોડીક વાર ગાર્ડનમાં જઈને બેસીએ " સલોની સમીરનો હાથ પકડીને ક્લાસની બહાર લજાઈ છે.

બન્ને યુનિવર્સિટીની લાઈબ્રેરીની સામે આવેલા ગાર્ડનમાં (જેની ચારેય બાજુ ફૂલોના છોડવા હોઈ છે જેના પર રોઝ અને મેરીગોલ્ડ જેવા સુંદર ફૂલો માલીના પાણી છાટવાને કારણે બપોર ના તડકામાં તેમની પાંખડી પર પડેલ પાણીના ટીપાં ચમકતાં ખુબજ આકર્ષક લાગી રહ્યા હતાં ) આવેલ એક બેન્ચ પર બેસે છે.

" શું થયું તુ હવે કહેશે મે? "સમીર હળવો શ્વાસ છોડવાની સાથે કહે છે.

" અરે હું તને કહેવાનું ભૂલી ગઈ હતી કે મારા સગામાં લગ્ન માટે મારે નીકળવું પડશે...... પણ તારો કોઈ કોન્ટેક્ટ જ ન હતો... અને હું ત્યાંજ રોકાઈ હતી".

" અચ્છા.... તો એવું હતું " સમીર શાંતિપૂર્વક કહે છે.

" કેમ તને શું થયું તુ.... કેમ આટલા પશ્નો પૂછતો હતો મને બધાની સામે?..... શું તને મારી યાદ આવતી હતી!? " સલોની હવે સમીરની મસ્કરી કરવાનું શરુ કરે છે.

" હા... આવતી હતી પણ એટલી પણ નહીં... પણ હું થોડુંક ચિંતિત થયો હતો "

" અચ્છા ઠીક..... અને હું તારા બાજુના ક્લાસમાં છું સમીર "

" હાં મેં માહિતી કઢાવી હતી.... પણ તુ આવતી નહીં એટલે ચિંતિત થયો હતો"

" એટલે હવે આપણે સારા મિત્ર બન્યા એમ ને? " સલોની હળવી સ્મિત સાથે કહે છે.

" હા " સમીર પણ હસે છે.

બન્ને એકબીજાને પસંદ કરતા હોવાને કારણે જલ્દી બેસ્ટફ્રેન્ડ બની ગયા હતાં, બન્નેના ક્લાસ અલગ હતાં પણ રીસેસમાં કે કૅન્ટીનમાં બન્ને સાથે જતા, લાઈબ્રેરીમાં પણ બન્ને સાથે અભ્યાસ કરવા બેસતાં લેકચરથી કંટાળીને બન્ને બન્ક પણ મારતા, ઘણીવાર યુનિવર્સિટીની નજીક આવેલા રાજહંસ સિનેમામાં મુવી પણ જોવા જતા.

ફસ્ટ યર પસાર થાય છે, બન્ને એકબીજાના સ્વભાવ, આદત, લક્ષણો ખુબ સારી રીતે સમજી ગયા હતાં, બન્ને ભણવામાં હોંશિયાર, મજાકીયા, નટખટ, અને સ્વભાવે થોડાક ભોળા હતાં, ફસ્ટ યરનું અંતિમ પેપર આપી બન્ને એકસાથે 5:30ની મેમુ પકડીને ઘરે જાય છે,બન્નેના સંબંધો વધુ ઊંડા થયા ન હતાં, બન્ને એકબીજાનો ચહેરો જોઈને જ ખુશ થઈ જતા હતાં, અને ક્યારેક કોલ પર વાત કરીલેતાં હતાં.

સેકેંડ યર શરૂ થાય છે,બન્ને ટ્રેન માં સાથે મળે છે, એકબીજાને જોઈને હૃદયથી અત્યંત પ્રસન્ન થાય છે, પરંતુ એકબીજાને પ્રેમનો ઈઝહાર( પ્રપોઝ ) નહીં કરવાને કારણે મર્યાદિત હતાં.

" ચાલ હવે રીસેસમાં મળીયે...Bye" સમીરે કહ્યું.


" Bbye" સલોની હાથથી જવાનો ઇશારો કરતાં પોતાના ક્લાસમાં જાય છે,

સમીર પોતાના ક્લાસના ફ્રેન્ડ્સને મળે છે,બધાજ સ્ટુડન્ટ્સ આટલા દિવસ પછી મળ્યાં હોવાને કારણે મોટે અવાજે વાતો કરતા હતાં, કોણે શું કર્યું ? ક્યાં કોણ ફરવા ગયું? કોણે ઘરે રહીને કેટલુ કામ કર્યું? કોણે ઘરે પપ્પા-મમ્મી નો માર ખાધો? વગેરે ચર્ચાઓથી ક્લાસ ગુંજાય રહ્યો હતો.

" સાઇલેન્સ.....સાઇલેન્સ " અવાજની સાથે મેડમ ક્લાસ માં દાખલ થાય છે.

મેડમ હાજરી લેવાનું શરુ કરે છે.

" સમીર ચૌધરી? " યસ મેડમ... સમીર ઉત્તર આપે છે,

" પ્રીતિ પટેલ? "

" પ્રીતિ પટેલ? " મેડમ ફરી પૂછે છે,

" ન્યૂ એડમિશન..... પ્રીતિ પટેલ?

" યસ મેડમ " ક્લાસરૂમના દરવાજા પર એક ખુબજ સુંદર છોકરી જે ગુલાબી કલર ની ટોપ જેના પર મોટી ચમકતી બટરફ્લાય છાપી હતી, અને વાઈટ કલરની જીન્સ પહેરીને આવેલ છોકરી કહે છે.(જેની આંખો મોરનીની જેમ મોટી અને આકર્ષક હતી, લાંબા વાળને બક્કલ વડે માથે એવી રીતે ગોઠવ્યાં હતાં જેથી અડધા વાળ પીઠ પર રહે અને અડધા ખભા પાસેથી આગળ આવતા હોય ).

ક્લાસ ના દરેક છોકરાઓ તે છોકરીને જોઈને આકર્ષાયા હતાં, પરંતું પ્રીતિ પહેલી બેન્ચ પર બેસીને નોટમાં નામ લખી રહેલા સમીર તરફ આકર્ષાય હતી.

" May i sit here ? " પ્રીતિ સમીરની બાજુની સીટ પર બેસવાનું પૂછે છે.

" Yes sure " સમીર હળવા સ્મિત સાથે કહે છે.

પ્રીતિ સમીરના રૂપાળા( હેન્ડસમ) ચહેરાથી અને અભ્યાસમાં હોંશિયારીના કારણે તેની તરફ આકર્ષાય છે.

રીસેસ થાય છે.

****

" સમીર... હું અહીં નવી છું અને મારો કોઈ ફ્રેન્ડ પણ નથી તો શું હું તારી જોડે આવી શકું છું? " પ્રીતિ થોડુંક મુંજાતા સમીરને પૂછે છે.

" હા કઈ વાંધો નહીં તુ અમારી જોડે આવી શકે છે".

" હાઈ સમીર " બોલવાની સાથે સલોનીની નજર સમીર સાથે ચાલતી આવતી પ્રીતિ પર પડે છે સલોનીને બન્નેને સાથે જોઈને થોડો અણગમો લાગે કારણકે પ્રીતિ જોવામાં ખુબ સુંદર અને આકર્ષક લગતી હતી.

" હાય સલોની "

" આ પ્રીતિ છે અમારા ક્લાસમાં ન્યૂ છે "

" ઓહ! ... હાય પ્રીતિ... હું સલોની...સમીરની એક માત્ર બેસ્ટ ફ્રેન્ડ"

" અચ્છા બેસ્ટ ફ્રેન્ડ!"

" ચાલો આપણે કેન્ટીનમાં નાસ્તો કરવા જઈએ "સમીર બન્ને ને કહે છે.

"હા ચાલો" પ્રીતિ પણ કહે છે.

"હા ચાલ.... મને આજેે બહુ ભૂખ લાગી છે સમીર" સલોની સમીર સાથે મસ્તી કરતા હાથ પકડીને સમીરને ખેંચતા કહે છે.

કેન્ટીનમાં સમીર નાસ્તો લાવે છે....

" ઓહ!...... હક્કા નુડલ્સ.... મારા ફેવરેટ છે, સો સ્વીટ ઓફ યુ સમીર...... તને ખબર હતી કે મને નુડલ્સ ભાવે છે?" પ્રીતિ પ્રેમપૂર્વક સમીર તરફ જોતા કહે છે.

" નહી યાર....એતો સલોની ને પણ ભાવે છે એટલે"

" એમ..? "

"હાં મને પણ બોવ ભાવે છે " સલોની થોડીક કર્કશ અવાજે કહે છે.

પ્રીતિ હેન્ડવોસ કરવા જાય છે અને પાછી આવીને સમીરની બાજુમાં બેસે છે જે સલોની ને ગમ્યું ન હતું એ તેના ચહેરાના હાવભાવથી જાણી શકાતું હતું.

હવે પ્રીતિ પણ સમીરની સારી એવી મિત્ર બની ગઈ હતી. તે હંમેશા સમીરની સાથે ફરવા લાગી હતી પણ સમીર સલોની સાથે ફરવાનું પસંદ કરતો હતો પણ હંમેશા પ્રીતિ સમીરની સાથે આવતી જે સલોની ને ન ગમતું ન હતું.

ગાર્ડન હોય, લાઈબ્રેરી હોય કે કોલેજની બહારની પાર્કિંગ હોય, દર સમયે પ્રીતિ સમીર સાથે જોવા મળતી હતી.

સલોની સમજી ગઈ હતી કે પ્રીતિ સમીર પાછળ પડી ગઈ હતી અને સમીરને પસંદ કરવા લાગી હતી માટે સલોનીને પ્રીતિ ને જોઈને ગુસ્સો અને ઈર્ષા થવા લાગી હતી.

માટે ઘણીવાર તેનો ગુસ્સો સમીર પર પણ નીકળતો હતો... હવે એ સમીર સાથે કેન્ટીન જવા પણ ઇન્કાર કરવા લાગી હતી.


ઘણીવાર લખવાનું બહાનું કરી કલાસમાંથી પણ બહાર આવતી નહીં, ફોન પર કે વોટ્સઅપ પર પણ વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું, તેનું અંતર સમીર સાથે વધવા લાગ્યું હતું, સમીર એનું કારણ સમજી શકતો ન હતો કારણ કે તે પ્રીતિ ને માત્ર એક ફ્રેન્ડ માનતો હતો એને તેને પ્રીતિ તરફ કોઈપણ પ્રકારનું આકર્ષણ ન હતું.

સમીર ઘણી વાર સલોનીને બદલેલા સ્વભાવનું કારણ પૂછતો, પરંતું સલોની તેની વાતને ટાળી નાંખતી.

બન્ને દુઃખી થવા લાગ્યા હતાં, ઘણીવાર બન્નેની આંખમાં આંસુ પણ આવી જતા, બન્ને વચ્ચે ઝગડોતો થયો ન હતો પરંતું બન્ને ના સંબંધોમાં એક ખટાશ આવી જાય ગઈ હતી.

સેકેંડ યર નો લાસ્ટ દિવસ નજીક આવતો હતો, સમીર અને સલોની હવે પોતાના સંબંધો ફરી સુધારવા અને એકબીજાને પ્રોપોઝ કરવાનું નક્કી કરે છે.

બન્ને પોતપોતાના મનમાં કૉલેજના સેકેંડ યર ના લાસ્ટ દિવસે (14th ફેબ્રુઆરી- જે વેલેન્ટાઈનનો દિવસ હતો) પ્રોપોઝ કરવાનું નક્કી કરે છે.

પરીક્ષા પૂર્ણ થાય છે, બીજો દિવસ સેકેંડ યર નો લાસ્ટ દિવસ અને વેલેન્ટાઈન ડે હોઈ છે.

14th ફેબ્રુઆરીની સવારે સલોની સમીરને પ્રોપોઝ કરવાના સરપ્રાઈઝ ના કારણે મોબાઈલ સ્વિચઓફ કરે છે જેથી અચાનક કોલેજ માં પહોંચી તે સમીરને પ્રોપોઝ કરી શકે અને 6:45 ની મેમો પકડવાને બદલે 7:30ની ષટલ પકડવાનું નક્કી કરે છે અને ખુબ સુંદર લાલ કલરની ડ્રેસ, નવી લાલ મોજડી, કપાળ પર લાલ નાની બિંદી લગાવીને 7:30ની ટ્રેન પકડે છે.

આ તરફ.....

સમીર પણ સલોનીને પ્રોપોઝ કરવાની તૈયારી માટે કૉલેજમાં હોસ્ટેલ મિત્રોની સહાયથી ગોઠવી દે છે અને ઘરેથી નીકળતા સલોની ને કોલ કરે છે પણ સલોનીનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, ટ્રેન વલસાડ સ્ટેશન પર પહોંચે છે, સમીર ફરી કોલ કરે... મોબાઈલ હજુ પણ સ્વિચઑફ આવે છે.

"અરે સલોનીને જોઈ છે કોઈએ " સમીર કૉલેજ પહોંચી સલોનીની ક્લાસમેટ્સને થોડુંક ખુશીમાં અને આતુરતા પૂર્વક પૂછે છે,

" નહીં અમે નહીં જોઈ હજુ "

" ઓકે ફાઈન થૅન્ક્સ " સમીર થોડુંક દુઃખી અવાજે કહે છે.

" યાર.... હવે દસ વાગી ગયા છે, અને સલોની નો કોલ પણ નહીં લાગતો" સમીર થોડુંક ચિંતામાં પોતાના મિત્રો ને કહે છે.


સલોની BRTS માંથી ઉતરી યુનિવર્સિટીમાં પ્રવેશે છે, અને ખુશખુશાલ થઈ કૉલેજ રસ્તા પર આગળ વધે છે, એની ખુશી એના પ્રફુલ્લિત ચહેરા પર જોઈ શકાતી હતી તેને ખાત્રી હતી કે સમીર એનું પ્રોપોઝલ સ્વીકારી લેશે.

સમીર અને કૉલેજના અન્ય વિદ્યાર્થીઓ કૉલેજની બાજુમાં આવેલ નાના ગાર્ડનમાં વેલેન્ટાઈન ડે ની મજા માણતાં હતાં, ઘણા છોકરી છોકરાઓ એકબીજાને પ્રોપોઝ કરતા હતાં, અમુક માત્ર બેસીન રમતા હતાં, અમુક છોકરાઓ માત્ર છોકરીઓને તાકવા-જહાંકવા ગાર્ડનમાં રખડતા હતાં, કૉલેજના ગાર્ડનની વચ્ચે એના મિત્રો વડે ઘેરાયેલો સમીર સલોની ની રાહ જોઈ રહ્યો હોઈ હતો.

સલોની કૉલેજમાં પ્રવેશે છે,તે સમીર ને શોધે છે,અને ખુશ પણ હોય છે તે સમીર માટે એક સુંદર ગુલાબ હાથમાં લઈને સમીરને શોધે છે, તે ગાર્ડન જોવાનું વિચારે છે,જ્યાં તેની નજર ગાર્ડનની વચ્ચે ઉભેલા સમીર પર પડે છે.

કે તરત જ સમીરની સામે આવીને પ્રીતિ આખી કૉલેજ ની સામે સમીરને પ્રપોઝ કરે છે, પ્રીતિના પ્રપોઝ કરવાને કારણે બધા સ્ટુડન્ટ સમીરને ગુલાબનો સ્વીકારવા કરવા અને ઉશ્કેરવા માટે તાળીયો પાડવાનું શરૂ કરે છે.

" સમીર... સમીર.... સમીર " ના અવાજની ગુંજથી કૉલેજનું ગાર્ડન ધ્રુજી ઉઠે છે.

સલોની આ દ્રશ્ય જોઈ લેઈ છે તેની આંખો માંથીઆંસુ વહેવા માંડે છે માત્ર આટલુ જોઈને તે દુઃખી થઈને કૉલેજની બહાર નીકળી આવે છે,તે સતત રડવા લાગે છે, તેની નજરોની સામે પ્રીતિના પ્રપોઝલ નો દ્રશ્ય સતત ફરવા લાગે છે, આંસુ લૂંછતા લૂછતાં વલસાડ રેલવે સ્ટેશને ઉભેલી પોતાની સ્કૂટી લઈને સલોની હતાશ થઈ ને ઘરના રસ્તે આગળ વધે છે.



તે હજુ પણ રડતી હતી તેના આંસુ સતત વહી રહ્યા હતાં એની નજરની સામે પ્રોપોઝલનું દ્રશ્ય વારંવાર આવી જતું હતું.

અચાનક તેની સ્કૂટી ચોકડીની ડાબી બાજુના રસ્તેથી વળાંક લેતી કાર સાથે અથડાઈ છે.

કારની સાથે ટક્કર લાગવાથી સલોનીનું માથું રોડ સાથે અથડાઈ છે અને તેના માથે મોટી ઇજા થાય છે ત્યાં જ હાથ પગ અને માથા માંથી હળાહળ લોહી વહેવાનું શરૂ થવા માંડે છે.

તે રસ્તા પર ઈજાગ્રસ્ત થઈને પડી રહે છે, લોકો એને ઘેરીને ઉભા રહે છે એક પૈકી વ્યક્તિ એમ્બ્યુલન્સને કોલ કરે છે.


આ તરફ કૉલેજમાં.... સમીર પ્રીતિના પ્રોપોઝલને નકારી ચુક્યો હતો.

એ હજુ પણ સલોનીને પ્રપોઝ કરવાનું સ્વપ્ન લઈને બેઠો હતો અને સલોનીનો સંપર્ક કરવાનો સતત પ્રયન્ત કરતો હતો.....

(Third part will be released soon).
લેખક :- ભુપેન્દ્રકુમાર ચૌધરી