Solangvelly part - 4 books and stories free download online pdf in Gujarati

સોલાંગવેલી પ્રકરણ - 4

4.

(આરવ અને સુપ્રિયા ઊપરાંત તેમની સાથે આવેલ તમામ કપલ રોહતાંગ અને સોલાંગવેલી ફરે છે, ત્યાં તે બધાં ખુબ આનંદ માણે છે, અને તેમાંથી અમુક કપલ સોલાંગવેલીમાં પેરાગ્લાઈડિંગનો ઉપરાંત ઝોર્બીગ બોલનો પણ આનંદ માણે છે, ત્યારબાદ બધાં જ કપલ હોટલ પર પરત ફરે છે, ત્યાં ટુર ઓર્ગેનાઇઝર દ્વારા હોટલનાં હોલમાં ડી.જે પાર્ટીનું એક આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ સુપ્રિયાની તબિયત સારી ન હોવાથી તે રૂમ પર જ રોકાય છે, અને આરવ ડી.જે પાર્ટી માટે હોલમાં જાય છે, આરવ આલ્કોહોલ પીવે છે, અને લગભગ રાતના એકાદ વાગ્યે તે રૂમમાં પરત ફરે છે...પરંતુ રૂમમાં પ્રવેશતાની સાથે જ આરવના હોશ ઉડી જાય છે કારણ કે એ સમયે સુપ્રિયા રૂમમાં હાજર હતી નહીં...અને તેનો નાઈટડ્રેસ પણ રૂમમાં અસ્તવ્યસ્ત પડેલો હતો...ત્યારબાદ આરવ સુપ્રિયાને ગાંડાની માફક આખી હોટલમાં શોધવા આમતેમ ફાંફા મારવા લાગે છે.)

આરવ ગાંડાની માફક લથડીયા ખાતો હોવા છતાંપણ સુપ્રિયાને શોધવા માટે આમતેમ ફાંફા મારે છે, હોટલનાં બધાં જ ફ્લોર પર તે તાપસ કરે છે, અને ટુરમાં તેની સાથે ગ્રુપમાં જે કપલ હતાં, એ બધાંને પણ આરવ ફોન કરીને પૂછે છે, હોટલનાં રીસેપ્શન કાઉન્ટર પર પણ પૂછપરછ કરે છે, પણ ત્યાં રિસેપનિસ્ટ પાસે પણ સુપ્રિયા વિશેની કોઈ જ માહિતી મળતી નથી.. આરવ હોટલની બહાર આજુબાજુમાં બધી જ જગ્યાએ સુપ્રિયાને શોધવા માટેની મથામણ કરે છે , પરંતુ સુપ્રિયા ક્યાંય મળી નહીં….આલ્કોહોલની અસર એકદમથી ઓછી થઈ ગઈ હોય તેમ જાણે આરવ સાથે બનેલ આ આખે - આખી ઘટનાં આરવનો નશો પી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.

બધી જ જગ્યાએ શોધખોળ કરવાં છતાંપણ આરવને સુપ્રિયા મળી નહીં, આથી તે ખુબ જ હતાશ અને નિરાશ થઈ ગયો, તેના મનમાં વિચારોનું એક મોટું ચક્રવાત ઉભું થયું…."સુપ્રિયા આવી રીતે કેમ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જતી રહી હશે…? સુપ્રિયા ક્યાં ગઈ હશે…? સુપ્રિયા સાથે કોઈ અઘટિત ઘટનાં બની હશે..? શું સુપ્રિયા પરત ફરશે…? સુપ્રિયા ને કઈ થયું તો નહીં હશે ને..? શું હું સુપ્રિયાને ફરીવાર મળી શકીશ. ?" - આવા અનેક પ્રશ્નો આરવને વધુને વધુ માયુસ અને ઉદાસ બનાવી રહ્યાં હતાં, ત્યારબાદ, 'સુપ્રિયા એની જાતે જ પાછી રૂમ પર ફરશે'...એવાં વિચાર સાથે તે પોતાનાં રૂમ તરફ જતી સિડીઓ ચડવાં લાગ્યો.

રાતનાં લગભગ બે વાગી ચૂક્યાં હતાં, આરવ એકદમ વ્યાકુળ બની ગયેલ હતો,સુપ્રિયાને ફરી મળવાની આશાનું હાલમાં કોઈ કિરણ દૂર દૂર સુધી દેખાય રહ્યું ન હતું...જાણે આરવ હાલમાં કોઈ અંધકારમય પડછાયામાં સપડાય ગયો હોય તેવું પોતે અનુભવી રહ્યો હતો...જાણે અંધકારે ચારે બાજુથી તેને ઘેરી લીધેલ હોય તેવું આરવને લાગી રહ્યું હતું.

આમ સુપ્રિયાથી દૂર કે અલગ થવાને લીધે આરવના શરીરમાં જાણે પ્રાણ જ ના હોય અને માત્ર શરીર જ હોય તેમ આરવ યંત્રની માફક તેનાં સિડીઓ ચડી રહ્યો હતો….એવામાં આરવના કાને એકાએક જાણીતો અવાજ પડ્યો...આથી આરવે પોતાનું સમગ્ર ધ્યાન એ અવાજ પર કોન્સન્ટ્રેટ કરવામાં લગાવ્યું, આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ સુપ્રિયાનો જ હતો...જે અવાજ હોટલની પાછળ આવેલ જંગલ જેવાં ખંડેરમાંથી આવી રહ્યો હતો….

આથી આરવ ઝડપથી હોટલની સીડી ઉતરીને હોટલની પાછળ આવેલ ખંડેર બાજુ પોતાનાં હાથમાં રહેલ મોબાઇલની ટોર્ચ લાઈટ શરૂ કરીને પેલો અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો તે દિશા તરફ ઝડપથી દોડવા લાગ્યો….જેમ જેમ આરવ તે ખંડેર તરફ આગળ વધતો ગયો તેમ - તેમ પેલો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાવા લાગ્યો, પરંતુ એ સાથો સાથ અંધકાર પણ વધવા લાગ્યો, સુપ્રિયાનો અવાજ સાંભળવાને લીધે આરવનાં શરીરમાં એક અલગ જ પ્રકારનાં આનંદ અને ઉત્સાહનો સંચાર થઈ ગયેલ હતો….સુપ્રિયાને મળવાની તાલાવેલીમાં આરવ એ અંધકારને ચિરતાં - ચિરતાં ખંડેરમાં ઘણો આગળ જતો રહ્યો જેનો તેને ખ્યાલ જ ના રહ્યો… એવામાં એકાએક આરવનાં પગ થંભી ગયાં, તેની આંખો આશ્ચર્ય અને ડરને લીધે પહોળી થઇ ગઈ, હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ વધી ગયાં, આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું..પોતે જે જોયું તેનાં પર આરવને વિશ્વાસ નહોતો આવી રહ્યો...કારણ કે આરવની આખો સામે તેની પત્ની એટલે કે સુપ્રિયા મહારાષ્ટ્રીયન પોશોક એટલે કે મહારાષ્ટ્રીયન સાડી,શરીર પણ આભૂષણો, નાકમાં મોટી નથડી, કાનમાં મોટી - મોટી બુટીઓ, હાથ અને પગમાં કંકુ લાગડેલ હતું, માથાનાં વાળ ખુલ્લા હતાં, આંખો ગુસ્સામાં હોય તેમ એકદમ લાલચોળ હતી, આ જોઈ આરવનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું આરવને લાગી રહ્યું હતું.

આ જોતાં આરવને એકપળ માટે એવું જ લાગ્યું કે આ એની સુપ્રિયા નહીં પરંતુ બીજું જ કોઈ છે...આ માત્ર શરીર જ સુપ્રિયાનું છે પરંતુ તેનાં પર હાલમાં કોઈ બીજાએ જ પૂરેપૂરો કબ્જો જમાવી દીધેલ હોય એવું લાગી રહ્યું હતું, આથી આરવ હિંમત કરીને સુપ્રિયાની નજીક ગયો...અને બોલ્યો.

"સુપ્રિયા ! આ ! બધું શું માંડ્યું છે..? આવી રીતે કેમ મને કહ્યાં વગર જ તું અહીં આવી ગઈ..? અને આ તે શું વેશ કરેલાં છે..? અને તું અહીંયા શું કરે છો..? તને કાંઈ ભાન - બાન પડે છે કે નહીં - આમ આવા અનેક પ્રશ્નો આરવે સુપ્રિયાને એકસાથે જ પૂછી લીધાં…

આરવનાં આવા પ્રશ્નો સાંભળીને સુપ્રિયા એક્દમથી ગુસ્સે થઈ ગઈ અને પોતે જ્યાં બેસેલ હતી ત્યાંથી ઉભી થઇ અને આરવનું ગળું પકડીને તેને દૂર ફગાવી દીધો...અને મરાઠી ભાષામાં તે ગુસ્સાપૂર્વક આરવ સામે જોઇને કંઈક બોલી. આ જોઈને આરવનાં જાણે આંખોનાં મોતિયા મરી ગયાં હોય તેવી હાલત થઈ ગઈ..!

આરવને શું કરવું…? કેવી રીતે સુપ્રિયાને રૂમમાં લઈ જવી..? કોની મદદ માંગવી એ કઈ સૂઝ નહોતી પડી રહી...આથી આરવ જમીન પરથી ફટાફટ ઉભો થયો અને મનમાં કંઈ વિચાર કરીને હોટલ તરફ ઝડપથી ભાગ્યો.

આરવને એ બાબતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે હાલમાં તેની પત્ની સુપ્રિયા જરૂર કોઈને કોઈ બુરી આત્માનાં પડછાયામાં આવી ગયેલ છે, અને આરવ એ બાબત પણ ખુબ જ સારી રીતે જાણતો કે સમજતો હતો કે સુપ્રિયાને એ બુરી કે ખરાબ આત્માનાં કબજા માંથી છોડાવવા માટે તેની પાસે માત્રને માત્ર આજની જ રાત કે થોડાક જ કલાકો છે...આથી આરવ ઝડપથી હોટલનાં રીસેપ્શન કાઉન્ટર પાસે ગયો, ત્યાં જઈને તેણે ટુર મેનેજર સિકંદરને કોલ કર્યો અને ઝડપથી રીસેપ્શન કાઉન્ટર પર આવવાં માટે વિનંતિ કરી...સિકંદરને પણ એ બાબતનો ખ્યાલ આવી ગયો હતો કે આરવ સાથે જરૂરને જરૂર કઈક અજુગતું બન્યું હશે...આથી થોડી જ વારમાં સિકંદર રીસેપ્શન કાઉન્ટર પાસે આવી પહોંચ્યો આ દરમ્યાન આરવે હોટલ મેનેજરને પણ રિસેપનિસ્ટ સાથે વાત કરીને રીસેપ્શન કાઉન્ટર પાસે બોલાવી લીધાં, અને થોડીવારમાં સુનિલ ગુપ્તા જે હોટલ મેનેજર હતાં તે પણ આવી પહોંચે છે.

ત્યારબાદ આરવે તે બધાંને સોલાંગવેલીથી પરત ફર્યા ત્યારથી માંડીને હાલમાં પોતાની સાથે જે ઘટનાં બની તે બધી જ ઘટનાઓ વિગતવાર જણાવી...આ સાંભળીને હાજર રહેલાં તમામ લોકોનાં હોશ ઉડી ગયાં, અને બધાનાં શરીરમાં એક અલગ પ્રકારની ધ્રુજારી સાથે ડર પ્રવેશી રહ્યો હતો, એ કોઈને આરવની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ આરવની નિર્દોષ આંખો તેની વાતમાં સચ્ચાઈ રહેલી હતી તે સ્પષ્ટપણે દર્શાવી રહી હતી….આરવે પોતાની વાત પૂરી કરી.. ત્યારબાદ થોડીક ક્ષણો માટે તો રીસેપ્શન કાઉન્ટરની આજુબાજુનાં એરિયામાં જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ, પિન ડ્રોપ સાયલન્સ છવાય ગઈ, બધાં જ એકબીજાનાં ડરેલાં અને ગભરાયેલાં ચહેરાની સામે જોઈ રહ્યાં હતાં….આ પરિસ્થિતિનો શું હલ હોઈ શકે…? આ પરિસ્થિતિ માંથી કેવી રીતે સુપ્રિયાને હેમખેમ બહાર લાવવી એ વિશે બધાં વિચારવા લાગ્યાં.

એવામાં આ શાંત અને સન્નાટા ભરેલ વાતાવરણમાં સિકંદર આરવની નજીક જઈને બોલ્યો.

"આરવ ! તમારી વાત અને તમેં જણાવેલ આખી ઘટનાં પરથી મને એવું લાગી રહ્યું છે કે તમારી સુપ્રિયા હાલમાં જરૂર કોઈ ખરાબ આત્મનાં કબ્જામાં છે…!"

"હા ! મને પણ એવું જ લાગી રહ્યું છે, પણ આપણે સુપ્રિયાને એ આત્માનાં કબ્જામાંથી કેવી રીતે છોડાવીશું…?" - ગભરાયેલા અવાજમાં આરવ પોતાનું માથું હલાવતાં બોલ્યો.

"હાલમાં રાત્રીનાં ત્રણ વાગવાં આવ્યાં છે, અત્યારે આપણે મદદ માંગી માંગીને પણ કોની માગીશું…?" - સુનિલ ગુપ્તા પોતાનું માથું ખંજવાળતાં - ખંજવાળતાં બોલ્યો.

"એક કામ કરીએ…!" - સિકંદર પોતાનાં મનમાં એકાએક કંઈ સૂઝયું હોય તેવી રીતે કંઈક વિચારીને બોલ્યો.

"શું ? કરીશું..?" - હાજર રહેલાં તમામ લોકોએ એક જ સાથે પ્રશ્ન પૂછ્યો.

"આપણી આ હોટલથી માત્ર પાંચ જ કિ.મી દૂર જુમ્મા મસ્જીદ આવેલ છે, જે ખુબ જ પવિત્ર મસ્જીદ છે, આપણે ત્યાં મૌલવી પાસે જઈને આપણે મદદ માંગીશું તો તે ચોક્કસથી આપણી મદદ કરશે.. !” - સિકંદર અલગ - અલગ ટુરને લઈને મનાલીમાં અવારનવાર આવતો હોવાથી તેને આ જુમ્મા મસ્જીદ વિશે પૂરતી માહિતી હતી, અને તે પોતે ઘણીવાર આ મસ્જીદમાં નમાજ અદા કરવાં માટે પણ જતો હતો…!

ત્યારબાદ આરવ, સિકંદર, સુનિલ ગુપ્તા અને ડ્રાઈવર હોટલની ટેક્ષી કાર લઈને જુમ્મા મસ્જીદ તરફ જતાં રસ્તે પૂરઝડપે કાર ભગાવે છે…અને એ ડરામણી અને અંધકારમય રાતનાં અંધારાને ચરતી - ચરતી તે કાર મસ્જીદ તરફ આગળ વધે છે..!

શું આ બધાં લોકો કોઈપણ વિઘ્ન વગર જુમ્મા મસ્જીદ પહોંચી શકશે…? શું જુમ્મા મસ્જીદમાં મૌલવી આ લોકોને મળશે ખરા.. ? જુમ્મા મસ્જીદનાં મૌલવી આ લોકોને કદાચ મળે તો પણ મદદ કરવાં માટે તૈયાર થશે..? શું મૌલવી સુપ્રિયાને એ બુરી આત્માનાં કબ્જામાંથી મુક્તિ અપાવી શકશે..? - આ બધાં જ પ્રશ્નોનાં જવાબ હાલમાં કોઈ પાસે હતાં જ નહીં જે માત્ર આવનાર સમય જ આપી શકે તેમ હતો..!



ક્રમશ :

મિત્રો, જો તમે આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ શોર્ટ સ્ટોરી વિશેનાં તમારા કિંમતી રીવ્યુ કે પ્રતિભાવો પણ મને જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com