Truth and der - 1 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ એન્ડ ડેર - 1

તે રાતે મને ઊંઘ નહોતી આવતી. મારા ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો શરૂ હતા. સતત પડખા ફરી રહ્યો હતો અને આંખો બંધ કરીને ઊંઘવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આખરે થાકીને મેં ફોન હાથમાં લીધો. ફોન અનલોક કરીને જોયું તો રાતના અઢી વાગ્યા હતા. અંતે ઊંઘ ન આવે ત્યાં સુધી ફોનમાં ટાઇમપાસ કરવાનું નક્કી કર્યું.

ફેસબુક ઓપન કર્યું. હું new feed ને લાઈક આપીને Scroll down કર્યે જતો હતો, એટલામાં મને નોટિફિકેશન આવી ' Aditya, you have a new friend suggestion' આટલું વાંચતા જ મેં નોટિફિકેશન પર ટેપ કર્યું. મારું ધ્યાન નામની પહેલાં તેના DP ઉપર ગયું. તેનો અડધો ચહેરો ઘટાદાર વાળથી ઢંકાયેલો હતો, બાકીના અડધાં ચહેરા પર મોરના પીછાં ફેલાયેલા હતા, જેમાંથી તેના કાજુ જેવા ઉપસેલા ગાલનો થોડો ભાગ દેખાઈ રહ્યો હતો. પાતળા અણીદાર નેણ, ઘુવડ જેવી આંખો પર આછું કાજલ અને હોઠ પર હળવું સ્મિત...
તેનું DP જોઈને થોડીવાર માટે મારું હદય તેની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયું. પછી મારી નજર તેના નામ ઉપર પડી. "નિયતિ પટેલ" નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગ્યું. તેની પ્રોફાઈલ ચેક કરીને બે-ત્રણ પોસ્ટ જોઈ તો ચહેરો પણ જાણીતો હોય એવું લાગ્યું. મ્યુચ્યુઅલ ફ્રેન્ડમાં મારા આન્ટી હતા. પછી મનમાં લાઈટ થઈ કે આ'તો દૂરના રિલેટિવની છોકરી નિયતિ છે. તેને પ્રોફાઇલમાં બર્થ ડેટ અને તેનો બાયો 'હમ તો એસે હી હૈ...' સિવાય કંઈ વધારે માહિતી ન મળી તેથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને ત્રણેક વાગ્યાની આસપાસ હું ઊંઘી ગયો.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યાની કોલેજ હતી, પરંતુ પોણા અગિયાર વાગ્યે તો હજી મારી આંખ ઊઘડી. એટલે હવે સ્વાભાવિક રીતે પહેલો લેક્ચર તો મિસ થવાનો જ હતો. હું સાડા અગિયાર વાગ્યા સુધીમાં વ્યવસ્થિત તૈયાર થઈને કોલેજની કેન્ટીનમાં પહોંચ્યો. ત્યાં મારો ખાસ મિત્ર પ્રતીક પહેલેથી જ મારી રાહ જોઈને બેઠો હતો.

પ્રતીકે કહ્યું
" કેમ ભાઈ! હજી ઊંઘ પૂરી નથી થઈ કે શું?"

"હા યાર, રાતે મોડે સુધી જાગતો હતો ને એટલે..."

"અરે વાહ! મોડે સુધી કોની હારે વાતો કરતો હતો..."

"ના ભાઈ એવું કંઈ નથી..."

આગળ હું કંઈ બોલું એ પહેલા તે મારા હાથમાંથી ફોન ખેંચીને ચેક કરવા લાગ્યો. નોટિફિકેશન બારમાં નોટિફિકેશન હતી 'Niyati patel has accepted your friend request, તે જોઈને પ્રતીકે મને પૂછ્યું
"આદિ, આ નિયતિ પટેલ કોણ છે?"

મેં કહ્યું "દૂરની રીલેટિવ છે"

"મેસેજ વેસેજ કર્યો કે નહીં દૂરની રિલેટિવને?"

" ના" મેં કહ્યું

"એમાં શું ચાલ હું કરી દઉં"
તેને નિયતિ ને મેસેજ કર્યો: "Hii"

મેં તેના હાથમાંથી ફોન પાછો ખેંચી લીધો અને ગુસ્સે થઈને તેને કહ્યું
"પ્રતીક તને ના પાડી છે ને મને પૂછ્યા વગર મારા ફોન ને હાથ નહિ લગાવવાનો. અજાણી છોકરીને આમ, મેસેજ કરવાથી રોન્ગ સિગ્નલ જાય" અને મેં મેસેજને ડીલીટ કરી નાખ્યો.

"અરે પણ તેં જ કીધું ને કે દૂરની રીલેટિવ છે"

"હા, પણ એ'તો મને ઓળખતી પણ નહી હોય કદાચ!"

"બસ એટલી વાત, તો આપણે કરાવી દઈશું ઓળખાણ"

અમારી વચ્ચે હળવી મસ્તી ચાલી રહી હતી, એટલામાં લેક્ચરનો ટાઈમ થઈ ગયો. પ્રતીક લેક્ચર દરમિયાન પણ આ બાબતે મને ચડી રહ્યો હતો. અંતે કોલેજ પૂરી કરીને હું ઘરે આવ્યો. સાંજે ડીનર પતાવીને હું ફોનમાં ટાઇમપાસ કરી રહ્યો હતો. અચાનક નિયતનો મેસેજ આવ્યો.
" હેય! મેસેજ સેન્ડ કરીને ડીલીટ કેમ કરે છે???"

"હેય, તું ઓળખે છે મને?"

"તને શું લાગે છે?"

"હા, કદાચ ઓળખતી જ હોઈશ ને!"

"પહેલા તે રીક્વેસ્ટ મોકલી ડુડ, એટલે હવે ચાલ તું'જ કે કઈ રીતે ઓળખે છે મને"

"તું એકવાર મારી ઘરે આવી હતી, સાવ નાનકડી ઢીંગલી જેવી. હું બહારથી ઘરે આવ્યો ત્યારે તું મારા રમકડાંથી રમતી હતી. આ જોઈને મેં તારી ચોટી ખેંચી અને તું જોરજોરથી રડવા માંડી અને બાપ રે... આખું ઘર માથે લીધું, તારા કારણે મને મમ્મીનો માર પડ્યો એ'તો અલગથી"

"વેરી ફની... btw you are right"

"ચાલ, હવે તારો વારો..."

"તું નાનો હતો ત્યારે મારા નાનીના ઘરે આવ્યો હતો. ચોમાસાની સીઝન હતી, એટલે ખેતરથી પાછા આવતી વખતે બધા પલળી ગયા હતા. તારી પાસે બીજા બદલવા માટે કપડાં નહોતા, એટલે તું ખૂણામાં બેસીને રડવા જેવો થઈ ગયો હતો. બસ તે દિવસથી જ તારો રડમસું ચહેરો યાદ રહી ગયો."

"જે હોય તે, પણ તારી જેમ રડ્યો તો નહોતો ને!"

"એ બધું મુક...તું સ્ટડી શું કરે છે? કે સાવ અભણ રખડે છે!"

"કોલેજ લાસ્ટ યર"

"મને પણ ખબર પડે, કે અત્યાર સુધી તું સ્કૂલમાં તો ના જ હોય"

"ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને તું?"

"B. sc નર્સિંગ, Last yr"

"હમ્મ, ઔર બતાઇયે સબ ખૈરીયત?"

"જી, આપ બતાઈયે"

"સબ ઠીક, બસ જો ઊંઘ આવે છે.(બગાસું ખાતું ઇમોજી મોકલ્યું)

"okay then, Good Night"

"good night"