પ્રસ્તાવના
દુનિયામાં બે પ્રકારના સ્વભાવવાળા લોકો વસે છે. એક, પાણી જેવા અને બીજા તેલ જેવા. કાંકરો પાણીમાં પડે તો છાંટા ઉડે અને જ્યારે તે તેલમાં પડે તો નિસ્પંદન તળિયે બેસી જાય. આપણે બંને સ્વભાવવાળા થવું જરૂરી છે. પરંતુ પરિસ્થિતિ સામે કયો સ્વભાવ અપનાવવો એ આપણે વિચારવાનું છે. નદીના ઘટના પથ્થર લિસ્સા હોય છે, કારણ કે તે પાણીના નિત્યસ્પર્શથી ઘસાયા છે, ઘડાયા છે. માણસ પણ જીવનપ્રવાહમાં પડે છે ત્યારે તેનો સ્વભાવ ખરબચડો અને ધારદાર હોય છે. સમાજના વહેણ થી તે સુંવાળો, ઘાટીલો અને સ્પર્શવાળો બને છે.
પ્રેમ વગર દુનિયા નીરસ છે. પછી એ પ્રેમ માં-બાપ પ્રત્યેનો હોય, ભાઈ-બહેનનો હોય, કે કોઈ મિત્ર પ્રત્યેનો હોય કે પછી કોઈ પ્રિયપાત્ર પ્રત્યેનો હોય. પ્રેમલગ્ન કરવાથી 100% સુખી થવાય કે ન થવાય એ ખબર નહિ પરંતુ જેની સાથે પ્રેમ હોય તેની સાથે લગ્ન ન કરવાથી દુઃખી જરૂર થવાય છે. એ હું ચોક્કસપણે કહી શકું છું.
આપણે સૌ એ પ્રેમની પેહલી સરવાણી ને માણી છે. સવારમાં ગુલાબી કિરણો ના નાજુક સ્પર્શથી આળસ ખંખેરીને દુનિયા ને નિહાળવા ઉત્સુક કળીને ખીલતા જોઈ છે. તે સુગંધ ક્યાંય સુધી આપણી સાથે રહે છે અને હંમેશા તેમાં ડૂબકી મારવાનું મન થાય છે.
મારી આ સ્ટોરીમાં ત્રણ પાત્રો છે, જે તમને પ્રેમ કરવા માટે તમારા જીવનમાં ઉતાવળ કરાવશે. તેમાં આવતા વળાંકો તમારા જીવનના વળાંકો જેવા જ લાગશે. કે જેઓ પ્રેમની પહેલી વખત અનુભવેલી સુંદર લાગણી ને માવજતથી ટકાવવા ઘણી મથામણ અને બાંધછોડ કરતા હોય. એ તમને તમારા જીવનની મથામણ જેવી જ લાગશે.
#પ્રકરણ- 1
મારી જિંદગીમાં મને બધું જ મળી ગયું છે, છતાં કંઈક છૂટે છે, એ પ્રેમ છે. એવું મારા મિત્રો મને કહે છે. પણ હું નથી માનતી! મેં મારા જીવનમાં અનંત પ્રેમ કર્યો છે. જે એકદમ અકલ્પનિય હતો અને રહેશે. છતાં પણ હું મારા મિત્રવર્તુળ અને પરિવારના સભ્યોની જેમ ખુશ નથી રહી શકતી.
જીવન સાથે એક સમજૂતી કરી હોય એવું દરરોજ દરેક શ્વાસ ની સાથે ઘૂંટાતું રહે છે.
● મોસ્કો
રશિયાનું પાટનગર, શહેર , એક કોન્ક્રીટના જંગલોનું બનેલું શહેર. ઉંચા, પાતળા, ભૂરા રશિયાનોની વચ્ચે વસતું અમારું ઇન્ડિયન ફેમિલી અને ઘણા દેશોમાંથી અહીં વસેલા લોકો જોવા મળે છે. ચૌદ કરોડની વસ્તી વચ્ચે ધબકતું અમારું હૃદય.
મોસકોના રસ્તાઓ પહોળા, લાંબા અને સ્વચ્છ છે. લોકો હંમેશા પોતાની ધૂનમાં રહીને બેફિકરી જિંદગી જીવે છે. ધર્મચુસ્ત મુસ્લિમ અને ક્રિશ્ચિયન ધર્મના લોકો. હિંદુઓ ઘણા ઓછા જોવા મળે છે. તેઓ રશિયામાં પોતપોતાના અલ્લાહ, ઈશું ,ગોડ અને ભગવાનની સાથે પોતાના હૃદયને ધબકતું રાખે છે. અહીં ઠંડીની મોસમ વધારે રહે છે. ચારે તરફ બરફની ચાદરથી પુરા મોસકોના જીવનને પોતાનામાં સમાવી એક હૂંફ આપે છે.
રસ્તાઓ ઉપર વાહનોની ચહલપહલ દિવસરાત શહેરને જીવંત રાખે છે. ધીરે ધીરે અમારી જેમ ફેમિલી ને છોડી વ્યવસાય માટે આવતા એન.આર.આઈ. ફેમિલીની સંખ્યામાં વધારો થઈ રહયો છે. પહેલા લોકો ઝડપથી પોતાનું ઘર પરિવાર છોડી શકતા નહીં અને અમારી પાસે તો છોડવા જેવું કંઈ હતું જ નહીં.
અહીં વર્ષોથી વસેલા એક દાદા-દાદીને જોઉં છું. દર વર્ષે તેઓ સાયબર-કાફે માં હાથમાં ફુગ્ગાઓ લઈને બતાવતા વિડિઓ કેમેરાથી દૂર દેશાવર માં જન્મદિવસ ઉજવતા પૌત્રને ફુગ્ગામાં સમાયેલી ઓશિયાળી ફૂંક બર્થડે પર ગિફ્ટમાં મોકલે છે. એક દિવસ એ ઓશિયાળી ફૂંક ઉમંગમાં પરિણમશે અને તે વિડિઓ કેમેરાથી બહાર પહોંચશે પૌત્રની બર્થડે કેક સુધી?!
અમારા મોસ્કોની દુનિયા ઘણી ટેક્નિકલ છે. મકાનો, અહીંના ગાર્ડન, અહીંના રેસ્ટોરેન્ટ, રસ્તાઓ અને એ રસ્તાઓને જોડતી બિલ્ડીંગો. આ બધું કોઈ કુત્રિમ વિડિયોગેમ માં ગોઠવાયેલા કાર્ટૂનને દોડવા-છુપાવાના ઠેકાણા જેવું લાગે. અહીં બધામાં સમયના વેગથી પણ ઝડપથી પરિસ્થિતિઓમાં બદલાવ આવે છે. લોકો એકબીજા સાથે ફ્રેન્કલી વ્યવહારો રાખે છે. ખરેખર ખૂબ જ ફ્રેન્કલી.
પાર્ટીઓ, તહેવારો, સેલિબ્રેશન, ફંકશનમાં લોકો એકબીજાને મળે તો જરૂર છે, પરંતુ એ ઉપરછલ્લુ, છીછરું, કાંઠા વગરના બાઉલ જેવું લાગે છે. હદયની ગૂંચવણો, ચિંતાઓ અને મનની વાત એકબીજાને કહી શકતા નથી. આ પાર્ટીઓમાં એકબીજા સામે તકાતી ચાર આંખો કે લાંબા સમય સુધી બે હૃદયો એક થઈને એક તાલે ધબકી શકતા નથી. મધ્યરાત્રિથી પણ વધારે ચાલતી આ પાર્ટીઓમાં કોલ્ડડ્રિન્કસ, વાઇન, બિયર જેવા પીણાઓ પાણીથી વધારે પીવાય છે અને તે પીણાની વચ્ચે સ્ટીક થી ખવાતું રુખું-સુખું ખાણું. મોસકોના સૌથી ઝડપી વિકાસ પામતો વિસ્તાર આકાશ સુધી પહોંચવા બનેલી બિલ્ડીંગ એટલે ‘ફેડરેશન ટાવર’ અમારું ઘર ‘આશિયાના’ . ત્રણ રૂમ, કિચન અને હોલ, બાલ્કની અને એક નાનકડું ગાર્ડન. ઘરની શરુઆત એક લાકડાના ગેટ થી થાય જેની અંદર એક નાનકડો બગીચો. મેઈન ડોર ખુલતાની સાથે જ હોલ, તેની એક્સેટ સામે કિચન અને બેડરૂમ . હોલમાં એક મોટી બાલ્કની છે, જેમાં સફેદ કાચ અને પદાદાથી તેને વધારે જીવંત બનાવે છે.
બેડરૂમની અંદર આલીશાન બેડ, તેની સામે સફેદ કલરની શીટથી બનેલ સોફા, બેડની સામેની દીવાલ પર એક મોટી ફોટોફ્રેમ, જેમાં મારા અને કાર્તિકના લગ્નસમયનો ફોટો , બાળકોનો બર્થડે સમયનો ફોટો, બાળકોએ પેહલી વખત ભરેલી પા-પા-પગલીનો ફોટો અને આ બધા ફોટાઓની વચ્ચે મને હંમેશા ફોટોફ્રેમમાં એક ખાલીપો વર્તાય છે. મારી ફ્રેન્ડ તૃપ્તિ કે જે અત્યારે એક નટખટ બાળકની માતા છે, એ સુરેન્દ્રનગરમાં રહે છે. જ્યારે મારો ફાર્મસી નો કોર્સ અધુરો છૂટ્યો ત્યારે તેની સગાઈના સમાચાર મળ્યા. તેણે અમારા મિત્રવર્તુળને આમંત્રણ આપ્યું હતું. તેની સગાઈ એ વ્યક્તિ સાથે હતી જેને તે વર્ષોથી પ્રેમ કરતી હતી.
મારા અનુભવ મુજબ પ્રેમ હોય ત્યાં પરણવાથી સુખી થવાય કે ન થવાય તે જુદી વાત છે , પરંતુ પ્રેમ થાય ત્યાં ન પરણીએ તો સો ટકા દુઃખી થવાય છે. પરંતુ સમાજના તમામ સભ્યો આ વાત સ્વીકારી શકતા નથી. સ્ટેટસનો અભાવ ,ઉંમરનો તફાવત, જ્ઞાતિનો ભેદ, ધર્મની અલગતા એ બધું સહન કરી શકતા નથી.
પ્રેમ એક એવી લાગણી છે જેની કોઈ સીમા નથી. પ્રેમ મને દિવસમાં એક વાર નહીં હજારો-કરોડો વખત થતો હતો. પણ, હા એક જ વ્યક્તિ સાથે! કોણ કહે છે કે પ્રેમ બીજીવાર કોઈ બીજી વ્યક્તિ સાથે થઈ શકે ? હું નથી માનતી. જેની સાથે દિવસના ચોવીસે કલાક સ્મરણ રચ્યું હોય, તેની જ વાતો કરી હોય, તેની સાથે કોઈ એવી જગ્યાએ ગયા હોય જ્યાં કોઈ ન હોય, સમય તે બંને ની સુંદર દાસ્તાન જોવા થંભી ગયો હોય અને હદય માં એક ધબકારાની સાથે ધબકતી હોય કે કોઈ જોઈ ન જાય! તે ભૂલીને કોઈ કેમ આગળ વધી શકે? હું જ્યારે તેના વોટ્સએપના પ્રોફાઈલ પિકચર જોઉં છું ત્યારે હૃદયમાંથી એક ચીસ નીકળી જાય છે, એક ધ્રાસકો પડી જાય છે અને મનોમન એક ઈર્ષ્યા આવી જાય છે કે કેમ બધાની સ્ટોરી એકસરખી નથી હોતી? કેમ બધાની સ્ટોરીમાં હેપ્પીએન્ડિંગ નથી હોતું?
મારા રૂમની અંદર એક મોટી બારી છે. તે જગ્યાએ ટેબલ ઉપર મારી ડાયરી,પુસ્તકો,મારી કોલેજની જ યાદ સમાન સાથે અહીં આવેલા આગિયા કે જે જેને એક બરણીમાં બંધ કરીને હું રાખું છું. આગિયાની ચમક મને ઘણું બધું યાદ અપાવે છે. જે મારા મગજ અને હૃદયને વર્ષોથી કોતરી ખાય છે.
એ અતીત કે જે મારા હૃદયના કોરા કાગળ પર શાહીના ધબ્બા કરીને જતો રહ્યો છે. બારીની બહાર ધીમે ધીમે બરફ પડી રહ્યો છે. કેટલાય માણસો આ લીસ્સા અને ચોખ્ખા દેખાતા રસ્તા પરથી નીકળે છે. પણ ક્યાંક આ રસ્તાઓ શ્વાસને છોલીને, હૃદયને ભાંગેલા-તૂટેલા અને ફગોવી દીધેલા બનાવી નાખે છે. હું મારા વિચારોમાં ખોવાયેલી હતી , ત્યાંજ ડોરબેલ રણક્યો. ખબર નહીં પણ કેમ! જ્યારે પણ ડોરબેલ વાગે છે હૃદયમાં ઊંડે એક દબાયેલું આશાનું કિરણ બહાર આવવાં મથે છે કે કોઈ ડોરબેલ વગાડીને આવશે અને મારા પાનખરમાં વસંતની જેમ રંગ ભરશે.મેં ઉભા થઈને દરવાજો ખોલ્યો.
“મમ્મી, જલ્દીથી ખાવાનું આપ કેટલી બધી ભૂખ લાગી છે!” મારા બંને બાળકો દરવાજો ખોલતા જ બોલી ઉઠ્યા. તેઓના એક જ વાક્યમાં ભૂખની લંબાઈ માપી શકાતી હતી. સાંજના છ વાગ્યા હતા. કાર્તિક પણ ઓફિસેથી છૂટીને બાળકો સાથે ઘર આવી ગયા હતા.
“તું આજે બાળકોને લેવા કેમ ન ગઈ?” તેમના વાક્યમાં ફરિયાદ હતી. “ એ તો સારું થયું કે મારે આજે એ તરફ થોડું કામ હોવાથી ત્યાં ગયો હતો. સ્કૂલની બાજુમાંથી નીકળ્યો એટલે થયું કે બાળકોને લેતો જાવ. જઈને જોવ છું તો આરવ અને આર્યન તારી રાહ જોતા હતા” તેણે પોતાની વાત પૂરી કરી
“સોરી, કાર્તિક! ખબર નહિ પણ હું આજે ભૂલી ગઈ.” હું મારા મનમાં જ મને કોસતી રહી.
“કંઈ વાંધો નહીં ન્યારા.” તેમના સ્વરમાં ફરિયાદનું સ્થાન પ્રેમ છલકાયો. મારા પતિ કાર્તિકનો સ્વભાવ એકદમ નરમ અને કોમળ છે. તેની સાથે રહીને મારો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. તે મારા પર ક્યારેય ગુસ્સો કરતા નથી. તેના બાળપણમાં જ એક દુર્ઘટનાથી તેમના માતાપિતાનું મૃત્યુ થઈ ગયું હતું. કાર્તિકે લોકોને પોતાથી દૂર થતાં જોયા છે. એટલે જ કદાચ મારી આવી બચકાની હરકત પર ગુસ્સો નહીં કરતા હોય.
મારા અને કાર્તિકના સબંધમાં ઘણી અલગતા રહેલી છે. અમારા બંને વચ્ચેનો નાતો કોઈ કોલેજના લવર જેવો કે ન કોઈ ખોટું સાચું બોલનારા ટુરિસ્ટ ગાઈડ જેવો કે નથી મારા અને ___ જેવો. ઓહ ક્યાંક તમે સાંભળી તો નથી ગયા ને?
અમે એકબીજા સાથે લાંબા સમય સુધી વાતો પણ નથી કરતા. નથી ક્યારેય લોન્ગ ડ્રાઈવ પર જતાં. ક્યારેય વરસાદમાં સાથે ભીંજાયા પણ નથી. તો કોઈ દૂરના હિલસ્ટેશન પર ચાલી કોઈ નદીના કિનારે મોડી રાત સુધી બેસીને શાંતિથી ક્ષણો પસાર નથી કરી. પહાડો, રણપ્રદેશો માં પહોંચી દૂર દૂર સુધી ખોવાતા રસ્તાઓ પણ નથી જોયા. છતાં પણ એકબીજા માટે અહેમીયત જોડાઈ ગઈ છે. રૂમના અંધારામાં જ્યારે મને ડર લાગે ત્યારે હંમેશા મારી આગળ થઈને લાઈટ ઓન કરી આપે છે. અમારી ફ્લાઈટની મુસાફરી દરમિયાન ટેકઓફ થતી વખતે મારા હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂકીને મારો ભય વહેંચે છે. અમુક સરળ સવાલોના અઘરા જવાબ નથી મારી પાસે. જવાબ ન મળે એ જ સારું છે.
કાર્તિકની આંખો ખુબ જ મોટી છે, જે મને ખૂબ ગમે છે. અમે વોક દરમિયાન એકબીજાને દિવસમાં બનેલી ઘટનાઓ કહીએ છીએ, તે મને તેના દિવસ દરમિયાન ઓફિસમાં બનેલી ઘટનાઓ સંભળાવે છે. મારી પાસે તો કઈ કેહવા જેવું હોતું જ નથી. કારણ કે હું ક્યારેય એકલી બહાર જતી જ નથી, કોઈને મળતી પણ નથી. તો શું કહું? મારી ચારેબાજુ રહેલો મારો અતીત મને જકડીને રાખે છે.
કાર્તિકને મારા ભૂતકાળની બધી જ ખબર છે. છતા એ મને પ્રેમ કરે છે. એવો પ્રેમ કે જે મુશળધાર વરસાદની જેમ, મને જ શુ? દુનિયાની કોઈ પણ વ્યક્તિને ભીંજવીને તરબોળ કરી નાખે એવો. આજે મારા લગ્નને બાર વર્ષ થઈ ગયા, પરંતુ હું ક્યારેય કાર્તિકને એવો પ્રેમ કરી શકી નથી.
જ્યારે મેં બે સુંદર અને તંદુરસ્ત જાડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે કાર્તિક અચાનક જ હોસ્પિટલમાં મને જોઈને રડી પડ્યા હતા. તે પહેલેથી જ એકલા રહેતા હતા. પછી અમારાં લગ્ન જે સંજોગોમાં થયા ત્યાર પછી કાર્તિકને પૂરો વિશ્વાસ હતો કે તે આ લગ્નજીવનને સફળ કરશે.
પરંતુ કેમ જાણે હું એક જીવતી ચાલતી લાશની જેમ જીવતી હતી.
કાર્તિકના સગા સંબંધીઓ જ્યારે અમારા ઘરે બાળકોને પહેલી વખત મળવા આવ્યા ત્યારે કેટકેટલી ભેટ લઈને આવ્યા હતા. તેના મામા માસી કહે છે કે બાળકો કાર્તિક જેવા લાગે છે. તો કોઈ કહે છે કે તેઓ તેમના દાદા જેવા લાગે છે. પરંતુ મને તો મારા જેવા કે કોઈ જેવા નથી લાગતા, મને તો એ …..
ખેર જવા દો આ વાત ને. રાત બહુ થઇ ગઇ છે, હવે સુઈ જાવ હું,સવારે વહેલું ઉઠવાનું પણ છે.
***
પ્રકરણ 1.1 સમાપ્ત
****
શું હતો ન્યારા નો ભૂતકાળ? શા માટે તે ભૂતકાળ માં જીવી રહી છે? શા માટે તે પરિણીત હોવા છતાં સુખી નથી? આવા બીજા ઘણા પ્રશ્નોના ઉત્તર માટે વાંચો પ્રકરણ 1.2