Sapna advitanra - 68 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૬૮

સપના અળવીતરાં ૬૮

"આ...આ બધું શું હતું, સમીરા? "

રાગિણી ઢગલો થઈ ઢળી પડી એટલે સમીરાએ હળવેથી તેની હથેળીઓ રાગિણીની હથેળીઓથી દૂર કરી. તે પોતાની જગ્યાએથી ઉભી થઈ અને રાગિણીને સરખી સુવડાવી. કેતુલ પણ ત્યાં સુધીમાં સૂઈ ગયો હતો એટલે એને ઘોડિયામાં સૂવડાવી કોકિલાબેન, સમીરા અને બાકી બધા હોલમાં આવ્યા. સમીરાએ કોકિલાબેન સામે જોયું. કોકિલાબેનનો ડાબો હાથ છાતી પર ભીંસાયેલો હતો અને જમણો હાથ કેદારભાઈના હાથને સજ્જડ પકડી પોતાની ધ્રુજારી શમાવવાની કોશિશમાં હતો. એમના ચહેરા પર અનેક પ્રશ્નો હતા, જેને કેદારભાઇએ વાચા આપી. કેદારભાઈનો અવાજ પણ સ્હેજ ધ્રુજી રહ્યો હતો. રાગિણીની આવી હાલત બધાએ પહેલીજ વાર જોઇ હતી. પણ સમીરાએ જે સિફતથી પરિસ્થિતિ સંભાળી લીધી, એ પરથી એમને લાગ્યું કે સમીરા પાસે જરૂર આનો જવાબ મળી શકશે.

રાગિણીની સાથે સાથે સમીરા પણ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. તે જાણતી હતી કે એકસાથે આઠ આંખો અત્યારે તેને તાકી રહી છે, પણ તેને પણ કંઇ બોલવાનાં હોશ નહોતા. તે ધીમી ચાલે સોફા પાસે ગઈ અને રીતસર પડતું મૂક્યું. સોફાબેક પર માથું ઢાળીને તેણે આંખો મીંચી દીધી. તેના શ્વાસોચ્છવાસ પણ સામાન્ય કરતાં વધુ ઝડપે ચાલી રહ્યા હતા. તેની આ હાલત જોઈને આદિ તરતજ રસોડામાં ગયો અને વળતીજ મિનિટે જગ અને ગ્લાસ સાથે પાછો આવ્યો.

માથા પર રહેલા સ્થિર પંખામાં આવેલી ગતિ અને કપાળ પર થયેલા માયાળુ સ્પર્શ અનુભવી સમીરાએ આંખો ખોલી,એ સાથેજ બંને આંખમાંથી એક એક અશ્રુ ખૂણેથી સરકી સીધું કાન પાસે પહોંચ્યું. સામે આદિનો સ્હેજ મરકતો ચહેરો જોઈ તે સીધી બેઠી. કપાળેથી પરસેવો લૂછી તેણે આદિના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો અને ઝડપથી આખો ગ્લાસ ખાલી કરી દીધો. ખાલી ગ્લાસમાં આદિએ ફરી પાણી ભર્યું અને ફરી સમીરા બધું પાણી પી ગઈ. હવે તે થોડી સ્વસ્થ જણાતી હતી.

"આ શું હતું, સમીરા? રાગિણીની આવી હાલત? ક્યારથી? તને ખબર હતી? કેયૂર... કેયૂરને ખબર હતી? "

એકસાથે આટલા બધા પ્રશ્નો... સમીરાએ નાકની નીચે અને હોઠની ઉપરના ભાગે બાઝેલા ટીપાં લૂંછી એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,

"ખબર તો બધી મને પણ નથી, અંકલ. પણ રાગિણીને આની પહેલા એકવાર આવીજ સિચ્યુએશનમાં મેં જોઇ છે. હું પણ ત્યારે ગભરાઇ ગઇ હતી. કેયૂરને કેટલી માહિતી હતી એ તો મને નથી ખ્યાલ, પણ એટલું તો છે કે રાગિણી સામાન્ય નથી. "

"એટલે? એને કોઈ તકલીફ? "

"ના, અંકલ. આમ જુઓ તો કોઈ તકલીફ નથી. અને આમ જુઓ તો દર્દનો મહાસાગર એની અંદર હંમેશા હિલોળા લેતો રહે છે. "

"કાંઇક સમજાય એવું બોલને, બેટા. "

અવાજ તો કેદારભાઈનો જ હતો પણ ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં આ જ પ્રશ્નો ધમધમી રહ્યા હતા, સિવાય આદિ. તેના મનમાં થોડોક તાળો બેસી રહ્યો હતો, અને ખૂટતી કડીઓ માટે તે સમીરાના આગળ બોલવાની રાહ જોઇ રહ્યો હતો.

"રાગિણીએ ક્યારેય એના સપનાઓ વિશે જણાવ્યું છે? "

પ્રશ્ન સાગમટે પૂછાયો હતો, પણ ત્યારે સમીરાની નજર કેકે પર સ્થિર હતી. આદિ પણ કેકેની બાજુમાં પહોંચી ગયો હતો. તેને જાણે કંઈક સમજાયું હોય એમ એ બોલ્યો,

"આ સિચ્યુએશન એના સપના સાથે રીલેટેડ છે? "

સમીરા કંઈ જવાબ આપે એ પહેલાં કેકેનો સ્વર ગુંજી ઉઠ્યો.

"કેવા સપના? અને તમે બંને શું વાતો કરો છો? કંઈક સમજાય એવું બોલો. "

આદિના હોઠ ફફડ્યા, પણ અવાજ સમીરાનો સંભળાયો.

"એક મિનિટ, આદિત્ય, લેટ મી એક્સપ્લેન. "

સમીરાએ જરાક બ્રેક લીધી એટલામાં તો બધાના જીવ અધ્ધર થઈ ગયા. એક સમીરા સિવાય બધા હજુય ઉભા જ હતા, એટલે સમીરાએ બધાને બેસવા કહી વાતનું અનુસંધાન કર્યું.

"યાદ છે કેકે ક્રિએશન્સ અને ડ્રીમ્સ અનલીમીટેડનો ફર્સ્ટ પ્રોજેક્ટ? એની ગ્રાન્ડ સક્સેસ પછી અમારી ટીમ તમને મળવા તમારી કાર પાસે આવેલી, પણ તમારી તબિયત બગડતા એ મુલાકાત નહોતી થઈ.. "

સમીરાએ કેકે સામે જોઈ કહ્યું.

"હા. એટલે પછી વિડીયો કોન્ફરન્સથી મુલાકાત કરી હતી. "

કેકેને એક એક ક્ષણ હ્રદયમાં કોતરાયેલી હતી.

"રાઇટ. અને એ વિડીયોમાં રાગિણી કુડ સી યોર ઓરા, સમવ્હોટ ડાર્ક એન્ડ બ્લેકી... એન્ડ શી ગોટ ડિસ્ટર્બ્ડ વેરી ડીપલી. "

"એક મિનિટ, યુ વોન્ટ ટુ સે ધેટ રાગિણી ઓરા જોઈ શકતી હતી? "

આદિનાં પ્રશ્નનાં જવાબમાં સમીરાએ ખભા ઉંચક્યા.

"હંમ્, એણે તો એવુંજ કહ્યું હતું. "

"ઓકે. પણ એમાં એવું ડિસ્ટર્બીંગ શું હતું?"

"સાચું કહું તો આ ઓરા ને એવું બધું મારી સમજની બહાર છે. હું તો બસ એજ જણાવી રહી છું જે ત્યારે બન્યું હતું. "

સમીરાએ એક સરસરી નજર બધા પર ફેરવી, પણ આ વખતે કોઈનો અવાજ ન સંભળાયો. એટલે એણે વાત આગળ ચલાવી.

મિટિંગ પતાવીને અમે ઓફિસે પહોંચ્યા ત્યારે રાગિણી બહુજ ટેન્શનમાં હતી અને લીટરલી બેહોશ થઈ ગઈ હતી. ડો. બાટલીવાલાને બોલાવવા પડેલા. ફર્સ્ટ એઈડ બાદ તે ભાનમાં આવી એટલે ડોક્ટરે રાગિણીને આરામ કરવાની સલાહ આપી. હું એને એના ઘરે મૂકવા ગઈ ત્યારે એણે પહેલીવાર પોતાના મનનો ભાર હળવો કર્યો, એ પણ મારી ઘણી કોશિશો પછી... ધેન શી સેઈડ ધેટ એને સપના દેખાય છે, એવા સપના જેમાં ભવિષ્ય અંકાયેલું હોય! "

સમીરાની વાત સાંભળી હોલમાં ઘેરાયેલી સ્તબ્ધતા વધુ સ્તબ્ધ બની ગઈ.

"વ્હોટ સે આદિત્ય? તમને તો અંદાજ હશેજ ને! "

આદિ મનોમન બધી ઘટનાઓનો તાળો મેળવવા મથી રહ્યો હતો, એટલે તેના તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

"એક મિનિટ... "

કહી સમીરા પાછી રાગિણીના રૂમમાં ગઈ. અસહ્ય લાંબી પાંચ મિનિટ પછી એ પાછી આવી ત્યારે તેના હાથમાં રાગિણીની ડ્રોઇંગબુકનો થપ્પો હતો. તેણે વારાફરતી બે ત્રણ બુકના પાના ઉથલાવ્યા પછી પેલું બીચ અને છોકરાઓવાળું ચિત્ર શોધી લીધું. એ પાનું ખોલી બુક ટીપોઈ પર મૂકી તેણે સૂચક નજરે કેકે સામે જોયું. કેકેએ પહેલાં તો દૂરથીજ નજર નાંખી, પણ જેવું દ્રશ્ય સ્પષ્ટ થયું કે તરત લપકીને બુક હાથમાં લીધી. તેની સાથે આદિત્ય પણ ધ્યાનપૂર્વક એ ચિત્રને જોવા માંડ્યો. કેદારભાઈ અને કોકિલાબેન આ બધું જોઈ રહ્યા હતા, પણ તેમની સમજમાં કંઈ જ આવતું નહોતું. કોકિલાબેને કેદારભાઈનો હાથ સ્હેજ દબાવ્યો એટલે કેદારભાઈએ એમની સામે જોઈ આંખથીજ થોડી રાહ જોવાનું સમજાવ્યું. એમને ખાતરી હતી કે એકવાર કેકે અને આદિ બધું સમજી લેશે, પછી તેમના સુધી બધી માહિતી આપોઆપ પહોંચી જ જશે.

"આ તો... આ તો.. "

આદિ બોલવા ગયો પણ કેકેએ તેને વચ્ચેજ રોકી દીધો. ક્યાંક તે ન બોલવાનું બોલી ગયો તો?

"હા, આ તો આપણે બીચ પર હતા ત્યારે એક્સિડંટ થયેલો એ જ લાગે છે. રાઇટ? આ તો ન્યૂઝ પેપરની હેડલાઈન બનેલી. આમાં નવાઇ પામવા જેવું શું છે? "

"તારીખ... "

સમીરા બોલી.

"એ એક્સિડંટની તારીખ યાદ છે તમને? જો હા, તો જરા ચિત્રની ઉપર જે તારીખ લખી છે તે ચેક કરી લેજો. "

તારીખતો કેકે અને આદિ બંનેને બરાબર યાદ હતી, કારણ કે એ દુર્ઘટનાના આગલા દિવસે જ કેકેનો રીપોર્ટ કેન્સર પોઝીટીવ આવ્યો હતો. હજુ તારીખની સરખામણી ચાલું જ હતી, ત્યાં વળી આદિનું ધ્યાન ગયું.

"આમાં તો બંને છોકરાઓ ડૂબતા દોર્યા છે, જ્યારે આપણે તો એકને બચાવી લીધેલો ને! "

"એક્ઝેક્ટલી. મેં પણ આ જ વસ્તુ નોટિસ કરેલી, જ્યારે રાગિણીએ મને એ ડ્રોઇંગની સાથે પેલું ન્યૂઝ પેપર પણ બતાવેલું. હવે એક પાનું પલટી જુઓ. "

સમીરા બોલવાનું પૂરૂં કરે એ પહેલાં તો કેકેએ પાનું પલટી પણ દીધું. ત્યાં એક અસ્પષ્ટ ચહેરો દોરેલો હતો, પણ એની રેખાઓમાં કેકેના ચહેરાનો આભાસ સ્પષ્ટ હતો. સમીરાએ આગળ કહ્યું,

"રાગિણીને પહેલેથીજ એ દુર્ઘટનાનો આભાસ હતો. એણે ઘણી કોશિશ કરી એને નિવારવાની. એ માટે તો એ વિસ્તારની મુલાકાત પણ રાગિણી વારંવાર લેતી હતી. ઈનફેક્ટ દુર્ઘટનાના આગલા દિવસે પણ તે મોડીરાત સુધી ત્યાં જ હતી. અને કિસ્મત જુઓ કે દુર્ઘટનાના દિવસે જ એ ત્યાં નહોતી! એ વાતનો વસવસો એને અંદરોઅંદર કોરી ખાતો હતો. બટ એઝ યુ કેન સી, એને કેકેનો આભાસ પણ થઈ ગયેલો. એન્ડ યુ નો વેરી વેલ ધેટ કિસ્મતે એ સમયે તમને ત્યાં પહોંચાડ્યા હતા અને એક છોકરો બચી ગયો હતો.... "

"... અને એટલે રાગિણી કેકેને 'મદદગાર' માને છે? "

આદિના પ્રશ્નના જવાબમાં સમીરાએ માત્ર હકારમાં માથું હલાવ્યું. બધાના મનમાં થોડીવાર પહેલાં જ કેકે માટે રાગિણીએ કરેલું સંબોધન છવાઈ ગયું... મદદગાર.

સમીરાની વાત અને નજર સામે રહેલા ચિત્રોને કારણે કેકેના મનમાં ધીમે ધીમે ઉઘાડ થઈ રહ્યો હતો. પ્રથમ મુલાકાત વખતે, અડધી રાત્રે, ઘોર અંધારે, એ અજાણી યુવતી... રાગિણીની નજરમાં જે અગણિત ભાવ અંજાયેલા હતા તેનો અર્થ આજે તેને સમજાયો હતો. કેકેને ઊંડા વિચારમાં ગરકાવ જોઈ આદિએ પાનું ફેરવવા કહ્યું, પણ કેકે હજુય તેની વિચારમાળામાં પરોવાયેલો હતો. એટલે આદિએ જ પાનું પલટી દીધું. અને તેના મોઢામાંથી ફરી એક હાયકારો નીકળી ગયો.

"મિસરી...! "

મિસરીનું નામ સાંભળીને કેકે પણ જાગૃત થઈ ગયો. ફરી ચિત્રોની ભાષા ઉકેલવાની કોશિશ થઈ. અહીં પણ કેકેનું રેખાચિત્ર હતુ, થોડું વધારે સ્પષ્ટ. આ વખતે તો સમીરા કહે એ પહેલાં જ બંનેની નજર તારીખ પર પહોંચી ગઈ હતી.

"હવે સમજાયું કે રાગિણી પેલા મંદિર પાસે કેવી રીતે પહોંચી ગઈ હતી! "

ફરી આદિનો અવાજ સંભળાયો. ધીમે ધીમે પાના પલટાતા રહ્યા અને એક પછી એક કિસ્સા બહાર આવતા રહ્યા. છેલ્લે સમીરા બોલી,

"મારા વરુણનો કેસ તો તમે જાણો જ છો ને... "

હવે આદિ સંપૂર્ણ સહમત થઈ ગયો હતો. જોકે એને પણ અનુભવ તો થયો જ હતો કે ઘણીવાર રાગિણીના મોઢામાંથી નીકળેલા શબ્દો સાચા પડી જતા હતા.

કેકેને પણ હવે સમજાઇ રહ્યું હતું, જે રીતે કેયૂરના કિડનેપીંગ પછી રાગિણીએ સિંગાપુરથી ભારત પરત આવવાની જીદ પકડી, અહીં આવ્યા પછી પણ તે બહાવરી બનેલી હતી, ગોવા માટે એનું એકલા નીકળી જવું, અને ત્યાં ઈન્સ્પેક્ટરને ચોખ્ખુંજ પૂછી લેવું, 'તમારો પ્લાન ફેલ ગયો તો? '

"ઓહ! "

કેકેએ બંને હાથે માથું પકડી લીધું. ફરી સમીરા બોલી,

"રાગિણીને ભવિષ્યમાં થનારી દુર્ઘટનાઓનો અંદેશો તો આવી જતો, પણ તે એ દુર્ઘટનાઓ અટકાવવામાં ક્યારેય સફળ નહોતી થઈ શકી. પણ, સૌથી પહેલા એ છોકરાઓ વખતે આંશિક રીતે, અને ત્યાર પછી મિસરી વખતે પણ તમારી હાજરી કંઈક અંશે દુર્ઘટના નિવારી શકી હતી. ત્યારબાદ એને કેકેમાં એક મદદગાર તરીકેનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો હતો. પણ પેલા વિડીયો કોલમાં તમારી ઓરા જોઇ તે તૂટી ગઈ. તેને આશા બંધાઈ હતી કે તે જાતે નહિ તો કંઈ નહીં, કુદરતે કેકેને એવી શક્તિ આપી છે કે એ દુર્ઘટના અટકાવી શકે. આનાથી તેની અંદર ઉછાળા મારતો પીડાનો દરિયો કંઇક અંશે શાંત થઈ ગયો હતો. પણ તમારી નાદુરસ્ત તબિયતને કારણે તે એકદમ નાસીપાસ થઇ ગઇ. મેં પહેલા કહ્યું એમ ડોક્ટર બોલાવવા પડ્યા અને પછી આ બધી બુક અને આ બધી વાતો મને રાગિણીએ કહી. "

"પણ, રાગિણીની આવી હાલત? "

આખરે કેદારભાઈની ધીરજ ખૂટી જ ગઇ.

"એ જ કહું છું, અંકલ. આ બધી વાત કરતાં કરતાં જ્યારે કેકેની ઓરા અને એની તબિયત અંગે વાત ચાલું થઈ ત્યારે મને રાગિણીની આંખમાં એક તેજ દેખાયું હતું. ધીરે ધીરે તેનો અવાજ બદલાઇ ગયો. જાણે કોઈ ઊંડી ગુફામાંથી આવતો હોય એવો ઘુંટાયેલો અવાજ બની ગયો હતો એનો. એને આખા શરીરે પરસેવો વળી ગયો હતો. એ સમયે પણ આજની જેમજ મારા હાથ એના હાથમાં હતા. એના શરીરમાં જાણે ધસમસતો ઊર્જાનો પ્રવાહ વહેતો હતો અને એક ક્ષણ એવી આવી કે એની શરીરની સીમા તોડી એ ઊર્જા મારી હથેળીઓમાં પ્રવેશી. એ મારો પહેલો અનુભવ હતો. હું ગભરાઈ ગઈ અને મેં હાથ છોડાવી દીધો. એ સાથે જ રાગિણીના નામની જોરથી બૂમ પણ પાડી. હથેળીનો કોન્ટેક્ટ છૂટતાં જ જાણે ઊર્જાનો પ્રવાહ થંભી ગયો હોય એવું લાગ્યું. રાગિણીને થોડી વીકનેસ લાગતી હતી, પણ એ નીયર ટુ નોર્મલ થઈ ગઈ હતી. "

સમીરાએ એક ઊંડો શ્વાસ લીધો. જાણે એ પ્રસંગ યાદ કરવાથી પણ તે એ ઊર્જા ફરી પોતાની અંદર અનુભવી રહી હોય એવું લાગ્યું. બાકી બધા એકદમ અધિરાઇથી તેની સામે તાકી રહ્યા હતા. એ જોઈ સમીરાએ કહ્યું,

"આજે જ્યારે વિશાલ સાથે વાત કરી હું રૂમમાં ગઈ તો રાગિણી એજ સિચ્યુએશનમાં હતી, કદાચ વધુ તીવ્રતા સાથે. એ આખીજ ધ્રુજી રહી હતી, એનું શરીર થોડું અકડાઇ ગયું હતું. પહેલા તો હું ગભરાઇ, પણ પેલા અનુભવે હું તેના હાથ પર હાથ રાખી બેસી ગઈ. જાણે કંઇક ધસમસતું મારા ડાબા હાથમાં પ્રવેશી રહ્યું હતું અને મારા આખા શરીરમાં ફરીને મારા જમણા હાથમાંથી ફરી રાગિણીના હાથમાં... "

સમીરાએ ફરી એક ઊંડો શ્વાસ લીધો. આદિએ જોયું કે સમીરાના ચહેરા પર થાકોડો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. એણે ફરી એકવાર પાણીનો ગ્લાસ સમીરા સામે ધર્યો અને સમીરાએ એક હળવા સ્મિત સાથે એ ગ્લાસ લઈ મોઢે માંડી દીધો.

"મને લાગે છે કે હવે બધાએ આરામ કરવો જોઇએ. રાત ઘણી થઈ ગઈ છે. "

બધાએ હકાર તો પૂરાવ્યો પણ કોઈની આંખમાં ઊંઘનું નામોનિશાન નહોતું.

"ઓકે. ધેન, હું આ બુક્સ લઈ જાઉં છું રૂમમાં. મારે એને પ્રોપર સ્ટડી કરવી છે. "

આદિએ સમીરા પાસે પડેલ બુક્સના થપ્પા તરફ હાથ લાંબા કર્યા કે તરત સમીરા ચમકી. ઉતાવળમાં તે એ બુક પણ લઈ આવી હતી જેમાં એની અને રાગિણીની પ્રથમ મુલાકાત અંકિત કરેલી હતી...