A Chhokri - 2 books and stories free download online pdf in Gujarati

એ છોકરી - 2

ભાગ - ૨
" એ છોકરી "

(ભાગ-૧ માં આપણે જોયું કે રૂપલી ખેતરમાં કામ કરતી હતી અને વીણા બહેનને મળી અને શહેરમાં જવા બાબતે ચર્ચા થઈ. હવે જુઓ આગળ)

રૂપલી ને મેં કહ્યું હા બોલ હું કોઈને જણાવીશ નહી, તુ ચિંતા ના કર, તારે શું કામ છે? રૂપલી પહેલા તો મારી સામે ક્યાંય સુ઼ધી એની મોટી આંખોથી તાકી રહી, કઈ બોલા જ નહી, પછી ધીમે રહીને ગણગણતી હોય એમ કંઈક બોલી. મને કાંઈ સમજાયું નહીં, મેં ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ સમજ ના પડી એટલે મેં કહ્યું ઓ રૂપલી તું શું બોલે છે? મને કંઈ જ સાંભળવામાં આવતું નથી, અને સમજ પણ નથી પડતી, જરા મોટેથી બોલ તો કંઈક સમજ પડે. એટલે રૂપલી મારી વધુ નજીક આવી અને પછી કહે, હેં બૂન તમે તો શહેરમાંથી આવો છો તો. મને કહોને જરા આ શહૈર કેવું હોય છે? સાંભળ્યુ છે શહેરમાં આપણા શમણાં પૂરા થઈ જાય છે. શમણાં એટલે સપના. મારે પણ શહેરને જોવું છે બૂન, સાચુ કહું તો દિલથી એમ થાય છે કે શહેરમાં કેવું હશે? કેવા લોકો હશે? કેવો પહેરવેશ હશે? કેવા મકાનો હશે? ખાણીપીણીનો તો પાર જ નહી હોય ને બૂન? તે હેં બૂન મારાથી પણ શહેરમાં અવાય? મને બહુ ઈચ્છા છે શહેરમાં આવવાની, શહેરમાં રહેવાના. પણ બૂન અમે તો ગામડામાં જન્મેલા અમારા ક્યાં એવા નસીબ કે શહેર જોવા પામીએ.

રૂપલીના આ બધા પ્રશ્નો હું સાંભળી રહી, થોડી વાર તો હું અને રૂપલી મારા બંન્ને માંથી કોઈ કાંઈ જ બોલ્યું નહી. એક મૌન અમારી વચ્ચે છવાઈ ગયું. પછી મારા મનમાં અનેક વિચારોએ ધૂમરીઓ માર્યા કરી, અને અંતે મેં રૂપલીની સામે પહેલાં તો જોયા કર્યું. રૂપલીનું તો મોં એકદમ નાનું થઈ ગયું હતું, એને તો એમ થઈ ગયું કે મેં તો શહેરના બૂન ને આવું બધું પૂછીને કદાચ કંઈક ભૂલ કરી છે. એ બિચારી ડાબા પગનાં અંગૂઠા વડે જમીન ખોતરી રહી હતી અને બંન્ને હાથની આંગળીઓ ભેગી કરીને મસળી રહી હતી.

મેં ધીમે રહીને મારા હાથથી રૂપલીના ચહેરાને ઊંચો કર્યો અને પ્રેમાળ નજરોથી એની સામે જોયું. મેં પૂછ્યું હેં રૂપલી તો તારી ઈચ્છા શહેરમાં આવવાની છે? રૂપલી તો વિચારમાં પડી ગઈ પહેલા, પછી ધીમે રહી બોલી, બૂન કોને મન ના હોય શહેરમાં આવવાનું? વાતો તો શહેરની બહુ સાંભળી છે બૂન, પણ મી તમને નો કહ્યુ બૂન, અમારા જેવા ગામડાના માણસનાં એવાં ક્યાં નસીબ? કે સપનામાંયે શહેર જોઈ શકીએ? આટલું બોલતા બોલતા તો એની મૃગનયન સમી આંખોમાંથી આંસુની બે બૂંદ આવીને રતુંબડા ગાલ પર સરી પડ્યા.

આખરે હું પણ એક માનવી અને તે પણ સ્ત્રી એટલે મારું હ્રદય પણ રૂપલીની આ વાત સાંભળીને વલોવાઈ ગયું. મેં રૂપલીના આંસુ લૂછ્યા, એનો ચહેરો મારા હાથમાં લઈને એને કહ્યુ લે રૂપલી તું તો રડી પડી, એમ કંઈ રડાય? તારા આટલા સુંદર ચહેરા પર તો ખીલખીલાટ હાસ્ય જ સારુ લાગે હોંકે રૂપલી, આ રડવાનું સારુ ના લાગે. તારા નસીબ હશે તો તું પણ ક્યારેક શહેરમાં જઈ શકીશ. ચાલ હવે હસ જોઉં. એમ કહી એને કમરમાં ધીમી ચૂંટી ખણી, એટલે રૂપલી ઓઈલ માડી રે બોલીને ખડખડાટ હસવા લાગી. એના ગાલના ખંજન મારુ હૈયુ વીંધી રહ્યા હતા.

મેં એક લાંબો શ્વાસ લીધો અને મનોમન એક નિર્ણય કર્યો.

મિત્રો, શું નિર્ણય કર્યો હશે મેં તે જાણવા વાંચો આગળનો ભાગ - 3