Feeling wet - 2 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો અહેસાસ - ભાગ-2

મિત્રો,
આગળનાં અંકમાં આપણે જોયું કે તોરલ ગરબા રમવા જાય છે ત્યારે સુજલ અચાનક આવીને મંદિરની પાછળ દોરી જાય છે. મજાક મસ્તી કરતાં કરતાં બંને મેળામાં ફરવા લાગે છે. સુજલ અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક સફળ ડોક્ટર છે. છતાં પણ શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે, કેમ? ચાલો વધુ જાણીએ.

સુજલ અને તોરલ મેળામાં આવેલી દુકાન પાસે જાય છે. તોરલ તો ત્યા અલગ અલગ કલરની બંગડીઓ કઢાવીને જોવા લાગે છે. સુજલ પણ તોરલની બંગડી માટે બાળક જેવી અધીરાઈ જોઈ ખુશ થતો હોય છે.

વસ્તુઓ લઈને બંને આગળ પાણીપુરીની લારી પર જાય છે. તોરલને પાણીપુરી બહુ પ્રિય એટલે જ દર વખતે બંને મળે ત્યારે પાણીપુરી તો જોઈએ જ.

સાંજના સાડા સાત થતાં તોરલની માસીની દિકરી રાધિકા તોરલને શોધતી આવે છે. બંનેને પાણીપુરીની લારી પર જોઈને એ પણ જોડાઈ જાય છે.

રાધિકા: "લે આવી ગયો ને તારો સુજલ. સવારની સુજલ મળે એટલે આમ કરી દઈશ ને એ મળશે તો પેલું કરી લઈશ. કંઈ કર્યું કે નહી?"

સુજલ: " રાધિકા, બીજું શું કહેતી હતી તારી બેન? કોઈ ખતરનાક પ્લાન તો નથી ને?" (રાધિકાને તાળી આપે છે.)

તોરલ: "હા, ખતરનાક જ પ્લાન છે. તને કાલે ખબર પડી જ જશે. કાલે ગોકુળ અષ્ટમી છે. કૃષ્ણ જન્મ સમયે ખતરનાક પ્લાન કરેલો છે. જોઈ લેજે." (ખડખડાટ હસતી રાધિકા જોડે તોરલ ભાગી જાય છે. )

સુજલ ત્યારે અમદાવાદની મેડિકલ કોલજમાંથી ડોક્ટરનો અભ્યાસ કરી રહેલો હોનહાર વિદ્યાર્થી હતો. એનાં પિતાજી એ આઠ વર્ષનો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા. પિતાજીના અવસાન બાદ સુજલને લઈને સુજલની મમ્મી આ ગામમાં રહેવા આવી ગયેલા. સુજલનાં મમ્મી ગામની શાળામાં શિક્ષિકાની નોકરી કરતાં અને સાંજે ટ્યુશન કરાવી ઘર ચલાવતા.

સુજલ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. નાનો હતો ત્યારથી સમજુ એટલો બની ગયેલો કે નાના મોટા કામમાં અને ઘરકામમાં એનાં મમ્મીને મદદ કરતો. દસમા ધોરણમાં એનો જિલ્લામાં પ્રથમ ક્રમાંક આવેલો. પછી જ્ઞાતિના પ્રમુખ અને શિષ્યવૃત્તિની સહાયથી 12માં ધોરણમાં 93 ટકા સાથે પાસ થયેલો. બારમા ધોરણમાં આવેલાં પરિણામથી સૂજલને અમદાવાદ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયેલું.

તોરલ ગામના મુખીના નાના ભાઈની દીકરી હતી. જયારે સુજલ પહેલી વાર આ ગામની શાળામાં આવેલો ત્યારે એના પ્રથમ દોસ્ત રાકેશની બહેન હતી તોરલ. ગામ નાનું હતું એટલે અમુક રિવાજો અને તહેવારો બધા લોકો સાથે રહીને મનાવતા. પણ ગામમાં હજી લોકો છોકરા છોકરીની મિત્રતા મામલે લોકોના અભિપ્રાય અલગ અને થોડા પ્રાચીન હતા.

તોરલ અને સુજલ થોડા સમય માટે એક જ સ્કૂલમાં ભણતા. તોરલ ભણવામાં થોડી ઠીક હતી. સુજલ,રાકેશ, રાધિકા અને તોરલ ચારેય જણા કલાકો સુધી નાના હતા ત્યારે રમતા. પણ સમય જતાં બાળસહજ રમવાનું બંધ થયું અને સુજલના અમદાવાદ જવાથી મળવાનું પણ એકદમ ઓછું થયું. પણ તોરલના કહેવાથી સુજલ હંમેશા સાતમના મેળા માટે ખાસ અમદાવાદથી આવતો.

મુસાફરી કરીને સુજલ થાકેલો હોવાથી પોતાના ઘર તરફ જવા છકડામાં બેસે છે. સૌરાષ્ટ્રના ગામડામાં હજી ય છકડાની સવારીની મજા જ કાંઈક અલગ છે. છકડો એને ગામની પાદર ઉતારીને આગળ જતો રહે છે.

સાતમ આઠમ હોવાથી સૌરાષ્ટ્રના દરેક ગામની રોનક એના મેળામા દેખાય છે. સૌરાષ્ટ્રના ગામોમાં આ સમયે 3 દિવસથી લઈને 5 દિવસના મેળાનું આયોજન થતું હોય છે. સુજલના ગામમાં પણ મેળો હતો. એટલે સાંજે બધી ભીડ મેળા તરફ જતી હતી. પણ સુજલ તો મેળાથી વિરૂધ્ધ પોતાના ઘરે જવામાં ઉતાવળો હતો.

ભીડથી બચવા સુજલે આગળની એક ગલીમાં વળાંક લીધો. થોડી અવાવરૂ ગલી હતી પણ અહીંથી એનું ઘર નજીક પડતું અને મેળાની ભીડ પણ નહતી. સુજલ ઝડપથી ચાલવા લાગ્યો પણ ત્યા જ એણે કોઈકના પગરવનો અવાજ સાંભળ્યો. જાણે કે કોઈક એનો પીછો કરી રહ્યું હોય.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020