Hasta nahi ho bhag 8 books and stories free download online pdf in Gujarati

હસતા નહીં હો! - ભાગ ૮


શીર્ષક:ઓનલાઈન પેમેન્ટની કલા

આમ તો મારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી જરૂર કરતાં વધારે પડતી કહી શકાય એવી સારી છે કે મારે કોઈ વસ્તુ ખરીદવાની આવતી જ નથી: ઓનલાઇન પણ નહીં અને ઓફલાઇન પણ નહીં.પરંતુ કોઈના લગ્નમાં આપણે ત્રણ ત્રણ દિવસ સુધી જઈએ નવ ટક, પેટ જ્યાં સુધી એમ ના કહે કે,"હવે બસ કર અન્યથા હું ફાટી જઈશ." ત્યાં સુધી ખાઈએ ત્યારે માનવ સ્વભાવમાં રહેલી થોડી એવી સજ્જનતા બહાર આવે અને આપણને ભેટ આપવાનું મન થતું હોય છે.આ ભેટ જે લગ્નરૂપી કુંડમાં હોમાવાનો હોય એને આપવાની હોય છે.એ ભેટ ખરીદવા માટે હવે તો 'ઓનલાઇન' અને 'બજારું ખરીદી' બંને વિકલ્પ છે.

"છેક પુરાતન કાળથી લઈને આજ દિન સુધી માણસમાં હંમેશા કઈ વૃત્તિ પ્રબળ રહી છે?" ઈતિહાસના શિક્ષકે એના વર્ગમાં પૂછ્યું.એક મારા અને તમારા જેવા વાત ડાહ્યા છોકરાએ જવાબ આપવા હાથ ઊંચો કર્યો.શિક્ષક કોઈ પથ્થરને હીરામાં રૂપાંતરિત થતાં જોતા હોય એવી રીતે છોકરા સામે જોઈ રહ્યા અને જવાબ આપવાની ઇશારા વડે સંમતી આપી. છોકરો પથ્થરમાંથી હીરો નહિ પણ પારસમણી બની ગયો હોય એવા વટ સાથે ઉભો થયો અને કહ્યું કે,"સાહેબ આ પ્રશ્નનો જવાબ છે આળસ." પછી શું થયું એ કહેવાની જરૂર નથી.પણ છોકરા ની વાત તો એકદમ ખરી છે કે પહેલેથી જ માણસમાં આળસવૃત્તિ પ્રબળ છે.

પણ તમે જાણો છો આ આળસની એક મોટી સિદ્ધિ શું છે?આજે આપણે જે કોઈ ઓનલાઈન, ટેકનોલોજીકલ સુવિધાઓ ભોગવીએ છીએ એ સંશોધકની મહેનત કરતા માણસની આળસનું જ ફળ છે.જો ઈશ્વરે માણસને આળસ ન આપી હોત તો વિજ્ઞાન આટલું આગળ ન આવી શક્યું હોત.સદ્ભાગ્યથી,મારા ગયા જન્મમાં મેં કરેલા થોડા ઘણા પુણ્યથી મને પણ આ આળસ નામનું તત્ત્વ ઈશ્વરે ગાડા ભરી ભરીને આપ્યું છે.આથી મારે જ્યારે જ્યારે લગ્નમાં જવાનું થાય અને ભેટ આપવી પડે એમ હોય ત્યારે હું આળસને પ્રતાપે ઓનલાઇન ખરીદીનો જ વિકલ્પ પસંદ કરું છું પણ આ ઓનલાઇન ખરીદીની એક ખામી એ છે કે એમાં વસ્તુ ના પૈસા ચૂકવવા પડે છે અને એ પણ ઓનલાઇન!

વિજ્ઞાન આટલુ બધુ આગળ નીકળી ગયું છે ત્યારે મને પણ ક્ષણવાર તો આર્ટ્સનો અભ્યાસ છોડી દઈ કોઈક વખત વિજ્ઞાન પ્રવાહમાં ઘૂસી એવું સંશોધન કરવાનું મન થાય છે કે એવી ઓનલાઇન ખરીદીની પદ્ધતિ શોધી કાઢું કે જેમાં ખરીદી કરવાની ઓનલાઇન પણ પૈસા ચૂકવવા પર પ્રતિબંધ!પણ નકામો બીજા વિજ્ઞાનના આગામી વિદ્યાર્થીઓએ મારા પર અભ્યાસ કરવો પડશે અને એ બધાને નકામી તકલીફ પડશે એવી કરુણા સભર વિચારધારાથી હું એ કરવાનું માંડી વાળું છું.જોકે ઓનલાઇન પદ્ધતિમાં કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ મળે છે પણ જ્યારે વસ્તુ ઝડપથી જોતી હોય ત્યારે એ દ્વાર બંધ હોય છે.

"લગ્ન નજીક આવી ગયા પણ હજુ ભેટમાં આપવાની વસ્તુ લાવવાનો તને સમય ન મળ્યો?"આ પ્રકારનું વાક્ય મારા પિતાજી અવારનવાર કોઈ ભેટ ને પાત્ર મુરતિયા કે કન્યાના વિવાહમાં જવાનું હોય ત્યારે કહેતા હોય છે."એ થઈ જશે તમે ચિંતા ન કરો." ચિંતા કરવાનો વિષય હોવા છતાં આ પ્રકારનો જવાબ હંમેશા આપી દઉં છું. પણ દર વખતે મારી કાર્યવૃત્તિ પર,જેમ કામ વિકાર પ્રહાર કરી યુવાનોની અભ્યાસનિષ્ઠાનો ભંગ કરે તેમ આળસવૃત્તિ મારી કાર્ય વૃત્તિ પર પ્રહાર કરી તેને તોડી પાડે છે.મને તો જીવનમાં હમે આળસ જેવી બીજી કોઇ ઉત્તમ વસ્તુ દેખાઇ નથી.ખબર નહિ કયા મૂર્ખાઓએ એને આટલી બદનામ કરી હશે?પણ હવે એ વાત બીજી કોઈ વખતે કરીશું.

એક વખત અમારા અંગત સગા ના લગ્નમાં જવાનું હોવાથી શું ભેટ આપવી એ ઉપર અમારા ઘરના ખોબા જેવડા હોલમાં જ્ઞાનસત્ર અથવા ચર્ચા સભા યોજાઈ.જેમાં હું અને મારા પિતાજી બે જ સભ્યો હતા.મેં પિતાજી સામે પુસ્તક આપવાનો પ્રસ્તાવ મૂક્યો અને તે પુસ્તક ફાધર વાલેસ નું લગ્ન સાગર હતું. મારા પિતા એટલા સદ્ભાગ્યશાળી છે કે તેને સાહિત્ય શું ચીજ છે તેની ખબર નથી."મારે એક પ્રેમિકા છે અને એના પેટમાં મારુ બાળક છે.પણ એના માતા-પિતા તૈયાર નથી એટલે હવે અમે કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છીએ." આ પ્રકારનું વાક્ય મેં પિતાજીને કહ્યું હોય અને એનો જે પ્રકારનો ચહેરો થાય એવો જ ચહેરો મારા પુસ્તક આપવાના પ્રસ્તાવથી મારા પિતાજીનો થયો.

"હવે એ તારા થોથા તું વાંચ,બીજાને એમાં શું રસ પડે?"પિતાજીએ તીર ફેંક્યું." પપ્પા તમે જાણતા નથી તમારી 1000ની નોટ પરણી રહેલાની વચ્ચેની ગેરસમજ દૂર ન કરી શકે,પણ મારું પુસ્તક કરી શકે."મેં ફિલસુફીથી પિતાજીના તીરનું સ્વાગત કર્યું."આટલા પુસ્તકો વાંચીને પણ તારા માં કોને શું ભેટ આપવી જોઈએ એ સમજદારી ન આવી ને ગામના લગ્ન બચાવવા ચાલ્યો છે!બેઠું રે બેઠું....હાલી નીકળ્યો છે તે.... આવું બધું તને સુઝાડે છે કોણ? પેલો ગુજરાતીનો માસ્તરને?" પિતાજીએ સીધું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને હું ઘવાયો."એ જેને શીખવાડ્યું હોય એનું તમારે શું કામ છે?" વિલે ચહેરે મેં કહ્યું.પિતાજી મોં મચકોડી,કડક ફોજદાર ગુનેગાર સામે નજર ફેંકે એવી નજર ફેંકી ચાલ્યા ગયા.

ત્યાર પછીના દિવસે હું ઉઠીને મારી ઉથલપાથલ થઇ ચૂકેલી નિત્ય ક્રિયાઓ પતાવીને નાસ્તો કરવા બેઠો હતો ત્યાં જ કડક ફોજદાર ઉર્ફે મારા પિતાજીનો અવાજ સંભળાયો,"લે રાખ્યા છે અહીં 250 રૂપિયા.લઈ લેજે તારા થોથા. મોડું ન કરતો દર વખતે ની જેમ."આ ચમત્કાર કેમ થયો એની ખબર નથી પણ જેમ થયો હોય તેમ મેં સ્વીકાર્યો. મારા માતુશ્રી તો,"આ વેદિયો આપણી આબરૂ ના ધજાગરા કરશે.''એવા મધુર વચન મને સંભળાવી ચૂક્યા હતા એટલે એનું આ કાર્ય હોય એવી વિચારણા સદંતર ખોટી હતી. પણ ચમત્કાર ને સમજવાનો ન હોય સ્વીકારવાનો હોય છે.

ને પછી હું સાઇકલ પર એવી રીતે નીકળ્યો જાણે મગધ નગરીનો રાજા તેના સેચનક હાથી પર નીકળ્યો હોય! પણ એ મારી શાહી સવારી થોડી જ વારમાં નિરાશાની સવારી બની ગઈ. મુરતિયા માટેનું પુસ્તક તો તરત જ મળી ગયું પણ કન્યા નું પુસ્તક ક્યાંય મળે નહીં.મોટાભાગે 'અહીં' જ લોચા હોય છે.હું એટલો રખડ્યો કે મેં પહેરેલ શર્ટ એના મૂળ સ્વરૂપને ખોઇને કોઈએ લાદી સાફ કરવા માટેનું પોતું મને પહેરાવી દીધું હોય એવો એ શર્ટ દેખાવા લાગ્યો.હવે શું કરવું એની ચિંતામાં હું ઘરે આવી ગયો.

ટીવી જોતાં જોતાં મને સૂઝ્યું કે હું પુસ્તકો ઓનલાઈન મંગાવી લઉં તો? ને આળસવૃત્તિ સતેજ થાય છે હું ઘોટાઈ જાઉં એ પહેલા એ ભીષ્મકર્મ કરવાનો મેં નિર્ણય કર્યો.(મારા માટે બધા ભીષ્મકર્મ જ હોય છે,કોઈ વિદુર કર્મ,ધૃતરાષ્ટ્ર કર્મ હોતા નથી.) મેં ઓનલાઈન શોધખોળ આદરી,મારા એક હાથીકાય મિત્રની મદદ લીધી અને પૂરા બે કલાકના શ્રમ બાદ, એ સમયની નિંદ્રા અને તેમાં આવતા સપનાના બલિદાન બાદ મને મારુ એ ભેટમાં આપવાનું પુસ્તક મળ્યું.કોઈ ભૂખ્યા વૃકોદરને અન્નકોટ મળે,કોઈ જ્ઞાનપિપાસુ ને પુસ્તકાલય મળે,કોઈ ઝાડા થયા હોય તેને જાજરૂ મળે અને જેટલો આનંદ થાય એટલો મને થયો અને તરત જ પુસ્તક મંગાવી લીધું.

પુસ્તક મંગાવ્યા અને હજુ બે દિવસ થયા ને મને મેઈલ આવ્યો કે પુસ્તક ઉપલબ્ધ ન હોવાથી તમારો ઓર્ડર રદ કરવામાં આવે છે.પૈસા બે ત્રણ દિવસમાં પાછા મળી જશે અને સદભાગ્યે મારા વૃદ્ધોના પુણ્યપ્રતાપે મળી પણ ગયા.પણ પુસ્તક નો પ્રશ્ન તો ત્યાં જ ઊભો હતો.ફરી શોધખોળ આદરી ને બીજી સાઇટ ઉપર જઈને મંગાવવાનું નક્કી કર્યું પણ ત્યાં મારી અંદર રહેલું દોઢડાહ્યાપણું બહાર આવ્યું.મને થયું કે સાઇટ પર જઇને મંગાવુ એના કરતા સીધો ફોન નંબર લગાડી મંગાવી લેઉં તો. હું જ્યારે દોઢ ડાહ્યો બની જાવ છું ત્યારે મારી કાર્ય વૃત્તિ સતેજ બને છે એટલે મેં તેને ફોન જોડ્યો,પુસ્તક મંગાવ્યું અને બે દિવસમાં પુસ્તક મેળવવાની ખાતરી મેળવી.

પણ મારા પ્રિય વાચકો,તમારી માફી માંગીને કહું છું કે આ નિબંધનો વિષય હવે અહીં શરૂ થાય છે.ઓનલાઇન પેમેન્ટની કળા બધાને સિદ્ધ હોતી નથી. મારું ટેકનોલોજી અને છોકરી બંને વિષયોમાં જ્ઞાનની બાબતે એક મોટું મીંડુ પ્રવર્તે છે.મેં પુસ્તક મંગાવ્યું એટલે એ પ્રતિનિધિએ કહ્યું કે તમે આ નંબર પર જ પેટીએમ કરી દો.આની પહેલા પણ આ પ્રયોગ કરી ચુક્યો હતો અને સફળ થયેલો એથી હા પાડી અને 'करिष्ये वचनं तव।'ને અનુસર્યો.પૈસાની ચુકવણી બાદ જ એ પુસ્તક મોકલે એ સ્વાભાવિક છે.

મેં તે જ દિવસે બપોરે પેટીએમ દ્વારા પૈસા ચૂકવવાનો પ્રયત્ન આદર્યો તે છેક રાત્રી સુધી એ જ કર્યું પણ નિષ્ફળતા સિવાય કંઈ મળ્યું નહીં ને એ બધાની વચ્ચે પહેલા પ્રતિનિધિના ચારેક ફોન પણ આવી ગયા.કંટાળીને મેં મૂકી દીધું પણ મેં અગાઉ કહ્યું એમ મુજબ ઘણી વખત મારામાં દોઢડાહ્યાપણું જાગે છે અને એ ત્યારે જાગ્યુંઅને મેં તરત જ પેટીએમ વોલેટમાં પપ્પા ના ખાતા માંથી પૈસા પધરાવ્યા.પણ કોણ જાણે કેમ એ તુક્કો પણ કામ ન આવ્યો.મારા અથાગ પ્રયત્નો બાદ પણ એ ન થઈ શક્યું ત્યારે મેં એના નિષ્ણાંતને ફોન કરીને પૂછ્યું ને એણે મારી આ નિષ્ફળતા પાછળના કારણનો ફોડ પાડ્યો.

એણે મને કહ્યું કે તે કેવાયસી કરાવ્યું નથી હવે કંઈ નહીં થાય.પહેલા જઈને કેવાયસી કરાવો,પછી જ એ શક્ય બનશે.વોલેટના પૈસા પણ ખાતામાં ત્યાર પછી જ પાછા આવી શકશે. કેન્સરના દર્દીને ખબર પડે તેને લોહીનું કેન્સર છે,હૃદય રોગીને ખબર પડે કે તેની બધી જ નસ બંધ થઈ ગઈ છે,કોઈ પત્નીઘેલા પતિને ખબર પડે કે તેની પત્ની બીજાને પ્રેમ કરે છે ત્યારે જેવો આઘાત આરોપીઓ અને પતિને થાય એવો જ આઘાત મને અને મારા પિતાજીને લાગ્યો અને દર વખતે ની જેમ મારે મારી મુર્ખતા માટે લાંબા જ્ઞાનવર્ધક ભાષણનું માતા પિતા અને મોટાભાઈના કંઠે રાત્રિના ૧૨ વાગ્યા સુધી આકંઠ રસપાન કરવું પડ્યું.

બીજો દિવસ થયો અને મને એમ થયું કે મારા એક મિત્રને પૂછી જોઉં કદાચ એ સહાય કરશે.એને મને એ પ્રતિનિધિ અથવા એ પુસ્તક વિક્રેતા ના ખાતામાં પૈસા નાખી દેવાનો વિચાર આપ્યો મેં પ્રતિનિધિને કહ્યું અને એને બે કલાક બાદ વિગત મોકલી પણ "જ્યારે તમારા નસીબ ખરાબ હોય ત્યારે તાડના વૃક્ષ નીચે બેસો તો પણ માથું ફૂટે.''એવું કંઈક ભર્તુહરિએ કહ્યું છે એ મુજબ મારુ જે બેંકમાં ખાતું હતું એની એપ જ કામ કરતી નથી ત્યારે તે કુરુક્ષેત્રની વચ્ચે ઝોલા ખાતા મુજ તણા અર્જુનની વહારે મારા પિતા કૃષ્ણ બની આવ્યા અને મને ગુગલ પેનો વિકલ્પ બતાવ્યો.નિયતિને થયું હશે કે,"બસ હવે બહુ હેરાન થઈ ગયો આ માણસ!"એટલે આ તુક્કો સફળ રહ્યો અને ગુગલ પે થકી એ વિક્રેતા ના ખાતામાં રૂપિયા નાખ્યા અને મને બે દિવસમાં ભેટમાં આપવાનું પુસ્તક પણ મળી ગયું.

પણ આ બધી ઝાકમઝાળમાં પુરા બે દિવસ લાગ્યા અને મારા મગજ ની બધી જ નસોમાં લોહીને બદલે રાજકોટની લીલી ચટણી ઉલટી વહેતી હોય એવું મને લાગ્યું ને પાછા પેલા 240 રૂપિયા હજુ પેટીમ વોલેટમાં જ છે.તમારી આસપાસ કોઈ કે વાય સી કરતું હોય તો કહેજો જેથી મારા પિતાજીના અને મારા હ્રદય ને શાંતિ મળે.