Red Ahmedabad - 2 books and stories free download online pdf in Gujarati

રેડ અમદાવાદ - 2

૨૦૨૦, જાન્યુઆરી ૧, અમદાવાદ,

પ્રભાતના ૦૫:૦૦ કલાકે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુજલામ નામના બહુમાળી ભવનના ચોથા માળે, મકાન ક્રમ ૪૦૨ના શયનકક્ષમાં મોબાઇલનો રણકાર સંભળાઇ રહ્યો હતો. પહેલી રણકારની કોઇ અસર દેખાઇ નહિ. ૩૧ ડિસેમ્બરની ઉજવણીના બંદોબસ્તની કામગીરીના થાકના કારણે સોનલ આરામ કરી રહેલી. બીજી વખત ફરીથી મોબાઇલ રણક્યો. પલંગમાં તેણે હાથ ફેરવીને મોબાઇલ શોધવાનો પ્રયત્ન કર્યો. ફોન હાથ લાગ્યો નહિ અને રણકાર અટકી ગયો. ૩૫ વર્ષની સોનલ માધુ પલંગમાં વિકર્ણની જેમ ત્રાંસી સૂતેલી. તેણે શ્યામ ટી-શર્ટ અને ગ્રે સ્કર્ટ ધારણ કરેલું હતું. ડાબો પગ વાળેલો અને પાની જમણા પગના ઘૂંટણને સ્પર્શેલી હતી. ઊંધા માથે સૂતેલી તેણે માથા પર ઓશીકું રાખેલું હતું. તેણે કોઇ દિવસ તેના દેખાવ પર સામાન્ય સ્ત્રીઓની જેમ ધ્યાન આપ્યું નહોતું. કોઇ પણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કર્યો નહોતો. તેને દુનિયાની કોઇ ચિંતા જ નહોતી. ફક્ત ફરજ દરમ્યાન સોંપવામાં આવતા કાર્યોમાં બને તેટલા વહેલા ન્યાય મળે તે જ તેનો આશય રહેતો. મોડી રાત સુધી ફરજ નિભાવવાના કારણે લાગેલી ભૂખ સંતોષવા મંગાવેલા પુલાવમાંથી બાકી વધેલો પુલાવ, પલંગની જમણી તરફ ગોઠવેલી ટીપોઇ પર હજુ થાળીમાં જ પડેલો હતો. સંપૂર્ણ ઓરડામાં પુલાવમાંથી આવતી સુવાસ ફેલાઇ ચૂકેલી. તેના બધા જ વસ્ત્રો વ્યવસ્થિત રીતે પલંગની ડાબી તરફના ટેબલ પર ગોઠવેલા હતા. જ્યારે કક્ષમાં રહેલા અરીસાની બરોબર સામેની તરફ ટીંગાળેલ વસ્ત્રની જોડી તેની ઓળખ હતી.. તે હતો સોનલનો ગણવેશ. એસીપી તરીકેની ફરજ નિભાવતી હોવાને કારણે તેનો પોલીસ-ગણવેશ. ફરીથી ફોન રણક્યો. ફરીથી તેણે પલંગમાં હાથ આમતેમ ફેરવ્યો અને આ વખતે તેને ફોન મળી ગયો.

‘હેલો...’, ફોન ઉપાડતાં જ સોનલ ઊંઘમાં જ બબડી. આંખો ખૂલતી નહોતી.

‘મેડમ...આકસ્મિક આવશ્યકતા.’, સામેથી ફક્ત આટલા જ શબ્દો સંભળાયા.

‘ક્યાં?’

‘સી. જી. રોડથી ઝેવિયર્સ ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર...’

‘પહોંચું છું.’, સોનલના હાથમાંથી ઊંઘને કારણે ફોન પલંગ પર સરકી ગયો.

સોનલ ફોન હાથમાંથી છટકતાંની સાથે જ સફાળી જાગી. વાળને ખેંચીને અંબોડો વાળ્યો. ટીપોઇ પર થાળીની પાસે રહેલ પાણીની બોટલ ઉપાડી પાણી પીધું. તે ધારણ કરેલા પદની જવાબદારી પ્રત્યે હંમેશા જાગૃત રહેતી. આથી તીવ્રતા સાથે ૧૫ મીનીટમાં તૈયાર થઇ ગઇ. કક્ષમાં ઉત્તર દિશામાં ગોઠવેલા અરીસામાં હંમેશા તૈયાર થયા પછી સોનલ પોતાની જાતને નિહાળતી. પોલીસ-ગણવેશ ધારણ કરેલી સોનલ ભરાવદાર ચહેરો, અણીદાર નાક સાથે પાણીદાર શ્યામ નેત્રો ધરાવતી હતી. પોલીસની તાલીમ લીધેલી હોવાને કારણે કસાયેલા તન, તેમજ પહોળા ખભા સાથે તે પુરૂષ પોલીસકર્મીઓ સમોવડી જ હતી. કમરમાં ગણવેશના પટ્ટામાં બંદૂક લગાવેલી રહેતી. અરીસામાં નિહાળતા તે પ્રત્યેક ગણવેશ ધારણ કરનાર પોલીસકર્મી પ્રત્યે ગર્વ અનુભવતી. સોનલનો આ નિત્યક્રમ હતો અને પછી જ તે ફરજ પર જવા નીકળતી હતી. સુજલામમાં નીચે આવતાંની સાથે જ તે ઝડપથી એસીપીને આપવામાં આવતી ટાટા સુમોમાં સવાર થઇ ગઇ. તેની ટુકડીના સભ્યો પણ સુમોમાં બિરાજમાન થયા. સોનલના કિનાય સાથે જ ચાલકે સુમોને ઘટના સ્થળ તરફ હંકારી.

*****

સવારના ૦૫:૪૦ કલાકે

સુમો ઘટના સ્થળ પર રોકાતાની સાથે જ સોનલ મકાનના દરવાજા પાસે પહોંચી.

‘આ ઘર તો મનહર પટેલનું છે.’, સોનલની તીવ્ર ચાલ સાથે તાલમેલ સાધતા તેની ટુકડીના એક સભ્યએ જણાવ્યું.

‘પટેલ, જાણીતા કાર્યકર્તા...’, સોનલે અનુમાન લગાવ્યું.

‘હા! મેડમ.’, સભ્યએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો.

સોનલ તેની ટુકડીના સભ્યો સાથે મકાનમાં પ્રવેશી.

મકાનનો દરવાજો પૂર્વ દિશા તરફ ખૂલતો હતો. જેથી ઉગતા સૂર્યની કિરણો પ્રત્યક્ષ રીતે ઘરમાં પ્રવેશી શકે. દાખલ થતાંની સાથે દીવાનખંડમાં સામેની દિવાલ પર ૬૫ ઇંચનું ટીવી અને તેની બરોબર ઉપર એરકંડીશનર લગાવેલું હતું. ટીવીની સામે સોફા અને તેની જમણી તરફની દિવાલને લગોલગ ડાઇનીંગ ટેબલ ગોઠવેલું હતું. કક્ષમાં બે દરવાજા હતાં. એક રસોડા તરફ અને બીજો બેડરૂમ તરફ જતો હતો. રસોડાની પાછળની તરફ વાસણ-કપડાં ધોવા અર્થે નાનકડો ઓટલો બનવેલો. તે તરફ જતા રસોડાના દરવાજા પાસે લોખંડની મજબૂત જાળી બંધ બેસાડેલી હતી. મકાનના બીજા માળ પર જવા માટે પાછળની તરફથી નિસરણી બનાવેલી, જેની આગળ પણ જાળી અને તેને પણ તાળું મારેલું હતું. ઘરના પ્રવેશદ્વારની પાસેનો ખૂલ્લો વિસ્તાર નાનકડા બાગ સાથે સુશોભિત હતો. પૂરા મકાનનું ચક્કર લગાવીને સોનલ બેડરૂમમાં દાખલ થઇ.

બેડરૂમમાં બરોબર મધ્યમાં વિશાળ પલંગ ગોઠવેલો અને તેના પર પટેલનો મૃતદેહ બાંધેલી અવસ્થામાં હતો. શરીર પર ફક્ત એક કાળી ચડ્ડી જ હતી. પલંગ પર બાંધવામાં આવેલા હાથમાં જમણા હાથ પર ચાકુનો ઘાવ દેખાઇ રહેલો. જમણા પગ પર પણ તેવો જ ઘા હતો. તેની આસપાસ લોહીનું ખાબોચિયું સૂકાઇ ચૂકેલું. જે મોત વધુ પડતા રક્તસ્ત્રાવને લીધે થઇ હોવા તરફ ઇશારો કરી રહેલું. તેમજ પલંગ પરની ચાદરની અવ્યવસ્થિતા દર્શાવી રહી હતી કે મૃત્યુને શરણ થતાં પહેલાં પટેલે તરફડીયા માર્યા હતા. કક્ષની દરેક વસ્તુઓ તેમના સ્થાન પર વ્યવસ્થિત ગોઠવાયેલી હતી. ઝપાઝપી થઇ હોય તેવું લાગતું નહોતું. સોનલે મૃતદેહની નજીક જઇને નિહાળ્યું કે તેના ડાબા બાવળા પર સોય ભોંકવામાં આવી હોય તેવું નિશાન હતું. શરીર પર બે ઘા સિવાય બીજી કોઇ જ પ્રકારના ઘાવ નહોતા. ડાબા હાથની ચાર આંગળીઓ કાપી નાંખવામાં આવેલી અને ચહેરાની પાસે સિંહની પ્રતિકૃતિવાળું નકાબ પડેલું હતું. પલંગની જમણી તરફ રાખ પડેલી હતી. સોનલે તેની ટુકડીને તેમની કાર્યવાહી પૂર્ણ કરી શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા જણાવ્યું.

સોનલની ટુકડીમાંનો એક સભ્ય જગાના પ્રત્યેક ખૂણાના ફોટા ખેંચવા લાગ્યો.

‘શું લાગે છે?’, સોનલે મેઘાવીને પૂછ્યું.

મેઘાવી દરજી સોનલની ટુકડીમાં સીનીયર ઇંસ્પેક્ટર તરીકે ફરજ નિભાવતી હતી. સોનલની માફક જ તેજ આંખો ધરાવતી મેઘાવીની નજરથી ગુનેગારનું બચવું મુશ્કેલ હતું. ગુનેગારના પેટમાં છુપાયેલી વાતને બહાર કાઢવામાં તે માહેર હતી. તે સોનલ કરતાં બે ઇંચ ઓછી ઊંચાઇ ધરાવતી હતી. સોનલના અમદાવાદમાં બદલી થતાંની સાથે જ તેની ટુકડીમાં મેઘાવીનો સમાવેશ કરવામાં આવેલો. બન્ને જણાંએ તેમની સાત વર્ષની સાથે વિતાવેલી કારકિર્દીમા એક પણ કેસ એવો નહોતો છોડ્યો કે જેનો નિર્ણય આવ્યો ન હોય. આથી જ તેમની અમદાવાદમાંથી અન્ય કોઇ સ્થળ પર બદલી થતી ન હતી.

‘વેર વાળવા માટે કર્યું હોય તેમ લાગે છે.’, મેઘાવી અને સોનલ ઘરના આગળના ભાગમાં બનાવેલા બગીચા તરફ ચાલવા લાગ્યા.

બગીચામાં સોનલના નજર અસ્તવ્યસ્ત પડેલા એક સ્વેટર અને ડેનીમ પેંટ પર પડી. સ્વેટર જોઇને લાગતું હતું કે તે કોઇ સ્ત્રીનું હતું. જ્યારે ઘેરા વાદળી રંગનું ડેનીમ કોઇ પૂરૂષનું હોય તેવું પ્રતીત થયું. બન્ને જણાંને બગીચામાં કોઇ યુગલ હતું તે અનુમાન પર પહોંચતા વાર લાગી નહિ.

‘રમીલાબેન...’ સોનલે બગીચામાંથી જ બૂમ લગાવી.

સોનલની ટુકડીમાં કોન્સ્ટેબલ તરીકે રમીલા પરમાર ફરજ નિભાવતા હતા. અમદાવાદના કોઇ પણ ખૂણામાં બનેલા બનાવની જાણકારી પોલીસના ખાસ ખબરીઓ પાસેથી મેળવવામાં રમીલા માહેર હતી. સામાન્ય શારીરીક બાંધા સાથે તેની વાક્ચાતુર્યતા અજબની હતી. હંમેશા જમણા હાથમાં પોલીસની લાક્ષણિક લાકડી રાખતી તે પૂરા શહેરમાં આંટાફેરા જ કર્યા કરતી.

‘બોલો... મેડમ’, રમીલા ઝડપથી બગીચામાં દાખલ થઇ.

‘આ વસ્ત્રો વિષે તપાસ કરો.’, મેઘાવી સ્વેટર અને ડેનીમ રમીલાને સોંપ્યા.

‘અને હા, સી.જી. રોડ પર અહીંથી ખૂલતા દરેક માર્ગ પર લાગેલા સીસીટીવી પણ ચકાસો.’, સોનલે ડાબા હાથની બે આંગળીઓ કપાળ પર ઘસી.

સોનલની ટુકડીના પાંચ સભ્યોમાં સોનલ સાથે એક વાહન ચાલક અને એક જુનિયર ઇંસ્પેક્ટર સિવાય બે મહિલાઓનો સમાવેશ થતો હતો. જુનિયર ઇંસ્પેક્ટર તરીકે વિશાલ સોની અને ચાલક તરીકે બિપીન વાઘેલા ફરજ નિભાવતા હતા. વિશાલ પોલીસની કામગીરી સિવાય કોમ્પ્યુટરમાં પણ અત્યંત માહેર હતો. તેણે સામાન્ય જનતાની જાણકારી માટે એક બ્લોગ બનાવેલો જેમાં પોલીસ દ્વારા આપવામાં આવતી દરેક સૂચનાઓ અને ચેતવણીઓ જણાવવામાં આવતી. જેના કારણે અમદાવાદની જનતા ઘણી ખરી રીતે પોલીસની કાર્યપદ્ધતિની જાણકાર બનેલી. તે બ્લોગના કારણે જ પોલીસ પ્રક્રીયાની સંપૂર્ણ પ્રણાલી પારદર્શક બની ચૂકેલી. જ્યારે બિપીન તેની જ ધૂનમાં જીવન વ્યતીત કરતો હતો. ફક્ત સોનલની સુમો ચલાવતો અને બાકીનો સમય ગપ્પા મારી પસાર કરતો.

‘મેડમ, સંપૂર્ણ જાણકારી તો પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે.’, મેઘાવીએ સોનલ સામે જોયું.

‘મને કંઇ અજુગતી ઘટનાનો અણસાર આવી રહ્યો છે.’, સોનલે મેઘાવીના ખભા પર હાથ મૂક્યો.

‘કેમ?’

‘આ ફક્ત એક હત્યાથી અટકે તેવું લાગતું નથી. બેડરૂમની પરિસ્થિતિ જોઇ...’

‘એ તો પટેલ વિષેની માહિતીનો અભ્યાસ કરવાથી જ ખબર પડશે.’

‘હા, તું સાચી છે. પરંતુ જે રીતે હત્યા થઇ છે. કોઇની પટેલ પ્રત્યેની અત્યંત ઘૃણા દર્શાવી રહી છે.’, સોનલે તેની ધારણા મેઘાવી સમક્ષ મૂકી.

‘મને પણ એવું જ લાગે છે. કોણ હોઇ શકે જે આટલી બધી નિર્દયતાથી કોઇને મોત બક્ષે?’, મેઘાવીએ મનમાં ઉદ્દભવેલો પ્રશ્ન જણાવ્યો.

‘શોધી કાઢીશું.’

*****

તે જ દિવસે, ૧૧:૪૫ કલાકે

સોનલ શાહીબાગ સ્થિત પોલીસ કમિશ્નરશ્રીની કચેરીમાં અમદાવાદના કમિશ્નરશ્રીના કાર્યાલયમાં તેમની પ્રતીક્ષામાં આવતી.

‘સુપ્રભાત, એસીપી.’, કમિશ્નરે આવતાંની સાથે જ સોનલને કહ્યું.

‘સુપ્રભાત, સાહેબ.’, સોનલે પોલીસની લાક્ષણિક છટામાં કમિશ્નરને સલામ કરી.

કમિશ્નરના કિનાય સાથે જ સોનલ ખુરશીમાં બિરાજી. કાર્યાલયમાં દક્ષિણ તરફ્થી પ્રવેશી શકાતું હતું. પ્રવેશદ્વાર ઉઘાડતાંની સાથે જ સામેની તરફ એક વિશાળ ટેબલ ગોઠવેલું હતું. ટેબલની એક તરફ કાળા રંગની કમિશ્નરને બેસવા માટેની ખુરશી અને બીજી તરફ મુલાકાતીઓ તેમજ પોલીસકર્મીઓને બિરાજવા અર્થે ચાર ખુરશીઓ હતી. પૂર્વ તરફની દિવાલ પાસે ત્રણ વ્યક્તિઓ સમાવી શકે તેવો સોફા અને તેની આગળ ટીપોઇ મૂકેલી. વિશાળ ટેબલ પર તેના જ માપનો પારદર્શક કાચ ગોઠવવામાં આવેલો જેની નીચે અમદાવાદ શહેરનો નક્શો અને તે નક્શામાં શહેરમાં સ્થિત પ્રત્યેક પોલીસ સ્ટેશન દર્શાવેલા હતા. અગત્યના ફોન નંબર તેમજ યાતાયાત સમયના સંપર્કોની યાદી પણ તે કાચ નીચે જ હતી. ટેબલના એક ખૂણા પર આધુનિક ટેકનોલોજીથી સજ્જ કોમ્પ્યુટર મૂકવામાં આવેલું અને તેની પાસે જ લાકડાની બનેલી ચાર સિંહોવાળી પ્રતિકૃતિ મૂકેલી હતી.. કમિશ્નરની ખુરશીની પાછળ પોલીસની લાક્ષણિક મુદ્રાનું વિશાળ ભીંતચિત્ર બનાવેલું હતું.

‘જુઓ, આ એક પ્રતિષ્ઢિત વ્યક્તિને લગતું છે. ખૂબ જ સંભાળીને તપાસ કરવી પડશે.’, કમિશ્નરે સોનલને કેસ વિષે જણાવ્યું.

‘હું સમજું છું. મારા પર વિશ્વાસ રાખો. મારા તરફથી પોલીસનું નામ બગડવા નહિ દઉં.’, સોનલે ખાતરી આપી.

‘મને તારી ક્ષમતાની ખબર છે. પરંતુ આ વ્યક્તિ એટલે કે ડૉ. મનહર પટેલ, તે શહેરના નામાંકિત વ્યક્તિઓમાના એક છે. તેમજ તેના રાજકીય સંબંધો પણ ખૂબ જ મજબૂત છે. હવે તેના ના રહેવાથી ઘણા બધા કાર્યો થંભી જશે. આથી જ આપણી પર રાજકીય દબાણ પણ આવી શકે.’, કમિશ્નરે પટેલ વિષે થોડું જણાવ્યું.

સોનલે થોડું વિચાર્યું, ‘સાહેબ, હું કોઇ રાજકીય દબાણને વશ થઇશ નહિ. મારી કામ કરવાની પદ્ધતિ તમે જાણો છો. સંપૂર્ણ તાળો મેળવ્યા પછી જ હું આ કેસ વિષે જણાવીશ.’

‘તારૂ ધાર્યું નથી કરવાનું. અહીં અમદાવાદના એવા વ્યક્તિની વાત છે, જે એક બહોળા સમાજનો પ્રતિનિધિ હતો. સત્તામાં રહેલા પક્ષ માટે તે મહત્વનું પાસું હતો. એક નામાંકિત શૈક્ષણિક સંસ્થાનો ટ્રસ્ટી અને ડૉક્ટર તરીકેની સફળ કારકિર્દી ધરાવતો હતો. આવા વ્યક્તિના કેસને ખૂબ જ સાવચેતીથી સંભાળવો પડશે. વળી હજુ વર્તમાનપત્રોવાળા તેમજ સમાચાર ચેનલોવાળા અને જાહેર જનતા આ કેસ વિષે ઘણી ખરી રીતે અજાણ છે. પરંતુ આવતીકાલના સમાચારપત્રમાં આવતાંની સાથે જ આખું શહેર આ ઘટના વિષે જાણી જશે. સમાચારની ચેનલો પર તો પ્રસારણ ચાલુ થઇ ગયું છે.’, કમિશ્નર ગુસ્સે થયા.

‘સાહેબ, તો તમે કેસ બીજા કોઇને સોંપી શકો છો. હું મારી પદ્ધતિથી જ કામ કરીશ અને કોઇ રાજકીય પક્ષ, બહોળો સમાજ, ડૉક્ટર સંઘ મને રોકી નહિ શકે. મારી તપાસ દરમ્યાન ઘણા ખરા લોકોના સાચા ચહેરા બહાર આવશે.’, સોનલે શાંતચિત્તે તેની કાર્યપ્રણાલી જણાવી.

સોનલ જાણતી હતી કે આવો કેસ કોઇ હાથમાં લેવા તૈયાર નહિ થાય. આથી જ તેણે અંધારામાં કેસ ન લેવા માટે તીર છોડ્યું અને ચોક્કસ નિશાના પર વાગ્યું.

‘ઠીક છે. આ કેસ તું જ સંભાળીશ. પણ હા... મને તારા પ્રત્યેક ડગલાનો અવાજ સંભળાવો જોઇએ.’, કમિશ્નરે નમતું ઝોખી સોનલને આગળ વધવા જણાવ્યું.

‘હા...’, સોનલ કમિશ્નરને સલામ કરી રવાના થઇ ગઇ.

*****