THE GOLDEN SPARROW - 3 books and stories free download online pdf in Gujarati

THE GOLDEN SPARROW - 3

3.

 

ધીમે ધીમે રાજને ઊંઘમાં આવતાં પેલાં ભયાનક સપનાની તીવ્રતામાં વધારો થવાં લાગ્યો, આ ડરામણા સપનાને કારણે રાજ અડધી રાતે ભર ઊંઘમાંથી અવારનવાર જાગી જતો હતો. આ ડરામણા સપનાંને લીધે રાજ કેટલી રાત સૂતો પણ ન હતો. જાણે રાજ આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેમ પોતે આખો દિવસ પોતાનાં જ રૂમમાં પુરાઈને રહેવા લાગ્યો, ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું,કોઈ બાબતમાં તેને રસ પડતો ન હતો.

 

રાજના આવા બદલાયેલા વર્તનને જોઈને તેનાં માતાપિતા અને બહેન ખૂબ જ ચિંતાતુર બની ગયાં હતાં, તેઓ મનોમન પોતાનાં ઇષ્ટદેવને એક જ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે, "બસ ! રાજ જેટલું શક્ય હોય તેટલું વહેલી તકે ફરી પાછો પહેલાંની માફક રાજી ખુશી અને આનંદથી રહેવાં લાગે, પરંતુ તેઓ હાલ એ બાબતથી તદ્દન અજાણ જ હતાં, હાલ રાજ પર આવી પડેલ આફત કોઈ સામાન્ય આફત નહોતી, આ આફત રાજની જિંદગીને વેર વિખેર કરવા માટે સમર્થ હતી, જેની જાણ કદાચ ખુદ રાજને પણ ન હતી.

 

ત્યારબાદ રાજનાં માતાપિતા અને બહેન આ બાબતે ખુબ જ ઊંડી ગહન ચર્ચા કરે છે, અને ચર્ચાને અંતે તેઓ એ નિષ્કર્ષ પર આવેલ છે કે હાલ રાજને કોઈ સારા સાઈકિયાટ્રીસ્ટ (મનોચિકિત્સક) ની જરૂર છે, આથી કિશોરભાઈ "નિયતિ સાઈકિયાટ્રીક હોસ્પિટલ”માં રાજ માટે એપોઇન્ટમેન્ટ લખાવે છે.

 

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : નિયતિ સાઈકિયાટ્રીક હોસ્પિટલ

 

કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવી રાજને લઈને  નિયતિ સાઈકિયાટ્રીક હોસ્પિટલે પહોચે છે, હોસ્પિટલે પહોંચ્યા બાદ કિશોરભાઈ રિસેપનિસ્ટ સાથે વાતચિત કરે છે, થોડીવાર બાદ રિસેપનિસ્ટ રાજને લઈને ડૉ. રાહુલ જૈન સરની ચેમ્બરમાં જવા માટે કિશોરભાઈને  જણાવે છે.

 

આથી કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવી રાજને લઈને ડૉ. રાહુલ જૈનની ચેમ્બરમાં પ્રવેશે છે. હાલ તે બધાનાં ચહેરા પર દુઃખ, હતાશા અને માયુસી ભરેલ રેખાઓ ઉપસી આવેલ હતી, જે ડૉ. રાહુલ જૈન ખૂબ જ સારી રીતે જાણી ગયાં હતાં.

 

"ગુડ મોર્નીગ સર..!" કિશોરભાઈ ચેમ્બરમાં પ્રવેશતા ડૉ. રાહુલ જૈનને વિશ કરતાં બોલે છે.

 

"ગુડ મોર્નિંગ !" - ડૉ. રાહુલ ચેર પર વ્યવસ્થિત બેસતાં બોલે છે.

 

"સર ! આ મારો દીકરો...રાજ...છેલ્લાં..!" - ચિંતાતુર સ્વરે કિશોરભાઈ ડૉ.રાહુલને જણાવતાં બોલે છે.

 

"એક મિનિટ...તમારા પુત્રને જ જણાવવા દો કે તેને શું તકલીફ થઈ રહી છે." ડૉ. રાહુલ કિશોરભાઈને અધવચ્ચે અટકાવતા જણાવે છે.

 

"હા ! ભયલું ! હાલ તને જે કાંઈ તકલીફ હોય, તેનાં વિશે તો રાહુલ સરને પૂરેપૂરી માહિતી આપ જેથી તારી સારવાર કરવામાં એમને સરળતા  રહે..!" ભાર્ગવી રાજને હિંમત અપાતાં બોલે છે.

 

"હા ! બેટા !"  રંજનબેન રાજનાં માથા પર હેતભર્યો હાથ ફેરવતાં બોલે છે.

 

"હા ! રાજ હું તારી પાસેથી જ તારી તકલીફ વિશે સાંભળવા માંગુ છું.!" હળવા સ્મિત સાથે ડૉ. રાહુલ રાજની સામે જોઇને બોલે છે.

 

"સર..મને છેલ્લા એક અઠવાડિયાથી કઈ ખાવું નથી ભાવતું, મને કોઈની સાથે વાત કરવી નથી ગમતી, ઊંઘ નથી આવતી, અને જો ઊંઘ આવે તો મને સતત ડર લાગ્યાં કરે છે…!" - રાજ કાંપતાં આવાજે ડૉ. રાહુલને બધી વિગતો જણાવે છે.

 

"એક્ઝેટલી..! રાઈટ..તો તને કંઈ બાબતનો ડર સતત લાગ્યાં કરે છે..?" - ડૉ. રાહુલ પોતાનાં મૂળ મુદ્દા પર આવતાં - આવતાં રાજને પૂછે છે.

 

"સર ! મારી સાથે કોઈ અઘટિત ઘટના બનશે, કોઈ મને મારી નાખવાં માંગતું હોય તેવું મને સતત લાગ્યાં કરે છે." - રાજ ગભરાહટ સાથે ડૉ. રાહુલને જણાવે છે.

 

"તો તને શું લાગે છે કે તને કોણ મારવાં માગતું હશે ? તે વ્યક્તિ તને શાં માટે મારવાં માંગે છે ? તને મારીને તે વ્યક્તિને શું ફાયદો થવાનો ?" - ડૉ. રાહુલ રાજની આંખોમાં આંખો પરોવીને એક પછી એક પ્રશ્ન પૂછવા માંગે છે.

 

"સર ! પેલો માથા વગરનો સેનાપતિ જ મને મારવા માંગે છે, શાં માટે મને મારવાં માંગે છે, એ વિશે તો મને ખ્યાલ નથી.. પણ હા મારા હાથમાં પેલી સોનાની ચકલી જોયા બાદ જ તે મને મારવાં માટે આગળ વધી રહ્યો હોય છે..!" - રાજ પોતાના મનમાં ચાલી રહેલ ડર રજૂ કરતાં ડૉ. રાહુલને જણાવે છે.

 

"સેનાપતિ…? સોનાની ચકલી..?" - ડૉ. રાહુલ નવાઈ સાથે રાજને પૂછે છે.

 

"હા ! સર..સેનાપતિ… એ પણ માથા વગરનો…!" - આટલું બોલીને રાજ પોતાનાં સપનાં વિશે ડૉ. રાહુલને  વિગતવાર જણાવે છે.

 

રાજ પાસેથી પુરેપુરી વિગતો સાંભળ્યા બાદ, ડૉ. રાહુલ પોતાના ચશ્મા વ્યવસ્થિત કરતાં બોલે છે.

 

"ઓકે તમે...રાજને બહાર લઈ જાવ અને બહાર આવેલાં બાંકડા પર બેસાડીને તમે અને તમારી પુત્રી મારી ચેમ્બરમાં પાછા આવો, તેનાં મમ્મી ભલે રાજ પાસે રહેતાં…!" - ડૉ. રાહુલ કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવીની સામે જોઇને બોલે છે.

 

ત્યારબાદ કિશોરભાઈ ડૉ. રાહુલે જે પ્રમાણે સલાહ આપેલ હતી તે મુજબ રાજને અને રંજનબેનને બહાર આવેલાં બાંકડા પર બેસાડીને ડૉ. રાહુલની ચેમ્બરમાં પ્રવેશે છે, આથી ડૉ. રાહુલ તે બંનેને પોતાનાં ટેબલની સામે રહેલ ખુરશી પર બેસવા માટેનો ઈશારો કરતાં કરતાં બોલે છે.

 

"જી ! મેં રાજની હિસ્ટ્રી સાંભળ્યા બાદ હું એટલા પ્રારંભિક તારણ પર આવ્યો છું કે હાલ રાજ "અનનોન ડિપ્રેસન" નો ભોગ બનેલ છે, અને સાથો સાથ તેનામાં હાલ હિલ્યુસીનેશનનાં ચિન્હો જોવાં મળે છે.!" ડૉ. રાહુલ પોતાનાં ગંભીર આવજે નરી વાસ્તવિકતાં જણાવતાં બોલે છે.

 

"સર.."અનનોન ડિપ્રેશન" અને "હિલ્યુસીનેશન" - એટલે શું..?" ભાર્ગવી હેરાનીભર્યા અવાજે ડૉ. રાહુલને પૂછે છે.

 

"જી ! ડિપ્રેશન બે પ્રકારનાં હોય છે, એક નોન અને બીજુ અનનોન, જેમાં નોન ડિપ્રેશન કોઈ દેખીતા કારણ જેવા કે કોઈ વસ્તુ કે વ્હાલી વ્યક્તિનાં મૃત્યુ કે ગુમાવવાથી, એકાએક આવી પડેલ મોટું આર્થિક નુકશાન, જીવનમાં મળેલ મોટામાં મોટી નિષ્ફળતા વગરેને લીધે જે ડિપ્રેશન થાય તેને નોન ડિપ્રેશન કહે છે, પરંતુ જ્યારે ડિપ્રેશન આવા કોઈ દેખીતા અજાણ્યા કારણ કે બાબતોને લીધે થાય તો તેને અમારી ભાષામાં અનનોન ડિપ્રેશન કહેવામાં આવે છે, રાજનાં કિસ્સામાં પણ આવા કોઈ નોન કારણો જવાબદાર નથી..આથી રાજ અનનોન ડિપ્રેશનનો ભોગ બનેલ છે..!" - ડૉ. રાહુલ સ્પષ્ટતા કરતાં જણાવે છે.

 

"તો ! સર..આ હિલ્યુસીનેશન એટલે શું..?" - કિશોરભાઈ ગભરાહટ સાથે ડૉ. રાહુલને પૂછે છે.

 

"હિલ્યુસીનેશન વિશે તમને એક જ શબ્દમાં જણાવું તો તેનો અર્થ થાય "ભ્રમ" એટલે કે જે વ્યક્તિ હિલ્યુસીનેશનથી પીડાતો હોય તેને અવનવા અવાજ સંભળાય, અવનવા દ્રશ્ય દેખાય પરંતુ હકિકતમાં એવું કંઈ જ હોતું નથી…!" - ડૉ. રાહુલ કિશોરભાઈને સમજાવતા જણાવે છે.

 

"ઓકે સર...તો મારા ભયલાને સારું તો થઈ જશે ને..? શું તેની હાલત વધુ ખરાબ તો નહીં થશે ને..? શું મારો ભયલું ફરી પાછી આપણી જેમ નોર્મલ લાઈફ જીવી તો શકશે ને..?" - ભાર્ગવી આંખોમાં આંસુ સાથે ડૉ. રાહુલને પૂછે છે.

 

"હા ! ચોક્કસ સારું થઈ જશે..! સારું કેમ ના થાય..! પણ…!" - ડૉ. રાહુલ થોડુંક ખચકાતા બોલે છે.

 

"પણ...પણ..શું.. સાહેબ..?" કિશોરભાઈ બેબાકળા થતાં ડૉ. રાહુલને પૂછે છે.

 

"પણ..રાજનાં પાકકા નિદાન માટે "ડીપ કોમા સાઇકો  થેરાપી"નો ઉપયોગ કરવો પડશે અને તમારે આવતી કાલે વહેલી સવારે 7 વાગ્યે કે પછી સાંજે 7 વાગ્યે મારી હોસ્પિટલે આવવું પડશે...!" - ડૉ. રાહુલ કિશોરભાઈની સામે જોઇને બોલે છે.

 

"ઓકે ! સર.. જ્યારે કહેશો ત્યારે અમે આવવા માટે તૈયાર છીએ બસ મારો છોકરો પહેલાની જેમ હસતો  રમતો થઈ જવો જોઈએ..!" - કિશોરભાઈ પોતાનાં બે હાથ જોડીને ગળગળા થતાં અવાજે ડૉ. રાહુલની વાત સાથે સહમત થતાં બોલે છે.

 

"ઓકે...તો..આપણે આવતીકાલે સવારે 7 વાગ્યે મળીએ છીએ...અને આ દવા નીચે મેડિકલ સ્ટોરમાંથી લઇ લે જો જેથી આજે રાતે રાજ શાંતિપૂર્વક ઊંઘી શકે…" ડૉ.રાહુલ કિશોરભાઈનાં હાથમાં પ્રિસ્ક્રિપ્શન લેટર આપતાં બોલે છે.

 

"જી ! સાહેબ ! ચોક્કસ…તમારો ખૂબ ખૂબ આભાર..!" કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલનો આભાર માનતા બોલે છે.

 

ત્યારબાદ કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલની ચેમ્બરની બહાર નીકળીને રાજ અને રંજનબેન જે બાંકડા પર બેસેલા હતાં તે તરફ ચાલવાં માંડે છે, જ્યારે આ બાજુ ડૉ. રાહુલ રાજનાં કેસને લઈને ઊંડા વિચારોની વમળોમાં  ખોવાય જાય છે.

 

શું રાજ આ બીમારી માંથી બહાર આવી શકશે.? શું રાજ ફરી પાછી નોર્મલ લાઈફ માણી શકશે? શું ડૉ. રાહુલ રાજની બીમારીનાં મૂળ સુધી પહોંચી શકશે.? શું રાજની સારવારમાં "ડીપ કોમાં સાઇકો થેરાપી" મદદરૂપ કારગર થશે? શું હાલ રાજ સાથે જે કાંઈ બન્યું એ તેનાં અંધકારમય ભવિષ્યની શરૂઆત હતી..?"  - આવા વગરે પ્રશ્નો હાલ ઉદભવેલાં હતાં, જેનો જવાબ હાલ રાજનાં માતાપિતા, બહેન, રાજ અને ખુદ ડૉ. રાહુલ પાસે પણ નહોતો જે માત્રને માત્ર આવનાર સમય જ આપી શકે તેમ હતું.

 

 

 

ક્રમશ