AME BANKWALA books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 19. એક પગ સ્મશાનમાં

'એક પગ સ્મશાનમાં..'

બેંક માટે ગ્રાહક સર્વોપરી છે. દરેક બ્રાન્ચમાં તમે ગાંધીજીની એ ઉક્તિ જોશો કે ગ્રાહક એની સેવા કરવાની તક આપી આપણને આભારી કરે છે..'

એમાંયે ડિપોઝીટ આપતો ગ્રાહક તો દેવતા. પહેલાં માત્ર ડિપોઝીટ લાવો એમ જ અમને કહેવાતું. પછી 'કાસા' (એટલે કરંટ એકા, સેવિંગ એકા.. આવીઆવી ફેશનેબલ ટર્મ '95 પછી વપરાવા માંડી.) લાવો, કેમ કે ફિક્સ હોય તો વ્યાજ આપવું પડે વગેરે.

એને લગતો એક મઝાનો પ્રસંગ યાદ છે. બેંકમાં મેનેજર કયા ગ્રેડનો મુકવો એ શાખાના ડિપોઝીટ, એડવાન્સના ફિગર્સ પરથી નક્કી થાય. હું દ્વારકા હતો ત્યારે બેંકે ભાણવડ બ્રાન્ચ ખોલી. શરૂમાં જુનિયર, સ્કેલ 1 (મારું ચેપ્ટર 'ચોથા વર્ગનો કર્મચારી' આ સિરીઝમાં વાંચ્યું છે ને!) નો જુનિયર મેનેજર મુકાયો. આફ્રિકાથી એક એનઆરઆઈ એ આવતા પહેલાં એ બ્રાન્ચમાં અમુક કરોડ જેવી માતબર ડિપોઝીટ મુકવાની બેંકને ઈચ્છા દર્શાવી. એમાં તો બેન્કના એ રિજિયોનલ મેનેજર એને લેવા એરપોર્ટ ગયા હતા. બ્રાન્ચ રાતોરાત સ્કેલ1 માંથી સ્કેલ 5 એજીએમ ની થઈ ગઈ. થોડા વખતમાં પેલા ગ્રાહકે એવી માંગણીઓ મુકવા માંડી જે એ વખતે બેંકથી સંતોષાય એમ ન હતું. પેલાએ ડિપોઝીટ બીજી નજીકની બેંકોમાં, ખાસ તો રોજ એને મળવા આવતા કો ઓપ બેંકના મેનેજરને આપી દીધી. બ્રાન્ચ ફરી સ્કેલ 1 માં!

ડિપોઝીટ ગઈ કે મેનેજરનું આવી બન્યું. કોઈ સ્ટાફ દ્વારા અવિવેક હોય તો તરત પગલાં પણ ભરાય. એમાં મેં એક સમય એવો પણ જોયેલો કે મેનેજરથી માંડી પીયૂન સુધીનાની બદલી સાવ નજીવા કારણસર કે ગ્રાહકની દાદાગીરી હોય તો પણ થઈ જાય. સ્ટાફ તો ખોટો જ હોય એવો વ્યવહાર રહેલો.

એ વખત પહેલાં, લેટ 80ઝ ની વાત છે.

ઉપલેટા કે એ તરફ એક સારા અને વિવેકી મેનેજરની બ્રાન્ચમાંથી ખૂબ મોટી ડિપોઝીટ ચાલી ગઈ. ગ્રાહક નજીવી વાતમાં નારાજ થઈ ગયા હતા. મેનેજરે ખૂબ ધક્કા એ ગ્રાહકની પેઢીએ ખાધાં પણ તેમને દાદ તો ન આપી, અપમાન કરી કાઢી મુક્યા.

રિજિયોનલ મેનેજરે, આમ તો મેનેજરને ખરાબ રીતે ખખડાવવાનો એમને હક્ક મળી જાય, પણ આ મેનેજરને પ્રથમ કારણ પૂછ્યું. તેમણે શું પ્રયત્ન કરેલા અને ગ્રાહક પાછો કેમ નથી આવતો એ જાણ્યું. મેનેજર મારા જાણીતા અને ઓફિસર એસો.ના કાર્યકર હતા. તેમની શાખામાં કોઈનો મોટો વાંકગુનો આ ડીપોઝિટ ગુમાવવામાં ન હતો.

રિજિયોનલ મેનેજરે ફરી એક વખત તેમણે સમજાવ્યા મુજબ ગ્રાહક પાસે જવા અને કાંઈ ન કર્યું હોય તો પણ માફી માંગવા કહ્યું. પરિણામ ઊલટું વિપરીત આવ્યું. બિચારા મેનેજર પોતાની બદલીની રાહ જોવા લાગ્યા.

હવે એ રિજિયોનલ મેનેજર વિશે. મારા પણ મેનેજર રહી ચૂકેલા. આગલાં પ્રકરણોમાં બેંકનાં યુનિયન અને યુનિયન લીડર્સની વાત કરેલી. એ સહુ તો બ્રાન્ચ લેવલે હતા. તો પણ આટલો રોફ, જ્યારે આ સાહેબ ક્લાર્ક તરીકે આખા સૌરાષ્ટ્ર લેવલે લીડર હતા. એમાંથી પ્રમોશન લઈ આગળ વધેલા. લીડર તરીકે પણ ક્યારેક એમણે રોફ જમાવેલો, કોઈ કહેતા કે દાદાગીરી કરેલી કે કોઈએ તો 'આ માથાભારે વળી સાહેબ થઈ ગયો' એમ પણ કહેલું. એટલે જ સાહેબ અન્યોથી ઘણા વધુ હીંમતવાળા હતા અને ગ્રાહકને માન પહેલું પણ સ્ટાફનો ખ્યાલ પણ પહેલો એમ કહેતા.

એક સવારે એ વખત મુજબ પોણા અગિયારે બેંક ખુલી તે પહેલાં ઓચિંતા એ રિજી. મેનેજર એ બ્રાન્ચમાં હાજર. બ્રાન્ચ વિઝીટ માટે નહીં, પેલા ગ્રાહકને મળવા જ. મેનેજરને સાથે લીધા.

ગ્રાહક 70કે 75 વર્ષ ઉપરની ઉંમરના અને ચોક્કસ બિઝનેસ સમુદાયના હતા. સામાન્ય રીતે રિજી. મેનેજર આવે તો ગ્રાહક પોતાની ગાડીમાં લેવા જાય. અહીં તો એ મહાશયે રિજી. મેનેજરને પણ ઓફિસમાં એક ખૂણે બાંકડે બેસાડી રાખ્યા. પોતે પાણી પણ મોકલ્યું નહીં. એમ ને એમ ખાસ્સા ચારેક કલાક થવા આવ્યા. મેનેજરે મોટા સાહેબ આવ્યા છે ને મળવા માંગે છે એમ કહેવરાવ્યું તો પોતાની કેબિનના કાચમાંથી સ્હેજ બહાર જોઈ જાણે શું યે કામમાં વ્યસ્ત થઈ ગયા. બિચારો મેનેજર શીંયાવીંયા થતો સાહેબ સામે નજર ન મેળવી શકતાં નીચું જોઈ રહ્યો.

ઓચિંતા રિજી. મેનેજર ઉભા થયા. વેગથી ચાલીને ધક્કાથી પેલાની કેબીનનું બારણું ખોલ્યું. સીધા પેલા ગ્રાહકની સામે.

"કાં, શું વાંધો પડ્યો છે બેંક સાથે તે આટલું આટલું સમજાવવા ને કાલાંવાલાં કર્યા તો યે આટલો મિજાજ! ઉંમર જો તારી. (સાચે તુંકાર કરેલો) એક પગ તો સ્મશાનમાં છે. શરમા, શરમા. અને આ તારો બાપ બહાર બેઠો છે તો બોલાવવા કે સામું જોવાનીયે દરકાર નથી?"

વયસ્ક ગ્રાહકે આવું સ્વપ્ને પણ કલ્પ્યું નહોતું. તે ડઘાઈને જોઈ રહ્યો. પછી કહે સ્ટેટબેન્ક અમુક સગવડ આપે છે ને કો ઓપ બેંક તો માણસને પૈસા ને ચેક ને એવું લેવા આપવા માણસ મોકલે છે વગેરે. તમે શું ઘંટો આપશો?" વય ભૂલી ગ્રાહક રાજાપાઠમાં આવી ગયા.

"હા. ઘંટો … આપીશ. બોલ *** હોય તો. અરે સમજ, એ બધા ચાર દિવસ આગળ પાછળ થશે. પછી મુકશે વહેતો. અહીં તું ભાંખોડીયા ભરતો ત્યારથી છો ને? ચાલીસ વર્ષથી. તને આ બેંકે કેટલો સાચવ્યો છે, ખબર છે? તારાં ધોળામાં ધૂળથી પણ વધુ પડ્યું."

"અને હવે (મેનેજર સામે જોઈ) એના બાકીના સેવિંગ્સ બેલેન્સનો ચેક પણ લાવ્યા છીએ એ આપી દો. નથી લેવી એની ડિપોઝીટ. તમે બીજાનો કોન્ટેક્ટ કરી લાવજો. આને બેંકનાં પગથિયાં ચડવા ન દેશો. (કદાચ એમ કહેલું કે મિજાજ કરે તો ટાંટિયો ભાંગી નાખજો.) ચાલો."

ગ્રાહકનો સ્ટાફ સડાક થઈ જોઈ રહ્યો. રિજી. મેનેજર પાછળ જોયા વગર જીપમાં બેસી રવાના થયા. ગ્રાહક ધોતી હાથમાં લઈ બહાર દોડ્યો. "એ સાહેબ, વાત કહું.."

વાત તો એ રિજી. મેનેજરે કરી લીધેલી.

એ મેનેજરે બીજા ગ્રાહકોની ડિપોઝીટ લઈ ઉલટો ટાર્ગેટ સરપાસ કરેલો અને એ રિજી. મેનેજર તેમની ઓફિસમાં બેસી મદદ કરતા.

એ સાહેબ આજે 80 ઉપરની વયે પણ શારીરિક માનસિક રીતે સ્વસ્થ છે.

આ પ્રસંગ એ મેનેજરે બેંકની હાઉસ જર્નલમાં આપેલો કે એ રિજી. મેનેજરે પોતે નિવૃત્ત થયા તે વખતે આપેલ ઇન્ટરવ્યૂમાં કહેલો. મને એ વાક્ય 'એક પગ સ્મશાનમાં' યાદ રહી ગયું છે. કોઈ આડોડાઈ કરતા વૃદ્ધની વાત આવે તો યાદ કરું છું. મઝાકમાં મને પોતાને પણ કહું છું કેમ કે હું પણ નિવૃત્ત થયો એટલે એક પગ સ્મશાનમાં ગણી વાણી વર્તનમાં નમ્રતા રાખવી જોઈએ.

***