AME BANKWALA - 21 books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 21. વા વાયો ને નળીયું ખસ્યું..

વા વાયા ને નળીયું ખસ્યું..

2000 ના જાન્યુઆરીની વાત છે. આજે કોઈ માને નહીં. પણ આ વાંચતી ઘણી ખરી પેઢીએ નજરે જોયું હશે.

લોકો પબ્લિક સેક્ટર બેંકને ભરપેટ ગાળો આપતા. સર્વિસનાં ઠેકાણાં નથી, ખૂબ ગિરદી રહે છે ને એવું. પ્રાઇવેટ બેંકો 1998 - 99 પછી ઓચિંતી વિકાસ પામવા માંડી અને એ વખતે નવી નવી કમાતી થયેલી પેઢીને ચકાચક બ્રાન્ચ પ્રીમાઇસીસ જોઈએ, સ્મિત કરતો સ્ટાફ (અમે બધા જ કોઈ તોછડા નહોતા. પણ કાઉન્ટર પર બેઠેલા ગ્રે હેર કાકાની જગ્યાએ મિત્ર ગણપત પટેલના શબ્દોમાં 'બાફેલી બટાકી' બેઠી હોય અને ખાસ રિહર્સલ કરાવેલું સ્મિત આપી 'વ્હોટ કેન આઈ ડુ સર' લળીને પૂછતી હોય (પછી તો 2001 ના માસ VRS બાદ ડ્રેસકોડ પણ આવ્યો અને નવી રિકૃટમેન્ટ છેક 1994 પછી થઈ એ પેઢી સ્માર્ટ હતી. હજી વધુ સ્માર્ટ ફાલ પબ્લિક સેક્ટરમાં આવતો જાય છે.) ત્યાં લોકો પ્રાઇવેટ બેંકમાં જ જાય ને! એમાં પણ એ લોકોએ કન્ઝ્યુમર ફાઇનાન્સ સામે ચાલી આપવા માંડ્યું. ઉદ્યોગોને અપાતી મોટી લોનો કરતાં આ સામે ચાલી અપાતી લોનોનું ચલણ વધી ગયું. અમે ટ્રક લોન આપતા, હાઉસિંગ પૂરો વિચાર કરીને. સ્કૂટર, ફ્રીજ,એસી ને એવી વસ્તુ લોનથી લેવાય એવી નહોતી અમારી પેઢીને ગતાગમ કે નહોતો અમને એ આપવાનો અતિ ઉત્સાહ. આવે એને આવક ને ભરવાની શક્તિ જોઈ આપીએ પણ સામે ચાલી લ્યો, લઈ જાઓ, લેવી જ પડશે' એવું ઠેર ઠેર ફરી કહેવાનું અમે વિચારતા નહીં. સહકારી બેંકો તો ખૂબ જલ્દી ને ઓછી પૂછતાછ કરી મોટી લોન આપતી પણ ડાયરેક્ટરની કે કોઈ ઓળખાણ હોય તો સરખું પતે. એટલે આવી માર્કેટની શરૂઆત કરતી ત્રણ બેંક,ICICI,.HDFC, IDBI ની રાતોરાત બોલબાલા થઈ ગયેલી.

એમાં માધવપુરા મરકંટાઇલ નામે ઠીકઠીક કદની બેંક આવી મોટી કરોડોની લોનો પાછી ન આવતાં એ અરસામાં ડૂબેલી અને લોકો બધી બેંકોને શંકાથી જોવા લાગેલા. અરે અમને, બીઓબી કે એસબીઆઈને પણ અમુક લાખ મુકતો વૃદ્ધ 'પૈસા મારા વારસોને મળશે જ ને?' એમ પૂછતો.લોકો દુધના દાઝ્યા છાશ ફૂંકીને પીતા.

એ અરસામાં હું ગયા પ્રકરણમાં કહ્યું તેમ વડોદરા બેંકનાં આઇટી ડિપાર્ટમેન્ટમાં હતો અને મેં અમદાવાદથી અપડાઉન શરૂ કરેલું.

જાન્યુઆરીની ઠંડી, તડકા વિનાની સવારે 9 વાગે હું વડોદરા સ્ટેશને ઉતર્યો. સ્ટેશનની બહાર ખૂબ મોટી લાઈન ને ધક્કામુક્કી, હો હા થતી જોઈ. ટિકિટ માટે આટલી લાઈન ન હોય. લાઈન પ્લેટફોર્મ 1 ની અંદર એ વખતે લોખંડની રેલીંગને અડીને અંદર પણ લેવી પડેલી. માય ગોડ! લાઈન ICICI નાં નવાં મુકાયેલાં એટીએમ થી શરૂ થતી હતી. ભૂરાં યુનિફોર્મધારી આર્મગાર્ડ બિચારો લોકોને શાંતિ જાળવવા અપીલ કરતો હતો. ત્રણ ચાર પોલીસો લોકોને લાઈનમાં શિસ્ત રખાવતા હતા.

મેં કોઈને પૂછ્યું કે આ બધું શું છે. એ કહે ICICIમાં ઓચિંતી પૈસા ઉપાડવાની લાઈન વહેલી સવારે 4 વાગ્યાથી છે. કેમ એ એને પણ ખબર ન હતી.

હું બેંકમાં જતા પહેલાં નજીક એ બેંકની બ્રાન્ચ પાસેથી પસાર થયો. એ બ્રાન્ચ કડક બજારના બીજા છેડે હતી ત્યાંથી લાઈન કલ્યાણ હોટલ ક્રોસ કરી કાલાઘોડા ના રસ્તા સુધી પહોંચી ગયેલી. વધતી જ જતી હતી. સવારે વહેલો પહોંચી અર્ધી ચા પીતો એ લારી અને આસપાસની લારીઓ આજે એક્સ્ટ્રા છોકરા રાખી કીટલીઓ ફેરવતી હતી અને લાઈનમાં ચેકબુક પાસબુક લઈ ઉભા લોકો ચા ઓર્ડર કરતા હતા. તેઓ પણ મોડી રાતથી ઉભા હતા. બીજી લાઈન પર્સનલ લોનો ભરવા વાળાઓની હતી. તેમને તેમના હપ્તા મહિનાની આ આખર તારીખે ભરી દેવા અને આવતા મહિનાના પણ એડવાન્સ ભરી દેવા બેંકે બોલાવેલા.

'હમ હૈ ના..' નું રોજ વાગતું જિંગલ આજે 'દેખો, હમ હૈ ના? (કી ગાયબ હો ગએ!) થઈ ગયેલું.

હું બેંકમાં ગયો. ટીમ પ્રોગ્રામો લખવા, ટેસ્ટ કરવા કે ફ્લોપીઓ બનાવવા બેસે તે પહેલાં અંદરોઅંદર વાત થઈ. વાત વહેતી થયેલી કે માધવપુરા ની જેમ ICICI ડૂબી! અને પાછી લોકોને શંકા કે આ બેંકની ડિપોઝીટ ઇન્સ્યોરન્સમાં આવે કે નહીં.

ચારે તરફ ધસારો ને હોહા.

બેંકોની ડીમાન્ડ શરૂ થઈ ગઈ. પોતાના ગ્રાહકોને આપવા પૈસા બીજી બેંક પાસેથી પણ વ્યાજે લેવાની હોડ ચાલી. પેલો ICICI વાળો ચેપ બીજી બેંકોને કલાકોમાં લાગ્યો. પૈસા ઉપાડી લેવા જે ભીડ.. જે ભીડ..

અમને એક ચોક્કસ ડિપાર્ટમેન્ટમાં એ બે ત્રણ દિવસ મુકવામાં આવ્યા. બેંકો લે એની એન્ટ્રી, અમારી કેશ રિઝર્વ રેશીઓની પોઝિશન, (બેંકોએ એની ડિપોઝીટના અમુક ટકા કેશ રાખવા પડે. એ વખતે 4 ટકા હતા.) સરપ્લસ બીજી બેંકને ઉધાર આપવાના, અમારે પોઝિશન નીચે જાય તો તરત બીજેથી લેવાના, તરત રેકર્ડ અપડેટ અને ગણતરી, ઓનલાઈન રિપોર્ટ કરતા જ રહેવાનું.

તમે માનો છો, મારાથી અહીં લખાય કે નહીં, પણ વાંચવા પૂરતું. અમે 70 થી75% ના દરે 24કલાક માટે પૈસા ધીરેલા, એને કોલ મની કહેવાય. ટ્રેઝરી કે અમારા આરબીઆઇ ના ખાતામાં અમુક વ્યાજ એડવાન્સ લઈ એ બેંકનાં ખાતામાં નાખવા માંડેલા. અમારું કામ ચાલ્યું હશે રાતે બાર સુધી. મને તો સહકાર્યકરોએ રાતે સાડાસાતની કર્ણાવતીમાં જવા દીધેલો.

આઇસીઆઈ બેંકના એક કર્મચારીને અપડાઉનમાં ચારેક દિવસ પછી પૂછેલું, તેઓએ આખી રાત અને બીજો આખો દિવસ અને આખી રાત ચાલુ રાખેલું. બધા લોનવાળાઓએ તરત ભરેલા નહીં પણ જે ભર્યા એની તરત વારંવાર કરન્સીચેસ્ટમાંથીપૈસા મંગાવતી ગાડીઓ આવ્યાજ કરેલી. એ ગાડીઓ અમદાવાદથી નજીકનાં ઉત્તર ગુજરાતનાં શહેરો અને નડિયાદ સુધી, સુરતથી આગળ તો છેક મુંબઈથી.

ઉપરથી એ જ ઝૂકી, લળીને સ્મિત સાથે 'ડોન્ટ વરી સર' કહેતા ખાસ એ માટે જ રાખેલા યુવકો બહાર ઉભતા અને સતત લોકોને સમજાવવામાં આવેલા કે બધાને પૈસા મળશે જ.

કહે છે જે લોકો સમજીને ભરી ગયા કે ઉપાડવાનું ટાળ્યું તેમને એ બેંકે ખાસ સગવડો આગળ જતાં આપેલી અને જેઓએ બિલકુલ વિશ્વાસ નહોતો મુક્યો તેમની સાથે ઠંડો વર્તાવ પણ થયેલો.

કાલુપુર કોમ. બેંક વડોદરાના એક અધિકારી અમારી સાથે અપડાઉન કરતા એ કહે તેમણે મોટા ડિપોઝિટર્સને પાછળથી આવી થાય એટલી કેશ ભરવા કહેલું જે કેશરૂમ માંથી બેગો ભરી લોકો જુએ એમ કેશ કાઉન્ટર પર લાવવામાં આવતી અને જેને જેટલી માંગે તેટલી આપેલી. આને કારણે રાત્રે નવ દસ વાગતાં કાલુપુર બેંક વડોદરા નહીં ડૂબે એવી ખાત્રી થતાં લાઈનો બંધ થયેલી. પણ બેંકને એ આબરૂ રાખવી પૈસે ટકે ખૂબ મોંઘી પડેલી.

ગુજરાતભર અને પછી જાણ્યું કે ભારતભરમાં એ અફવા ફેલાયેલી કે આઇસીઆઇ ડુબી. ગુજરાતમાં માધવપુરા બેંકનો ધા તાજો હતો એટલે વધુ ઉપદ્રવ થયો.

ICICI ના એ વખતના ચેરમેને ખાસ અખબારોમાં નિવેદન આપ્યું કે અમારી બેંક સદ્ધર છે અને ક્યારેય ડુબશે નહીં. અફવા કોઈ મોટા ઉદ્યોગ ગૃહને અમુક લોનની ના પાડી એટલે એણે જાણીજોઈ પોતાનું નેટવર્ક વાપરી વહેતી કરેલી.

કોઈએ તો કહ્યુકે આવા એક પર્સનલ લોન વાળાને કોઈ ક્લાર્કએ ના પાડી અને પેલાએ ગુસ્સામાં પૂછ્યું કે શું બેંક ડૂબવાની છે તે ના પાડો છો? તો પેલાએ હા, હમણાં સ્થિતિ સારી નથી એમ કહેલું. કોઈએ કહ્યું કે મોટી લોનની રિકવરી માટે તકાદો કરતાં બેંકનાં જ ઓફિસરે કારણ ઘરેલું કે હમણાં તમારે જરૂર છે એમ અમારે છે. બસ, ચાલ્યું. વા વાત લઈ ગઈ.

કહેવત છે ને, 'વા વાયા ને નળીયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું. ત્યાં તો થયો શોર બકોર કોઈ કહે મેં દીઠો ચોર'.

અફવાને ફેલાવામાં હાથપગ કે ફોનની જરૂર નથી હોતી. એ વખતે મોબાઈલ કે વોટ્સએપ પણ ન હતા.

ICICI બેંકે ફરી લોકોના 'મસીહા' બની તેમને પડોશીઓ ઈર્ષ્યા કરે તેવી ઉધારી જિંદગી જીવતા શીખવવા 'હમ હૈ ના' નું જિંગલ પુર જોશથી શરૂ કરી દીધેલું.

***