Aage bhi jaane na tu - 17 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 17

પ્રકરણ - ૧૭/સત્તર

ગતાંકમાં વાંચ્યું.....

આમિર અલી તરાનાને લઈ વેજપરથી ભાગી છૂટવામાં સફળ નિવડે છે અને દૂર એક નાનકડા ગામની ધર્મશાળામાં આશ્રય લે છે. લાજુબાઈ અને એમની દીકરી જમના વલ્લભરાયના ઘરે રોકાય છે. તરાનાનો કમરપટ્ટો ખોવાઈ જાય છે. એ કમરપટ્ટો વલ્લભરાયની તિજોરીમાં જોવા મળે છે.....

હવે આગળ.....

આઝમગઢથી નીકળેલા સૈનિકો ઘોડા દોડાવતા વેજપર વલ્લભરાયની ડેલીએ પહોંચે છે. રાજા ઉદયસિંહના માણસોને જોતા જ ઓળખી જઈ, લાજુબાઈ જમનાને લઈ વલ્લભરાયના ઘરમાં જૂનો સામાન મુકેલી પાછળની ઓરડીમાં મોટી પેટીઓ પાછળ સંતાઈ જાય છે. સૈનિકો વલ્લભરાય અને નિર્મળાની પૂછપરછ કરે છે અને આખું ઘર શોધી વળે છે પણ ક્યાંય આમિર અલી કે તરાના અને લાજુબાઈનો પત્તો નથી મળતો. સૈનિકો ખાલી હાથે આઝમગઢ પાછા ફરે છે. સૈનિકોના જતાં જ લાજુબાઈ અને જમના ઓરડીમાંથી બહાર આવે છે.

"શેઠ.... મને બહુ ગભરામણ થાય છે, આ લોકોએ ક્યાંક માલિક અને તરાનાને પકડી પાડ્યા હશે તો....? લાજુબાઈ ચિંતિત થઈ ગઈ, "જો એ બંને નહીં મળે તો પાછા આવી આ સૈનિકો આપણને હેરાન પરેશાન કરી નાખશે. રાજા ઉદયસિંહ એમ આસાનીથી આપણને નહીં છોડે અને આ માલિક અને તરાના પણ ક્યાં હશે, ક્યા હાલમાં હશે, કોણ જાણે?"

"લાજુબાઈ, સારું કર્યું તમે સમયસર સંતાઈ ગયા. જો સૈનિકોને તમારા આ ઘરમાં સંતાયા હોવાની જાણ થઈ જાત તો ઉપાધિ થાત. તમારી સાથે હું પણ અત્યારે રાજા ઉદયસિંહના દરબારમાં કેદી બની ઉભો હોત. જે થાય તે સારા માટે. મને લાગે છે કે ઉદયસિંહ સૈનિકોને જરૂર પાછા મોકલશે અને જો સૈનિકો પાછા આવશે તો તમારું બચવું મુશ્કેલ બની જશે અને સાથે સાથે અમારું પણ જીવવું હરામ કરી નાખશે. મને લાગે છે કે આપણે પણ અહીં વધુ રોકાવું જોખમકારક છે. ઉદયસિંહના માણસો ફરી ગમે ત્યારે આવી શકે એમ લાગે છે. નિર્મળા, તું ને લાજુબાઈ જરૂરી સામાન બાંધીને તૈયાર રાખો હું ગાડીની વ્યવસ્થા કરું છું. આપણે રાત પડ્યે વેજપર છોડી નીકળી જવું પડશે. એકવાર અહીંથી નીકળી જઈએ પછી ગંગા નાહ્યા. નિર્મળા, હું એમ કહું છું કે આપણે વડોદરા જતા રહીએ તારા ભાઈને ઘેર, અંતુ પણ ત્યાં જ છે અને ઉદયસિંહના માણસો ત્યાં સુધી આપણને શોધતા નહીં આવે." વલ્લભરાયે નિર્મળા અને લાજુબાઈને વિગતવાર સમજાવીને આખો પ્લાન રજૂ કર્યો. નિર્મળા અને લાજુબાઈએ પણ વલ્લભરાયની વાતમાં હામી પુરાવી. વલ્લભરાય બહાર નીકળી ગાડીની તપાસ કરવા માટે ગયા એટલીવારમાં નિર્મળા અને લાજુબાઈએ સામાન બાંધીને તૈયાર રાખ્યો.

સાંજે જમી પરવારી, બધું કામ પતાવી, ફરી એકવાર બધો સામાન તપાસી લઈ વલ્લભરાય પોતાની ઓરડીમાં આવ્યા અને તિજોરી ખોલી એમાંથી રૂપિયા, ઘરેણાં, પેઢીએથી લાવેલા જરૂરી દસ્તાવેજો, તરાનાનો કમરપટ્ટો, બધું એક નાની પેટીમાં ભરી, પેટીને તાળું મારી ચાવી પોતાની કમરે કંદોરામાં પાછી બાંધી દીધી. નિર્મળા, લાજુબાઈ અને ઊંઘરેટી આંખે જમના પણ રાત થવાની રાહ જોતા બેસી રહ્યા. અંધારું જામતા અને વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરતા વલ્લભરાય, નિર્મળા અને જમના-લાજુબાઈ સાથે ઘરની બહાર નીકળ્યા. ઘરને તાળું મારી, ચારેય જણ સામાન ઊંચકી, ગામની પાદરે એમની રાહ જોતી એક જુના જમાનાની એમ્બેસેડર ગાડીની ડીકીમાં સામાન ગોઠવી પોતે પણ ગાડીમાં ગોઠવાયા અને ગાડી વડોદરાના માર્ગે ચાલી નીકળી. ગાડી વડોદરા, નિર્મળાના ભાઈના ઘરે પહોંચી ત્યારે મળસ્કુ થવા આવ્યું હતું. વહેલી સવારે અચાનક પોતાના બેન બનેવી અને બે અજાણી વ્યક્તિને પોતાને આંગણે જોઈ નિર્મળાના ભાઈ રણછોડને આશ્ચર્ય થયું. બધો સામાન ઉતારી, નિર્મળાને લાજુબાઈ અને જમનાને અંદર લઈ જવાનું કહી વલ્લભરાય બહાર ગાડી પાસે ઉભા રહ્યા. આસપાસ નજર કરી કોઈ ન દેખાતા એમણે ખિસ્સામાંથી મુઠ્ઠીભર રૂપિયા કાઢી ગાડીના ડ્રાઇવરને આપ્યા અને એને મોઢું બંધ રાખી અજાણ બનવાનું જણાવ્યું. ડ્રાઈવરે હકારમાં માથું હલાવ્યુ અને ગાડી લઈ ઝડપથી વેજપર જવા રવાના થયો.

*** *** ***

બપોરે જમીને સુતા પછી લગભગ દોઢ-બે કલાકે આમિર અલીની આંખ ખુલી. આળસ મરડી ઉભો થઇ બારી પાસે આવ્યો. "ખાસો આરામ થઈ ગયો છે, હવે તરાનાને પણ ઉઠાડું અને બંને માટે ચા લઈ આવું, પછી વિચારું આગળ ક્યાં જવું ને શું કરવું?" વિચારતો આમિર અલી પાછો આવી તરાનાની પાસે બેસી ગયો.

"તરાના, ઉઠ હવે, જો તો ખરી કેટલા વાગી ગયા છે. થોડીવારમાં સાંજ પડશે ને અંધારુંય થઈ જશે." જેવો આમિર અલીએ તરાનાને ઉઠાડવા એનો હાથ પકડ્યો ત્યાં તરાનાનો હાથ ઢળી પડ્યો. તરાનાને ઢંઢોળતા એની ડોક પણ બીજી બાજુ ઢળી પડી, એની કાયા ઠંડી પડેલી લાગી.

"ત....રા.....ના...., ઉઠ, તને કમરપટ્ટો નથી જોઈતો કે? તરાના..... તું નહીં ઉઠે તો હું કમરપટ્ટો નહીં લાવી આપું. ઉ.....ઠ...., તરાના.....તરાના....." આમિર અલીએ તરાનાને ઉઠાડવાની કોશિશ કરી પણ તરાનાની નિષ્પ્રાણ કાયા પર એની કોઈ જ અસર ન થઈ. આમિર અલી બેબાકળો અને બહાવરો બની ઓરડામાં આંટા મારવા લાગ્યો. કમરપટ્ટો ન મળ્યાના આઘાતથી તરનાનું હૃદય ધબકતું બંધ પડી ગયું હતું એમ લાગતું હતું. હવે શું થશે ને શું કરવું, ક્યાં જવુંની વિમાસણ આમિર અલીના ચહેરા પર ડોકવા લાગી. અંતે કંઈક સૂઝતા એણે ધર્મશાળાની ઓફિસ તરફ દોટ મૂકી, ઓફિસના મહેતાજીને પોતાની પત્ની બીમાર હોઈ બેભાન થઈ ગઈ હોવાથી એને શહેરના દવાખાને લઈ જવા કોઈ વાહનની વ્યવસ્થા કરવા વિનંતી કરી. મહેતાજીએ એક બળદગાડાની સગવડ કરી આપી. આમિર અલી તરાનાની નિર્જીવ કાયાને ઓઢણી ઓઢાડી ગાડામાં સરખી સુવડાવી પોતે એની બાજુમાં સામાન લઈ બેસી ગયો. ગાડાવાળાએ બળદોને વાળી ગાડું ચાલતું કર્યું.

કલાકેક જેટલું આગળ વધ્યા બાદ એક સુમસામ કાંટાળી ઝાડીઓથી ઘેરાયેલી જંગલ જેવી કેડી આવી, આમિર અલીએ લાગ જોઈ પોતાની કમરે ખોસેલી નાનકડું ખંજર કાઢી, પાછળથી ગાડાવાળાને પકડી એની ડોક પર ફેરવી દીધું અને એને મારી, ઉપાડી ઘનઘોર ઝાડીઓમાં નાખી પોતે એની જગ્યાએ ગોઠવાઈ ગયો અને બળદોને હંકારી ગાડું આગળ જવા દીધું.

થોડુંક આગળ ગયા બાદ એક મુખ્યમાર્ગ આવ્યો. આમિર અલીને એ રસ્તો જાણીતો લાગ્યો કેમ કે એ રસ્તો આઝમગઢ તરફ જતો હતો. આમિર અલીના મનમાં એક વિચાર ચમકારો કરી ગયો અને એણે ગાડું આઝમગઢના રસ્તે હંકાર્યું. આઝમગઢથી કેટલાક અંતરે ચારે બાજુ રણની બળબળતી રેત વચ્ચે એણે ગાડું ઉભું રાખ્યું. ત્યાંથી આઝમગઢમાં પ્રવેશવાનો દરવાજો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મનોમન એક નિર્ણય લઈ આમિર અલીએ ગાડું પાછું વાળ્યું અને હવે એ વેજપરના રસ્તે આગળ વધવા લાગ્યો. કંઈપણ ખાધા પીધા વગર, જાણે બધું જ ભાન ભૂલી ગયો હતો. ઘડીક પાછળ તરાનાના દેહ તરફ નજર નાખતો અને ઘડીક આગળ નજર નાખતો એ રસ્તો કાપવા માંડ્યો. વેજપરની સીમમાં પહોંચતા પહેલા આમિર અલીએ તરાનાની લાશને રસ્તામાં આવતા એક અવાવરુ જગ્યાએ ખાડો ખોદી એમાં દાટી દીધી અને એ ગાડું લઈ વેજપર પહોંચ્યો પણ એને ક્યાં ખબર હતી કે એ જેને મળવા વેજપર આવ્યો છે એ વલ્લભરાય તો બધું સમેટી, પરિવાર સાથે અહીંથી પલાયન થઈ ગયા છે. જેવો એ વલ્લભરાયના ઘરે પહોંચ્યો ત્યાં જ દરવાજે તાળું લટકતું જોઈ એના મનમાં ન ધારેલી ઘટના બનવાની ફાળ પડી. ત્યાંથી આમિર અલી વલ્લભરાયની પેઢીએ પહોંચ્યો, ત્યાં જઈને જોયું તો ત્યાં પણ તાળું. નક્કી કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ એમ વિચારતો આમિર અલી વિક્રમસિંહની હવેલીએ પહોંચ્યો.

"અરે.... ખીમજી પટેલ, તમે અટાણે, અહીં કને, અચાનક?" આખી ઘટનાથી અજાણ વિક્રમસિંહે આમિર અલીને આવવાનું કારણ પૂછ્યું.

"બાપુ, હું તો કામકાજના હિસાબે બહારગામ ગયો હતો, કેટલાય દિવસો પછી આવ્યો છું, આવીને જોયું તો વલ્લભશેઠના ઘર અને પેઢી બંને પર અલીગઢી તાળા લટકે છે એટલે તમને પૂછવા આવ્યો કે તમને કોઈ જાણ હોય એમના વિશે," આમિર અલીએ ખુલાસો કર્યો.

"શું......? વલ્લભભાઈના ઘર અને પેઢી બંને જગ્યાએ તાળા લટકે છે? ગઈકાલે સાંજે તો અમે મળ્યા હતા, હાલ હું આવું તારી ભેરો, જઈને જોઈએ," વિક્રમસિંહ મોજડી પહેરીને આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ જોડે વલ્લભરાયની પેઢીએ જવા નીકળ્યા. બંનેએ ત્યાં જઈ તાળું જોઈ આજુબાજુ તપાસ કરી પણ કોઈને કાંઈ ખબર નહોતી એટલે બંને જણ વલ્લભરાયના ઘરે પહોંચ્યા ત્યાં પણ તાળું જોઈ તપાસ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે પાછલી રાતે વલ્લભરાય ગાડીમાં બેસી ક્યાંક ગયા છે. વિક્રમસિંહ અને આમિર અલી એકબીજા સામે નવાઈભરી નજરે જોઈ રહ્યા. આમિર અલીના ચહેરા પર ચિંતા જોઈ વિક્રમસિંહ એને પોતાના ઘરે લઈ આવ્યા.

"ખીમજી પટેલ, ચિંતા ન કરો. અચાનક કોઈ કામ પડ્યું હશે એટલે વલ્લભભાઈ ક્યાંક ગયા હશે, બે-ચાર દિવસમાં આવી જશે. ત્યાં સુધી તમે અમારી વાડીએ રોકાઈ જાઓ," વિક્રમસિંહની બાંહેધરીથી આમિર અલી વલ્લભરાયની પાછા ફરવાની આશા મનમાં લઈ વાડીએ રોકાઈ ગયો.

"બાપુ, આજે અઠવાડિયું વીતી ગયું, ના તો વલ્લભશેઠ પાછા આવ્યા કે ન એમના કોઈ ખબર. બાપુ, હવે મને રજા આપો, હું હવે અહીં રોકાવા નથી માંગતો." બે હાથ જોડી આમિર અલી વિક્રમસિંહને વિનંતી કરી રહ્યો હતો.

"ખીમજી પટેલ, તમે ક્યાં જશો? શું કરશો? અહીં રોકાઈ જાઓ. વાડીની દેખભાળ કરજો," વિક્રમસિંહ સમજાવી રહ્યા હતા.

"ના બાપુ, હવે અહીંયા મન નથી લાગતું. મને જાવા દયો," કચવાતે મને વિક્રમસિંહે ખીમજી પટેલને રજા આપી અને થોડાક રૂપિયા મદદરૂપે આપ્યા," આ લ્યો ખીમજી પટેલ, એક કામ કરો, તમે રાજપરા જતા રહો. ત્યાં મારા બનેવી લખપતસિંહને તો તમે ઓળખો છો. ત્યાં તમને ગમશે અને કામ પણ મળી જશે."

વિક્રમસિંહની વાત માની આમિર અલી ગાડામાં બેસી રાજપરા પહોંચ્યો. ત્યાં જઈ લખપતસિંહને મળી બધી વાત કરી એટલે લખપતસિંહે એને રાજપરામાં રહેવા માટે ડેલીબંધ મકાન અને ખેતરની વ્યવસ્થા કરી આપી. પોતાની પાસે રહેલા રૂપિયાથી ચુકવણી કરી ખીમજી પટેલ આમિર અલી નામની કાંચળી કાયમ માટે ઉતારી રાજપરાના રહેવાસી બની ગયા. મજૂરો દ્વારા ખેતી કરાવી એની કમાણીમાંથી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા પણ વલ્લભરાય અને લાજુબાઈની અચાનક ગાયબ થઈ જવાની વાત એમના મનમાં હંમેશા ઘૂંટાતી રહી.

"વલ્લભશેઠ અને લાજુબાઈ, મારી તરાનાના મોતના જિમ્મેદાર છો તમે બંને. તમારા બંને પર મુકેલા આંધળો ભરોસાએ મને કાયમી રીતે આમિર અલીમાંથી ખીમજી પટેલ બનવા મજબૂર કર્યા છે. આકાશ-પાતાળ એક કરી નાખીશ પણ હું તમને બંનેને શોધીને જ રહીશ અને તરાનાના મોતનો બદલો પણ લઈશ" પોતાની જાતને વચન આપી ખીમજી પટેલ બદલાની આગમાં સળગવા લાગ્યા અને વલ્લભશેઠ અને લાજુબાઈને કેવી રીતે શોધવા એની યોજના ઘડવા લાગ્યા, અને એક દિવસ એમને એ વલ્લભશેઠ અને લાજુબાઈને શોધવામાં સફળ પણ બન્યા....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.