Isolation - 1 books and stories free download online pdf in Gujarati

આઇસોલેશન - 1

આઇસોલેશન
''મહામારી એક વરદાન''

આજકાલના ટ્રેન્ડિંગ વિષયમાં કોરોના નામની મહામારી અને એમાંથી પસાર થઈ ચૂકેલા દર્દીઓ તથા એમની સાથે રહેતા કુટુંબીઓની આપવીતી મુખ્ય છે. શરૂઆતમાં આ બીમારીમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, નાની ઉંમરના બાળકો તથા મોટી ઉંમરના વડીલો માટે આ જંગ જીતવી લગભગ અશક્ય હતી. ધીમે ધીમે ડોક્ટરો અને સાયન્ટિસ્ટના સહિયારા પ્રયત્નોથી હવે કોરોનાના દર્દીઓને તેમના ઉપચારમાં તેમજ નાણાકીય વ્યવસ્થામાં ઘણેખરે અંશે રાહત થઈ ચૂકી છે.
હું પણ આમાંથી પસાર થઈ ચૂકી છું. ના, ના એટલે મને કોરોના નથી થયો. મમ્મી-પપ્પા, બે ભાઈ-બે ભાભી એમના ચાર બાળકો અને હું...અમારા આ બહોળા કુટુંબમાં સૌથી પહેલા મમ્મીને તાવ આવ્યો. ખબર ના પડી કે કોના દ્વારા ઇન્ફેક્શન લાગ્યું હશે. કદાચ રોજના આવતા શાક-ભાજી, જે મમ્મી રોજ સુધારી આપતા, એના થકી એને કોરોનાની અસર થઈ હોય કદાચ. એણે સવારમાં ઉઠતા વહેંત જ શરીર દુઃખવાની ફરિયાદ કરી. આમ તો એને ઘરનું કોઈ કામ કરવાનું આવતું નહોતું. નાના ભાભી નોકરીએ જતા હોવાથી એમના બે બાળકો, અનુક્રમે ચાર વર્ષનો દક્ષ અને બે મહિનાની પ્રિયા, એમને સાંભળવાનું, ખવડાવવા પીવડાવવાનું, નવડાવવવાનું અને પ્રિયાનું ઘોડિયું હલાવવાનું બસ એજ કામ રહેતું. એટલે એમને ઘરગથ્થું તાવની દવા આપીને આરામ કરવા કહ્યું. સાંજ પડતા જ તાવ વધવા લાગ્યો, અચાનક ઉધરસ ચડવા લાગી એટલે રાત્રે બધાએ ભેગા મળીને કોરોનાનો રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું. ત્યાં સુધી પપ્પાએ મમ્મીને બીજા રૂમમાં અલગ રહેવાની વ્યવસ્થા કરાવી આપી.
મમ્મીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. ભાઈએ ફોન કરીને ઘરે વાત કરતા જ બધાના હોંશ ઉડી ગયા. પપ્પાની આંખમાં પાણી આવી ગયા. મમ્મી પણ ત્યાં ભાંગી પડ્યા. પણ હવે હકીકતને સ્વીકારવી જ રહી, અને નાછૂટકે મમ્મીને ત્યાંથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
પપ્પાને આંખે અંધારા આવવા લાગ્યા, ચાલીસ વર્ષના લગ્ન જીવન દરમિયાન મમ્મીને ક્યારેય એકલા આમ મુક્યાં જ નહોતા. મમ્મી સિવાય કોઈના હાથનું જમવાનું પણ એમને ફાવતું નહીં. બે-બે ભાભીઓના આવ્યા પછી પણ ક્યારેક મમ્મી, પપ્પા ઉપર અકળાતા કે હવે તો મને નિવૃત્તિ આપો, હવે ઉંમર થતા, છોકરાઓને બધું સમયસર સોંપવું પડે અને હવે આપણે પણ એમની ઘરેડમાં ઘડાવું પડે. પણ પપ્પા ક્યારેય આ વાતોને ગંભીરતાથી લેતા નહીં અને પોતાનું બધું જ કામ જેમ કે રોટલી, ક્યારેક શાક પણ, પોતાના કપડાં ધોવાના વગેરે મમ્મી પાસે જ કરાવવાનો આગ્રહ રાખતાં. કોરોનાના દર્દીઓનો માટેના હોસ્પિટલમાં કોઈને પણ અંદર દાખલ થવા દેવાની મનાઈ હોય છે. મમ્મીને ફેફસામાં અસર થઈ હતી અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જવાથી I. C. U. માં રાખવાના હતા. મોબાઈલ રાખવા દેવાની પણ મનાઈ હતી. ઘરનો કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે કે એમની સાથે વાત કરી શકે એમ નહોતું. હોસ્પિટલમાંથી દિવસમાં એકવાર ઘરે ખબર આપી દેવાનું કહ્યું હતું, એટલે અમે બધા જ એ ફોન કોલની રાહ જોતા.
મમ્મી આવી રીતે પપ્પા સાથે વાત કર્યા વગર પહેલી જ વાર રહેવાના હતા. દાખલ થવાની પ્રક્રિયા પુરી થતાં જ એમને એક બેડ આપવામાં આવ્યો. બધી જ દૈનિક ક્રિયાઓ એ બેડ ઉપર જ કરવાની હતી. ઓક્સિજનનું માસ્ક પહેરાવી દેવામાં આવ્યું. હવે એ એકલા પડ્યા. પહેલો જ વિચાર આવ્યો, ''''એ'' શું કરતા હશે ? આજ તો જમવાનું પણ મેં એમને નહોતું પૂછ્યું અને હિરેન તો જતો રહ્યો હવે વાત કેવી રીતે કરીશ ? દક્ષ ખાશે મારા વગર ? હું નીકળી ત્યારે એ અને પ્રિયા બંને સુતા હતા. મેં તો ઉતાવળ અને ટેંશનમાં એમને દૂરથી પણ ના જોયા. દક્ષ સરખું જમી લે તો સારું, એની મમ્મી પાસે તો એ ખાતો જ નથી...'' વિચારોના વાયરામાં જ એમને ઊંઘ આવી ગઈ.
ભાભીએ પપ્પાને જમવા બેસાડ્યા. થાળી સામે જોયું, ''આ રોટલી લઇ લે અને બીજી ઉતરે એ ગરમ રોટલી આપ'' આ શબ્દો ગળામાં જ રૂંધાઇ ગયા. મમ્મીની જેમ એ ભાભીને કહી ના શક્યા. મામાના ઘરે પણ પરાણે જવા દેતા એને, અને એના વગર રોજ પડતી મુશ્કેલીઓથી કંટાળીને ફોન ઉપર ગુસ્સે થઈ ને વહેલામાં વહેલી તકે એને પાછી બોલાવી લેતા. અત્યારની પરિસ્થિતિમાં એ પોતે કાઈ જ કરી શકે એમ નહોતા. રોટલીનું પહેલું બટકું મોઢામાં મુકતાં જ આંખમાં ભરાઈ રહેલા પાણીનું એક ટીપું બહાર દડી આવ્યું. જેમ-તેમ કરીને એક રોટલી પુરી કરી અને ઉભા થઇ ગયા. અમારા બધાના આગ્રહને અવગણીને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સુઈ ગયા. એમની ઉંમર વધુ હોવાથી ભાભીઓએ છોકરાઓને એમના પાસે ના જવા માટે સમજાવી લીધા. અને ભાઈએ પપ્પાને તબિયત સાચવવા માટે રૂમની બહાર ના નીકળવાનું ફરમાન આપી દીધું.
મમ્મીને હોસ્પિટલમાં બે દિવસ થઈ ગયા. રોજ સવારે ભાઈ જઈ આવતો પણ એને મળવા દેવામાં આવતું નહીં. એકલા-એકલા આખો દિવસ વિચારો કર્યા કરતા, ''એ સરખું ખાતા હશે કે નહીં ? કાયમ કહેતી જ હતી, કે હું નહીં હોઉં ત્યારે ખબર પડશે, હજુ આટલો રુઆબ રાખો છો મારા ઉપર પણ વહુઓ આગળ થોડું બધું ધાર્યું ચાલવાનું હતું ? એની ઉપર તો ગુસ્સે પણ નહીં થઈ શકાય. વાંધો નહીં, મીનાને ખબર તો છે કે બટાકાનું શાક, ખીચડી અને રોટલી એમને આપી દો તો એમને જાણે ભગવાન મળી જાય, પણ આઘુ પાછું હોય તોય ચૂપચાપ થોડું ખાઈ લેતા હશે તો સારું. મારા વગર દક્ષ અને પ્રિયાને રેવા કેમની સાચવતી હશે ? ઘરમાં બધાને કેવું લાગતું હશે ? મારી ગેરહાજરી વર્તાતી પણ હશે કે નહીં ?
પપ્પાએ પહેલા દિવસ એક રોટલી પરાણે ખાધી. એ પછી એ શાક-ખીચડી કે દાળ-ભાત જ ખાઈ લેતા. એમ પણ ખોરાકની માત્રા ઓછી થતી ગઈ હતી. પૂછવા ઉપર કહેતા કે ''તારી મમ્મીના હવે ઠેકાણા નથી તો હું ખાઈને શું કરું ?'' એમના આ કડવા વાક્યમાં એમની અંદર ભરાઈ રહેલી અને ક્યારેય બહાર ના આવી શકેલી લાગણીઓ બોલતી હતી. એક પછી એક દિવસો જતા ગયા, એમને પણ એક દિવસ તાવ આવ્યો પણ એ કોઈને કહેતા નહીં. એમને અંદર એક બીક ઘુસી ગઈ હતી. ત્યાં તો ભાવતું જમવાનું પણ નહીં મળે, અહીં ખવાય છે એટલું પણ હું જમી નહીં શકું. અને આ ઘરે આવશે એના એક એક દિવસો ગણવામાં, મારે દાખલ થવું પડશે તો ? એમની હાલત જોઈને ભાઈએ અનુમાન લગાડ્યું અને બીજા દિવસે એમને હોસ્પિટલ લઇ જવાનું નક્કી કર્યું. એમની તો એક જ વાત હતી, મારે દાખલ નહીં થવું પડે ને ? કાંઈ કેટલુંય સમજાવ્યા પછી એ હોસ્પિટલ જવા માટે રાજી થયા. એમને પણ કોરોના પોઝિટિવ આવ્યો અને મમ્મી જ્યાં દાખલ થયેલા હતા એ હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી બીજી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ફરી પાછું એમનું હૃદય એક ધડકન ચુકી ગયું. જેની બીક હતી એ જ થયું. ભાઈને જેમ ફાવે તેમ બોલતા-બોલતા હોસ્પિટલના વોર્ડમાં પોતાના રૂમ સુધી એ માંડ ગયા. ''ના પાડી'તી પણ સાંભળે છો જ ક્યાં ? ખોટો મને અહીં ફસાવી દીધો. અમે બંને નડતા'તા એટલે જ એક પછી એક બે ને કાઢી મુક્યા. ભાઈએ ખૂબ સમજાવ્યા, ''આમાં અમે કાઈ કરી શકીએ એમ નહોતા જ. તમે બંને કાઈ અમને ભારે નથી પડતા અને પડશો પણ નહીં. એટલે આવા ખોટા વિચારો મગજમાંથી કાઢી નાખજો. જમવાનું જે આવે એમાંથી ભાવે એમ થોડું ઘણું પણ જમી લેજો, દવાઓ અને ઉકાળા તો એના સમયે નર્સ તમને આપી જશે એ પી લેવાનું. અને તમારો ફોન આપી દો અહીં સાથે રાખવાની મનાઈ છે.'' ફરી પાછું એમનું મગજ છટક્યું, હજુ માંડ આઠ મહિના પહેલા લીધેલો પહેલીવારનો એન્ડ્રોઇડ મોબાઈલ, અને એમાં આખો દિવસ કંઈક ને કંઈક મંતરતા પરાણે શીખ્યા હતા. સ્કૂલ અને કોલેજના જુના મિત્રોનું ગ્રૂપ બન્યું હતું. અને હવે મોબાઈલ વગર તો કેમનું રહેવાય ?, ''તું તારે જા, હું અહી વાત કરી લઈશ, મારે મોબાઈલ નથી આપવો.'' ભાઈ નર્સને બોલાવી લાવ્યો. નર્સના કહેવા પર અપાર ગુસ્સાને પરાણે કન્ટ્રોલ કરતા મોબાઈલ આપી દેવો પડ્યો. એ પછી ભાઈએ થોડી ઘણી શિખામણ આપી પણ એમણે ના તો એની સામે જોયું કે ના સાંભળ્યું ,અને અંદર જતા રહ્યા.

વધુ આવતા અંકે...