Panchtatva - 1 books and stories free download online pdf in Gujarati

પંચતત્ત્વ - (1) - જળ

ઉર્વી એ એક ટોપ હાઈ ક્લાસ પરિવારની દિકરી છે. ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરંતુ સંસ્કારો સાથે તેનો ઉછેર થાય છે. પિતા નચિકેત ભાઈ અને માતા નિશિતા બહેન ની તે એક માત્ર દિકરી છે. શહેરની શ્રેષ્ઠ શાળામાં તે અભ્યાસ કરે છે.

આજે સ્કૂલે એક ખાસ લેક્ચર નું આયોજન થયેલું હતું. જેનો વિષય હતો પંચતત્ત્વ એટલે કે પ્રકૃતિ ના મૂળભૂત પાંચ તત્ત્વો કે જેના વગર આપણું જીવન અધુરુ... પણ આ સર શું કહી રહ્યા હતા...!!!! કંઈ સમજાતું નથી...!!!

ઉર્વી: દિયા, આજે આ શું કીધું જોષી સરે...??? આપણી અંદર પંચ તત્ત્વો...??? અને એને જાગૃત કરી શકાય...??? મને તો આ બધું એક મજાક લાગે છે....

દિયા: હા મને પણ... પ્રકૃતિ ના પાંચ તત્ત્વો જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને હવા... આપણામાં સમાયેલ છે... અને આપણે તેને જાગૃત કરવાના છે... શું કરવું તેના માટે...??? ચાલ હું બાકસ લઈ આવું અગ્નિ તો એમ જ જાગૃત થઈ જશે... હા હા હા હા.....

ઉર્વી: હા હા હા હા.... શું તું પણ જોષી સર ની જેમ મજાક કરે છે. સર ને આજે કંઈ ટોપીક નહિ મળ્યો હોઈ એટલે આપણાં મગજના સ્પેર પાર્ટ ઢીલા કરી દીધા... એ પણ એક કલાક સુધી.... ઉફ્ફ... બોર કરી દીધા... હવે ઘરે જઈને હજુ મમ્મી બોર કરશે એ અલગ... કહેતી હતી કે આજે તું ફ્રી હોય તો મારે કબાટ સાફ કરવા છે.. જરા હાથ દેવડાવજે.....કશુંક શોધવું છે... કંઈ ખોવાઈ ગયું હશે... ચાલ હું જાવ... બાય...

દિયા: બાય....

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

મમ્મી કબાટ સાફ કરતાં હતા તેમાંથી આલ્બમ નીકળ્યા... એક હતું મમ્મી - પપ્પા ના લગ્ન નું આલ્બમ તો બીજું મમ્મી ના શ્રીમંત નું... પંદર વર્ષની ઉર્વી તેને જોતાં જોતાં બે દિવસ પહેલાં બનેલી ઘટનામાં સરી પડી...બે દિવસ પહેલાં ઉર્વી એ તેના પપ્પા ને ફરિયાદ કરી હતી... તે ઘટના એકાએક તેની નજર સમક્ષ આવી ગઈ....

ઉર્વી: પપ્પા, તમે મમ્મી ને સમજાવો કે મને સ્કુટી લઈને સ્કૂલે મૂકવા ના આવે... બધા સ્કૂલમાં મારી કેવી મજાક ઉડાવે છે. હું બસ માં કે રીક્ષામાં જઈશ... મમ્મી ને તમે ના પાડો બસ....

પપ્પા: બેટા, પણ તને શું તકલીફ છે મમ્મી થી...??? બધા તારી એવી તો શું મજાક કરે છે કે તું મમ્મી ને મૂકવા આવવાની ના પાડે છે...???

મમ્મી સાંભળતા નથી ને તેની ખરાઇ કર્યા બાદ,

ઉર્વી: પપ્પા, તમને મમ્મી કેમ ગમી એ જ મને તો ખબર નથી પડતી... જુઓ તો ખરા એનું શરીર... કેવી જાડી છે... કોઈ પણ પ્રકારના કપડાં પહેરે સારાં જ નથી લાગતાં... મારી ફ્રેન્ડ ની મમ્મી એક દિવસ સ્કૂલે જીન્સ ને શોર્ટ ટીશર્ટ પેરીને આવી તો બીજે દિવસે મમ્મી એ મને સારું લગાડવા જીન્સ ને ટીશર્ટ પહેર્યું... તે દિવસે મને ખબર પડી કે તેના પેટ પર તો ચામડીમાં કેવા લીટા લીટા છે... મારી બધી ફ્રેન્ડ ની વચ્ચે મારે નીચું જોવા જેવું થયું... તમે પ્લીઝ મમ્મી ને સમજાવો ને કે મને મૂકવા ના આવે... અને હા, તમે એને કહો કે મારી ફ્રેન્ડ ની મમ્મી કરે એવું બધું જ એને સારું ના લાગે...

પપ્પા: હું વાત કરીશ તારી મમ્મી સાથે... પણ તું પણ મમ્મી પ્રત્યે આટલો અણગમો ના રાખ બેટા... એ આપણા માટે, આ ઘર માટે જેટલું કરે છે અને અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે તે અમૂલ્ય છે...

પપ્પા ની આવી વાત સાંભળી ઉર્વી જમ્યા વગર જ રૂમમાં જઈ સૂઈ ગઈ...

મમ્મી: ઉર્વી..... જરા અહીં આવીશ...

ઉર્વી આલ્બમ જોતાં જોતાં જાણે સફાળી જાગી... મમ્મી ના જૂના ફોટામાં મમ્મી કોઈ મોડેલ થી કમ ના હતી.. તેને બધી જ વાત સમજાઈ ગઈ અને તે મમ્મી પાસે દોડી ગઈ... મમ્મી ને ગળે વળગી ને તે ખૂબ રડી... મનોમન મમ્મી ની માફી માગી... મમ્મી ને તો ખબર જ ન પડી કે થયું શું... મમ્મી જે શોધતા હતા તે તેમને મળી ગયું....

ઉર્વીની અંદર રહેલું જળ તત્ત્વ જાગૃત થયું... તેની મમ્મી માં તેને પ્રકૃતિ ના જળતત્વ ના દર્શન થયા... સતત વહેવું... સમય સાથે સતત પ્રવાહિત થતું રહેવું... પરિસ્થિતિ સાથેનું અનુકૂલન... ક્યાંક નદી રૂપે તો ક્યાંક ધોધ રૂપે તો ક્યાંક દરિયાના ઉછડતા મોજા રૂપે તો ક્યાંક વરસતાં વરસાદ સ્વરૂપે...... અશ્રુઓની વહેતી ધારે મમ્મીને વળગી રહેલી ઉર્વી ના અંતરમાંથી ઉઠતો અવાજ....


🎶આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંયુક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !🎶


– પન્ના નાયક