anamika - 4 books and stories free download online pdf in Gujarati

અનામિકા - ભાગ ૪ - છેલ્લો ભાગ

નીરજની સમજાવટભરી વાતનું મનોમંથન કરતા રહેવામાં સુભાષને ક્યારે ઊંઘ આવી ગઈ તે સમયનું તેને ભાન ન રહ્યું. સવારે ઉઠતાની સાથે જ નિર્ધાર કર્યો: આજથી અનામિકાને યાદ કરવી જ નહી. અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવું. તેથી તેણે ડ્યુટી ખતમ થયા બાદ મિત્રો જોડે બેસવાનું, લાયબ્રેરીમાં જવાનું અને ઘેર પહોંચ્યા બાદ ટીવીમાં સમાચારો ઉપરાંત અન્ય મનોરંજક કાર્યક્રમો જોતા રહેવા અને જમ્યા પછી રાત્રે અગાસીની છત પર એકાદ કલાક સુરભી સાથે બેસવું અને આંખો ઘેરાવા લાગે ત્યારે પથારી પકડી લેવાની. છતાય કદીક ઊંઘ ન આવે તો લાયબ્રેરીમાંથી વાંચવા માટે લાવેલા વિવિધ વિષયોને લગતા પુસ્તકો વાંચવાના. આ પ્રક્રિયાઓ થોડી અઘરી લાગે પરંતુ પ્રયત્નો કરવાથી મહદ અંશે સફળ પણ થવા લાગી અને અનામિકા દિલ અને દિમાગથી દુર થતી હોય તે પ્રકારની રાહતનો અનુભવ થવા લાગ્યો. વચ્ચે એકવાર નીરજનો ફોન આવ્યો તે સમયે નીરજને પણ જણાવ્યું, “હવે હું નેવું ટકા મારી મૂળ પરિસ્થિતિમાં આવી ગયો છું અને તેને લગભગ ભૂલી જ રહ્યો છું.”

“સારું ચાલો મારી સમજાવટ તો કામ આવી. ખરું ને?” નીરજે ખુશ થતા પૂછ્યું.

“હા યાર હું તો ડૂબી રહ્યો હતો. મને હાથ ઝાલીને તે જ બહાર કાઢ્યો અને મને બચાવ્યો. થેંક્યું નીરજ.”

“અરે યાર. થેંક્યું શા માટે? મેં બસ મારી ફરજ બજાવી છે. ઠીક છે ચાલ ત્યારે આપણે રવિવારે મળીયે. બાય. ટેક કેર.” નીરજે ફોન કટ કર્યો.

સુરભીએ નોંધ્યું કે તેનો પતિ હવે કંઇક હળવાશ અનુભવે છે અને તણાવગ્રસ્ત અવસ્થામાં નથી. તેનું કારણ જાણી પતિના મનને ઠેસ ન પહોંચે તે માટે તેણે કારણ જાણવાનો કદી પ્રયત્ન કર્યો નહીં. સુભાષ હંમેશાં ખુશ રહે એવું તે હંમેશાં માટે ચાહતી. ઓફિસમાં કાર્યરત રહેવાથી અને બાકીનો સમય અન્ય પ્રવૃતિઓમાં પસાર થતા ધીમે ધીમે તેના અનામિકાને ભૂલવાના પ્રયત્નો સફળ થવા લાગ્યા. વચ્ચે એકાદ-બે વાર નીરજ સાથે પણ ફોનથી ટૂંકી વાતચિત થતી. રવિવારની સવારે ઉઠતાની સાથે જ નીરજનો ફોન આવ્યો, “ગુડમોર્નિંગ સુભાષ. રાત્રે કેટલા વાગ્યે ઘેર આવ્યો?”

“લગભગ પોણા બાર જેવો સમય થયો હશે.”

“ઘેર આવ. બંને ભાઈઓ સાથે ચા-નાસ્તો લઈએ.”

“નહીં યાર. સાંજે મળશું. અત્યારે મારે શોપિંગ કરવા જવું પડશે. અત્યારે નહી આવી શકું.”

“ઓકે સાંજે મળીએ અને કંઇક ખાસ પ્રોગ્રામ ફિક્સ કરશું. કેમ બરાબરને?”

“હા કેમ નહી? જરૂર.” સુભાષે ફોન કટ કરતા કહ્યું.

સુરભીએ થોડો જીવન જરૂરિયાતનો સામાન અને રાશનનું લીસ્ટ બનાવી રાખેલું તે પાકીટમાં રાખીને લેવા માટે માર્કેટ બાજુ જવા નીકળ્યો. બપોરે જમ્યા પછી બે-અઢી કલાક આરામ કર્યો અને ચાર વાગ્યા પછી સુરભીએ ચા બનાવી નાખતા પતિ-પત્નીએ સાથે બેસીને ચા પીધો અને નીરજને ત્યાં ગયો. નીરજ ટીવી જોઈ રહેલો. તે સુભાષને જોતા જ બોલ્યો, “વાહ મોકા ઉપર આવ્યો. જયશ્રી ચા બનાવી જ રહી છે.”

“હું ચા પીને આવ્યો છું. મારા માટે ન કરતા પ્લીઝ.” સુભાષે જયશ્રીને સાદ પાડી કહ્યું.

“સુભાષભાઈ એમ કંઈ થોડું ચાલે? ચા તો પીવો જ પડશે. આખો કપ નહિ તો એક રકાબી પણ પીવો તો પડશે જ.” જયશ્રીએ કહ્યું.

“ઠીક છે ભાભી. તમારું માન રાખી લઈશ. બસ?”

“સુભાષ. ચાલ આજે વિથ ફેમેલી રેઈનબોમાં ડીનર માટે જઈએ.” નીરજે કહ્યું.

“હા જરૂર. આમેય હમણાં ઘણા સમયથી બહાર જમ્યા નથી. આજે જઈ આવશું. તો આઈ એમ રેડી. સુરભીને કહી આવું. વહેલાસર તૈયાર થઇ જાય.” સુભાષ ઘેર જવા ઉભો થયો.

“અરે સુભાષભાઈ. આ ચાની રકાબી તો ખાલી કરતા જાવ.” જયશ્રીએ કહ્યું.

સુભાષે ઉભા ઉભા જ ચા પી લીધી અને થેંક્યું કહી ઘેર ગયો. ઘેર પહોંચી કમ્પાઉન્ડ ગેટ ખોલીને તે ઘરમાં પ્રવેશી જ રહ્યો હતો તે સમયે તેણે સપનામાં પણ નહિ વિચારેલું દ્રશ્ય ગેટમાંથી જ જોવા મળ્યું. જે જોતા જ તે અચંબામાં પડી ગયો. દિગમૂઢ અવસ્થામાં ઘરમાં જવું કે નહીં તેને કંઈ ન સુઝ્યું. તેના પગ જાણે જમીન સાથે જ જકડાય ગયા. કપાળ પર પસીનો વળી ગયો. મેઈન ગેટની સામેના રૂમમાં તેણે અનામિકા અને સાથે આવેલી બંને યુવતીઓને જોઈ. રૂમની દિવાલને અડીને રાખેલ સોફા ઉપર ત્રણેય લાઈનબંધ બેઠેલી જોતા તે પોતાના જ ઘરના ગેટથી થોડે દૂર જતો રહ્યો. તેના હ્રદયના ધબકારા વધી જતા વિચારવા લાગ્યો, “આ ત્રણેય મારા ઘેર કેમ આવી હશે? મતલબ એ જ કે મારી હિલચાલ તેના ધ્યાનમાં આવી ગઈ હશે અને એટલે જ... હવે શું થશે? સુરભી સાથે ઝઘડા અથવા મનભેદ. કંઇક તો નવાજૂની થશે જ. તેની સામે જવામાં પણ મને શરમ આવે છે.” આમ મનઘડત નકારાત્મક વિચારો કરતો સીધો જ અસ્વસ્થ અને ગભરાયેલી હાલતમાં નીરજ પાસે ગયો.

“અરે શું વાત છે સુભાષ? તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? ઠીક તો છે ને?” નીરજે નવાઈ પામતા પૂછ્યું.

“કંઈ ઠીક નથી. પ્લીઝ હેલ્પ મી નીરજ.”

“હા હા પણ વાત શું છે એ તો જણાવ.”

“ભાભી પ્લીઝ ખોટું ન લગાડતા. મારે નીરજ સાથે અંગત વાત કરવી છે. તમે પાંચેક મિનીટ ઉપરના રૂમમાં જશો? પ્લીઝ રીક્વેસ્ટ કરું છુ.” સુભાષે જયશ્રી સામે જોતા કહ્યું.

“હા... હા... એમાં શું મૂંઝાય ગયા. તમે બેય નિરાંતે વાત કરો. હું ઉપરના રૂમમાં જાવ છું.” જયશ્રી પગથીયા તરફ જવા લાગી.

“નીરજ યાર પેલી અનામિકા. આઈ મીન પેલી યુવતી જેના હું સતત વિચારોમાં ખોવાયેલો રહેતો હતો એ અત્યારે મારા જ ઘેર આવીને બેઠી છે. મને લાગે છે કોઈ પણ રીતે એ મારા ઈરાદા જાણી ગઈ હશે અને સુરભી પાસે મારી ફરિયાદ કરવા જ આવી લાગે છે. હું તો મારા ઘરના કમ્પાઉન્ડ ગેટમાંથી તેને જોઈ ગયો અને જોતાની સાથે જ મારા ટાંગા ધ્રુજવા લાગ્યા. દોડીને તારા પાસે આવ્યો છું. શું કરું બોલ?”

“દોસ્ત તું બહુ મોટી ભૂલ કરી બેઠો છે. ગુન્હેગાર તું પોતે છે. તારો પક્ષ લઈને એક અજાણી યુવતીને કઈ રીતે સમજાવી શકું? એક કામ કર તું હિંમતપૂર્વક ઘેર પહોંચ અને હકીકતથી વાકેફ થા. વીસેક મીનીટમાં હું અચાનક જ તારા ઘેર આવી જઈશ કેમકે જો અત્યારે તારી સાથે આવીશ તો તેને કંઇક વહેમ જશે.”

“તું આવીશ તો ખરો ને?” સુભાષે ગભરાતા સ્વરે પૂછ્યું.

“અરે યાર. વિશ્વાસ રાખ. અવશ્ય આવીશ પણ પહેલા તું ઘેર તો જા.” નીરજે ખાતરી આપતા કહ્યું.

દિલમાં ડર સાથે સુભાષ ઘેર ગયો અને કમ્પાઉન્ડ ગેટ ખોલી ફ્રન્ટ રૂમમાં પ્રવેશ્યો ત્યાં જ સુરભીએ પેલીને કહ્યું, “લે આવી ગયા તારા જીજાજી. હવે રાજીને?” સુભાષ તો કંઈ બોલી ન શક્યો. તે વિચારવા લાગ્યો: જીજાજી? હું આનો જીજાજી? કંઈ સમજાતું નથી.” તે આગળ કંઈ વિચારે એ પહેલા સુરભી બોલી, “સુભાષ આ અંજલી છે. અમે બેય નાનપણની સખીઓ છીએ. એના પપ્પા અમારા શિક્ષક હતા અને આ લોકો અમારા પાડોશમાં જ રહેતા હતા. અમે બંને સહેલીઓ સાથે જ રમ્યા છીએ અને ભણ્યા છીએ.”

“જીજુ કંઈ સમજાયું કે નહિ? સુરભીને મેં ઘણી વાર કહેલું પણ ખરું કે ક્યારેક જીજુ સાથે પરિચય કરાવ પણ એ એમ જ કહેતી કે તારા જીજુને આવા ભાઈપણા-બહેનપણા ગમે જ નહિ. તમને સુરભીએ મારા વિશે કંઈ કહ્યું નથી?”

“સોરી અનામિકા. તેણે ક્યારેક વાત તો કરી જ હશે પણ મને યાદ નહિ હોય.” સુભાષે સ્વસ્થ થતા જવાબ આપ્યો.

“જીજુ હવે તો પરિચય થઇ ગયો ને? આ વખતે સુરભી સાથે જરૂર આવજો મારા ઘેર. પ્રોમિસ આપશો?” અંજલીએ સુભાષની આંખ સાથે આંખ મિલાવતા પૂછ્યું.

“હા... હા અનામિકા એકવાર તારા ઘેર જરૂર આવીશ.”

“જીજુ આ અનામિકા અનામિકા શું કહી રહ્યા છો? મારું નામ અનામિકા નહીં અંજલી છે.”

“એમાં એવું છે ને કે...”

“અંજુ તારા જીજુ એક લેખક જીવ છે. તે વારંવાર નવી નવી વાર્તાઓ મેગેઝીન્સમાં લખતા રહે છે એટલે કદાચ... નવી વાર્તાની નાયિકાનું નામ અનામિકા રાખ્યું હશે.” સુભાષ આગળ કંઈ બોલે એ પહેલા સુરભીએ બોલી નાખ્યું.

“હા... સુરભી એકદમ સાચું બોલી ગઈ. મારી નવી વાર્તાની નાયિકાનું નામ અનામિકા જ છે.” સુભાષે સુરભીની વાતમાં સહમતી દર્શાવતા કહ્યું.

“પણ જીજુ મને અનામિકા કહો છો. તે શું હું તમારી વાર્તાની નાયિકા જેવી દેખાવ છું?”

“યસ અંજલી તમે કંઇક અંશે એવા લાગો છો ખરા.”

“પ્લીઝ મને તમે કહીને ન બોલાવો. હું તમારી સાળી છું.”

“આજ તમને... સોરી તને તારી બહેનપણીની યાદ અચાનક કેમ આવી ગઈ? અમારું ઘર કોણે બતાવ્યું?”

“સુરભીના ભાઈ પાસેથી તમારું સરનામું લઈને આવી ગઈ અને આવવાનું મુખ્ય કારણ એ જ કે આ મહિનાની છેલ્લી તારીખે એટલે કે એકવીસ દિવસ પછી મારા મેરેજ નક્કી થયા છે અને તમારે ખાસ આવવાનું છે. તમને એડવાન્સમાં જ આમંત્રણ પાઠવવા રૂબરૂ આવી છું. આવશોને?”

“હા હા કેમ નહીં? અવશ્ય આવશું. અરે સુરભી મહેમાનને ચા-નાસ્તો કરાવ્યો કે નહીં?”

“મેં ઘણો આગ્રહ કર્યો પરંતુ એ ના પાડે છે. કહે છે કે બપોરે મોડા જમ્યા હોવાથી અત્યારે કંઈ ખાવાપીવાની ઈચ્છા નથી. પછી ક્યારેક ટાઇમ લઈને આવશે.”

“એક વાત પૂછવી છે. પ્લીઝ ખોટું ન લગાડતી અંજલી.” સુભાષે કહ્યું.

“જીજુ વાતમાં મોણ ન નાખો. જલ્દી કહો અમારે નીકળવું છે. મોડું થઇ રહ્યું છે.”

“હા તો અંજલી હું તને જોયે ઓળખું છું. તું માનીશ?”

“તમે મને ક્યાં જોયેલી?”

“અનુપમ થીયેટરમાં હાફ ગર્લફ્રેન્ડ લાગેલું હતું ત્યારે તું અને તારી સાથે આ બહેનો પણ હતા.”

“તમે સાચા છો જીજુ. મને પિક્ચરનો ખૂબ શોખ છે. મહિનામાં ત્રણેક પિક્ચર તો થીયેટરમાં જોઈ લવ છું અને આ બેય છોકરીઓ નિધિ અને કોમલ મારી બાજુમાં જ રહે છે ઉપરાંત ફેમેલી રીલેશન છે તો અમે ત્રણેય સાથે પિક્ચર જોવા જઈએ છીએ. યુ આર રાઈટ જીજુ. ત્યાં અમે હતા.”

“બીજી વાર પણ મેં તમને ત્રણેયને સિનેમાહોલ તરફ જતા જોયેલા.”

“એ વાત પણ સાચી. અમે ત્યારે સલમાનનું ટ્યુબલાઈટ મુવી જોવા આવેલા.”

“એકવાર શહેરમાંથી બસમાં આવી રહેલા ત્યારે પણ હું એ જ બસમાં હતો.”

“અરે જીજુ તમે મારો પીછો કરતા હતા કે શું?” અંજલીએ હસતા હસતા પૂછી લીધું.

“અરે નહીં જોગાનું જોગ એવું થઇ જતું.”

“તો ઠીક. મારા પ્રેમમાં તો નથી પડી ગયા ને?” અંજલીએ મજાક કરતા કહ્યું.

“શું અંજુ તું પણ. તારા જીજુની પટી ઉતારવા લાગી છે.” સુરભીએ હસતા કહ્યું.

“સોરી સોરી જીજુ. ખોટું તો નથી લાગ્યું ને?”

સુભાષે હસતા નકારમાં માથું હલાવ્યું. થોડીવાર પછી અંજલી અને બેય છોકરીઓ નીકળવાની તૈયારી કરવા લાગ્યા અને અંજલી જતા જતા સુભાષ અને સુરભીને લગ્નમાં ખાસ પહોંચી જવા કહેવા લાગી. કમ્પાઉન્ડ ગેટ પાસે પહોંચતા જ સુરભી અને સુભાષ તેને આવજો કહેવા સાથે ગયા એવામાં જ નીરજ પણ આવી જતા સુભાષે અંજલી સાથે તેનો ટૂંકો પરિચય કરાવ્યો, “અંજુ આ મારા અંગત મિત્ર નીરજ. અમારે પણ ફેમેલી રીલેશન છે અને અમે બંને એકબીજાની રગરગથી વાકેફ છીએ. એમના મીસીસ અને સુરભીને બે બહેનો જેવું ભળે છે.”

અંજલીએ નીરજને નમસ્તે કહી અભિવાદન કર્યું. નીરજે પણ નમસ્તેનો જવાબ આપતા સામે નમસ્તે કર્યું. જતા જતા અંજલી સુભાષને કહેતી ગઈ, “જીજુ મારા મેરેજમાં આવવાનું ભૂલતા નહીં. જરૂર આવજો.”

“અરે હા અનામિકા આવીશ. જરૂર આવીશ. બસ?”

“ફરી પછી અનામિકા બોલ્યા?”

“તું બીજા માટે અંજલી ભલે રહી. હું તો તને અનામિકા જ કહીશ. ભલે તને ખોટું લાગે.” સુભાષે મજાક કરતા કહ્યું.

“એમાં ખોટું શું લાગે? તમારી વાર્તાની નાયિકા છુ ને! ખોટું લગાવું તો તમે મારી ગાડી અવળે પાટે ચઢાવી ન નાખો તેની શી ખાતરી? અંજલીએ જતા જતા ટીખળ કરી.

અંજલી સુરભી અને સુભાષને ગુડબાય કહી જતી રહી. નીરજ બાઘાની જેમ સુભાષના ચહેરા તરફ જોવા લાગ્યો. સુભાષને સમજાય ગયું કે નીરજ ગડમથલમાં પડ્યો છે. નીરજ કંઈ પૂછે તે પહેલા જ સુભાષે કહ્યું, “નિરાંતે તને આખી વાત જણાવી દઈશ.”

“કઈ વાત?” સુરભીએ પૂછ્યું.

“એ જ કે આજે નીરજ અને મેં હોટલમાં ડીનર લેવા જવાનો પ્રોગ્રામ ફિક્સ કર્યો છે. તું અને જયશ્રીભાભી આઠ-સાડા આઠે તૈયાર રહેજો.” સુભાષે કહ્યું.

“ઓકે થેંક્યું થેંક્યું.” સુરભીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું.

“આજે હોટલનું બીલ પેમેન્ટ હું કરીશ. આજ મેં બહોત ખુશ હું!” સુભાષ તણાવમુકત થયાનો અનુભવ થતા બોલ્યો.

“એ તો તું ના કહેત તો પણ હું તારું જ પોકેટ ખાલી કરાવત સમજ્યો?” નીરજે મજાક કરતા કહ્યું.

નીરજે કરેલી મજાકે સુભાષની ખુશીમાં ઓર વધારો કર્યો...

*સમાપ્ત*

વાંચવા બદલ આભાર