Unfinished Love (Season 2) - 4 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ (સિઝન ૨) - 4

આગળના અંકમાં આપણે જોયુ, કે તારા, અર્જુન તેમજ સિધ્ધાર્થની મુંબઈ બદલી થવાની છે. તારા અને સિધ્ધાર્થ મુંબઇ જવા માટે તૈયાર છે. હવે આગળ........

ખબર જ ના રહી કે આખું અઠવાડિયું ક્યાં પસાર થઇ ગયું. હેન્ડ ઓવર-ટેક ઓવરની બધી પ્રોસેસમાં તારા, અર્જુન અને સિદ્ધાર્થ ત્રણેય બીઝી થઇ ગયા અને ફાઈનલી એ દિવસ પણ આવી ગયો જયારે તારા અને અર્જુનની એમની ઓફિસમાંથી અને સિદ્ધાર્થની એની ઓફિસમાંથી ફેરવેલ થઇ ગઈ. ત્રણેય શનિવાર અને રવિવાર પોતપોતાના પરિવાર સાથે સરસ રીતે વિતાવવા માંગતા હતા.

સિદ્ધાર્થ જવાના આગલા દિવસે એક વાર મન ભરીને ઑફિસની એ બધી જગ્યાએ જઈ આવ્યો જ્યાં એની અને તારાની યાદ જોડાયેલી હતી પછી એ પીકઅપ પોઇન્ટ હોય, કૅફેટેરિયા હોય, તારાની જગ્યા કે પછી એ કોરિડોર જ્યાં તારા કમલેશથી ભાગતી સિદ્ધાર્થને અથડાઈ પડી હતી. છેલ્લા દિવસ તો એ સ્ટાફબસમાં જ આવ્યો અને એજ સીટ પર બેઠો અને આંખો બંધ કરીને તારા સાથેની એ પળો ફરી એક વાર જીવી ગયો. પોતાના બન્ને હાથની આંગળીઓ એક બીજામાં પરોવી, તારા જેવું કરતી હતી એવું એણે કર્યું.

સિદ્ધાર્થ,ફરી એકવાર પોતાની તારાથી છૂટો પડી રહ્યો હોય એટલુંજ દુઃખ અનુભવી રહ્યો. પણ દૂર જવું જરૂરી હતું, કારણકે ફક્ત એજ જાણતો હતો કે હવે તારાની યાદો એના મન પર કેટલી ભારે પડી રહી હતી. એની ગુંગણામણ ફક્ત એજ સમજતો હતો અને બીજી જે સમજતી હતી એને તો, પોતે જ દૂર કરી ચુક્યો હતો!


મીરા અને બાળકો અહીંયા સેટલ હતા. ઘરમાં ચોવીસ કલાકનો નોકર હતો અને ડ્રાઈવર સાથેની કાર હતી એટલે સિદ્ધાર્થના હોવાથી મીરાને કોઈ કામની ચિંતા ન હતી. વળી દરેક વિકેન્ડ પર સિદ્ધાર્થ અહીંયા આવવાનો જ હતો એટલે છોકરાઓને કઈ વધારે ફેર પડતો ન હતો. વિકડેઝમાં આમ પણ એ લોકો એમનામાં જ રહેતા. જ્યાં સુધી મીરાની વાત હતી એ હવે કદાચ જાણી ગઈ હતી કે સિદ્ધાર્થ એને પ્રેમ નથી કરતો કદાચ ક્યારેય નથી કરી શક્યો, પણ એ ખુબ સારો પિતા છે અને પતિ તરીકેની પણ બધીજ ફરજ એણે બજાવી છે. આવા તો કેટલાય લગ્ન હશે તો એનું લગ્ન જીવન પણ એવું હોય તો શું? આમ વિચારીને મીરા પોતાનું મન મનાવવાના પ્રયત્નો કરી રહી હતી.


તારા પહેલા એક મહિનો એકલી રહેવાની હતી અને પછી મમ્મી, પપ્પા અને સિતારાને લઇ જવાની હતી. અર્જુનના મમ્મી અહીંયા એકલા ન પડે એટલે એ પણ તારાના ઘરે રહેવાના હતા. તારા સીતારાથી દૂર જવાના વિચાર માત્રથી રડમસ હતી. એ કેવી રીતે બધું કરશે, રાતે ઊંઘ આવશે કે નહિ, એને સ્કૂલ માં કોણ મૂકવું જશે એવી કેટલીય વાતો એના મનમાં ઘુમરાઈ રહી હતી. પણ નંદાબેન અને મુકેશભાઈ ફરી એક વાર એના આધાર સ્તભ બની રહ્યા. મુકેશ ભાઈએ સૂચન કર્યું કે આપણે એક ડ્રાઈવર રાખી લઈશું . હું ડ્રાઈવર સાથે સિતારાને સ્કૂલ ડ્રોપ અને પીક કરી આવીશ. અમારે ક્યાંય જવા આવવા માટે પણ આરામ રહેશે. અર્જુને આગ્રહ કરીને ડ્રાઈવર કરી લીધો અને એને એડવાન્સમાં પગાર પણ ચૂકવી દીધો એવું કહીને કે એના મમ્મી પણ, અહીંયાજ રહેવાના છે. મહારાજ અને નોકર તો પહેલેથીજ હતા એટલે બહુ વાંધો નહિ આવે.


સિતારા પણ બોલી કે હું અમ્મા અને પાપા સાથે રહીશ. તારા, તું જા. સિતારા ઘણી વાર તારા ને નામથી બોલાવતી. તારા ને સિદ્ધાર્થ પછી કોઈના મોઢેથી પોતાનું નામ સાંભળવું ગમતું હોય તો એ સિતારા હતી. જયારે તારા બધું છોડીને આમ અચાનક અહીંયા આવી ગઈ ત્યારે એણે સિતારાને દત્તક લીધી હતી. એની વકીલ અને મિત્ર મીરા દ્વારા એને જાણવા મળ્યું હતું કે એક તાજી જન્મેલ બાળકીને કોઈ અનાથ આશ્રમની બહાર મૂકી ગયું છે પણ અનાથ આશ્રમમાં જગ્યા ન હોવાથી એ લોકો એ એના રહેવા માટે નિર્ણય લેવાનો છે. મીરા આશ્રમમાં લીગલ સર્વિસ આપતી હોવાથી એને આ વસ્તુની આગોતરી જાણ કરવામાં આવી રહી હતી. તારા એ કોઈ અગમ્ય કારણોસર એ બાળકીને દત્તક લેવાંનો નિર્ણય કર્યો જેથી એ બાળકીને મદદ થઈ શકે પણ સિતારા એના માટે આશીર્વાદ બની રહી. સિતારાના કારણે જ એનું દુઃખ હળવું થયુ હતું.


અર્જુન અને તારા શનિવાર ફેમિલી સાથે રહી, વહેલી સવારે મુંબઇ માટે નીકળી ગયા. બન્નેએ બાંદ્રામાં ઓફીસની થોડેક દૂર હોટેલ બુક કરી હતી. ફ્લાઈટ ટેકઑફ થઈ એટલે અર્જુને કહ્યું કે તારામેં એકજ રૂમ બુક કર્યો છે. તારા એની સામે જોઈ રહી. પોતાના એ મસ્તીખોર મિત્રને હવે ખૂબ સારી રીતે ઓળખી ગયેલી તારા બોલી, "મજા આવશે". અર્જુનનું મોઢું પડી ગયું. એ ફરિયાદ કરતા બોલ્યો તારાડી, હવે તને બધું ખબર પડી જાય છે.

એજ સમયે સિધ્ધાર્થ પણ મુંબઇ જવા માટે એરપોર્ટ પર હતો. મીરા અને બાળકો પણ સિદ્ધાર્થને મૂકવા આવ્યા હતા. સિદ્ધાર્થ બધાને ગળે મળીને છૂટો પડ્યો. બાળકોને ને કપાળ પર વ્હાલ કર્યું અને મીરા ને ફરી એક વાર હગ કરીને કહ્યું ધ્યાન રાખજે અને જો બને તો મને માફ કરવાની કોશિશ કરજે. મીરાએ માંડ માંડ પોતાના આંસું પર કાબુ રાખ્યો.

મીરા અને બાળકો ઘરે પહોચ્યાં, મીરા પોતાનાં રૂમમાં જઈને રડવા લાગી. આજે એને પોતાના ઉપર દયા આવી. મીરાને શરૂઆતથી ખબર હતી કે એ સિદ્ધાર્થની પસંદ નથી. સિદ્ધાર્થ તો એના પપ્પા સાથે એને ના પાડવા જ આવ્યો હતો પણ એણે જોયું હતું કે મીરાની એના પોતાના ઘરમાં વેલ્યુ નથી. પોતાની "ના" એ વેલ્યુને વધારે નીચે ગગડાવી નાખશે એવું લાગતા સિદ્ધાર્થે મીરા સાથે લગ્ન કર્યા. એ વાતનો સિદ્ધાર્થે આજ સુધી ક્યારેય ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો. એણે મીરાનું હમેંશા ધ્યાન રાખ્યું છે એની દરેક જરૂરિયાતને સમજી છે. આટલા વર્ષમાં, ના ક્યારેય ઊંચા અવાજે વાત કરી છે, ના એનું અપમાન કર્યું છે. એ ચાહત તો, એના માથા પર હાથ મુકીને પણ, ખોટું બોલી શકત! પણ ના,એણે એવું ના કર્યું. એને ત્યારે મીરાને પ્રાથમિકતા આપી. હમણાં હમણાં મેનાપોઝથી પીડાતી મીરાની દરેક એપોઇન્ટમેન્ટ સિધ્ધાર્થ લેતો અને દરેક વખતે સાથે પણ જતો. ભલેને પછી એને ઘરેથી કામ કરવું પડે. અને આ બધું અને બીજું ઘણું બધું એ કઈ પણ જતાયા વગર કરતો. મીરાની દરેક વર્ષગાંઠ પર, સિદ્ધાર્થ એના માટે ગિફ્ટ લઈને આવતો. એક પરફેક્ટ પતિ અને એક પરફેક્ટ પુરુષ હતો સિધ્ધાર્થ.

જો સિદ્ધાર્થ આટલો સારો પતિ હતો તો આજે પોતે કેમ દુઃખી છે? કદાચ એને એક પ્રેમી જોઈતો હતો જે એને હેરાન કરે, એની સાથે લડે, એને મનાવે, એની ઈર્ષા કરે.

પણ,સિદ્ધાર્થ, એને આ બધું ક્યાં આવડતું હતું? અથવા મીરા માટે આ બધું કરવાનું એનું મન ન હતું? તો ક્યાં હતું એનું મન? મીરાને ઘણા વખતથી એવું લાગતું હતું કે સિદ્ધાર્થ ક્યાંક અટવાયેલો છે. એની ખુશી ક્યાંક બીજે છે પણ એ અહીંયા અટવાયેલો છે. એટલામાં સિધ્ધાર્થનો " landed" એવો મેસેજ આવ્યો. આ સિધ્ધાર્થની વર્ષોની આદત..ક્યાંય પણ હોય કોઈ દિવસ બીજાને ચિંતા ન કરાવે. આજે મીરાંને સિદ્ધાર્થનું પરફેક્ટ હોવું અકળાવી ગયું. મીરાને લાગ્યું કે પોતે સિદ્ધાર્થ માટે જવાબદારી માત્ર છે. એણે નક્કી કર્યું કે એ સિદ્ધાર્થની સાથે આ વાતને લઈને ચોક્કસ વાત કરશે અને જરૂર પડી, તો એની સાથે ઝગડો કરશે.

પણ શું મુંબઇથી સિધ્ધાર્થ મીરાના પતિ તરીકે પાછો આવશે કે તારાના પ્રેમી તરીકે?

વાંચતા રહો અધુરો પ્રેમ ( Season 2)

✍️©Ca આનલ ગોસ્વામી વર્મા

તમારા અમૂલ્ય ફીડબેક અને સ્ટીકરની પ્રતીક્ષામાં.

💛💛💛