Hetvi ane Hitarth - 1 books and stories free download online pdf in Gujarati

હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ 01.

હેત્વી અને હિતાર્થ ...!!
એક પ્રેમકથા ... ભાગ 01.

કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો સમય વિતતો જતો હતો. પરંતુ હેત્વી નક્કી કરી શકતી ન હતી કે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો. તેની બધી જ સખીઓ એ પોતપોતાની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરંતુ હેત્વી એવી ચિંતામાં હતી કે પ્રવેશ ક્યાં મેળવવો. હેત્વીએ સુરતની પ્રતિષ્ઠિત એવી દરેક કોલેજનાં પ્રવેશપત્ર મેળવી લીધાં હતાં.
હેત્વી તેની બહેનપણી પ્રિયા સાથે એક મહિલા કોલેજમાં પ્રવેશપત્ર લેવા માટે પહોંચી. આ કોલેજની આચાર્યા પ્રિયાની મમ્મી જ હતાં. તેમણે હેત્વીને કહ્યું કે, "તું તો ઘણી હોશિયાર છે. તું વિનયન કોલેજમાં પ્રવેશ મેળવવાને બદલે કોઈ સારી કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવી લે એ તારા માટે સારું છે." આ માટે તેમણે એક ચિઠ્ઠી લખીને પ્રિયાને આપી.
આ પછી હેત્વી તેની મિત્ર પ્રિયા સાથે તરત જ અઠવા ગેટ આવેલી કોમર્સ કોલેજ પહોંચી. બોર્ડ પર સૂચના વાંચી, ખબર પડી કે આજે પ્રવેશ મેળવવા માટેનો છેલ્લો દિવસ હતો. હેત્વીએ તરત જ પ્રવેશપત્ર મેળવીને ભરી દીધું અને પ્રિયાને જમા કરાવવા આપી પણ દીધું. આ પ્રવેશપત્ર ખરીદવાના તથા ભરીને પરત દેવાના સમય દરમિયાન હેત્વીની નજર ત્યાં ઊભેલા એક છોકરા તરફ વારંવાર જતી હતી. એટલામાં તો પ્રિયા આવી અને બંને સખીઓ પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ.
વેકેશન પૂરું થઈ ગયું હતું. કોલેજ પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. એક દિવસ હેત્વી સમય કરતાં થોડી વહેલી કોલેજ પહોંચી ગઈ હતી. હજુ સુધી તેની કોઈ બહેનપણી કોલેજમાં આવી ન હતી. તે પાર્કિંગમાં જ પોતાની સ્કૂટી પર બેઠી રહી તેમની રાહ જોતી હતી. વાતાવરણ પણ આલ્હાદક હતું. મદમસ્ત મસ્તીભર્યો પવન પણ મંદ મંદ લહેરાય રહ્યો હતો. આ સમયે એકાએક હેત્વીની નજર કોલેજના પ્રવેશદ્વાર તરફ ગઈ.
આ સમયે સોહામણો યુવાન એની મસ્તીથી બાઈક પર આવ્યો. હેત્વીના મનમાં થયું કે આને તો મે જોયેલો હોય તેવું લાગે છે. તેને ખ્યાલ આવ્યો કે તેણે જોયું કે પ્રવેશપત્ર ભરતી વખતે પોતે જે છોકરો જોયો હતો તે જ હતો. મંદ મંદ વહેતા સમીરની લહેરો સાથે તેના વાળની જુલ્ફો પણ ઊડી રહી હતી. તે પર્કિગમાં તેનું બાઈક પાર્ક કરતો હતો. આ દરમિયાન નજરથી નજર ટકરાઈ અને તે સાથે હેત્વીના દિલમાં 'કુછ કુછ હોને લગા' અને તે છોકરો હેત્વીને મનોમન આકર્ષી ગયો.
હવે તો હેત્વીની આંખો સતત તેની જ ઝંખના કરતી અને તેને શોધતી રહેતી હતી. તેની નજર હવે ત્યાં જ મંડરાયેલી રહેતી જ્યાં તે હોય. હવે તો એ છોકરો વર્ગમાં પહોંચે તેની એક એક ક્ષણની હેત્વી માટે આતુરતા હતી. તે તેની પાછળને પાછળ વર્ગ તરફ ગઈ પણ તે તો તેના મિત્રોની સાથે વાતોના વમળમાં અટવાયેલો હતો. તે એવો તો સોહામણો હતો કે હવે હેત્વીના દિલમાં તે તેના પ્યારની પ્રતિમા-રૂપે અંકિત થઈ ચૂક્યો હતો.
એવામાં એક દિવસ હેત્વી જેવી કોલેજના કેમ્પસમાં પ્રવેશી તો હિતાર્થ પણ ત્યાંથી તેની બાઈક પસાર થયો તો હેત્વી તેને જોતી જ રહી ગઈ. તે તેની સ્કૂટી પાર્કિંગમાં પાર્ક કરી તેને જતો જોઈ રહી હતી, એટલામાં સુરભી નામની એક છોકરી ત્યાં આવી. તેણે તેની સ્કૂટી પાર્ક કરતાં હેત્વીને જણાવ્યું કે, "એ હિતાર્થ છે અને આ કોલેજના પ્રથમ વર્ષમાં જ છે. તે મારી સાથે જ શાળામાં ભણતો હતો. તેને ભણવા સિવાય કશામાં રસ નથી. તેણે કોઈ છોકરીને કદી દાદ આપી નથી. બસ તેની મસ્તીમાં જ જીવે છે. એનાં સપનાં જોવાનું છોડ, કોઈ ફાયદો નથી. હું પણ તેના વર્ગમાં જ છું." આટલું કહી તે ચાલી ગઈ. હેત્વી તેને જોતી રહી અને મનોમન કોઈ નિર્ણય પર આવી.
એવામાં એક દિવસ કોલેજ દ્વારા ફિલ્મી ગીત સ્પર્ધા માટેની જાહેરાત કરવામાં આવી. હેત્વી તો નાનપણથી જ ગીતો ગાવામાં ઘણો જ રસ ધરાવતી હતી. તેણે શાળામાં પણ ગીત સ્પર્ધામાં ઘણાં ઈનામ મેળવ્યાં હતાં. તેણે આ સ્પર્ધામાં પોતાનું નામ નોંધાવી દીધું. સ્પર્ધા શરૂ થવાને હજુ ચારેક દિવસ બાકી હતા. હેત્વી હિતાર્થના દિલને ઢંઢોળી નાખે તેવા ગીતને શોધી રહી હતી.
હેત્વીની મિશાલ અત્યારે હિતાર્થ જ હતો અને તેને માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર હતી. આ સ્પર્ધામાં તે પ્રથમ સ્થાન મેળવી હિતાર્થના દિલમાં પોતાના પ્રેમની ઝંખનાનો છોડ રોપવા માટે આતુર હતી. એવામાં જ તેને એક ગીત મળી પણ ગયું. તેને અનેક વખત ગાઈને તૈયાર પણ કરી દીધું હવે તે સ્પર્ધાના દિવસની રાહ જોવા લાગી.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, હવે સ્પર્ધાના દિવસની આપણે પણ રાહ જોવી જ પડે. હેત્વીના હેતની હિતાર્થ કેવી અસર પડશે તે તો આવનારો સમય કહેશે. એક વાત નિશ્ચિત છે, હેત્વી ધારેલા નિશાનને કોઈપણ ભોગે ચૂકવા તો નથી જ માગતી. આ માટે આપણે ભાગ 02 માં મળીએ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
19મી મે, 2021ને બુધવાર
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર ટેલિગ્રામ પર સંદેશ : 87804 20985
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐