Bhikhubha Jasus - 2 books and stories free download online pdf in Gujarati

ભીખુભા જાસૂસ - ૨

ભીખુભા એ દુકાન ની લગભગ જવાબદારી પોતાના પર લઇ લીધી હતી. દુકાન માં માલસામાન નો સ્ટોક પણ ભીખુભા જ જોવા લાગ્યા હતા. ભીખુભા ની દુકાન માં એક પ્રશાંત એટલે કે પશો કરી ને માણસ રાખેલો હતો. પશા નું કામ દુકાન માટે આવેલા માલસામાન ને ઉતરવાનું અને ગોઠવવાનું તેમજ વધારે ગ્રાહકો હોય ત્યારે ભીખુભા અને તેના બાપા ને માલસામાન વજન કરવા માં મદદ કરવાનું હતું. એકદિવસ ભીખુભા તેમના બાપા સાથે બેસી ને હિસાબ કરતા હતા. તેમાં ભીખુભા ને ગડબડ લાગી તેમણે તરત જ તેમના બાપા નું ધ્યાન દોર્યું કે "બાપા, આપણે જે વસ્તુ વેચીએ તેની નોંધ કરીએ છીએ તો આ લાઈફ-બોય સાબુ ના સ્ટોક કરતા કેમ ઓછા પૈસા આવ્યા?" ભીખુભા ને તેમના બાપા એ કીધું કે બનીશકે કે આપણે કોઈ વખત ઉતાવળ માં નોંધ કરવાનું ભૂલી ગયા હોય. પરંતુ ભીખુભા ને કંઇક વાત હજમ થઈ નહિ અને વિચારતા રહ્યા કે દરેક વખતે તો ચીવટ પૂર્વક બધી જ વસ્તુ નું લખીએ છીએ છતાં કેમ આજ ના હિસાબ માં લોચા લાગે છે? આ પછી ભીખુભા એ ઘણા દિવસો સુધી ચીવટ પૂર્વક બધું લખ્યું પરંતુ કોઈ ને કોઈ વસ્તુ ના લીધે હિસાબ માં લોચો થાય. આવું વારંવાર થવા ના લીધે ભીખુભા ની અંદર નો વ્યોમકેશ બક્ષી જાગી ગયો. જેમ તેમ કરી ને ભીખુભા એ હિસાબ ના લોચા નો ભેદ ઉકેલી કાઢયો અને તેમનો માણસ પસો ઘરે જેની જરૂર હોય તે વસ્તુ નજર ચૂકવી ને ઘરભેગી કરતો હતો. આ ચોર ને પકડ્યો તે ભીખુભા નો પહેલો કેસ હતો આ વાત ની જાણ થતાં ભીખુભા ના બાપા પણ તેમના પર ખુશ થયા અને તેમની પીઠ થપથપાવી. પશા ચોર ને તેમના બાપા એ દુકાન માં થી કાઢી મૂક્યો.

પ્રથમ કેસ ઉકેલ્યા બાદ ભીખુભા ને વિચાર આવ્યો કે લાવ ને જાસૂસી નો દુકાન ની સાથે ધંધો ચાલુ કરી દઉ. એટલે ગામડા માં પ્રથમ વખત કોઈ દુકાન પર ના લાગ્યું હોય તેવું બોર્ડ મારવા માં આવ્યું " ભીખુભા જાસૂસ - તમામ પ્રકાર ના જાસૂસી કામ ગુપ્ત રીતે કરી આપવામાં આવશે" ઘણા લોકો આ બોર્ડ જોઈ ને હસતા હતા જ્યારે અમુક લોકો પોતાના કેસ લઇ ને ભીખુભા ને સોંપતા હતા. ભીખુભા મારી મચડીને આ જાસૂસી ના નાના મોટા કેસ ઉકેલતા હતા. હવે કરિયાણા ની દુકાન સાથે ભીખુભા નો જાસૂસી નો ધંધો પણ ખૂબ સરસ ચાલવા લાગ્યો હતો. લોકો પોતાની સાયકલ ચોરી થવી, દુકાન માં ચોરી થવી, પોતાના પતિ - પત્ની પર નજર રાખવી વગેરે ઘણા કેસો ભીખુભા ને સોંપતા હતા. ભીખુભા કોઈપણ ગ્રાહક ની વાત ગુપ્ત રાખી ને ખૂબ ઓછા પૈસા માં કેસ ઉકેલી આપતા હતા.


એકદિવસ ભીખુભા નું નસીબ ચમક્યું અને અમદાવાદ થી આવેલા એક સજ્જન તેમને મળ્યા. તે સજ્જન એ ખૂબ સરસ પ્રસ્તાવ મૂક્યો કે તમે આટલું સારું જાસૂસી કામ કરી લો છો તો તમે મારી સાથે અમદાવાદ ચાલો અહી કરતા તમને કેસ પણ વધારે મળશે અને પૈસા પણ અહી કરતા ખૂબ વધારે મળશે. આ પ્રસ્તાવ સાંભળી ને ભીખુભા ને તો અમદાવાદ જવાનું મન થઈ ગયું પણ બાપા ને વાત કરવામાં ભીખુભા ના પગ ધ્રુજતા હતા. ભીખુભા એ તે સજ્જન ને કહ્યું કે " મને વિચારવા નો થોડો સમય આપો હું વિચારી ને આપને જણાવીશ. અને હા મારી બીજી પણ એક સમસ્યા છે મારી પાસે પૈસા નથી, હું અમદાવાદ આવી પણ જાય પણ જ્યાં સુધી મને કેસ ના મળે ત્યાં સુધી મારી પાસે રહેવા તેમજ જીવન નિર્વાહ નો એક મોટો પ્રશ્ન છે." પેલા સજ્જન એ ભીખુભા ને પ્રત્યુતર માં જણાવ્યું કે " તમે કોઈ પ્રકાર ની ચિંતા ન કરો તે તમે મારા પર છોડી દો બસ તમે એટલું કહો કે તમે આવશો કે નહિ "