point of view - 2 books and stories free download online pdf in Gujarati

દ્રષ્ટિકોણ - 2 - સંબંધની પરિભાષા

સંબંધ શું છે? જો આ સવાલ પૂછવામાં આવે તો વ્યક્તિદર સંબંધની પરિભાષા કે વ્યાખ્યા બદલાતી હોય છે. વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રમાણે સંબંધની પરિભાષા બદલતો હોય છે. સંબંધની પરિભાષા ભલે ગમે તે હોય પણ જો કોઈ પણ સંબંધમાં પ્રેમ ના હોય તો એ સંભંધ માત્ર નામનો રહી જાય છે.

આજે આપણે એવા જ એક સંબંધની વાત કરવા જઈ રહ્યા છે અને એ સંબંધ છે “પતિ-પત્ની નો”. આ એક સંબંધ એવો છે જેમાં તમે એકબીજાના મિત્ર પણ બની શકો અને સાથી પણ.

જયારે પણ કોઈ સંબંધની શરૂઆત થાય છે ત્યારે એની નીવ વિશ્વાસ પર રાખવી જોઈએ અને સાથે સાથે એમાં પ્રેમનું સિંચન જરૂરી છે તેમજ સાથે એમાં સન્માનનો રંગ ચડાવવામાં આવે ત્યારે એ સંબંધ સોળે કળાએ ખીલી ઉઠે છે. પણ આપણા સમાજમાં હજી એવા ઉદાહરણ છે જેના કારણે આજે પણ ક્યારેક એ સંબંધની સત્યતા પાર સવાલ ઉઠવા લાગે છે.

* * *

લગ્ન પછી સંજનાની આજે સાસરીમાં પહેલી સવાર હતી. સવારમાં વહેલી ઉઠી, તૈયાર થઇ રસોડામાં આવી ત્યારે એના જેઠાણી અને કાકી સાસુ પહેલાથી ત્યાં હાજર હતા. સંજનાના સાસુ ચા બનાવી રહ્યા હતા અને એના જેઠાણી નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા એટલે સાંજના એ કહ્યું, “ભાભી લાવો હું તમારી મદદ કરાવી દઉં.”

“ના ના સંજના, સાસરીમાં આજે તારો પહેલો જ દિવસ છે. તું બેસ ને આરામથી, હું અને કાકી હમણાં ચા-નાસ્તો બનાવી દેશું. પછી તો તારે જ મારી મદદ કરવાની છે આ ઘર સાંભળવામાં.” સંજનાના જેઠાણીએ તરત કહ્યું.

જયારે અંકિત સાથે સંજનાના લગ્ન નક્કી થયા ત્યારે જ એને જાણ થઇ ગઈ હતી કે અંકિતના માતા-પિતા નથી. એને ઉછેર એના કાકા-કાકીએ જ કર્યો છે અને એક મોટા ભાઈ અને ભાભી છે. સંજના આ ઘરમાં લાહના કરીને આવી એ પહેલા જ એ સમજી ગઈ હતી કે અંકિતના કાકી અને ભાભી બહુ પ્રેમાળ છે જે એને પણ એટલા જ પ્રેમથી રાખે છે.

સંજના બસ હસી અને પાણી લેવા આગળ વધી ત્યાંજ એના જેઠાણીની નજર એના હાથ પર પડી એટલે તરત જ એને પૂછ્યું, “સંજના તારા હાથ પર શું થયું?”

“એ તો ભાભી કાલે સમાન ઉતારતા મારા હાથ પર વજન આવી ગયું હતું એટલે આ એના જ નિશાન પડી ગયા છે.” સંજનાએ નિર્દોષતાથી કહ્યું.

પછી સંજના જઈને એના કાકી પાસે બેઠી ત્યારે અચાનક એનાથી હળવી ચીસ નીકળી ગઈ એટલે તરત જ એના કાકીએ પૂછ્યું,” શું થયું બેટા?”

“કઈ નહિ કાકી, કાલે સમાન મૂકતા સમયે ટેબલ સાથે અથડાઈ ગઈ હતી એ તો સારું થયું અંકિત ત્યાં જ હતા એટલે હું બચી ગઈ બાકી થોડું વધારે વાગ્યું હોત.” સંજનાએ ફરીથી કહ્યું.

આ સાંભળી એના જેઠાણી અને કાકી સાસુએ એકબીજા તરફ જોયું અને એમને એમના પોતાના અનુભવ યાદ આવી ગયા.

સંજનાના જેઠાણી પણ કંઈક આમ જ પોતાની પીડા છુપાવી લે છે પણ એક પીડા છે જે હંમેશા એની સાથે રહેશે અને એ ક્યારેય નહિ ભૂલી શકે. વાત એમ હતી કે ગર્ભાવસ્થાના નાજુક સમયમાં એના પતિની શારીરિક સંબંધ બાંધવાની હઠે એમના અજન્મા બાળકનો જીવ લીધો ત્યારે એના મનમાં સવાલ થઇ આવ્યો કે શું આ જ હોય છે સબંધની પરિભાષા .

“ભાભી, ચા ઉભરાઈ જશે.” સંજનાએ કહ્યું ત્યારે એના જેઠાણી વિચારીમાંથી બહાર આવ્યા.

તરત જ એમને અંકિત તારક જોયું અને વિચાર્યું, “શું અંકિત પણ એના ભાઈ જેવો જ છે અને પછી સંજના તરફ જોયું.”

થોડીવાર પછી બધા ચા-નાસ્તો પતાવી પોત -પોતાના કામે લાગ્યા અને સંજના એના રૂમમાં આવી. અંકિત પહેલાથી જ ત્યાં હાજર હતો અને એના હાથમાં પહેલાથી જ દવાનું બોક્સ હતું.

જયારે સંજના અંદર આવી ત્યારે અંકિતએ એણે પોતાની પાસે બોલાવી અને કહ્યું, “ મેં તને કહ્યું હતું ને કે દવા લગાવી લેજે પણ તું મારુ મને જ ક્યાં છે.”

“જો હું કાલે કામ પૂરું ના કરતી તો આજે ભાભી એ કામે લાગી જાત અને મારુ કામ ભાભી કરે એ મને કેવી રીતે ગમે?” સંજનાએ હસતા કહ્યું.

“પણ તને આટલી તફલીફ પડે એ હું કેમ ચલાવી લઉં .” અંકિતે સંજનાના હાથ પાર દવા લગાડતા કહ્યું.

“આટલો પ્રેમ કરે છે મને?” સંજનાએ મસ્તીથી પૂછ્યું.

“સાબિતી જોઈએ છે?” અંકિતે સામો સવાલ કર્યો.

“ના, કોઈ સાબિતીની જરૂર નથી.” સંજનાએ કહ્યું અને અંકિત ફરીથી દવા લગાડવા લાગ્યો.

પ્રેમ ક્યારેય સાબિત ના કરવાનો હોય અને જો સાબિત કરવો પડે તો એ પ્રેમ નથી.

કિંજલ પટેલ (કિરા)