Kashmkash - 3 books and stories free download online pdf in Gujarati

કશ્મકશ... - 3

કશ્મકશ.. (ભાગ -૩ )

વિરહની વેદના પીને બળીને ખાક થયેલા બે દિલ, નજરો મળીને છલકાઈ ગયા. સમયના વહેણ સાથે થંભી ગયેલા આંસુ આજે ધોધમાર વર્ષયા. પાયલે પોતાની ફરતે કાંટાળી વાડ ઊભી કરી હતી તે પવનની એક ઝલક મળતાં તૂટીને ચૂર થઇ ગઇ. મુહોબ્બતનાં મોજા ઉછળ્યા દિલમાં,એકબીજાને ગળે લગાડવા પણ પગ ત્યાંજ થંભીને ઊભા રહી ગયા.

આંસુનાં પ્રવાહની સાથે ફરિયાદોનો દોર ચાલ્યો. ફરિયાદોમાં માફી પણ અપાઈ ગઇ, સાચી વાત જાણીને !

પાયલ તેના મમ્મીને મનાલી હવાફેર કરવા માટે લાવી હતી. થોડા મહિનાઓથી શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધી ગયો હતો, બંને બહેનોના લગ્ન થયા હતા. હવે ઘરમાં બે જ રહેતાં. પાયલ આખો દિવસ ઓફિસનાં કામમાં, વાતચીતનો દોર ઓછો થયો હતો. ઘરમાં સુનું સુનું થયું હતું. મમ્મીની તબિયત તેના કારણે નરમગરમ રહેતી હતી. પાયલ પણ જવાબદારીના બોજમાંથી બહાર નીકળી હતી. તો બંને હવાફેર કરવા મનાલીની વાદિયો માં આવ્યા હતાં.

ત્યાંજ મમ્મીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, હોટેલ વાળાની મદદથી અહીંયા લઇ આવી. પવન હવે શું થશે ? શું કરીશ હું એકલી ?

પવન તારો હંમેશા તારી સાથે છે. કંઈ નહિ થાય મમ્મીને, જલદી સ્વસ્થ થઇ જશે ને, બાહોમાં આવવા બે હાથ ફેલાવી ઊભો રહી ગયો, અત્યાર સુધી હિંમત દાખવી હતી પાયલે, આત્મીય ભર્યા પવનનાં શબ્દો સાંભળીને અને બાહોમાં પોકારતું વ્હાલ ભર્યું નિમંત્રણ, જઇ વળગીને આંસુનો સૈલાબ વહાવી દીધો. પવને એને રડવા દીધી જ્યાં સુધી એનું મન હલકું ન થયું. હવે તેને કંઇજ ચિંતા નહતી એનો દિલબર એની સાથે હતો, એ ભાવાવેશમાં ભૂલી ગઇ કે પવન હવે કોઇનો પતિ છે !!

પારિજાત પણ હવે ભાનમાં આવી હતી. પવને પાયલની ઓળખાણ કરાવી, મમ્મીને કેવી રીતે અહી લાવવા પડ્યા અને આ રૂમમાં પણ કેવી રીતે આવવું પડ્યું તેની વાત કરી. સ્ત્રી સહજ થોડી ઈર્ષા તો થઇ, પણ ઘરથી દૂર કોઈ આપણું નજીક છે એની ખુશી પણ હતી. પાયલ પણ પારિજાતનું ધ્યાન રાખતી. ધીરે ધીરે દોસ્તી જામતી જતી હતી..

અચાનક પારિજાતને પેટમાં દુઃખાવો ઉપડ્યો, સોનોગ્રાફી કરાવી તો એમાં ગર્ભાશયમાં ગાંઠ છે એવો રિપોર્ટ હતો. ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે નહીતો જોખમ થશે. ડોકટરે એ પણ કહ્યુંકે જો ગાંઠ ગર્ભાશય જોડે જોડાયેલી હશે અને અમે છૂટી નાં કરી શકીએ તો ગર્ભાશય કાઢવું પડશે.

હજી તો લગ્નજીવન શરૂ થતું હતું ત્યાં આ ખબર. પવન અને પારિજાત તો હબકાઈ જ ગયા પણ પારિજાત કંઇક જુદું વિચારતી હતી. ઈશ્વરની મરજી વિરુદ્ધ કંઈ થતું નથી. જિંદગીમાં હવે જે થશે તેને સાક્ષી ભાવે જોઈશ. મેં વિચાર્યું નહતું આટલા જલદી પવન મને અપનાવીને પ્રેમ કરશે. હવે પણ સારું જ થશે અને કોઈક તો માર્ગ મળશે.

પવનની ઉદાસી પારિજાત અને પાયલ જોઈ શકતા ન હતાં. પવનને છોકરાઓ બહુ ગમતા. હવે મારું કોઈ સંતાન નહીં એવો વસવસો થતો હતો. બાળક માટે ઘણાં ઓપ્શન છે આપણે બાળક દતક પણ લઇશું, તું ચિંતા ન કર પવન એમ બંને સમજાવતા.

પાયલે એકદમ ધડાકો કર્યો અને કહ્યું કે હું સેરોગેટ મધર બનીશ. પવનને પિતાનું માન મળશે અને પારિજાત માં બનશે. તમારું પોતાનું જ બાળક હશે. પવન અને પારિજાતની ખુશીની સીમા ન રહી. બાળક માટેની ચિંતા પાયલે દૂર કરી દીધી.

પાયલ તું કુંવારી માં કેવી રીતે બની શકે. તારી પાસે આખી જિંદગી છે. તારાં લગ્ન પણ બાકી છે. તું આવું કેવી રીતે વિચારી શકે ?? ના, અમે તને જિંદગી જોખમમાં નહી મૂકવા દઇએ. સરોગેટ માટે બીજા માટે વિચારશું.

પાયલે કહ્યું હું લગ્ન કરવાની નથી, મે પ્રેમ એકવાર કરીને તને દિલમાં સમાવી દીધો છે. મનથી તો હું પવનને ક્યારની વરી ચૂકી છું, એના નામની ચુંદડી ઓઢી ચૂકી છું. મારો શણગાર પણ એનો જ છે. દેહનું મિલન જરૂરી નથી જ્યાં આત્માનું મિલન થયું હોય. મને પવનનાં દીકરા માટે સેરોગેટ મધર બનવાનું મંજૂર છે. હું મારી મરજીથી આ કરી રહી છું. હું પણ માં બનીશ મારાં પ્રેમીનાં બાળકની. પાયલની જીદ આગળ બધાંએ નમતું જોખી દીધું. તલાશ થઇ એક સારા IVF treatment નાં નિષ્ણાતની.

બ્રેઈન સ્ટ્રોકને કારણે મમ્મી હવે કોમામાં જતાં રહ્યાં હતાં. ક્યારે બહાર આવશે એ કહેવું અશક્ય હતું. એમને મૂકીને મનાલી છોડીને જઇ પણ નાં શકાય. દિલ્હી ઓફિસમાં વાત કરીને ઓનલાઇન કામ કરવાનું નક્કી થયું. પારિજાતને પણ ઓપરેશનને લીધે આરામ કરવાનો હતો, મુસાફરી કરી શકે એમ નહોતી. મનાલીમાં જ અત્યારે રહેવું એવું વિચાર્યું. પાયલ પણ જો સેરોગેટ મધર બને તો તેની પાસે કોઈક તો હોવું જોઈએ સારસંભાળ રાખવા તો પવને પોતાનો બિઝનેસ ઓનલાઇન કરી દીધો. જરૂર પડશે તો દિલ્હી આંટો મારી આવશે.

ઓનલાઇન IVF clinic ની તપાસ થઇ, હોસ્પિટલમાંથી પણ ડો. પરિતોષનાં નામની ભલામણ થઇ. એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઇ. પાયલ, પવન અને પારિજાતનાં જરૂરી ટેસ્ટ થયા. પાયલના ગર્ભાશયમાં પ્રત્યારોપણ થયું બીજનું.

આજે સૌથી વધારે ખુશ પાયલ હતી. માતૃત્વ માણતાં આનંદની અનુભૂતિ થઈ રહી હતી. મારાં પવનનું બાળક મારી કોખમા. મનથી મક્કમ હતી કે પવનની જિંદગીમાં પાછી ફરીને તોફાન નહી લાવે. પવન પણ એનો ત્યાગ જોઇને મનમાં જ હરખાતો કે મેં સાચો પ્રેમ પાયલને કર્યો. પ્રેમમાં સાથે જ રહેવું જરૂરી નથી. દૂર રહીને પણ સુખ માણી શકાય. બંને એકલા હોય તો પારિજાતના મનમાં પણ ક્યારેય શંકા ન થતી. ઈશ્વરે કામ માટે એકબીજાના દેવદૂત બનાવી મોકલ્યા હતા. બીજા દેવદૂત પણ આવવાની તૈયારીમાં હતા.

પાયલ, પવન અને પારિજાત ચેકઅપ કરાવી ક્લિનિકમાંથી પાર્કિંગ તરફ આવી રહ્યા હતા ત્યાં એક
કાર આવીને ઊભી રહી બંને પાસે. દરવાજો ખોલીને દોડતાં જઇ, ઝુલી ગઇ પવન પર. પવન તો ફાટી આંખે જોઈ રહ્યો શું આ પાવની જ છે ?

પવન અને પાયલને સાથે જોઈ પાવની ખુશ થઈ ગઇ કે ચાલો મારા લીધે બે પ્રેમીઓ જુદા થયા હતા હવે એકસાથે છે. પ્રેમની નિશાનીરૂપ ફૂલ પણ પાયલના પેટથી ચાડી ખાતું હતું.

પવને આખી વાત સમજાવી પાવનીને, ડો. પરિતોષની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ત્યારે ડો. પરિતોષતો મારા પતિ છે તેમ કહ્યું પાવનીએ. બે દેવદૂતનો વધારો થયો.

પવન કશ્મકશમાં હતો મારી જિંદગીમાં શું થઇ રહ્યું છે. છૂટેલા સબંધો ફરી આત્મીયતાથી જોડાઈ રહ્યા છે જેમાં નિર્મળ પ્રેમ છે. હું નસીબદાર છું મને ત્રણનો સાચો પ્રેમ મળ્યો. મારું બાળક પણ ખુબ નસીબદાર એને માં અને બે માસીઓનો પ્રેમ મળશે. માસી પણ માં બરાબર જ કહેવાય. પાયલ અને પાવનીથી દૂર મનાલી આવ્યો પારિજાતને લઇનેતો ત્યાં પણ ત્રિભેટે સુંદર ભેટો થઇ ગયો. મનાલીની વાદીઓમાં આજે એક અદભુત ખનકાર હતો જે હવામાં ગુંજતો ત્રણે દિલોને ત્રિભેટે મળી આનંદિત હતો.

પવન સંગ થયો હતો ત્રિભંગ,
પ્રેમમાં પાગલ સૌ પા.. પા.. પા..
પ્યારનો સંગમ ત્રિભેટે મળ્યો,
વળાંકો મળ્યા ત્રિભુવનમાં.

""અમી""