Pratiksha - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - 5

પ્રતિક્ષા

પ્રકરણ-5

“તારાં ધણી અને છોકરાંને જીવતાં જોવા હોય...!”

“હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?”

“પોલીસ-બોલીસની કોઈ ચાલાકી ના જોઈએ...! નઈ તો સવાર સુધીમાં બેયની લાશ કેનાલમાં તરતી હશે....! સમજી સાલી.. હલકટ...!”

ધમકી આપીને સામેવાળાએ ફોન કટ કરી દીધો હતો. પરંતુ પ્રતિક્ષાના કાનમાં એ ધમકીભર્યા અવાજનાં એ શબ્દો પડઘાઈ રહ્યાં. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાં છતાય પ્રતિક્ષાનું માથું ચકરાઈ રહ્યું હતું. કેમેય કરીને તેણીને કળ નહોતી વળી રહી.

“હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?” પોતાનાં વિચારો ઉપર કાબૂ કરવાં જતાં પ્રતિક્ષાને યાદ તે શબ્દો યાદ આવ્યાં.

“બેન્કવાળો હીરો...!?” પ્રતિક્ષા ચોંકી ગઈ “અર્જુન...!?”

પોતાનાં માથે પરસેવો લૂંછતી-લૂંછતી પ્રતિક્ષા વિચારી રહી.

“એ લોકોને અર્જુન જોડે શું લેવાં-દેવાં....!?”

“પોલીસને ફોન કરું....!?” થોડીવાર પછી પ્ર્તિક્ષાએ વિચાર્યું પછી માથું ધૂણાવતી-ધૂણાવતી બબડી “નઈ...નઈ....એ લોકોએ ધમકી આપી છે...!”

બેચેનીપૂર્વક પ્રતિક્ષા આમ-તેમ આંટા મારવાં લાગી. તેનાં માથે ફરીવાર પરસેવો વળવા માંડ્યો. તેણીનાં હ્રદયનાં ધબકારા વધી ગયાં.

“શું કરું...શું કરું...!?” ફફડી ઉઠેલી પ્રતિક્ષાને કશું સુઝી નહોતું રહ્યું.

“અર્જુન....! એ લોકોએ અર્જુનનું કીધું છે...તો....! એજ હવે કઈંક હેલ્પ કરી શકશે...!”

પ્રતિક્ષા વિચારી રહી. છેવટે મન કઠણ કરીને પ્રતિક્ષાએ પોતાનું પર્સ લઈને આર્મી કેન્ટોનમેન્ટ જવાં નીકળી પડી.

***

“અર્જુનને મલવું છે....!” આર્મી કેન્ટોનમેન્ટનાં ગેટની સિક્યોરિટી કેબિનમાં બેઠેલાં જવાનને પ્રતિક્ષાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું.

“ઓહ....! તમેજ છો....!” આગલી વખત જે જવાન ફરજ ઉપર હતો તેજ જવાન ફરીવાર અર્જુનને મળવા આવેલી પ્રતિક્ષાને ઓળખી ગયો.

“પણ મેડમ...! અર્જુન સર તો પરેડમાં હશે....!” તે જવાન બોલ્યો.

“શેની પરેડ....!?” પ્રતિક્ષાથી પૂછાઈ ગયું.

“ઈન્ડીપેંડન્સ ડે આવે છે ને મેડમ...!” ઓલો જવાન સ્મિત કરીને બોલ્યો “એટ્લે અમારે રોજે પરેડ તો હોયજ....! અને અર્જુન સર તો એમની યુનિટને લીડ કરે છે...! દર વર્ષે...!”

“ઓહ...! તો મારે મલવું હોય તો...!? અર્જન્ટ છે...!” પ્રતિક્ષા દયામણું મોઢું કરીને બોલી.

“પરેડ પતે ત્યાં સુધી કેન્ટીનમાં રાહ જોવો....! પરેડ પતાઈને બધાં ત્યાંજ નાસ્તો-પાણી કરવાં જાય છે....!”

“અચ્છા..! ક્યાંથી જવાનું...!?” પ્રતિક્ષાએ પૂછ્યું.

“ગેટમાંથી અંદર આવો...! હું કમલનાથને મોકલું છું....!” તે જવાન બોલ્યો “કેન્ટીન માટે તમારે અહીંથી ઘણું ચાલવું પડશે...! કમલનાથ તમને ગાડીમાં મૂકી જશે....!”

“થેન્ક યુ....!” પ્રતિક્ષાએ ઔપચારિક સ્મિત કર્યું અને સિક્યોરિટી કેબિનની બાજુમાં નાનાં ગેટમાંથી અંદર આવી ગઈ.

“મેડમને અંદર કેન્ટીનમાં મૂકી આય....!” એ જવાને તેની જોડે ઉભેલાં એક જવાનને ચાવી આપતાં કહ્યું.

કેબિનનાં દરવાજા પાસે ઊભેલી પ્રતિક્ષાએ બહાર નીકળી ગાડી તરફ જઈ રહેલાં તે જવાનનાં યનિફોર્મમાં ચેસ્ટ ઉપર પોકેટ પાસેની નેમ પ્લેટ ઉપર “કમલનાથ” લખેલું વાંચ્યું અને તેની પાછળ-પાછળ ચાલી. તે જવાન કમલનાથ અર્જુન અને પ્રતિક્ષાથી સહેજ યુવાન અને ઓછી ઉમરનો હતો.

સિક્યોરિટી કેબિનની પાછળજ સહેજ નાનાં ચોગાનમાં બે-ત્રણ ગ્રીન કલરની આર્મીની ખુલ્લી બોડી વાળી જીપ પાર્ક કરેલી હતી.

“બેસો મેડમ...!” જીપની ડ્રાઇવિંગ સીટમાં બેસતાં-બેસતાં કમલનાથ બોલ્યો.

જીપનાં બોનેટ આગળથી પસાર થઈને પ્રતિક્ષા કમલનાથની બાજુની સિટમાં ગોઠવાઈ.

કમલનાથે જીપનો સેલ મારી જીપ કેન્ટીન તરફ જતાં રસ્તા ઉપર જવા દીધી.

***

આર્મીની કેન્ટીનમાં આવીને પ્રતિક્ષા આજુબાજુનાં ટેબલૂપર બેઠેલાં અમુક જવાનોમાં અર્જુનને શોધી રહી. આર્મી કેન્ટોનમેન્ટનાં વિશાળ કેમ્પસમાં કમલનાથ પ્રતિક્ષાને કેન્ટીન આગળ ઉતારી ગયો હતો. કેન્ટીનમાં અંદર આવીને પ્રતિક્ષા અર્જુનની રાહ જોવા એક ટેબલની ચેયરમાં બેઠી હતી. કમલનાથ જતાં-જતાં પ્રતિક્ષાને આગ્રહપૂર્વક ચ્હાનો આપીને ગયો હતો.

ચ્હા પીવાનું મૂડ નાં હોવાં છતાં પ્રતિક્ષા કપમાંથી એક-એક ઘૂંટડો ચ્હા પી રહી હતી. એમપણ વિવેક અને આર્યનનાં વિચારોની સાથે સાથે તેણીનું મગજ હવે અર્જુનનાં વિચારોથી ઘેરાઈ ગયું હતું.

આટલાં વર્ષો પછી અર્જુનને કેવી રીતે ફેસ કરવો?

એ દિવસ વિષે અર્જુન કઈં પૂછે તો કેવી રીતે બધુ એક્સપ્લેંન કરવું ?

અને સૌથી મોટી વાત, પ્રતિક્ષા માટે પોતાનું કરિયર દાવ ઉપર અને પછી બેન્કમાં લૂંટારુઓથી બચાવા પોતાની જાન દાવ ઉપર લગાવનાર અર્જુન બધુ જાણ્યા પછી તેણીની મદદ કરવા તૈયાર થશે કે કેમ?

વિચારી-વિચારીને પ્રતિક્ષાનું માથું ભમવાં લાગ્યું હતું. વિવેક અને આર્યન ક્યાં હશે...!? કેવી હાલતમાં હશે....!?

ગભરાઈ રહેલી પ્રતિક્ષા બેચેનીપૂર્વક કેન્ટીનના મેઈન દરવાજા સામે જોઈ રહી હતી.

આખરે પોણો કલ્લાક પછી કેન્ટીનમાં મેઈન ડોરમાંથી ગ્રીન કલરનો ઈસ્ત્રી ટાઈટ યુનિફોર્મ, માથે નેશનલ એંબલમ વાળી કેપ પહેરેલાં જવાનો ગણગણાટ કરતાં-કરતાં એક પછી એક અંદર દાખલ થવાં લાગ્યાં. જવાનોનો અંદર દાખલ થતાં જોઈને પ્રતિક્ષા ચેયરમાંથી ઊભી થઈ ગઈ.

વારાફરતી અંદર દાખલ થઈ રહેલાં જવાનોમાં પ્રતિક્ષા અર્જુનને શોધી રહી. આખરે વીસેક જવાનો પછી અર્જુન તેની જોડે કોઈ અન્ય જવાન સાથે વાત કરતો-કરતો અંદર દાખલ થયો.

ઝીણાં આર્મી કટ વાળ, ગ્રીન કલરનો આર્મી યુનિફોર્મ, તેણે પોતાની કેપ હાથમાં પકડી રાખી હતી. ક્લીન શેવ્ડ ચેહરામાં અર્જુન કોલેજ સમયના યુવાન અર્જુન કરતાં વધુ હેન્ડસમ દેખાતો હતો. હાલ્ફ સ્લીવના આર્મી યુનિફોર્મમાં કસાયેલાં તેનાં બાવડાંમાં તે કોઈ યોદ્ધાં જેવો દેખાતો હતો.

વાતો કરતાં-કરતાં જઈ રહેલાં અર્જુનની નજર અનાયાસે દરવાજાની સામે બેઠેલી પ્રતિક્ષા ઉપર પડી. પ્રતિક્ષાને જોતાંજ અર્જુન ચોંકીને ત્યાંજ ઊભો રહી ગયો. પ્રતિક્ષા ભીની આંખે અર્જુન તરફ જોઈ રહી.

“આ મેડમ તો ...!” અર્જુનની જોડે ઉભેલો જવાન પૂછવા ગયો.

“તું જા ...હું આવું છું...!” અર્જુને વચ્ચે બોલીને કહ્યું અને ધીમા પગલે પ્રતિક્ષા તરફ ચાલવા લાગ્યો.

પ્રતિક્ષા પણ ધીરે-ધીરે અર્જુન તરફ જવાં લાગી.

“તું ...અ....! અહિયાં....!?” અર્જુન ધિમાં ઈમોશનલ સ્વરમાં માંડ બોલ્યો.

“મ્મ....મારે હેલ્પ જ....જોઈએ છે…!” પ્રતિક્ષા ભીની આંખે માંડ બોલી “આર્યન....વ..વિવેક...!”

અર્જુન હવે પહેલાં મૂંઝાયો પછી પ્રતિક્ષાની ભીની આંખો જોઈને સમજી ગયો કે કોઈ ગંભીર વાત છે.

“ચલ....મારી સાથે આય....!” અર્જુન બોલ્યો અને પાછું ફરીને કેન્ટીનની બહાર જવાં લાગ્યો.

પ્રતિક્ષા પણ તેની પાછળ-પાછળ દોરવાઈ.

***

“I’m sorry પ્રતિક્ષા....! પણ....! આ કામ મારું નથી.....! પોલીસનું છે....!” પ્રતિક્ષાએ વિવેક અને આર્યનના અપહરણની વાત કહી સંભળાવતાં અર્જુને કહ્યું.

“અર્જુન પ્લીઝ...! એ લોકોએ ધમકી આપી છે...!” પ્રતિક્ષા કરગરી ઉઠી.

“બધાં કીડનેપરો આવી ધમકી આપતાંજ હોય છે...!” અર્જુન ઠંડા સ્વરમાં બોલ્યો “તારે પોલીસ જોડે મદદ માંગવી જોઈએ...! એ લોકો તારી હેલ્પ કરશે....!”

“અર્જુન....! હું જાણું છું....! તું કેમ ના પાડે છે...!?”પ્રતિક્ષા બોલી “તને હક છે મારી ઉપર ગુસ્સે થવાનો....! સવાલ કરવાનો...! હું કેમ ના આઈ એ જાણવા...!”

“હવે એ વાતનો કોઈ અર્થ નથી પ્રતિક્ષા....!” પ્રતિક્ષાને ટોકી અર્જુન સ્મિત કરીને બોલ્યો.

તેનાં સ્મિતમાં રહેલી એ પીડાના ભાવ તે છુપાવી રહ્યો હતો છતાંય પ્રતિક્ષા તે પીડા વાંચી ગઈ.

“આઈ મૂવ્ડ ઓન....!” અર્જુન એવાંજ સ્મિત સાથે બોલ્યો “લાઈક યુ ડિડ....!”

મૌન રહીને પ્રતિક્ષા અર્જુનના ચેહરાને વાંચી રહી. તે પોતાની ફીલિંગ્સ છૂપાવાં મથી રહ્યો હતો.

“હું એ કારણથી તને ના પડાતો....! બસ ખાલી એટ્લે ના પાડું છું....કે આ કામ પોલીસનું છે...! મારું નઈ...!”

“તને ખરેખર એ જાણવામાં કોઈ રસ નથી....! કે હું કેમ ના આવી...!?” પ્રતિક્ષાએ રડતાં-રડતાં શાંત સ્વરમાં પૂછ્યું.

“પંદર વર્ષ વીતી જગ્યાં પ્રતિક્ષા...!” અર્જુન એવાંજ દર્દભર્યા સ્વરમાં બોલ્યો “પંદર વર્ષ....! તું કેમ ના આવી એ જાણવાનો આટલો લાંબો ઇન્તેજાર ના કરી શકુંને હું...! પંદર વર્ષ બહુ લાંબો ગાળો છે...!”

“અર્જુન....હું...હું ખરેખર બઉજ ગિલ્ટી છું એ વાતને લઈને...! પ્લીઝ....!”

“ડોન્ટ બી ગિલ્ટી પ્રતિક્ષા.....!” અર્જુનનાં સ્વર હવે ટોંન્ટ ભર્યો થયો “તારે જે કરવું હતું...! એજ તે કર્યું...!”

પ્રતિક્ષા હેલ્પલેસ થઈને અર્જુનની સામે ભીની આંખે જોઈ રહી. કેટલીક વાર સુધી બંને એમજ મૌન ઊભાં રહ્યાં.

“આઈ થિંક..! તારે ટાઈમ વેસ્ટ નાં કરવો જોઈએ...!” અર્જુન સપાટ સ્વરમાં બોલ્યો “શક્ય એટલું ઝડપી પોલીસ સ્ટેશન જવું જોઈએ....!”

એટલું બોલીને અર્જુન પ્રતિક્ષા સામે બે ક્ષણો જોઈ રહ્યો.

“હું ચોધારીને કવ છું...!” પાછું ફરીને કેન્ટીન તરફ જતાં-જતાં અર્જુન બોલ્યો “એ તને બહાર ગેટ સુધી ઉતારી આવશે....!”

અર્જુન હવે ત્યાંથી જવાં લાગ્યો.

“તું મારી હેલ્પ કરી શકે એમ છેને....!?” જઈ રહેલાં અર્જુનને ટોકતાં પ્રતિક્ષા પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં બોલી “તું એ ગુંડાઓને પહોંચી વળે એમ છેને....!?”

“આર્મીનો એક કમાન્ડો હોવાને નાતે....!” બોલતાં-બોલતાં અર્જુન પાછો ફર્યો “હાં....! ગલીના આવાં સડકછાપ દસ-બાર ગુંડાઓને હું એકલો પહોંચી વળું....! અમને લડવાં માટેજ ટ્રેન કરવામાં આવ્યાં છે....!”

“તો પછી કેમ...!?”પ્રતિક્ષાએ અર્જુનની ના અંગે સવાલ કર્યો.

“કેમકે હવે હું આર્મીમાં છું પ્રતિક્ષા....! કોલેજમાં નઈ...!” અર્જુનનો સ્વરમાં ફરીવાર એજ ટોણાંવાળો ભાવ ભળ્યો “હું ડિસિપ્લિનમાં રહેવાં ટેવાઈ ગયો છું....! હું આવું કોઈ સાહસ કરું....! તો મારી આર્મીની નોકરી ખોઈ બેસું....! મારું કરિયર ખતમ થઈ જાય...!”

એટલું બોલીને અર્જુન પ્રતિક્ષાનાં ચેહરાનાં ભાવો વાંચવા સહેજ અટકાયો પછી આગળ બોલ્યો-

“અને હવે હું ફરીવાર એજ ભૂલ કરવી એફોર્ડ નાં કરી શકું પ્રતિક્ષા....!” અર્જુન બોલ્યો અને પરાણે સ્મિત કરીને ઊભો રહ્યો.

પ્રતિક્ષા વીલું મોઢું કરીને અર્જુન સામે થોડીવાર જોઈ રહી.

“સોરી અર્જુન....! તને આપેલી દરેક તકલીફ માટે....!” ફરીવાર પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પ્રતિક્ષા પાછી ફરી અને ત્યાંથી જવાં લાગી.

***

Instagram@krutika.ksh123