RAVI NU RAMKHAAN - 1 - HASYA NAVALKATHA books and stories free download online pdf in Gujarati

રવિનું રમખાણ - 1 - હાસ્ય નવલકથા

પ્રકરણ 1 - છકડા કિંગ

"આપડે એક વાર તો છકડો ચલાવવો જ છે, ગમે ઈ થાય." રવિ આવી ડંફાસો વારે વારે મારતો જ હોય છે.

હા આપું તમને લોકો ને ઓળખાણ, શાંતિ તો રાખો !

હા તો હું એમ કહું છું કે મારો મિત્ર રવિ, જેના કારનામાઓ પર થી હું આખી હાસ્ય નવલકથા તો શું એક આખો ગ્રંથ લખું ને તો પણ ઓછો પડે એમ છે.... કારણ કે એ રવિ છે જ અલગ પ્રજાતિનું વાનર કે જેની તુલના વિશ્વની કોઈ પણ મેન્ટલ હોસ્પિટલના સૌથી ખતરનાક પાગલ સાથે કરો તો એ પાગલ આપણને ખુબ જ ડાહ્યો લાગવા માંડે.... એના કિસ્સા તો અઢળક છે અને એક જ પ્રકરણ માં સમાવેશ કરી શકાય તેમ નથી... માટે અલગ અલગ પ્રકરણો લઇ ને રજુ કરીશ...

હા તો હવે રવિ ની પાક્કી ઓળખાણ આપું. આજ થી 6 વર્ષ પહેલા હું મારી પહેલી નોકરી ના પહેલા દિવસે ઓફિસે ગયેલો. સવારના સાડા 9 વાગ્યા'તા. પહેલો દિવસ હતો એટલે હું વહેલો પહોંચ્યો (કોઈ પહેલા દિવસે પોતાની આબરૂનાં કાંકરા ન કરે). મલ્ટીનેશનલ કંપનીના વેરહાઉસમાં મને બિલિંગ ઇન્ચાર્જની સારી એવી નોકરી મળેલી. એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઇ ને ગયેલો. ત્યાં જઈને ગેટ પાસે સિક્યોરિટીને મારી ઓળખાણ આપી. બોસ સાથે અગાઉથી વાત થયેલી એટલે તેમને મને અંદર જવા દીધો.

"May I come in sir ?" એકદમ સહજતાથી મેં વેરહાઉસની અંદર આવેલી નાની ઓફિસમાં જઈને પૂછ્યું.

"અરે અરે ભાઈ હું કોઈ સર નથી હું પણ તમારી જેમ કર્મચારી જ છું, મારુ નામ કેયુર છે અને હું અહીંયા મેનેજર છું." કેયુરભાઈ ઉભા થઇ ને મારી પાસે આવ્યા, મારી સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું. અને મને બેસવા માટે આગ્રહ કર્યો. "તમારું નામ વિજેતાભાઈ ને?" મને પૂછ્યું.

મેં ડોકૂં ધૂણાવી ને હા કહી.(નવું નવું હોય એટલે બોબડી બંધ રાખવી પડે.)

"શું ચા પીશો કે બીજું કઈ?" કેયુરભાઈ એ કોઈ ને ફોન લગાડતા મને પૂછ્યું.

હું ના કહું એ પહેલા જ સામેથી કોઈ એ ફોન ઉપાડી લીધો એટલે મેં મારી 'ના' તેમને ખલેલ ના પહોંચે એ રીતે પકડીને પાછી અંદર લઇ લીધી.

"હા સર, વિજેતાભાઈ આવી ગયા છે, અને આપણે વાત થઈ એ પ્રમાણે હું એમને કામ સમજાવી દઉં છું." પછી થોડી વાર અટકી ને, "હા સર તમે ચિંતા ન કરો હું એમને આખું વેરહાઉસ અને ત્રણેય ગોડાઉન પણ બતાવી દઈશ."

મને ભનક લાગી કે તેમને અમારા બોસ શ્રી મહેતાસર ને ફોન કરીને મારા આવવાની જાણ કરી.

"આવો બાપુ..." ઓફિસમાં 6 ફૂટ 2 ઇંચનો મધ્યમ બાંધાનો એક માણસ તેની મોટી દાઢી સાથે હાથમાં ટિફિન લઈને પ્રવેશ્યો એટલે કેયુરભાઈ એ તેમને આવકાર્યા.

"શું ક્યે કેયુરભાઈ શું હાલે. શાંતિ ને?" બાપુએ કેયુરભાઈ ને પૂછ્યું. અને જનરલી આપણા ગુજરાતીઓની ટેવ છે. સવાલ પૂછે અને જવાબ પણ પોતે જ આપે. પહેલા પૂછે કેમ છો, અને પોતે જ જવાબ આપી દે મજામાં.

"બાપુ આ વિજેતા ભાઈ છે, આજ થી બિલિંગ નો ચાર્જ આ ભાઈ સંભાળશે." કેયુરભાઈ એ મારી ઓળખાણ આપી એટલે બાપુ એ મારી સાથે હાથ મિલાવ્યો.

"અને વિજેતા ભાઈ, આ આપણા જુવાન સિંહ, ગોડાઉન ઇન્ચાર્જ છે. માલ સમાન અને ગોડાઉન ને લગતી બધી માહિતી તમને આપશે."

મેં આછું સ્મિત કરી બાપુના હોદ્દાની કદર કરી.

"આપણા ગુરુવર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી રવિ સાહેબ નથી આવ્યા લગતા?" બાપુ એ પોતાનું ટિફિન એકબાજુ મૂક્યું અને હાથમાં ટેકણ માટેનું પાટિયું અને ડીસ્પેચની બુક લેતા પૂછ્યું.

"તમને ખબર તો છે બાપુ, એ મહાશયની સવાર તો 10 વાગ્યે પડે છે." કેયુરભાઈ એ ટિપ્પણી કરી.

એક્ચ્યુલી રવિ ની છાપ ઓફિસમાં સમય પર ન આવવા બાબત એ બહુ ખરાબ હતી. વાતો વાતો માં જાણવા મળ્યું કે રવિ અહીંયા ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ અને બેક ઓફિસ એક્ઝિક્યુટિવ હતો. તેનું કામ ટ્રાન્સપોર્ટ માં માલ મોકલવાનું અને ઓફિસનું સામાન્ય કામ કરવાનું હતું. અને એ પણ જાણવા મળ્યું કે તે આ ઓફિસનું એક જીવતું જાગતું રમકડું હતું. બધાને મનોરંજન કરે.

10.30 જેવું થયું ત્યાં કેયુરભાઈ એ કહ્યું, "ચાલો વિજેતાભાઈ હું તમને આખું વેરહાઉસ દેખાડું અને પછી જુવાનસિંહ તમને ગોડાઉન દેખાડશે."

મેં મારુ ટિફન સાઈડ માં મૂક્યું અને તેમની સાથે ગયો. ઓફિસેનો દરવાજો ખોલી ને બહાર નીકળ્યો ત્યાં સામે મેઈન ગેટ ખુલ્યો અને ધૂળની ડમરી ઉડાડતી એક નાની એવી સેન્ટરો ગાડી અંદાજિત 80 ની સ્પીડથી અમારી તરફ આવી. આવતા આવતા ગ્રાઉન્ડ ના બે સવળા અને એક અવળું ચક્કર લગાવી ને વિચિત્ર રીતે ગાડી સાઈડ માં પાર્ક થઇ. કેયુરભાઈ મને હજુ કહેવા જ જતા હતા ત્યાં હું જ બોલી ગયો, "આ રવિ હશે."

"વાહ શું વાત છે વિજેતા ભાઈ, તમે માનો ચિકિત્સક છો કે શું? એકદમ સાચું ઓળખ્યા. પણ કઈ રીતે?" કેયુરભાઈ એ જાણે લૂગડાં પેરેલો રીછ જોઈ લીધો હોય તેમ આશ્ચર્ય થી મને જોઈ રહ્યા.

"એમાં કોઈ મોટી વાત નથી. તમે સવાર થી એમની વાતો કરો છો. બધા મજુર અને આપણે આવી ગયા હવે એ ભાઈ જ બાકી હતા. તો સ્વાભાવિક છે કે તમારી વાતો પ્રમાણે આ ભાઈ જ રવિ હોવો જોઈએ." મેં કહ્યું.

"જબરા હોશિયાર હો તમે તો." કેયુરભાઈ એ ટાપશી પુરી.

ગાડીનો દરવાજો ખુલ્યો, ગુજરી બજારમાં 150ની એક ને 250ની બે જોડી એવા જૂતા વાળો અર્ધો પગ બહાર આવ્યો. થોડી વારે બીજો પગ આવ્યો. આખે આખો રવિ બહાર આવ્યો અને પોતાના ટીખડીયા અંદાજમાં પગથી ગાડીનો દરવાજો બંધ કર્યો. મેં ઉપરથી નીચે નિરીક્ષણ કર્યું. જીન્સનું પેન્ટ હતું લો વેસ્ટનું. (જુવાનિયાઓ ને ખબર હશે લો વેસ્ટનું પેન્ટ કોને કહેવાય, એટલે તેઓને પૂછી લેવા ખાસ વિનંતી. મારી મર્યાદા હોવાથી હું વિગતવાર નથી લખતો.) લો વેસ્ટનું પણ કમર થી ઉપર પટ્ટાના આધાર પર ટાંગેલુ હતું. સ્ત્રીઓ જયારે ઘરકામ કરતી હોય અને સાડીનો છેડો એકબાજુ ખોસે એ રીતે શર્ટનો એક છેડો પેન્ટમાં ખોસ્યો હતો. એના મોઢાથી મોટા કાચ વાળા મોટા ગોગલ્સ પેર્યા હતા. વચ્ચે બાબરી પડેલા એના લહેરાતા વાળ બંને બાજુના લમણે ઝોલા ખાતા હતા. પાછળનો દરવાજો ખોલી ટિફિનનું થેલકુ કાઢ્યું. પછી મારી સામે તેને ઝીણી આંખ કરીને જોયું, એટલું ઝીણવટ પૂર્વક જોતો હતો જાણે આતંકવાદી જોઈ લીધો હોય.

એના આવા દેખાવ થી મને થોડું તો આશ્ચર્ય થયું કેમ કે મેં આ બધાના રવિ પ્રત્યેના વ્યંગ પરથી એવો અંદાજો લગાવ્યો હતો કે રવિ કોઈ ભભૂત લગાડેલા અઘોરી જેવો લાગતો હશે, મને પણ એક ક્ષણ થયું કે હું ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરવા વાળો અને શર્ટને ઇનશર્ટ કરવા વાળો ઓફિસર જેવો (ઓફિસર જેવી નોકરી તો ન હતી પણ માનવા માં શું વાંધો છે ?) લાગતો હોવ અને આવા લોકો સાથે મારે કામ કરવાનું હશે તો મારી ઈજ્જત શું રહેશે એવો વિચાર આવ્યો, અને 50 ટકા તે અઘોરી જ લાગ્યો પણ અઘોરીથી તો ઘણો સારો લાગ્યો. (લેટેસ્ટ અઘોરી કહી શકાય.)

એટલામાં રવિ અમારી પાસે આવ્યો. કેયુરભાઈ એ મારી ઓળખાણ આપી. મેં હાથ મિલાવવા તેની સામે હાથ લંબાવ્યો. તેને હાથ મિલાવી અને સ્મિત કરતા કહ્યું, "રવિ, નામ તો સૂના હી નહિ હોગા?" ખુબ મુશ્કેલી થી શાહરૂખખાન ના અવાજ માં બોલવાની કોશિશ તેને કરી. પણ અવાજ સાંભળીને તમે માની જ ન શકો કે રવિ બોલે છે કે બકરી.

એટલામાં કેયુરભાઈ ના ફોનની રિંગ વાગી, " હા સર, બસ 2 મિનિટમાં એસ્ટિમેટ કાઢી ને આપું." એમ કહી ફોન મુક્યો.

"રવિ, વિજેતાભાઈને આખું વેરહાઉસ દેખાડી દે. પછી બાપુ ને સોંપી દે એટલે એ ગોડાઉન બતાવી દેશે." કેયુરભાઈ એ કહ્યું.

"અરે બેય હું જ બતાવી દવ છું, ટેંશન ના લ્યો તમ તમારે કામ કરો." રવિ મોજ માં બોલ્યો.

સામાન્ય રીતે કોઈ નવો કર્મચારી તમારી સાથે નોકરી કરવા જોડાય ત્યારે તમને વરિષ્ઠ હોવાનું ઘમંડ આવી જાય છે. મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે મને એવું લાગતું હતું કે આ જડકટો(રવિ) મારા પર હાવી થશે. પણ એવું થયું નહિ. એકદમ સહજ સ્વભાવનો પણ થોડો રમુજી (થોડો નહિ પણ વધારે) એવો એનો સ્વભાવ. પગાર ઓછો પણ રહે હંમેશા મોજમાં. અમારી વેરહાઉસ અને ગોડાઉનની દોઢ કલાકની યાત્રામાં રવિએ કામ ની વાતો ની સાથે પોતાના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી વિશે પણ વાતો કરી. જેના પરથી જાણવા મળ્યું કે તેના પિતાજી ગુજરાત ઇલેકટ્રીસિટી બોર્ડમાં તકનીકી સહાયક હતા. જે અત્યારે રિટાયર્ડ છે. સેન્ટરો ગાડી તેના પિતાજી એ આપેલ ભેટ હતી. સેકન્ડ હેન્ડ હતી પણ હતી સારી. પોતે સોશ્યિલ વર્કિંગ માં અનુસ્નાતકની પદવી મેળવેલી હતી. એટલે જોઈએ તો અમારી ઓફિસમાં રવિ બધાથી વધુ ભણેલો હતો. પણ બેરોજગારીના વાદળોથી ઘેરાયેલા આજના યુવાનની અંદરની રોશની ને રાજનીતિની વીજળી આંજી નાખે છે. પોતાની લાયકાત પ્રમાણે નોકરી મેળવવા માટે તેને કોઈક મિનિસ્ટરની લાગવત લગાડવી પડે તેમ હતી. પણ આ ભાઈ પોતે એટલો સિદ્ધાંતવાદી હતો કે વાત જવા દો. "ભલે મારે 12 કે 15 હજારની નાની નોકરી કરવી પડે, પણ હું મારી આવડતથી નોકરી મારી જાતે લઈશ, તેમાં માટે મારે કોઈ ની ભલામણ નથી જોઈતી." આવા તેના વિચારો હતા.

તેને એક પત્ની (બને ત્યાં સુધી એક જ હોય.) અને એક 4 કે 5 વર્ષનું બાળક હતું. આજનો કોઈ પણ માણસ પત્નીપીડિત હોય જ છે. પણ આ ભાઈ એટલી હદે પત્નીપીડિત હતો કે જો કોઈ પત્ની પીડિત પતિઓનું સંગઠન બનાવે તો એ સંગઠન નો આગેવાન રવિને જ બનાવે. ઠીક છે...

આ હતું આપણા રવિભાઈ નું શોર્ટ ઈન્ટ્રો. હવે આ ભાઈ એ કેવા કેવા ખેલ કર્યા છે. એનું લિસ્ટ બનાવીએ તો અગાઉ કહ્યું તે પ્રમાણે એક ગ્રંથ પણ ટૂંકો પડે. આમાંનો એક કિસ્સો અત્યારે રજુ કરું છું.

નોકરીને દસેક મહિના કે વર્ષ જેવું થયું હશે. અમારે ત્યાં 300 થી 600 ટન સુધીનો ઓછો માલ સમાન હોય તો અમે સામાન્ય છકડો મંગાવતા. (અમારે ત્યાં 300 થી 600 ટન ઓછું જ કહેવાય.) અને છકડા વાળો કાનો અમારો સ્પેશિયલ માણસ હતો. બહાર નાકે જ બેસતો અને જરૂર પડ્યે ફોન કરતા ત્યારે હાજર થઇ જતો. વર્ષોથી તે અમારા માટે કામ કરતો જેથી એની સાથે સારી એવી દોસ્તી જામેલી.

"ભાઈ કાનજી, આવીજા, મેટોડા માલ નાખવા જવાનો છે.", અમારા ટ્રાન્સપોર્ટ ઓફિસર શ્રી રવિભાઈ એ ફોન પર કાના સાથે વાત કરીને બોલાવ્યો.

"વિજલા, તને છકડો ચલાવતા આવડે ?" એકાએક રવિએ મને પૂછ્યું. (નોકરી ના એક વર્ષ પછી કોઈ પણ ઓફિસર એટલો ઊંડો દોસ્ત થઇ જાય કે તું કારો આવી જ જાય.)

"ના ભાઈ, મને નથી આવડતો, અને એમાં આપણું બેલેન્સ પણ ના રહે. એ ત્રણ પગ વાળું પ્રાણી છે. આપડા કંટ્રોલ માં ના રહે ભાઈ." મેં કહ્યું.

"અરે, આવડતું તો મને પણ નથી, પણ એક વાર આપડે છકડો ચલાવવો છે." રવિ ને મજાક સુજી.

"ભાઈ તું રેવા દે, તું પડીશ, અને વાગશે એ અલગ." કેયુરભાઈ એ કહ્યું.

"ભાઈ મને કઈ ન થાય, હું કોણ... રવિ." પોતે જ પોતાના વખાણ કરતો રવિ બોલ્યો. ત્યાં બાપુ પણ આવ્યા.

"શું છે ભાઈ ? શું ન થાય તને." બાપુ બોલ્યા.

મેં બાપુ ને કહ્યું, "આ જો ને ભાઈ ને છકડો ચલાવવાનો અભરખો થયો છે." એક વાત તમને કહી દઉં. બાપુ અમારા એકદમ શાંત મગજના છે. પણ કોઈ આવી અવળચંડાઈ કરે તો બાપુ એની બરાબરની ખેંચે.

"એ રવલા, રેવાદે ને ભાઈ તને શું વળી આવા ઉપાડા લેવા છે." પાટલુન ઉંચુ કરતા મજુર ટકારામ આવ્યા અને રવિ ને બોલ્યા.

"તમે રેવા દો ને તમને વળી શું છે, એ ભલે ને છકડો ચલાવે કે બલૂન ઉડાડે, મરે તોય તમારે શું છે?" પાછળથી સાડલાનો છેડો લાજ સ્વરૂપે માથા પર રાખતા ટકારામના પત્ની કમળા કાકી આવ્યા.

થોડીવારમાં રવિ એ છકડા મંડળી જમાવી દીધી. ટકારામ અને કમળાબેન મજુરમાં સવાભાઈ, રામજી ને પરેશ પણ ત્યાં આવી પહોંચ્યા. વાત વાત માં વેરહાઉસનો ડેલો ખુલ્યો અને ટરરર..... ટરરર..... કરતો કાનજીનો છકડો પણ કાનજી સહીત ત્યાં આવી પહોંચ્યો. છકડા ને બ્રેક મારી કાનજી છકડા નીચે ઉતર્યો.

"લ્યા તું આને છકડો ના આપતો આ પલ્ટી મરાવી દેશે." ટકારામ અજાણ કાન્જી પર ત્રાટક્યા.

"પણ શું છે? કોને જોઈ છે છકડો, કોને ચલાવવો છે?" કાનજીને બિચારાને કઈ ખબર નહિ.

"આ આપણા શૂરવીર ને... કોણ હોય બીજું રવિ સિવાય?" બાપુ ટીખળથી બોલ્યા.

"ભાઈ, હજી આ છકડાના હપ્તા પણ પુરા નથી થયા. અને મને વીમો પકાવવાનો કોઈ શોખ નથી." કાનજીની આ વાત થી સ્પષ્ટ દેખાતું હતું કે તે કોઈ પણ કાળે છકડો ચલાવવા આપશે નહિ.

"પણ તને અત્યારે છકડો ચલાવવાની ચળ ક્યાંથી ચડી?" બાપુ એ પૂછ્યું.

"પણ હું છકડો ચલાઉ તો તને વાંધો શું છે ?" રવિ બાપુ પર ખીજાઈ ગયો.

"તારા ઉરાંગ ઉટાંગ વેળાથી આ બધા લોકો પરિચિત છે. અને બધા એ પણ જાણે છે કે વાંદરાને દારૂ ન પીવડાવાય. અને જો પીવડાવીયે તો એ બીજા પીધેલાનો નશો ઉતારી દે." કેયુરભાઈ ચશ્મા સાફ કરતા બોલ્યા.

"એ જે હોય તે, હું ચલાવીશ એટલે ચલાવીશ." રવિ એ જીદ પકડી.

"રેવા દ્યો બાપલીયા.... મારે કોઈ છકડો ખાડામાં નથી નાખવો... હું જાવ છું મારે કોઈ માલ નથી ભરવો." કાન્જી ઉશ્કેરાયો અને સ્ટાર્ટરનું દોરડું હજુ બાંધવા જતો'તો, તે પાછું છોડીને એન્જીન પર વીંટવા લાગ્યો....

"અરે.. અરે ભાઈ ક્યાં જાય છે તું, તું... તું શાંતિ રાખ. એ કઈ નહિ કરે." બાપુ એ કાન્જી ને પકડ્યો અને ગોડાઉન તરફ છકડો લગાવવા ઈશારો કર્યો.

"તું ના આપ તો કઈ વાંધો નહિ, હું બીજાનો છકડો ગોતી આવીશ." રવિ ગુસ્સે થયો અને કેયુરભાઈ ના હાથમાં રહેલ ડીસ્પેચની બુક ઝુંટવી લીધી અને જોર થી જમીન પર પછાડી.

તે દોડતો ગયો અને ખખડેલી સેન્ટરોનો દરવાજો ખોલી અંદર બેઠો અને ધડામ દઈ દરવાજો બંધ કર્યો. ગાડી સ્ટાર્ટ કરી જોર થી સ્ટિયરિંગ ફેરવ્યું અને વેરહાઉસના ગેટની બહાર પુરપાટ ઝડપે જતો રહ્યો.

"હાલો ભાઈ એ તો તરધેલ છે, એને કઈ કામ નથી આપણે હજાર કામ છે. એ કઈ નહિ કરે. આપણે ચાલો કામે વળગીએ." ટકારામ બીડી સળગાવતા ઉભા થયા અને બોલ્યા. એની સાથે બધા હાલો હાલો કરતા મજુરધણ પણ પાછળ પાછળ ગયા. (કારણકે ટકારામ મજુર સંગઠનના આગેવાન હતા અને ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવું કામકાજ હતું.)

થોડીવારમાં કાનજીના છકડામાં માલ ભરાઈ ગયો. બધા હાથ ખંખેરીને ગોડાઉનથી બહાર નીકળ્યા. બાપુ હાથ ખંખેરતા ગોડાઉનના ઓટલા પર ચડ્યા અને શટર બંધ કર્યું. અને બોલ્યા, "કાના, તું ઓફિસમાં જા, વિજેતા ભાઈ હમણાં આવીને કાગળિયા તૈયાર કરે છે. પેલો વંઠેલ તો હવે બપોરે જ આવશે એવું મને લાગે છે."

"હા ભલે" કહી કાન્જી ઓફિસમાં જતો રહ્યો.

તે બરાબર ઓફિસમાં ગયો ત્યાં તરત જ….. ધડામ્...... કડડડડ ભુસસ્સ.... વેરહાઉસના દરવાજા પાસે થી જોર થી એવો અવાજ આવ્યો. અવાજ એટલો મોટો હતો કે આખી મંડળી ભેગી થઈ ગઈ. હું ઓફિસમાં જતો હતો. અવાજ સાંભળતા મેં પાછળ ફરીને જોયું. બધા જ એકદમ સ્તબ્ધ થયેલા હતા. બધાના મોઢા મગરમચ્છની જેમ ફાટેલા હતા અને બધાની નજર વેરહાઉસના મોટા દરવાજા તરફ હતી. મારી નજર ત્યાં સૌથી છેલ્લે પડી. જોયું તો મારુ ડાચું પણ ફાટી ગયું. પતરાના એ દરવાજાનો કાગળનો ડૂચો વડે તેમ ડૂચો વાળવા માંડ્યો. આખરે એ મજબૂત પતરું પણ સહન ના કરી શક્યું અને ધડામ દઈને તૂટ્યું. એ પછીનું દ્રશ્ય દુર્લભ હતું. રવિ એ દરવાજાને ચીરીને છકડો લઈને પ્રવેશ્યો. એ જોઈ ને બધાના મોઢા ફુલ સાઈઝ માં ફાટી ગયા. રવિ દૂર થી છકડો લઇ ને અમારી તરફ આવતો હતો. મને એમ થયું કે આને છકડો આવડતો ના હતો અને અચાનક કેમ આવડી ગયો, અને આવડી ગયો તો પણ દરવાજો તોડી ને શા માટે આવ્યો.... દૂરથી તો એવું લાગ્યું કે એ એકદમ મોજ માં આવી રહ્યો છે... જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ એવું લાગ્યું કે એના હાવભાવ બદલાઈ રહ્યા છે. વાંદરું જ્યારે ખરાબ ગંધ વાળી કોઈ વસ્તુ સૂંઘી લે ત્યારે જેવા હાવભાવ એના મોઢા પર આવે એવા જ હાવભાવ રવિના મોઢા પર હું સ્પષ્ટ જોઈ શકતો હતો.

સાવ નજીક આવ્યો ત્યારે ખબર પડી કે તેને બ્રેક મારતા નથી આવડતું.

"એ આઘા રેજો... બધા આઘા રેજો... આમાં બ્રેક ક્યાં છે એ ખબર નથી.... આધા રેજો....", રવિ ડઘાયેલા અને રડમસ એવા મિશ્રિત અવાજમાં જોરથી બૂમો પાડવા લાગ્યો.

બધા એકાએક પોતાની સ્તબ્ધતા માંથી જાગ્યા. થોડી વારમાં વેરહાઉસમાં ભાગ ભાગી થઇ ગઈ. મજૂરો બધા ગોડાઉનના ઓટલા પર ચડી ગયા. જુવાનસિંહ પોતાનો જીવ બચાવવા ઓઈલના પીપ પર ચડી ગયા. છકડો આગળ વધી જ રહ્યો હતો અને છકડાની આગળ હું અને કેયુરભાઈ હતા. હું તો બાજુ પર ઠેકડો માર્યો ત્યાં બચી ગયો. પણ કેયુરભાઈ દોડતા રહ્યા. આગળ કેયુરભાઈ અને પાછળ રવિ નો છકડો. છેલ્લા ગોડાઉન પાસે કાના નો છકડો પડ્યો હતો. કેયુરભાઈ તરત જ કાનાના છકડામાં કૂદી ગયા. કાનો ઓફિસમાંથી આવતો હતો. તેને આ દ્રશ્ય જોયું ત્યાં જ તે તો બેભાન થઈ ગયો. રવિ હવે આઉટ ઓફ કંટ્રોલ હતો. છેલ્લા ગોડાઉનની બાજુમાં કચરાનો મોટો ઢગલો હતો.

ત્યાં જ એકાએક ધડામ........ જોર થી અવાજ આવ્યો.

"મારી નાખીશ કે શું...." કેયુરભાઈ હાંફતા હાંફતા બોલ્યા. પણ કોઈ જવાબ ન આવ્યો. કેયુરભાઈ એ મારી સામે જોયું પછી તે ઢગલાની સામે જોયું. ફરી મારી સામે જોઈ ને "ક્યાં ગયો ?" એમ પૂછતો ઈશારો કર્યો. મેં પણ માથું હલાવીને ના પાડવાનો ઈશારો કર્યો. હું અને કેયુરભાઈ હળવેથી તે કચરાના ઢગલા પાસે ગયા. એ ઢગલો દીવાલ ને ટેકે હતો કારણકે આખું ગામ પોતાનો કચરો આ દીવાલની પાછળ નાખતું.

"રવિ.... ઓ.. રવિ...." મેં હળવેથી બૂમ મારી....

"ક્યાં ગયો ભાઈ રવિ...." કેયુરભાઈ એ પણ મારી બૂમ સિરીઝમાં સાથ આપ્યો. થોડા નજીક જઈને જોયું તો રવિ ઢગલામાં ઊંધે માથે પડ્યો'તો અને છકડો એનું આગળનું ટાયર હારી ચૂક્યું હતું. અમે થોડા ગભરાઈ ગયા. લોહી તો ન'તું નીકળ્યું પણ ઘાયલ તો થયો જ હતો થોડો. અમે બધા હોસ્પિટલ લઇ ગયા. દાખલ કર્યો અને એના ઘરે ફોન કરીને જાણ કરી દીધી.

એટલા માં પેલો હોશ માં આવ્યો. "કેમ બાકી, છકડો ચલાવીને જ રહ્યો ને." પગ, કોણી અને હાથમાં પ્લાસ્ટર લઈને બેઠો છે તોય હજુ એની અવળચંડાઈ જતી નથી. મને અને જુવાનસિંહને થોડો ગુસ્સો આવ્યો પણ પછી બધા ખડખડાટ હસવા લાગ્યા. પોતે મજા કરવા સજા ભોગવી પણ અમારા પેટમાં ટાંટિયા નાખી દીધા..

.

.

.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ચાલો મિત્રો.... મળીશું આપણે એક નવા, અને રમુજી પ્રકરણ સાથે આવતા અંક માં.... ત્યાં સુધી નમસ્કાર.....