Lilo Ujas – Chapter – 22 Sonals Beer Party – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૨ – સોનલની બિયર પાર્ટી – દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈના સમાચાર સાંભળીને મનીષાને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. મનહરભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને એ બહુ વિચારો કરતા હતા. કોઈ પણ વ્યક્તિ વિષે એ ખૂબ ઝડપથી અનુમાનો બાંધી લેતા. મનીષા એકની એક દીકરી હોવાથી બાળપણમાં થોડી જિદ્દી હતી. એથી એમના મનમાં એવો ખ્યાલ બેસી ગયો હતો કે મનીષા એનું ધાર્યું જ કરે છે અને એથી એ અહંકારી સ્વભાવની છે. એ વારંવાર મનીષાને શિખામણ પણ આપતા કે છોકરીએ તો અહંકાર રાખવો જ ન જોઈએ. સોનલ માટે પણ એના મુક્ત અને બિન્ધાસ્ત સ્વભાવને કારણે એમને કેટલોક પૂર્વગ્રહ હતો. પિનાકીનભાઈ એમના બાળપણના મિત્ર હતા. એ બહુ ચોકસાઈવાળા અને કોઈ પણ વાતનો આગોતરો વિચાર કરવાની ટેવ ધરાવતા હોવાથી મનહરભાઈ ઘણીવાર એમને કહેતા કે, “પિનુ તું બહુ ચીકણો છે. દરેક વાતમાં ચોળીને ચીકણું કરે છે અને રજનું ગજ કરી મૂકે છે.” પિનાકીનભાઈ ત્યારે હસીને જવાબ આપતા, “હું ગજનું ગજ કરું છું. ગજનું રજ નથી કરતો એમ કહે ને?” મનહરભાઈ નાની વાતમાં ઉશ્કેરાઈ જતા હતા અને ગુસ્સો પણ કરતા. મનીષાને એમના ગુસ્સાનો સારો એવો અનુભવ હતો. એથી જ એને લાગતું કે મનહરભાઈને એમના ગુસ્સાના કારણે જ હૃદય રોગનો હુમલો આવ્યો હોવો જોઈએ. બીજું કોઈ કારણ દેખાતું નહોતું. મનહરભાઈને કોઈ વ્યસન પણ નહોતું.

પિનાકીનભાઈએ મનીષાને પૂછયું, “એને હાર્ટની કોઈ તકલીફ હતી ખરી?"

“ના, અત્યાર સુધી તો એવું કંઈ નહોતું. અચાનક જ થયું લાગે છે?” મનીષાએ કહ્યું.

“હાર્ટની તકલીફ અચાનક ન થાય. એનાં મૂળ ઊંડાણમાં પડેલાં જ હોય. એ બહાર આવે ત્યારે આપણને એમ લાગે કે અચાનક થયું.” પિનાકીનભાઈનો તર્ક સાચો હતો.

“કદાચ મારા અહીં આવ્યા પછી કોઈક તકલીફ થઈ હોય તો ખબર નથી. એમણે ગણકાર્યું ન હોય એવું પણ બને.” મનીષાએ અનુમાન કર્યું.

“એ તો આપણે ત્યાં જઈએ એ પછી જ ખબર પડે. કદાચ દીકરી સાસરે ગઈ એનો ગમ પણ હોય...” પિનાકીનભાઈએ એક ઓર તર્ક કર્યો.

મનીષા કંઈ બોલી નહિ. પણ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પિનાકીનભાઈએ તરત વાતને વાળી લેતાં કહ્યું. “તું અને ઉદયકુમાર રાત્રે અડધો કલાક પહેલાં સ્ટેશન પર આવી જજો. સ્ટેશન માસ્તર મારા પરિચિત છે. હું તમને સૂવાની કે બેસવાની જગ્યા કરાવી આપીશ. આજે ને આજે રિઝર્વેશન મેળવવાનું અઘરું છે. અને હા, બને તો ત્યાં ગયા પછી તરત પાછા ફરવાનું રિઝર્વેશન કરાવી લેજો. નહિતર વૅકેશન આવે છે એટલે ગાડીમાં બહુ ભીડ હશે અને તમારે કદાચ ઊભા ઊભા આવવું પડશે.”

“પાછાં ક્યારે અવાય એ તો મુંબઈ ગયા પછી જ ખબર પડે. પપ્પાની તબિયત કેવી છે એના પર જ પાછા આવવાનો આધાર રહે...” મનીષા ધીમા અવાજે બોલી. તરત ઉદય બોલ્યો, “કદાચ મને બહુ રજા નહિ મળે, છતાં જોઉં છું!”

“એવું લાગે તો મનીષાને ત્યાં મૂકીને આવી જજો. આપણું ઘર તો છે જ ને!” પિનાકીનભાઈએ ઉપાય સૂચવ્યો.

“ના, હું રહેવાની નથી....” મનીષાથી બોલાઈ ગયું.

"કદાચ તારે રહેવાની જરૂર પણ નહિ પડે. મને ભાભીએ ફોન પર કહ્યું કે હવે એની તબિયત ઘણી સારી છે. પણ તને યાદ કરતો હતો એથી જ ભાભીએ ફોન કર્યો. એમણે તો મને પણ દોડાદોડી કરવાની ના પાડી છે. પણ હું એક -બે દિવસમાં ઊભાઊભ આંટો મારી આવીશ. નારલીકરના દવાખાનામાં છે. એ ક્યાં આવ્યું? બહુ દૂર છે?" પિનાકીનભાઈએ પૂછયું.

“ના રે ના, સ્ટેશન અને આપણા ઘરની વચ્ચે આવે છે. પાર્લા સ્ટેશન પર ઊતરીને કોઈને પણ પૂછો તો તરત બતાવશે... બહુ પ્રખ્યાત ડૉક્ટર છે!” મનીષાએ મુંબઈનું પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

સાંજે ઉદય આવ્યો ત્યારે મનીષાએ મસાલાવાળી પૂરી બનાવી દીધી હતી અને બેગ પણ તૈયાર કરી દીધી હતી. ઉદયે કહ્યું, “ત્રણ દિવસની રજા મળી છે... એવું હશે તો પિનુકાકા કહેતા હતા એમ તું ત્યાં રહેજે... હું પાછો આવી જઈશ.”

“બને ત્યાં સુધી તો હું તારી સાથે જ પાછી આવીશ. છતાં ત્યાં ગયા પછી ખબર...” મનીષાએ કહ્યું.

પિનાકીનભાઈએ અડધો કલાક વહેલા સ્ટેશન પર આવવાનું કહ્યું હતું એને બદલે બંને લગભગ એક કલાક પહેલાં સ્ટેશન પર પહોંચી ગયાં. અડધો કલાક બંને બાંકડા પર બેઠાં. પિનાકીનભાઈ આવ્યા અને ઉદય અને મનીષાને સ્લીપિંગ કોચમાં વ્યવસ્થા કરી આપી. બાંકડા પર બેઠાં હતાં ત્યારે ઉદયે મનીષાને સ્પષ્ટ કહી દીધું હતું, “પપ્પાજીની તબિયતને કારણે જ હું મુંબઈ આવું છું. ત્યાં ગયા પછી જો તું ડૉક્ટરને મળવાનો આગ્રહ કરીશ તો...”

“... તો તું શું કરીશ?” મનીષાએ એને વચ્ચે જ અટકાવીને પૂછયું. “તો... તો... હું ટ્રેન નીચે પડતું નાખીને મરી જઈશ." ઉદય સહેજ ઉશ્કેરાઈ ગયો.

પરંતુ મનીષાએ હળવાશથી કહ્યું, “એક કામ કરીએ. આપણે બંને સાથે જ ટ્રેન નીચે પડતું મૂકીએ. લોકો પણ યાદ કરશે કેવાં પ્રેમી હતાં! અને હવે જ્યારે આપણે બંનેએ સાથે મરવાનું નક્કી કરી લીધું છે તો પછી એકવાર ડૉક્ટરને મળી લેવામાં શું વાંધો છે?"

ઉદયને એની વાત સાંભળી સહેજ હસવું આવી ગયું પણ એણે હસવાનું રોકી લીધું અને ચહેરા પર ગંભીરતા જાળવી રાખી.

બંનેને છેક ઉપરથી બર્થ મળી હતી. મનીષા તો થોડીવારમાં ઊંધી ગઈ. પરંતુ ઉદયને ઊંઘ આવતી નહોતી. એ ક્યાંય સુધી બેસી રહ્યો અને ટ્રેનના પ્રકાશમાં પણ એક જાસૂસી નવલકથા વાંચતો રહ્યો. લગભગ કલાક દોઢ કલાક પછી એ પણ સૂઈ ગયો.

સવારે બોરીવલી આવ્યું ત્યારે માંડ હજુ ચાર વાગ્યા હતા. મનીષાએ કહ્યું, “આ વડોદરા એક્સપ્રેસ વડોદરાથી જ કલાક દોઢ કલાક મોડો ઊપડતો હોય તો અહીં પાંચ કે છ વાગ્યે ન આવે?”

“પપ્પાજી રેલવેમાં હોત તો કદાચ એવું થઈ શક્યું હોત!” ઉદયે મનીષાને ચીડવતાં કહ્યું.

બંને થોડીવાર બોરીવલીના સ્ટેશને જ બેઠાં. ઉદય સ્ટૉલ પરથી ચા લઈ આવ્યો. બંનેના મનમાં હતું કે આટલા વહેલાં પહોંચી જવા કરતાં થોડો વખત પસાર કરીને જ જવું જોઈએ. મનીષા સ્ટેશન પરનાં પોસ્ટરો વાંચતી હતી. એણે ઉદયને કહ્યું, “જો અનુકૂળ થાય તો કાલે અથવા પરમ દિવસે આપણે ‘મરાઠા મંદિર’માં પિક્ચર જોવા જઈએ. સોનલને પણે સાથે લઈ જઈએ...”

ઉદયે કંઈ જવાબ ન આપ્યો. થોડીવાર રહીને એણે ધીમા અવાજે કહ્યું, “તું આપણી વાત સોનલને કરવાની છું?"

“સોનલ મદદરૂપ થઈ શકે એવી છે. તું કહે તો એને વાત કરું....” મનીષાએ પ્રશ્નસૂચક નજરે ઉદય તરફ જોયું.

“તારે વાત કરવી હોય તો કરજે... પણ એ આમાં શું કરશે? હવે મને કોઈ મદદ કરી શકવાનું નથી, ભગવાન પણ નહિ. પછી નકામી ચર્ચા શા માટે કરવી જોઈએ?" ઉદયે નિરાશા સાથે કહ્યું, મનીષાને એટલું તો સમજાઈ જ ગયું કે ઉદય એમ જ કહેવા માગે છે કે સોનલને વાત ન કરવી. એટલે જ મનીષાએ આ તકનો લાભ લઈને કહ્યું, “હું આમેય એને કશી વાત કરવાની નથી... પણ તું બધાની હાજરીમાં ઉદાસ રહે તો બધાંને એવું લાગે કે આ બંને જણ વચ્ચે કશીક ગરબડ છે. એટલે જ હું તો માનું છું કે, બધાંને મળીએ ત્યારે આનંદમાં રહેવું જોઈએ. આપણે કોઈને છેતરવા હોય તો પૂરેપૂરા જ છેતરવા જોઈએ. સમજ્યો?" મનીષાએ ભારપૂર્વક પૂછયું. ઉદયે હકારમાં ડોકું ધુણાવ્યું.

બરાબર ૫-૧૦ થઈ એટલે બંનેએ ચર્ચ ગેટ જતી લોકલ પકડી. પાર્લા ઊતરીને ડૉ. નારલીકરના દવાખાને પહોંચ્યાં ત્યારે છ વાગવા આવ્યા હતા. દવાખાનું ઉપરના મેડા પર હતું. મનીષા દાદર ચડવા જ જતી હતી ત્યાં એણે વિનોદિનીબહેનને દાદર ઊતરતાં જોયાં. એ ત્યાં જ ઊભી રહી ગઈ. વિનોદિનીબહેન નીચે આવ્યાં એટલે મનીષા અને ઉદય એમને પગે લાગ્યાં. એમણે કહ્યું કે મનહરભાઈ હજુ ઊંઘે છે. એ દૂધ લેવા જતાં હતાં. મનીષા અને ઉદય ત્યાં જ ઊભાં રહ્યાં. વિનોદિનીબહેન દૂધ લઈને આવ્યાં એટલે બંને એમની સાથે જ ઉપર ગયાં. એ બંનેના આવવાથી સહેજ અવાજ થયો એટલે મનહરભાઈ જાગી ગયા. સીધી જ એમની નજર મનીષા પર પડી. એમના ફિક્કા પડી ગયેલા ચહેરા પર તેજનો એક લિસોટો ફરી વળ્યો. એમણે મનીષાને બોલાવવા બે હાથ ઊંચા કર્યા. મનીષા એમની પાસે જઈને એમને વળગી પડી. ઉદય પણ એમને પગે લાગીને એમની બાજુમાં આવીને ઊભો રહ્યો. મનહરભાઈએ વારાફરતી મનીષા અને ઉદય સામે જોયું અને ધીમેથી પૂછયું, “બેટા, તમે બંને મજામાં તો છો ને?" મનીષાની આંખો છલકાઈ ગઈ. એણે અને ઉદયે ડોકું ધુણાવી હકારમાં જવાબ આપ્યો અને તરત મનીષાએ પૂછયું, “પપ્પા, હવે તમને કેમ છે? આવું કેવી રીતે થઈ ગયું?"

“આજે તો મને બહુ જ સારું લાગે છે. ગઈકાલે જ ડૉક્ટર કહેતા હતા કે બે દિવસ પછી કદાચ ઘરે જવાની રજા પણ આપશે.”

મનીષાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં એટલે મનહરભાઈએ એના માથા પર હાથ મૂકીને કહ્યું. “ઉંમર થાય એટલે આવું કંઈક તો થાય જ ને! અને રડે છે કેમ? હજુ મારે ઘણું જીવવાનું છે. તારાં દીકરા-દીકરીને રમાડવાનાં છે. એમની સાથે મારો ઘોડો-ઘોડો રમવાનું છે...” પછી એમણે એક નજર ઉદય તરફ કરી. મનીષાએ તો પ્રયત્નપૂર્વક પોતાના ચહેરાના ભાવમાં કોઈ ફરક પડવા દીધો નહિ. પરંતુ ઉદયને તો મનહરભાઈના આ શબ્દો સાંભળ્યા પછી જાણે કોઈએ એને મારી મારીને અધમૂઓ કરી નાંખ્યો હોય એવી લાગણી થઈ. એ તરત જ ત્યાંથી ખસીને પાછળ રાખેલા સ્ટૂલ પર બેસી ગયો. મનીષાએ ઉદય પર પડેલા માનસિક પ્રત્યાઘાતની નોંધ લીધી છતાં પોતાની સહજતા છોડી નહિ.

એણે મનહરભાઈને પિનાકીનભાઈના સમાચાર આપ્યા અને એક-બે દિવસમાં આવવાના છે એ પણ કહ્યું. એ જ વખતે વિનોદિનીબહેન બહારથી ચા બનાવીને લાવ્યાં અને મનીષાની વાત સાંભળતાં જ બોલી પડયાં, “મેં પિનુભાઈને કહ્યું હતું કે દોડાદોડ ના કરશો. મનીષાને તો એના પપ્પા બહુ જ યાદ કરે છે એટલે એ આવી જાય તો સારું... પણ હું જાણું ને. તારા પપ્પાની વાત સાંભળ્યા પછી એ આવ્યા વિના રહે જ નહિ....” પછી એમણે મનીષા તરફ ફરીને કહ્યું, “ગઈકાલે સોનલ આવી હતી. મેં એને પૂછયું કે તને કેવી રીતે ખબર પડી? તો ખભા ઉલાળીને કહે, ‘હવા કે ભી કાન હોતે હૈ...’ બહુ બેઠી નહિ. પણ કહેતી ગઈ છે કે મનીષા આવે તો મને મળ્યા વિના જાય નહિ એમ એને ખાસ કહેજો...”

કલાકેક બેઠા પછી વિનોદિનીબહેને મનીષાને કહ્યું, “હવે તમે બંને ઘરે જાવ. નાહી-ધોઈને પરવારીને આવો. દસ વાગ્યે ડૉક્ટર આવે છે. એમને પણ તમે મળો...”

ઘરે ગયા પછી ઉદય નહાવા ગયો એટલે મનીષાએ ડિરેક્ટરીમાંથી શોધીને ડૉ. સુહાસ પ્રભારીનો નંબર જોડ્યો. પરંતુ કોઈ ઉપાડતું નહોતું. સાડા નવે ઉદય તૈયાર થઈ ગયો. મનીષાએ કહ્યું, હું એક ફોન કરી લઉં?”

“કોને ફોન કરવો છે? સોનલને કે ડૉ. પ્રભારીને?" ઉદયે આંખો ઝીણી કરતાં પૂછયું.

“બન્નેને... પણ સોનલ તો હજુ આવી નહિ હોય અને અત્યારે એ ક્યાં હશે એની એને ખુદને ખબર નહિ હોય. મનીષાએ જવાબ આપ્યો.”

“એટલે એમ જ કહે ને કે..”

“હા.” મનીષાએ ભાર દઈને કહ્યું.

ઉદય સહેજ ઉશ્કેરાટ સાથે બોલ્યો, “મને સમજાતું નથી કે તું શું કામ આટલી પાછળ પડી છે? આનો કંઈ અર્થ નથી... કશું થવાનું નથી... આ જ મારું નસીબ છે!”

મનીષાએ એની વાતને ગણકાર્યા વિના ફોન જોડ્યો. સામેથી કોઈ રિસેપ્શનિસ્ટ છોકરી બોલતી હતી. મનીષાએ ઍપોઇન્ટમેન્ટ માટે વાત કરી એટલે એ છોકરીએ કહ્યું, “એક અઠવાડિયા સુધી ઍપોઇન્ટમેન્ટ મળે એમ નથી...”

“એક અઠવાડિયું? કાલે કે પરમ દિવસે મળવું હોય તો ન મળી શકાય?” મનીષાએ ચોકસાઈ કરી.

“ઈમ્પોસિબલ, આમ તો આઠ દિવસ પછી પણ મુશ્કેલ છે. કારણ કે દસ જ દિવસ પછી ડૉક્ટર સાહેબ યુરોપ અને અમેરિકાના ત્રણ મહિનાના પ્રવાસે જાય છે...”

“મેડમ, અમે બહારગામથી-વડોદરાથી આવ્યાં છીએ અને પરમ દિવસે તો અમારે પાછાં જવાનું છે!” મનીષાએ વિનંતીના સૂરમાં કહ્યું.

“એવું છે? તો હોલ્ડ ઓન ફોર આ મિનિટ..." એમ કહી એણે ફોનને મ્યુઝિક મોડ પર મૂકી દીધો. મનીષા થોડી સેકંડ સુધી સંગીત સાંભળતી રહી. એણે જોયું કે ઉદયના ચહેરા પર ચિંતા અને ઉત્સુકતાના મિશ્ર ભાવ તરવરતા હતા. ત્યાં પેલી રિસેપ્શનિસ્ટ લાઈન પર આવી અને બોલી, “સૉરી મેડમ! બહુ મુશ્કેલ છે... આઠ દિવસ પછી અને નહિતર ત્રણ મહિના પછી જ રાખો."

“હલ્લો! પ્લીઝ, જુઓને, કંઈ મેળ પડતો હોય તો અમને અમદાવાદથી ડૉ. પ્રકાશ સાગરે અહીંનો રૅફરન્સ આપ્યો હતો. પ્લીઝ...” મનીષાએ એકદમ વિનંતીના સૂરમાં કહ્યું.

“એવું છે? હોલ્ડ ઓન અગેઈન..." ફરી પાછો ફોન મ્યુઝિક મોડ પર આવી ગયો. હવે તો મનીષાનો જીવ પણ અધ્ધર થઈ ગયો હતો. માંડ અડધી મિનિટ થઈ હશે અને પાછી પેલી રિસેપ્શનિસ્ટ લાઈન પર આવીને બોલી, “એક કામ કરો. પરમ દિવસે સવારે સાડા નવે આવી જાવ... જોજો, મોડું ના કરતાં..."

“થેંક યૂ! થેંક યૂ વેરી મચ!"

“પેશન્ટનું નામ?" રિસેપ્શનિસ્ટે પૂછયું.

“ઉદય... ઉદય વ્યાસ...”

મનીષાએ ફોન મૂકી દીધો અને ઉદયને કહ્યું, “પરમ દિવસે સવારે શાર્પ સાડા નવે પહોંચી જવાનું.”

“પણ તેં સરનામું તો પૂછયું નહિ!” ઉદયે કહ્યું.

“ડિરેક્ટરીમાં જોઈ લીધું. લેમિંગ્ટન રોડ પર છે. ઓપેરા હાઉસ પાસે... એ તો જડી જશે...” મનીષાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

દવાખાને ગયા પછી મનીષા ડૉ. નારલીકરને મળી. ડૉક્ટરે કહ્યું, “માઈલ્ડ એટેક હતો. કશી ચિંતા કરવા જેવું નથી. આ તો એક ચેતવણી હતી. આ ચેતવણીને અવગણીએ તો જ જોખમ!”

આખો દિવસ લગભગ બંને દવાખાને જ રહ્યાં. સાંજે ચારેક વાગ્યે મનીષાએ સોનલને ફોન કર્યો. સોનલે પૂછયું. આજે રાત્રે તું દવાખાને ક્યાં સુધી હોઈશ?"

“નક્કી નથી... કેમ? કદાચ વહેલી જઈશ. ઘરે જઈ રસોઈ બનાવીશ.” મનીષાએ કહ્યું.

“હું રાત્રે આઠ વાગ્યાની આસપાસ દવાખાને આવું છું. તું દવાખાને નહિ હોય તો ઘરે આવીશ. પછી કાલનો પ્રોગ્રામ બનાવીએ. એમ આઈ રાઈટ?"

સાંજે મનીષા જમવાનું બનાવીને આઠ વાગ્યા પહેલાં ટિફિન લઈને દવાખાને પહોંચી ગઈ. ઉદય ઘરે જ રહ્યો. સોનલ બરાબર આઠ વાગ્યે વાવાઝોડાની જેમ આવી ગઈ. ઔપચારિક વાતો કરી મનીષાને લઈને નીચે આવતાં જ પૂછયું. “ઉદયકુમાર ક્યાં?"

“ઘરે છે...”

“હવે જો સાંભળ, તમે બંને લગ્ન પછી પહેલી જ વાર આવ્યાં છો. મારે તમને બંનેને ટ્રીટ કરવાં જોઈએ ને? બોલ, શું કરીશું?" સોનલે પૂછયું.

“એક કામ કરીએ.... કાલે આપણે ત્રણેય પિકચર જોવા જઈએ... મરાઠા મંદિરમાં... કયું ચાલે છે એ ખબર છે? મનીષાએ પૂછયું.”

“જે ચાલતું હોય એ... મરાઠા મંદિર તારું મનપસંદ થિયેટર છે ને... તારા વરને પણ બતાવ... પછી આગળ વિચારીશું... પણ હા, તમને ક્યાંક જમવા લઈ જવાની છું... ઉદય દારૂ પીએ છે?"

“ના, અત્યાર સુધી તો નથી પીધો...”

“તો હવે પીશે....” સોનલે હસતાં હસતાં કહ્યું. :

રાત્રે મનીષાએ ઉદયને સોનલ સાથે બનાવેલા પ્રોગ્રામની વાત કરી. ઉદયે કોઈ ઉમળકો ન દાખવ્યો એટલે મનીષા સહેજ ખિજાઈને બોલી, “તારા મગજમાં ચોવીસે કલાક સેક્સ જ રમે છે. સેક્સ સિવાય પણ આ દુનિયામાં ઘણું છે. તું એકલો જ કુંવારો નથી રહી ગયો... હું પણ કુંવારી જ છું... પણ મારા મન પર એ સવાર નથી થઈ ગઈ. તારા આવા વર્તનથી હવે તો મને પણ ક્યારેક ક્યારેક અકળામણ થાય છે...”

મનીષા બોલતાં તો બોલી ગઈ. પણ ઉદયને એને કારણે વધુ અપરાધભાવ જાગ્યો છે એમ લાગ્યું એટલે એણે ઉદયને ‘સોરી’ કહ્યું અને મનાવી લીધો.

બીજે દિવસે ત્રણેય જણા સાંજના શૉમાં મરાઠા મંદિરમાં ફિલ્મ જોવા ગયાં. જૂની ફિલ્મ 'ગાઈડ' ચાલતી હતી. ફિલ્મ જોયા પછી ત્રણેય બહાર નીકળ્યાં એટલે સોનલે ઉદય અને મનીષાને ઊભાં રાખીને કહ્યું, “ઉદયકુમાર... તમને આ રીતે બોલાવવાનું જામતું નથી... તમને ઉદય કહું તો ચાલશે? ના ચાલે તો બેધડક ના કહેજો....”

“ચાલશે નહિ, દોડશે....." ઉદયે કહ્યું.

“યે હુઈ ન બાત... તમે મને સોનલબહેન ના કહેતા. સોનલ જ કહેજો.” સોનલે બંને સાથે હાથ મિલાવતાં કહ્યું.

ત્રણેય જણે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની સામે આવેલી કેપ્ટન કૂક રેસ્ટોરાંમાં ગયાં હોટેલની સજાવટ સરસ હતી. આછો પ્રકાશ રેલાતો હતો. ત્રણે જણ જઈને ખૂણાના એક ટેબલ પર બેઠાં. સોનલે મેનુ કાર્ડ ઉદય તરફ સરકાવતાં કહ્યું, “મોનુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તમે બંને લગ્ન પછી પહેલી જ વાર આવ્યાં છો. એટલે તમને ટ્રીટ કરવામાં મારે આજે કોઈ કચાશ રાખવી નથી. પહેલાં બોલો વહીસ્કી, રમ કે જીન...?"

ઉદય તો ફાટી આંખે સોનલ સામે તાકી રહ્યો અને પછી મનીષા સામે જોવા લાગ્યો. સોનલે જ એને કહ્યું, “મને ખબર છે કે તમે સાધુ મહાત્મા છો. પણ મુંબઈમાં તો સાધુ મહાત્માઓ જ સૌથી વધુ દારૂ પીએ છે...” કહેતાં સોનલ ખડખડાટ હસી. આજુબાજુના ટેબલવાળાઓનું પણ એના તરફ ધ્યાન ખેંચાયું.

“નહિ પીવો એવું કશું નથી. અમારે ત્યાં તો પ્રોહિબિશન છે એટલે પીવાનો સવાલ જ નથી. છતાં બિયર પીએ...”

“બિયર? એ તો કંઈ પીવાની ચીજ છે? ખેર, તમે કહો તો બિયર, મોનુ. તું પણ બિયર લઈશ ને?” પછી જવાબની રાહ જોયા વિના એણે ત્રણ બિયરનો ઓર્ડર આપી દીધો અને બોલી, પ્રોહિબિશનને કારણે તમારા ગુજરાતમાં અનેક લોકો મોક્ષથી લટકી જવાના છે. કેમ, ખબર છે?" સોનલે કોઈ રહસ્યની વાત કહેતી હોય એમ પૂછયું.

ઉદય એની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યો એટલે સોનલે કહ્યું,“જુઓ, મર્યા પછી ઉપર જઈશું એટલે ભગવાનનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચોપડો ખોલીને સવાલો પૂછશે: “તમને પૃથ્વી પર મોકલ્યા હતા તો તમે ત્યાં શું કરી આવ્યા? ચોરી કરી? કોઈની પાછળ લટ્ટુ થયા? દારૂ પીધો? જુગાર રમ્યા? સિગારેટ પીધી? તમાકુ ખાધી?" આપણે આ બધા જ પ્રશ્નોના નકારમાં જવાબ આપીએ એટલે તરત જ એ આપણને કહેશે: “જાવ, પાછા જાવ! તમને મોકલ્યા હતા શું કામ?” અને આપણે મોક્ષમાંથી લટકી જઈએ.”

ત્રણેય જણે બબ્બે બિયર ટચકાવ્યા. સોનલે વચ્ચે એક પેગ વહીસ્કીનો પણ લગાવ્યો. લગભગ રાત્રે બાર વાગ્યે ઘેર પહોંચ્યાં. સોનલ ત્યાં જ રોકાઈ ગઈ. રાત્રે સૂતાં સૂતાં મનીષાએ સોનલને કહ્યું, “સવારે અમારે આઠ વાગ્યે નીકળવાનું છે... તારે કેટલા વાગે નીકળવાનું છે?"

“તમારી સાથે જ... તમે ક્યાં જવાનાં છો?" સોનલે પૂછયું.

“ઉદયને થોડું કામ છે. એને એક જણને મળવાનું છે. લેમિંગ્ટન રોડ પર..." મનીષાએ જવાબ આપી દીધો. બિયરનો હલકો હલકો નશો ત્રણેયના તન-મનમાં ફરી વળ્યો.