Unnatural Ishq - 5 books and stories free download online pdf in Gujarati

Unnatural ઇશ્ક - 5 - (અંતિમ)

પ્રકરણ -૫/પાંચ

ગતાંકમાં વાંચ્યું.....

યુનિટેક ટેકનોલોજીના છ કાબેલ અને ખંતીલા એમ્પ્લોઇઝ છ મહિનાના ટૂંકા ગાળામાં સિક્રેટ મિશન સ્પેસ્ક્રાફ્ટ પાર પાડે છે અને એ છ જણની ટીમમાં રહેલા રવિશ અને શાલ્વી એકમેકના પ્રેમમાં પડે છે. ચુંબકના બે ધ્રુવ જેવા, બંનેનું વ્યક્તિત્વ પણ એકમેકથી તદ્દન વિપરીત, પણ બંને વચ્ચે અતૂટ, અમાપ, અસીમ પ્રેમનું બંધન બંધાતુ ગયું. એક દિવસ અચાનક શાલ્વીએ રવિશને ઓળખવાનો ઇનકાર કરી દીધો....

હવે આગળ.....

"સોરી મિસ્ટર, હું કોઇ રવિશને નથી ઓળખતી, તમે રોંગ એડ્રેસ પર આવ્યા લાગો છો કેમ કે મારું નામ શાલ્વી નથી.... મારું નામ તો છે........"

આકાશમાં ચગેલી પતંગ પેચ લડાવ્યા પછી કપાઈને હવામાં ગોળ ગોળ હવાતિયાં મારતી જમીન પર પછડાય એવી જ સ્થિતિ અત્યારે રવિશની હતી.....

"અરે.... શાલ્વી, વ્હાય....? કેમ તું આમ બોલી રહી છે? પ્લીઝ મજાક નહીં કર."

"હું તમને ક્યારની કહી રહી છું કે હું શાલ્વી નથી, વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ, આ કોઈ મજાક નથી સમજ્યા તમે?" શાલ્વી પોતે ગડમથલમાં હતી.

"હું પણ ક્યારનો સમજાવી રહ્યો છું કે તું શાલ્વી છે, મારી શાલ્વી, માય લવ, માય લાઈફ, એ શાલ્વી જેણે મને જીવનની પરિભાષા શીખવી, જેણે મને સ્વમાંથી સ્વજન બનાવ્યો, મારા સ્વકેન્દ્રી વર્તુળનો પરિઘ વિસ્તાર્યો, મને આત્મબળની સાથે પ્રેરણાબળ પૂરું પાડ્યું, એ શાલ્વી.... અંડરસ્ટુડ....." શાલ્વીના ખભા બેય હાથે એને રવિશે હચમચાવી અને હલબલાવી મૂકી.

"ઓ......હ..... ગોડ, હું શાલ્વી નથી, નથી, નથી.... હું....હું.....આ.....હ.....કેમ મને યાદ નથી આવતું મારું નામ, મારો પરિચય, મારું અસ્તિત્વ....ઓ....હ......" બેય હાથે માથું પકડી યાદ કરવાની કોશિશ કરતી શાલ્વી ચકરાઈને જમીન પર બેસી ગઈ.

"કોણ છું હું? મને કેમ કાંઈ યાદ નથી આવી રહ્યું?",

"શાલ્વી, હું રવિશ, આપણે બંને યુનિટેક ટેકનોલોજીની ઓફિસમાં પહેલવહેલીવાર મળ્યા હતાં. આપણે સાથે મળીને સિક્રેટ મિશન પાર પાડ્યું, સાથે બેસીને સ્પેસ્ક્રાફ્ટની ડિઝાઈનો બનાવી, આપણે ગાર્ડન લેકમાં ડેટ પર ગયા હતા. તારો ઉડનખટોલો તો યાદ છે ને તને જેના પર ડરતા ડરતા મેં સવારી કરી હતી." રવિશ એને બધું જ યાદ અપાવવાની કોશિશ કરી રહ્યો હતો. "યાદ કર શાલ્વી, એ પ્રથમ સ્પર્શ, એ પહેલી કિસ, આપણા બંનેના એક થયેલા શ્વાસનો એહસાસ, શાંત ચિત્તે યાદ કર, બધું યાદ આવી જશે. વી લવ ઈચ અધર." રવિશ શાલ્વીની સામે બેસી ગયો અને પોતાના સ્માર્ટવૉચમાં કેદ કરેલા બંનેના અતિતના સંભારણા એ શાલ્વીને બતાડી રહ્યો.

"મને કાંઈ જ યાદ નથી આવી રહ્યું."શાલ્વી બેય હાથે પોતાનું માથું પકડી યાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

"યાદ કરવાની કોશિશ કર શાલ્વી"

"મને કાંઈ જ યાદ નથી આવી રહ્યું....હું....હું..."

વિચારોના વમળમાં ઘુમરીઓ ખાતી શાલ્વી પોતાના અસ્તિત્વને ઓળખવા તેમજ શોધવા માટે યાદોની હાલકડોલક નાવમાં સવાર થઈ ગડથોલાં ખાતી, બેચેન બનતી, ખોવાયેલી યાદોને સમેટવા અતીતના હલેસાં ચલાવી રહી હતી પણ એની નાવ ઘુમરીઓમાંથી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. આખરે થાકી હારીને શાલ્વી જમીન પર ફસડાઈ પડી.

"શા.....લ્વી....., શાલ્વી.....હું હમણાં જ ડોકટરને કોલ કરું છું અને એર એમ્બ્યુલન્સ બોલાવું છું... શાલ્વી તને હું કાંઈ નહીં થવા દઉં....ઉઠ શાલ્વી... પ્લીઝ ઓપન યોર આઇઝ.. " રવિશ એને ઢંઢોળી રહ્યો હતો.

"શું થયું..... કેમ બુમો પાડતી હતી? અરે.... શું થયું મારી દીકરીને? એય.... મિસ્ટર, હુ આર યુ? શું કર્યું તમે એને?" પાછળથી પરિચિત અવાજ સાંભળી રવિશે પાછળ વળતાં કહ્યું, "હું... રવિશ, રવિશ સેન..."

" મિસ્ટર આકાશ ખુરાના...ત....મે.....અહીંયા, શાલ્વીના...ઘરે...??" ડોળા ફાડીને રવિશ એ વ્યક્તિ તરફ જોઈ રહ્યો.

"હા....હું.....આકાશ ખુરાના, શાલ્વીનો ફાધર... નહીં નહીં.... ગોડફાધર, ક્રિએટર....," બે હાથ પહોળા કરી એક અટ્ટહાસ્ય સાથે આકાશ ખુરાના રવિશની સામેના સોફા પર બેસી ગયા.

"ફાધર, ગોડફાધર, ક્રિએટર, શું કહેવા માંગો છો તમે. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ સાફ સાફ શબ્દોમાં કહો શું કહેવા માંગો છો તમે?" રવિશ અસમંજસમાં મુકાઈ ગયો.

"મિસ્ટર રવિશ, હું યુનિટેક ટેકનોલોજીનો ફક્ત સિનિયર મોસ્ટ ઓફિસર જ નહીં પણ એક સાયન્ટિસ્ટ પણ છું અને મેં અનેક રિસર્ચ કરીને એક નાયાબ શોધ કરી હતી, પણ જેનું શ્રેય કુલદીપ શર્મા ખાટી ગયા. મારા રિસર્ચ સિક્રેટ ચોરીને મારી શોધને પોતાના નામે ચડાવી એમણે દુષ્યંત વાધવા પાસેથી પ્રમોશન મેળવી લીધું અને હું ત્યાં નો ત્યાં જ રહી ગયો એટલે મારા દિલમાં ભભૂકી ઉઠેલો જ્વાળામુખી બદલાની આગમાં ઉકળવા લાગ્યો.બે વરસ પહેલાં મેં એક એવા લચીલા સ્કિન જેવા રબરની શોધ કરી હતી જેની ફલેક્સિબિલિટ વડે કોઈપણ આકારમાં ઢાળી શકાય અને પછી મેં એક બાળકનું મોલ્ડ બનાવડાવ્યું અને જેનાથી મેં એક બાળકનો રોબો બનાવ્યો હતો જેને જોઈને અસલી-નકલી વચ્ચેનો ભેદ ભુલાઈ જાય.. બસ એમાં લાગણી, એહસાસ, પ્રેમ, કરુણા, દયા જેવી કોઈ વસ્તુ નહોતી, એક બેજાન પૂતળું હતું એ, પણ મેં રાતદિવસ આકરી મહેનત કરીને એવી માઈક્રોચિપ બનાવી જેમાં મેં બધી લાગણીઓ, પ્રેમ, એહસાસ બધું જ એક પ્રોગ્રામ બનાવી એમાં ફીડ કર્યું અને એ બાળકમાં એ ચિપ સર્કિટ સાથે ફિટ કરી અને એમાં મેં પ્રાણ પૂર્યા એમ કહી શકાય પણ મારી આ શોધ ફ્લોપ થઈ ગઈ અને 'હાર્યો જુગારી બમણું રમે' એ નીતિથી મેં નવેસરથી શરૂઆત કરી અને બનાવી આ....આ.... તારી સામે નિર્જીવ બનીને પડી છે ને એ શાલ્વી... જે એક યંત્રમાનવ મિન્સ કે એક રોબો છે....એટલે કે હતી...."

"હ...તી.... એટલે, તમે કહેવા શું માંગો છો મિસ્ટર ખુરાના? આ શાલ્વી છે, મારી જિંદગી, મારો પ્રેમ અને તમે કહો છો કે આ એક નિર્જીવ પૂતળું છે?"

"હા, આ એક નિર્જીવ પૂતળું બની ચુકી છે..કેમ કે એના બોડીમાં ફિટ કરેલી સર્કિટમાં વાયરસ ઘુસી ગયા છે અને એની ચિપ ડેમેજ થઈ ગઈ છે."

"પ...ણ.... તમે આવું કર્યું શા કારણે? અને મને કેમ શતરંજનું પ્યાદુ બનાવી મારી સામે જ મારી સાથે ચાલ ચાલી પોતાની સાથે મને પણ હરાવી દીધો" રવિશ આકાશ ખુરાનાની આંખોમાં આંખો નાખી એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યો હતો.

"કુલદીપ સામે બદલો લેવાની ભાવના સાથે મેં શાલ્વીને બનાવી, વિચાર્યું હતું કે એનો એક હ્યુમન બૉમ્બ તરીકે ઉપયોગ કરી કુલદીપને મારી નાખીશ પણ એના પહેલા એનામાં લાગણીઓ જન્માવી પ્રયોગ કરવાનો વિચાર આવ્યો એટલે મેં સુધારા-વધારા કરી, નવા પ્રોગ્રામ અને નવી ચિપ બનાવી અને મેં શાલ્વીમા પ્રાણનું પ્રતિષ્ઠાપન કર્યું અને યોગાનુયોગે તું એની સામે આવ્યો એટલે મેં એની ચિપમાં કેટલાક પ્રોગ્રામ અને ડેટા સેવ કરી તારા પ્રત્યે એનું આકર્ષણ ઉતપન્ન કર્યું અને તું પણ એ આકર્ષણની માયાજાળમાં અટવાઈ ગયો. એની લાગણીઓ એક સામાન્ય યુવતીની જેમ ઉભરતી ગઈ અને હું ખુશ થઈ કુલદીપને મારવાને બદલે એની સામે અને દુષ્યંત વાધવા સામે મારી આ નવી શોધ મૂકી એ બંનેને આશ્ચર્યમાં નાખી દેવા માંગતો હતો પણ મને એક જ વાતનો ડર હતો ક્યાંક શાલ્વી તને બધું સાચેસાચું ન કહી દે એટલે હું તમારા બંનેનો પીછો કરતો રહ્યો અરે..... એને ડરાવવા મેં એ દિવસે એના પર ગોળી છોડી... એ મને ઓળખી ગઈ હતી એટલે એ ડરી ગઈ હતી." કલરફુલ માસ્ક દેખાડતાં આકાશ ખુરાના હકીકત બયાન કરવા લાગ્યા.

"એક દિવસ અચાનક શું થયું ખબર નહીં, એના બધા પ્રોગ્રામમાં ગોટાળા થવા લાગ્યા, એની શક્તિઓ ક્ષીણ થતી ગઈ અને ધીમે ધીમે એની ચિપનો પાવર ઓછો થવા લાગ્યો. મેં ઘણી કોશિશ કરી પણ દરેક વખતે હું નિષ્ફળ નીવડ્યો. મેં મારી પર્સનલ લેબમાં બીજા પણ કેટલાક પ્રોગ્રામ બનાવ્યા પણ મને સફળતા ન મળી. શાલ્વીને બનાવીને હું મારી જાતને ભગવાન સરખો માનવા લાગ્યો અને મદમાં છકી ગયો હતો પણ એ સર્વોપરી જગતનિર્માતા સામે હું વામણો પુરવાર થયો. હું એ વિસરી ગયો હતો કે જેણે આપણને બનાવ્યા એને જ હું બનાવવા નીકળ્યો હતો અને એમાં વગર વાંકે તું દંડાઈ ગયો. ઈશ્વર સાથે હું તારો પણ ગુનેગાર છું રવિશ, મને માફ કરી દેજે, હું તો કોઈ સજાને પણ લાયક નથી."બે હાથ જોડી આકાશ ખુરાનાએ પોતાના બ્લેઝરના અંદરના ખિસ્સામાંથી એક કેપસ્યુલ કાઢી અને મોઢામાં નાખી દીધી અને શાલ્વીની બાજુમાં જ ઢળી પડ્યા અને એમના હોઠોના ખૂણેથી ફીણ નીકળવા માંડ્યું. એમનું શરીર ઉછળી ઉછળીને ધીરે ધીરે શાંત પડી ગયું.

એક તરફ નિર્જીવ શાલ્વી અને બીજી તરફ આકાશ ખુરાનાનો નિષ્પ્રાણ દેહ. રવિશની હાલત તો કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ, એ બેબાકળો બની ગયો, એની વિચારશક્તિ, મગજશક્તિ, ઈચ્છાશક્તિ બધું જ હણાઈ ગયું.

કેટલીય વાર સુધી રવિશનો ફોન કે કોઈ મેસેજ ન આવતાં તનુજાએ એને કોલ કર્યો પણ સતત રિંગ જતાં ચિંતિત થઈ તનુજાએ પોતાની સ્માર્ટવોચ દ્વારા એનું લોકેશન ટ્રેસ કર્યું અને એ પણ શાલ્વીના ઘરે પહોંચી, ત્યાં જઈને દ્રશ્ય જોઈને એ થીજી ગઈ. એણે તરત જ પોલીસસ્ટેશનમાં ફોન જોડી શાલ્વીના ઘરનું લોકેશન શેર કરી પરિસ્થિતિનો ચિતાર આપ્યો. થોડીક જ ક્ષણોમાં પોલિસવેન ત્યાં આવી પહોંચી. શાલ્વીનું બોડી તો આંતરિક ઉષ્ણતાથી પીગળવા લાગ્યું હતું અને એની સુંદર દેહયષ્ટિ વિકૃત બની રહી હતી. પોલીસે તપાસ કરતાં આકાશ ખુરાનાના બ્લેઝરના ખિસ્સામાંથી એક નાનકડી નોટ મળી આવી જેમાં એના લેપટોપનો પાસવર્ડ હતો, ઇન્સ્પેક્ટરે લેપટોપ ઓપન કરી પાસવર્ડથી આકાશ ખુરાનાની પર્સનલ ફાઇલ શોધી તો એમાંથી આકાશ ખુરાનાએ ટાઈપ કરેલી સ્યુસાઇડ નોટ મળી આવી એટલે પોલીસે સ્યુસાઇડ કેસ ફાઇલ કરી અને આકાશ ખુરાનાની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હવે બચ્યો રવિશ પણ એ કાંઈપણ બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતો અને ફક્ત "શાલ્વી..."નું નામ ઉચ્ચારતો વિસ્ફરિત આંખે એને જોઈ રહ્યો હતો જાણે હમણાં એ ઉઠશે અને એને વેલની જેમ વીંટળાઈ જશે. મૂઢ બની જડની જેમ ઉભો હતો અને અચાનક બેભાન બની એ પણ ફસડાઈ પડ્યો.

તનુજાને તો શું કરવું એ સમજાતું જ નહોતું. એણે રવિશના સ્માર્ટવૉચમાંથી શેફાલી, ગૌરાંગ અને કુલદીપનો કોન્ટેકટ કર્યો અને એમને પણ પરિસ્થિતિથી વાકેફ કર્યા, બધા કામ છોડી એ ત્રણેય દુષ્યંત વાધવાને લઈ તનુજાએ શેર કરેલા શાલ્વીના ઘરના લોકેશન પર દોડી આવ્યા.. એર-એમ્બ્યુલન્સનો સંપર્ક કરી બધા તરત જ રવિશને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉકટરે તપાસ કરી રવિશે એનું માનસિક સંતુલન ખોઈ નાખ્યાનું જણાવ્યું. તનુજા માથે તો જાણે આભ તૂટી પડ્યું. રવિશની સારવાર માટે એણે પોતાનું તન-મન-ધન બધું જ સ્વાહા કરી નાખ્યું પણ પરિણામ શૂન્ય....રવિશના દિલો-દિમાગ પર સવાર થયેલી શાલ્વીની પ્રેમભરી યાદોએ ન એને જીવવા દીધો ન મરવા. ક્યારેક ક્યારેક એ શાલ્વીના નામની બુમાબુમ કરી નાખી તોફાન મચાવી દેતો ત્યારે એને કંટ્રોલ કરવો બહુ જ મુશ્કેલ બની જતો. ત્યારે ડોકટરો વિવશ બની એને ઘેનનું ઇન્જેક્શન આપી દેતા. એને શહેરથી દુર એક મેન્ટલ અસાયલમમાં એક સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને એના રૂમની બહાર એક ડિજિટલ લોક લગાડવામાં આવ્યું હતું જેને ફક્ત સિનિયર ડોકટર જ ખોલી શકતા. ક્યારેક રવિશ એ સ્પેશિયલ રૂમની ની જાળીદાર વિન્ડો પાસે ઉભો રહતો અને ભીની આંખે આકાશમાં તરતા વાદળોમાં શાલ્વીને શોધવાનો વ્યર્થ પ્રયાસ કરતો રહતો. એની ભીની આંખોમાં કોરા સપના તરવરી ઉઠતા. ક્યારેક ક્યારેક શાલ્વીના નામની બૂમ પડતો અને લાગણીશૂન્ય બની ફરી અંતર્મુખી બની કોચલામાં ભરાઈ જતો...... (સમાપ્ત).

'Unnatural ઇશ્ક’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.