Daheshat - 12 books and stories free download online pdf in Gujarati

દહેશત - 12

12

સબ ઈન્સ્પેકટર જિમીની બહેન સુઝેનના ભેદી મોત પહેલાં, એના મોબાઈલ ફોન પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એટલે જિમીએ એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો અને મોબાઈલ ફોન કાન પર મૂકયો.

-મોબાઈલ ફોનમાં સામેથી ઘરઘરાટી સંભળાવા લાગી.

‘ઘરઘરાટી બંધ થઈને હમણાં સામેથી કોઈ વ્યક્તિનો અવાજ સંભળાશે.’ એવા વિચાર સાથે જિમી સાંભળી રહ્યો.

પણ કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો નહિ. ઘરઘરાટી જ સંભળાવાની ચાલુ રહી.

જિમીએ કૉલ કટ્‌ કર્યો અને ફરી વાર એ જ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો.

-ફરી એ જ રીતના ઘરઘરાટી સંભળાવા લાગી. આ વખતે પણ જિમીએ સામેથી કોઈ વ્યક્તિનો અવાજ સંભળાય એ માટેની વાટ જોઈ, પણ એ જ રીતની ઘરઘરાટી સંભળાતી રહી એટલે તેણે મોબાઈલ કટ્‌ કર્યો. તેણે વિચાર્યું, ‘તેની નાની બહેન સુઝેનના મોબાઈલ ફોન પર જે મોબાઈલ નંબર પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો એ નંબર લાગતો નહોતો. હવે તેણે સુઝેનના મોબાઈલ ફોન પરથી છેલ્લે જે મોબાઈલ નંબર પર મિસ્ડ્‌ કૉલ લગાવવામાં આવ્યો હતો, એ નંબરવાળી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ.’ અને જિમીએે એ મોબાઈલ નંબર પર કૉલ કર્યો, ને મોબાઈલ ફોન કાન પર મૂકયો. આ વખતે મોબાઈલમાં સામેથી રિંગ સંભળાવા લાગી અને પછી સામેથી એક યુવતીનો અવાજ સંભળાયો : ‘હેલ્લો !’

‘હેલ્લો !’ જિમીએ પૂછયું : ‘તમે કોણ ? !’

‘હું કાજલની મોટી બહેન કિન્નરી બોલું છું.’ સામેથી કિન્નરીએ કહીને પૂછયું : ‘તમે કોણ ? !’

‘જી, હું કાજલ સાથે વાત કરવા માંગું છું.’ જિમીએ સામેથી કિન્નરીના ‘તમે કોણ ?’ના સવાલનો જવાબ આપ્યા વિના જ કહ્યું : ‘તમે કાજલને મોબાઈલ આપશો, પ્લીઝ !’

‘કાજલનું થોડાંક દિવસ પહેલાં જ ઍમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ જવાને કારણે મોત થઈ ગયું.’ જિમીના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી કિન્રરીનો દુઃખી અવાજ સંભળાયો.

‘જિમીને યાદ આવી ગયું. પોલીસચોકીમાં સોફિયા સબ ઈન્સ્પેકટર આરોહી સાથે તેના ચાર કૉલેજ ફ્રેન્ડના ભેદી મોત વિશે વાત કરી હતી, ત્યારે એણે એ ચારમાંની એક કાજલના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને કાજલે એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ કર્યો ત્યારે સામેથી કોઈ અજાણી વ્યક્તિએ એને મોતનો મેસેજ આપ્યો હતો, એવી વાત કરી હતી.

જોકે, અત્યારે સુઝેનના મોબાઈલ ફોનમાં જોતાં એ ખ્યાલ આવતો હતો કે, છેલ્લે સુઝેનના મોબાઈલ ફોન પરથી કાજલના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ થયો, એ પછી સામેથી કાજલના મોબાઈલ ફોનમાંથી કોઈ કૉલ આવ્યો નહોતો. આનો મતલબ એ કે, કાજલે ભૂલથી સુઝેનના મોબાઈલ નંબરને બદલે કોઈ બીજાના મોબાઈલ નંબર પર વાત કરી હતી, અને એ વ્યક્તિએ કાજલને મોતનો મેસેજ આપ્યો હતો.

‘તમે કહ્યું નહિ કે, તમે કોણ બોલો છો ? !’ જિમીના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી કાજલની મોટી બહેન કિન્નરીનો અવાજ સંભળાયો, એટલે જિમીએ વિચારોમાંથી બહાર આવતાં મોબાઈલ ફોનમાં કહ્યું : ‘જી ! હું સબ ઈન્સ્પેકટર જિમી બોલું છું. થોડાંક દિવસ પહેલાં મારી નાની બહેન સુઝેનનું સ્વિમિંગ પુલમાં મોત થયું. છેલ્લે સુઝેને તમારી નાની બહેન કાજલના મોબાઈલ નંબર પર કૉલ લગાવ્યો હતો, એટલે મેં કૉલ લગાવ્યો.’ અને જિમીએ કહ્યું : ‘મને તમારી બહેન સુઝેનના મોત બદલ દુઃખ છે.’

સામેથી કિન્નરીનો દુઃખભર્યો નિસાસો સંભળાયો.

જિમીએ કાજલની યાદ અપાવીને, કાજલની મોટી બહેન કિન્નરીનું દુઃખ તાજું કરાવી દીધું હતું, અને એટલે જિમીએ વાતને આટોપી લીધી, ‘મેં તમને તકલીફ આપી એ બદલ માફી ચાહું છું.’ અને જિમીએ કૉલ કટ્‌ કરી દીધો.

જિમીએ મોબાઈલ ફોન કાન પરથી હટાવીને, મોબાઈલ તરફ જોતાં વિચાર્યું, ‘તો સુઝેને છેલ્લે એના મોબાઈલ ફોન પરથી જેને મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો, એની મોટી બહેન કિન્નરી સાથે વાત થઈ ગઈ હતી. અને એના પરથી થોડીક વાતોની ખબર પડી હતી.

એક તો સુઝેને કાજલના મોબાઈલ નંબર પર મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો એ પછી કાજલનું મોત થઈ ગયું હતું.

અને સુઝેને એના મોબાઈલ ફોન પરથી કાજલના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કર્યો, એ પહેલાં ખુદ સુઝેનના મોબાઈલ ફોન પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, અને સુઝેને એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ પણ લગાવ્યો હતો.

હવે ‘‘એ મિસ્ડ્‌ કૉલવાળા મોબાઈલ નંબરવાળી વ્યક્તિ સાથે સુઝેનની શું વાત થઈ હતી ? !’’ એ એક સવાલ હતો.

તેણે થોડીક પળો પહેલાં એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો હતો તો સામેથી ઘરઘરાટી જ સંભળાતી રહી હતી. અને એટલે એ પણ એક મોટો સવાલ હતો કે, ‘‘એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિ આખરે કોણ હતી ? !’

તેણે હવે ‘‘એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિ કોણ છે ? !’’ એ શોધવાનું હતું અને કાજલની ફ્રેન્ડ સોફિયા સાથે પણ આ વિશે વાત કરવાની હતી.

પહેલાં સુઝેનની લાશના મોઢામાંથી અને સોફિયાના ફ્રેન્ડ્‌સ તેજલ અને માનવની લાશના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી, એટલે એમના ભેદી મોત વચ્ચે કોઈક કનેકશન હતું એવું લાગતું હતું. અને અત્યારે હવે સુઝેને મરતાં પહેલાં એના મોબાઈલ ફોન પરથી સોફિયાની ફ્રેન્ડ કાજલના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો, એ ખબર પડતાં જ સુઝેન અને સોફિયાના ફ્રેન્ડ્‌સના ભેદી મોત વચ્ચે ચોકકસ કનેકશન હતું જ, એ પુરવાર થઈ ગયું હતું !

૦ ૦ ૦

રીચાએ પોતાનો મોબાઈલ ફોન તોડી-ફોડીને ગટરમાં વહાવી દીધો હતો, એ જ મોબાઈલ ફોન પાછો આખો-જરાય લિસોટા વગરનો, એવો ને એવો, નવો નક્કોર થઈને પાછો પલંગના સાઈડ ટેબલ પર પડેલો જોવા મળ્યો હતો, અને તેણે એ મોબાઈલ ફોનને ઉઠાવીને બારી બહાર ફેંકી દીધો તો એ મોબાઈલ ફોન ભડ્‌-ભડ્‌-ભડ્‌ કરતાં સળગી ઊઠયો હતો.

આ જોઈને રીચાનું મગજ બહેર મારી ગયું હતું. તેનું શરીર કમજોર પડી ગયું હતું. તેનું મગજ કંઈ વિચારી-સમજી શકવાની સ્થિતિમાં રહ્યું નહોતું, તો તેનું શરીર પણ કંઈ કરી શકવાની હાલતમાં રહ્યું નહોતું.

‘શું વિચારમાં પડી ગઈ છે, રીચા ? !’ અત્યારે રીચાના કાને સોફિયાનો અવાજ પડયો, એટલે જાણે તેેનામાં નવો જીવ આવ્યો. તેણે સોફિયા સામે જોયું. સોફિયા ચા-નાસ્તો ગરમ કરી લાવી હતી.

‘સોફિયા ! મેં પેલો તોડી-ફોડીને ગટરમાં વહાવી દીધેલો મારો મોબાઈલ ફોન નવો નક્કોર થઈને પાછો આવી ગયો હતો, અને મેં એને બારી બહાર ફેંકયો તો એ ભડ્‌-ભડ્‌ કરતાં સળગી ઊઠયો હતો. આ જોયા પછી તો મને ટી.વી. સીરિયલ-વાળા જોનાથનની વાત સાચી જ લાગે છે. આપણી સાથે જે બની રહ્યું છે, એમાં ભૂતપ્રેતનો જ હાથ છે. ભૂતપ્રેતથી પીછો છોડાવવા માટે આપણે જોનાથનની મદદ લેવી જ જોઈએ.’ રીચાના હોઠે આ વાત આવી ગઈ, પણ છેલ્લી પળે તેણે વાત રોકી લીધી. ચા-નાસ્તો કરતાં તેણે વિચાર્યું, ‘સોફિયાને ગળે મારી ભૂત-પ્રેતવાળી વાત ઊતરશે નહિ. એ મને જોનાથનની મદદ લેવા દેશે નહિ.’ અને તેણે ઘડિયાળમાં જોયું. બપોરના ચાર વાગ્યા ને વીસ મિનિટ થઈ હતી. મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ તેનું મોત ‘‘શનિવારની રાતના, એટલે કે, આજ રાતના દસ વાગ્યા ને દસ મિનિટે થશે,’’ એવું કહ્યું હતું, એટલે હવે એ સમય આવવાને પાંચ કલાક અને પચાસ મિનિટની જ વાર હતી. મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિ તેની પર ત્રાટકે અને તેને કાજલ, આનંદ, તેજલ અને માનવની જેમ મોતને ઘાટ ઊતારી દે, એ પહેલાં તેણે જોનાથનને મળી લેવાની જરૂર હતી-એની મદદ લઈ લેવાની જરૂર હતી.’ અને આ વિચાર સાથે જ તેણે જોયું તો સોફિયા પલંગ પર લેટતાં તેને કહી રહી હતી : ‘હું કલાકેક ઊંઘ લઈ લઉં. તું પણ સૂઈ જા.’

‘હા.’ કહેતાં રીચાએ સોફિયાની બાજુમાં પલંગ પર લેટતાં નક્કી કર્યું, ‘સોફિયા ઊંઘે એટલે પછી હું અહીંથી ચુપચાપ નીકળી જઈશ અને જોનાથન પાસે પહોંચી જઈશ.’

૦ ૦ ૦

ડીંગ-ડોંગ....! ડીંગ-ડોંગ...!

એકધારી ડૉરબૅલના અવાજે સોફિયાની ઊંઘમાં ખલેલ પાડી. તેણે આંખો ખોલીને બેઠી થતાં જોયું, તો બાજુમાં રીચા નહોતી, પણ એક ચિઠ્ઠી પડી હતી.

સોફિયાએ એ ચિઠ્ઠી વાંચી, ‘સોફિયા ! હું મારા અંકલને ત્યાં બરોડા જાઉં છું. ત્યાં બે-ચાર દિવસ રહીને પછી પાછી આવી જઈશ.’ -રીચા.

સોફિયાના ચહેરા પર ચિંતા આવી. તેણે દીવાલ ઘડિયાળ તરફ જોયું. સાંજના સાત વાગ્યા હતા. ‘પેલી મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાને ‘‘આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટે રીચાનું મોત થશે,’’ એવું કહ્યું હતું, એ સમયને ફકત ત્રણ કલાક ને દસ મિનિટની જ વાર હતી. આવામાં રીચાએ મને કહ્યા વિના આ રીતના અહીંથી નીકળી જવાની જરૂર નહોતી.’ સોફિયાએ મનોમન અફસોસ કર્યો, ‘રીચા પાસે મોબાઈલ ફોન પણ નથી કે, હું એની સાથે વાત કરી શકું.’’

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! !

ફરી એકધારી ડૉરબેલ વાગી, એટલે સોફિયા પલંગ પરથી ઊભી થઈને મેઈન દરવાજા તરફ સરકી. તેણે મેઈન દરવાજો ખોલ્યો.

-સામે સબ ઈન્સ્પેકટર જિમી ઊભો હતો.

‘તમે...? !’

‘મને મારી બહેન સુઝેન અને તારા કૉલેજ ફ્રેન્ડ્‌સના મોબાઈલ ફોન પર આવેલા મિસ્ડ્‌ કૉલ અને એમના ભેદી મોતની એક કડી મળી છે.’

‘શું ? !’

‘મારી બહેન સુઝેનનું મોત થયું, એ પહેલાં છેલ્લે એના મોબાઈલ ફોન પરથી જે મોબાઈલ નંબર પર મિસ્ડ કૉલ લગાવવામાં આવ્યો હતો એ તારી કૉલેજ ફ્રેન્ડ કાજલનો મોબાઈલ નંબર હતો. પણ...,’ જિમીએ કહ્યું : ‘...પછી કાજલના મોબાઈલ નંબર પરથી સુઝેનના મોબાઈલ પર કોઈ કૉલ આવ્યો નહોતો. એટલે કાજલે સુઝેનના મિસ્ડ્‌ કૉલવાળા નંબરને બદલે કોઈક બીજા જ નંબર પર વાત કરી હતી અને સામેથી એ અજાણી વ્યક્તિએ એને મોતનો મેસેજ આપ્યો હતો.’

‘હં !’ સોફિયા ધ્યાનથી જિમીની વાત સાંભળી રહી.

‘હવે સુઝેનનું મોત થયું એ પહેલાં એના મોબાઈલ ફોન પર પણ એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને સુઝેને સામેથી કૉલ કરીને એ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિ સાથે વાત પણ કરી હતી.’

‘...તો નક્કી એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિ મોતનો મેસેજ આપનારી વ્યક્તિ જ હશે !’ સોફિયા પૂછી ઊઠી : ‘એ વ્યક્તિ આખરે કોણ છે ? એ વિશે કંઈ ખબર પડી ? !’

‘મેં એ મિસ્ડ્‌ કૉલવાળા મોબાઈલ નંબરની તપાસ કરાવી. એ મોબાઈલ નંબર એનાબેલ નામની એક બાવન વરસની સ્ત્રીનો છે.’ જિમી બોલ્યો : ‘હું એને મળવા જઈ રહ્યો છું. મને આમાં કંઈ જાણવા મળશે તો હું તારા મોબાઈલ પર કૉલ કરીશ.’

‘હું પણ તમારી સાથે જ આવું છું.’ સોફિયા બોલી ઊઠી.

‘ના. આમાં તારી જરૂર નથી.’

‘જરૂર કેમ નથી ? !’ સોફિયા બોલી ઊઠી : ‘મારા એક પછી એક કૉલેજ ફ્રેન્ડ્‌સના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ આવી રહ્યા છે અને એમનાં મોત થઈ રહ્યાં છે.’ સોફિયા બોલી : ‘ગઈકાલે પોલીસ ચોકીની બહાર આપણી મુલાકાત થઈ અનેે પછી હું ઘરે આવી ત્યારે મારી કૉલેજ ફ્રેન્ડ રીચા આવી હતી. એના મોબાઈલ ફોન પર પણ અમારા ફ્રેન્ડ્‌સ કાજલ, આનંદ, તેજલ અને માનવની જેમ જ એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો. રીચાએ એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ કર્યો, તો એને મોતનો મેસેજ મળ્યો હતો. રીચાની ફ્રેન્ડ અલીશા પાસેથી આ વિશેની વાત જાણીને ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’નો પ્રોડ્યુસર જોનાથન અહીં રીચાને મળવા આવ્યો હતો અને એણે રીચાના હાથમાં એનો મોબાઈલ ફોન આપ્યો, તો એમાં પેલી જ ફિલ્મી ગીતવાળી રિંગ વાગી હતી અને એમાં રીચાની લાશવાળો એમ.એમ.એસ. દેખાયો હતો !’

‘તો અત્યારે રીચા કયાં છે ?’ જિમીએ પૂછયું.

‘હું ઊંઘતી હતી ત્યારે મારા પર ચિઠ્ઠી લખીને, એના અંકલને ત્યાં બરોડા જવા માટે નીકળી ગઈ.’ સોફિયા બોલી : ‘એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાના મોતનો સમય આજ રાતનો, દસ વાગ્યા ને ઉપર દસ મિનિટનો આપ્યો છે.’ અને સોફિયાએ દીવાલ ઘડિયાળ પર નજર નાખીને આગળ કહ્યું : ‘અત્યારે સાંજના સવા સાત વાગ્યા. હવે એ વ્યક્તિએ રીચાના મોતના આપેલા સમયને પૂરા ત્રણ કલાક પણ બાકી રહ્યા નથી.’ સોફિયાના ચહેરા પર ચિંતા આવી ગઈ : ‘એ વ્યક્તિએ અગાઉ મારા ફ્રેન્ડ્‌સોને આપેલા સમયે જ એમને મોતને ઘાટ ઊતાર્યા હતા. હવે રીચાના મોતનો સમય આવે એ પહેલાં જ હું આ મિસ્ડ્‌ કૉલનો ભેદ ઊકલી જાય અને રીચા બચી જાય એવું ઈચ્છું છું !’

‘આપણે એનાબેલને મળીશું એટલે એમાં જરૂર કંઈ નીકળી આવશે.’ જિમી : ‘ચાલ ! આપણે એનાબેલ પાસે પહોંચી જઈએ.’

‘હા, ચાલો !’ કહેતાં સોફિયા ઘરની બહાર નીકળી. તેણે ઘરના દરવાજે તાળું માર્યું અને જિમી સાથે આગળ વધી ગઈ.

૦ ૦ ૦

જિમી સાથે સોફિયા એનાબેલના ઘરે પહોંચી, ત્યારે એનાબેલના ઘરના દરવાજે તાળું હતું.

‘એનાબેલ કયારે આવે એ શી ખબર, એટલે...’ જિમી બોલ્યો : ‘...હું કોઈકને અહીં નજર રાખવા માટે...’

‘ના !’ સોફિયા બોલી : ‘મારું માનવું છે કે, આપણે અત્યારે જ, તાળું ખોલીને અંદર નજર ફેરવવી જોઈએ. એનાબેલની ગેરહાજરીમાં આપણને આ કેસને લગતી કોઈ અગત્યની કડી મળી જાય !’

‘હું પોલીસવાળો છું, હું આ રીતે તાળું ખોલીને કોઈના ઘરમાં દાખલ ન થઈ શકું.’

‘હું પોલીસવાળી નથી, એટલે હું તો તાળું ખોલી શકું ને !’ કહેતાં સોફિયાએ વાળમાંથી હૅર પિન કાઢી અને તાળું ખોલવાનો પ્રયત્ન કરવા માંડી.

જિમી જોઈ રહ્યો. સોફિયાથી તાળું ખુલ્યું નહિ. ‘લાવ, હું ખોલું છું.’ જિમીએ કહ્યું અને સોફિયાના હાથમાંથી હૅર પિન લીધી અને એક પ્રયત્નમાં જ તાળું ખોલી નાંખ્યું. તેણે દરવાજો ધકેલીને ખોલ્યો અને અંદર દાખલ થયો.

સોફિયા પણ જિમી પાછળ અંદર દાખલ થઈ. તેણે દરવાજો બંધ કર્યો અને જિમી તરફ ફરી. અને..., ...અને જિમીની પીઠ પર નજર પડતાં જ સોફિયાનો જીવ ગળે આવી ગયો ! ! !

( વધુ આવતા અંકે )