Daheshat - 18 books and stories free download online pdf in Gujarati

દહેશત - 18

18

સબ ઈન્સ્પેકટર જિમી અને સોફિયા હૉસ્પિટલમાંથી બહાર નીકળી જવા માટે દરવાજા નજીક પહોંચ્યા ને સોફિયા દરવાજાને ધકેલવા ગઈ, ત્યાં જ દરવાજાની અંદરથી બે લાંબા નખવાળા હાથ બહાર નીકળ્યા અને એ બન્ને હાથોએ સોફિયાની ગરદન પકડી લીધી અને સોફિયાને દરવાજાની અંદરની તરફ ખેંચી.

સોફિયા એ બન્ને હાથોમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કરવાની સાથે જ ભય ને પીડાથી ચીસાચીસ કરવા માંડી.

જિમી માટે આ દૃશ્ય અણધાર્યુ-અણકલ્પ્યું હતું. પળ બે પળ તો તે મૂંઝવણમાં પડયો, પણ પછી તેણે સોફિયાને પકડીને જોરથી ખેંચી. સોફિયાની ગરદન દરવાજામાંથી નીકળેલા એ બન્ને લાંબા નખવાળા હાથની પકડમાંથી છૂટી ગઈ.

જિમીએ ઝડપભેર સોફિયાને દરવાજાથી દૂર ખેંચી.

ધબ્‌ ! ધબ્‌ ! ધબ્‌ ! ધબ્‌ !

દરવાજા અને દરવાજાની આસપાસમાંથી આ અવાજો આવ્યાં અને જિમી તેમ જ સોફિયાએ દરવાજા તરફ જોયું.

આ દૃશ્ય પણ ખૂબ જ ભયાનક અને માનવામાં ન આવે એવું હતું !

ધબ્‌, ધબ્‌, ધબ, ધબ્‌ના આ અવાજ સાથે દરવાજા અને એની આજુબાજુની દીવાલ પર ભયાનક સ્ત્રી અને પુરુષોના સળગેલાં-ભયાનક ચહેરાઓ ઊપસવા લાગ્યા હતા અને કાનના પડદાં ફાટી જાય એવી ભયાનક ચીસો પાડવા માંડયા.

જિમી સોફિયાને લઈને એ રૂમની બહાર નીકળી ગયો અને બહારથી રૂમનો એ રૂમનો દરવાજો બંધ કરીને સ્ટોપર લગાવી દીધી.

જિમીએ આસપાસમાં નજર દોડાવી.

સામે જ એક રૂમનો દરવાજો હતો.

તે સોફિયાને લઈને એ રૂમમાં દાખલ થઈ ગયો.

તેણે હાથમાંની ટોર્ચનું અજવાળું એ રૂમમાં ફેરવવા માંડયું.

સોફિયા થરથર કાંપતી-મનોમન ઈસુનું નામ લેવા માંડી.

જિમીએ ટોર્ચના અજવાળામાં જોવા માંડયું.

એ લેબોરેટરી હતી.

જિમીએ ટોર્ચનું અજવાળું આગળ વધાર્યું, ત્યાં જ તેને લાગ્યું કે, ડાબી બાજુના ખૂણા પાસે સફેદ ગાઉન પહેરીને કોઈ ઊભું છે.

તે ટોર્ચનું અજવાળું એ સફેદ ગાઉન પહેરીને ઊભેલી વ્યક્તિના ચહેરા તરફ કરવા ગયો, ત્યાં જ એ વ્યક્તિએ પોતાનો સળગેલો હાથ સહેજ અદ્ધર કર્યો અને જાણે એ વ્યક્તિના હાથનો જોરદાર ધક્કો લાગ્યો હોય એમ જિમી પાછળની તરફ ફેંકાયો. પાછળ દરવાજો હતો. જિમી એ દરવાજા સાથે અથડાયો. દરવાજો ખૂલી ગયો અને જિમી દરવાજાની અંદરના નાનકડા રૂમની સામેની દીવાલ સાથે જોશભેર અથડાઈને નીચે જમીન પર પડયો. જિમીની આંખે અંધારાં આવી ગયાં અને બીજી જ પળે તો તે બેહોશ થઈ ગયો.

આ બધું પળવારમાં જ બની ગયું હતું. સોફિયા જે રૂમમાં જિમી જઈ પડયો હતો, એ રૂમના દરવાજા તરફ દોડી, પણ સોફિયા એ રૂમમાં દાખલ થાય એ પહેલાં જ ધમ્‌ કરતાં એ રૂમનો દરવાજો બંધ થઈ ગયો.

સોફિયાએ આસપાસમાં જોયું. નજીકમાં જ જમીન પર જિમીની ટોર્ચ પડી હતી. તેણે ટોર્ચ ઉઠાવી અને ટોર્ચનું અજવાળું રૂમમાં ફેરવવા માંડયું.

-રૂમમાં દેખાયેલી અને દૂરથી જ હાથના ઈશારાથી જિમીને બાજુના રૂમમાં ફેંકી-પટકી દેનારી એ વ્યક્તિ અત્યારે દેખાઈ નહિ.

સોફિયા પાછી જે રૂમમાં જિમી પુરાયેલો હતો એ રૂમના દરવાજા તરફ ફરી. તેણે એ દરવાજો ખેંચ્યો.

દરવાજો ખુલ્યો નહિ.

‘જિમી !’ તેણે દરવાજો ખટખટાવવાની સાથે જ મોટેથી બૂમ પાડી.

અંદરથી જિમીનો કોઈ જવાબ સંભળાયો નહિ.

અંદર જિમી હજુ બેહોશ પડયો હતો.

સોફિયાએ ફરી દરવાજો અંદર-બહાર ખેંચીને દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, ત્યાં જ તેના કાને પેલા મોબાઈલ ફોનવાળા પ્રેતના મિસ્ડ કૉલવાળો રિંગ ટોન-રિંગ અફળાઈ.

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?

સોફિયા એકદમથી પાછળની તરફ ફરી.

-પાછળ, તેનાથી થોડાંક પગલાં દૂર એક ટેબલ પડયું હતું અને એ ટેબલ પર એક મોબાઈલ ફોન પડયો હતો.

-એ મોબાઈલ ફોનમાંથી આ રિંગ-આ ગીત ગૂંજી રહ્યું હતું, અને એ મોબાઈલ ફોનના સ્ક્રિન પર અત્યારે રાતના બાર વાગ્યા અને બે મિનિટનો સમય દેખાઈ રહ્યો હતો.

સોફિયા એ મોબાઈલ ફોન તરફ ભયભરી નજરે જોઈ રહી. તેને લાગ્યું કે, હવે તે ભાંગી પડશે, તે ફસડાઈ પડશે, પણ પછી તેણે પરાણે પોતાની જાતને સંભાળી. ‘ના ! તે હિંમત નહિ હારે. તે મોબાઈલ ફોનવાળા પ્રેત સાથે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડી લેશે.’ અને તે મોબાઈલ ફોન તરફ ધસી.

તેણે મોબાઈલ ફોન ઉઠાવ્યો અને એને જોશથી દીવાલ તરફ ફેંકયો.

મોબાઈલ ફોન દીવાલ સાથે અથડાઈને જમીન પર પડયો.

મોબાઈલને કંઈ થયું નહોતું.

મોબાઈલમાંથી હજુ પણ એ જ ગીત ગૂંજી રહ્યું હતું,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા..?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા..?

સોફિયા ફરી પાછી મોબાઈલ ફોન તરફ ધસી જવા ગઈ, ત્યાં જ ડાબી બાજુના ખૂણા તરફથી તેના કાને ‘સર્‌્‌ર્‌્‌ર્‌ર્‌...!’ એવો અવાજ પડયો.

તેણે ડાબી બાજુ વળતાં, હાથમાંની ટોર્ચનું અજવાળું એ બાજુના ખૂણા તરફ રેલાવ્યું.

એ તરફ, જમીન પરનો લાકડાનો ચોરસ દરવાજો બાજુ પર હટી ગયો હતો અને નીચે-ભોંયરામાં જવાનો રસ્તો હોય એવું લાગતું હતું.

સોફિયા હાથમાંનું ટોર્ચનું અજવાળું ભોંયરામાં જવાના એ રસ્તા તરફ રેલાવેલું રાખતાં આગળ વધી.

તેણે એ રસ્તા પાસે પહોંચીને ટોર્ચનું અજવાળું રેલાવ્યું અને જોયું તો નીચે-ભોંયરામાં માંડ પાંચ-છ પગથિયા પછી જમીન દેખાતી હતી.

તેના મનના બારણાં અને મગજની બારીઓ જાણે બંધ થઈ ગઈ હતી. ભોંયરાનું બારણું આપમેળે ખુલ્યું હતું, કોઈ જાણે તેને નીચે બોલાવતું હતું. નીચે તેનું શું થશે ? ! એની જાણે હવે તેને કોઈ પરવા નહોતી.

તે ટોર્ચનું અજવાળું પગથિયાં તરફ રેલાવેલું રાખતાં પગથિયાં ઊતરી.

અંદર જાણે લાંબા બોગદાં જેવું હતું. એ બોગદું માંડ ચારેક ફૂટ જેટલું જ ઊંચું હતું. તેણે એ બોગદામાં આગળ જવું હોય તો ચાર પગે ચાલવું પડે એમ હતું.

તેણે ટોર્ચનો પાછળનો ભાગ મોઢામાં એવી રીતના ભેરવ્યો કે, ટોર્ચનો આગળનો પ્રકાશ રેલાવતો ભાગ સામેની તરફ પ્રકાશ રેલાવે અને તે સામેનો ભાગ જોઈ શકે.

સામે થોડેક સુધી એ બોગદું જતું હતું અને પછી જમણી બાજુ વળતું હતું. બોગદાની છતના બન્ને ખૂણામાં ઈલેકટ્રીકના વાયરો લાગેલા હતા, જ્યારે જમીનના બન્ને ખૂણાઓમાં પાઈપલાઈનો જતી હતી.

સોફિયા એ બોગદામાં ચાર પગે આગળ વધી.

ત્યારે ઉપર, બાજુના નાનકડા બંધ રૂમમાં બેહોશ પડેલો સબ ઈન્સ્પેકટર જિમી સળવળ્યો. તે હોશમાં આવ્યો. તે એકદમથી જ ઊભો થઈ ગયો. તે દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખેંચ્યો, પણ દરવાજો ખૂલ્યો નહિ.

‘સોફિયા !’ તેણે બૂમ પાડી, પણ સોફિયાનો જવાબ સંભળાયો નહિ.

‘સોફિયા તું ત્યાં છે ? !’ તેણે ફરી બૂમ પાડી, પણ આ વખતેય જિમીને સોફિયા તરફથી જવાબ મળ્યો નહિ, એટલે તેના ચહેરા પર સોફિયા માટેની ચિંતા આવી ગઈ.

તેણે કાંડા ઘડિયાળમાં જોયું. રાતના બાર વાગ્યા ને દસ મિનિટ થઈ હતી. તે વધુ મિનિટો બેહોશ રહ્યો નહોતો.

તેણે આસપાસમાં નજર દોડાવી. એક લોખંડની ખુરશી પડી હતી. તેણે એ ખુરશી ઉઠાવી અને એ ખુરશીથી દરવાજો ખોલવાનો-તોડવાનો પ્રયત્ન કરવા માંડયો.

ત્યારે નીચે, બોગદામાં ચાર પગે આગળ વધી રહેલી સોફિયા બોગદામાં જ્યાંથી જમણી બાજુ વળાતું હતું ત્યાં પહોંચી.

જમણી બાજુનો એ બોગદાનો ભાગ ખાસ્સે દૂર સુધી પહોંચતો હતો.

સોફિયા એ જ રીતના ટોર્ચનું અજવાળું સામેની બાજુએ રેલાવેલું રાખતાં ચાર પગે આગળ વધવા માંડી, ત્યાં જ અત્યારે તેનું ધ્યાન જમીન તરફ ખેંચાયું.

જમીન પર કોઈકનાં પગલાંના નિશાન પડેલાં હતાં. પગલાંના એ નિશાન દૂર સુધી જતાં હતાં.

સોફિયા આગળ વધી.

પગલાંના એ નિશાન પૂરા થયાં, એટલે સોફિયાએ ડાબી બાજુ જોયું, અને એ સાથે જ તેનું હૃદય ગળે આવી ગયું.

-એ બાજુ મોટા ગોખલા જેવું હતું, અને...,

...અને એ ગોખલામાં એક સ્ત્રીની સળગેલી લાશ, ગૂંચળું વળેલી હાલતમાં બેઠી હતી !

-એ સ્ત્રીની લાશનો ચહેરો, હાથ-પગ સળગેલાં હતાં, અને હાડકાં દેખાતાં હતાં, પણ એની આંખોમાંના ડોળા જેમના તેમ હતા. અને એ ડોળામાંની કીકીઓ જાણે સોફિયા તરફ તાકી રહી હતી !

વળી સ્ત્રીની લાશે જે સફેદ ગાઉન પહેર્યું હતું, એ જરાય સળગેલું-ફાટેલું-ચિરાયેલું કે મેલું નહોતું.

એ ગાઉનની પેટર્ન-ડિઝાઈન પરથી સોફિયા ઓળખી ગઈ.

આ ગાઉન તેને એનાબેલના ઘરના પલંગ પર પડેલું જોવા મળ્યું હતું. અને અગાઉ એનાબેલ એક-બે વાર તેની સામે આવી હતી અને પછી સળગીને ગાયબ થઈ હતી, ત્યારે પણ એનાબેલે આ જ ગાઉન પહેર્યું હતુું.

તેની ગણતરી સાચી હતી.

આ ‘લાઈફ લાઈન હૉસ્પિટલ’માં એનાબેલ તેની સાવકી મોટી દીકરી રેબેકાને ચપ્પુના ઘાની સારવાર માટે લઈ આવી હતી, ત્યારે અચાનક લાગેલી આગમાં એનાબેલ સળગી મરી હતી અને એની લાશ હજુ પણ અહીં પડી હતી.

એનાબેલની લાશના જમણા હાથ પાસે કંઈક ઝબકવા માંડયું, એટલે સોફિયાનું ધ્યાન એ તરફ ખેંચાયું.

તેણે જોયું તો એનાબેલની લાશના હાથમાં મોબાઈલ ફોન પકડાયેલો હતો અને એ મોબાઈલ ફોનના સ્ક્રિન પર કોઈકનો કૉલ આવી રહ્યાનો મેસેજ ઝબકી રહ્યો હતો.

સોફિયાએ એનાબેલની લાશના હાથમાંથી એ મોબાઈલ ફોન લેવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો.

છેક એનાબેલની લાશના હાથ પાસે પહોંચીને સોફિયાનો હાથ ભયથી પાછો ખેંચાયો અને તેણે એનાબેલની લાશના ચહેરા તરફ જોયું.

એનાબેલનો ચહેરો એ જ રીતના સોફિયા તરફ વળેલો હતો અને એની આંખોની બખોલમાંના બે ડોળામાંની કીકીઓ એ જ રીતના તેની તરફ તાકી રહી હતી.

સોફિયાએ એનાબેલની લાશના ચહેરા પરથી નજર હટાવીને પાછું એનાબેલની લાશના હાથ તરફ જોયું. એનાબેલની લાશના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનમાં હજુ પણ કોઈકનો કૉલ આવી રહ્યાનો મેસેજ ઝબકી રહ્યો હતો.

સોફિયાએ પાછો પોતાનો હાથ એ મોબાઈલ ફોન તરફ આગળ વધાર્યો. તેણે મોબાઈલ પકડીને ખેંચ્યો, પણ એનાબેલની લાશની આંગળીઓ વચ્ચે મોબાઈલ ફોન એવી રીતના પકડાયેલો હતો કે, એ મોબાઈલ ખેંચાયો નહિ.

તેણે વધુ જોર કર્યું અને એ મોબાઈલ ખેંચાઈ આવ્યો.

તેણે જોયું તો હવે મોબાઈલ ફોનના સ્ક્રીન પર બાર વાગ્યા ને બાર મિનિટનો સમય દેખાઈ રહ્યો હતો.

આ સમયને જોતાં સોફિયાને યાદ આવી ગયું.

પેલા મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો જે રાતના બે વાગ્યાનો સમય આપ્યો હતો, એને હવે એક કલાક અને અડતાળીસ મિનિટનો સમય બાકી રહ્યો હતો.

સોફિયાએ એ મોબાઈલ ફોનને જમીન પર પટકયો અને હાથમાંની ટોર્ચના પાછળના ભાગથી તે એ મોબાઈલના સ્ક્રિન પર ફટકા મારવા માંડી. મોબાઈલનું સ્ક્રિન તૂટયું-ફૂટયું પણ હજુય મોબાઈલમાં કોઈકનો કૉલ આવી જ રહ્યો હતો.

ત્યાં જ સોફિયાને એનાબેલની લાશ તરફથી સળવળાટ સંભળાયો. તેણે હાથમાંની ટોર્ચનું અજવાળું એનાબેલની લાશ તરફ ફેંકયું.

-એનાબેલની લાશમાં જાણે જીવ આવી ગયો હતો !

-એનાબેલની લાશ સોફિયા તરફ જોતાં ગોખલામાંથી બહાર નીકળી રહી હતી !

સોફિયા ચીસો પાડતી, પાછલા પગે પાછળની તરફ હટવા માંડી.

એનાબેલની લાશ ગોખલામાંથી બહાર નીકળી આવી અને એ પણ ચાર પગે સોફિયા તરફ આવવા માંડી.

સોફિયાએ ચીસો પાડતાં પાછળ હટવાની ઝડપ વધારી, પણ એનાબેલની લાશ તેનાથી અનેક ગણી વધુ ઝડપી પુરવાર થઈ. એનાબેલની લાશ પલકવારમાં જ સોફિયા પાસે આવી ગઈ અને સોફિયાને જમીન પર પટકી દેતાં, સોફિયા પર ચઢી બેઠી.

સોફિયાનો જીવ ગળે આવી ગયો. ‘બસ ! પળ-બે પળમાં આ એનાબેલની લાશ-એનાબેલનું પ્રેત તેનો જીવ લઈ લેશે...!’ સોફિયાના મગજમાંથી આ વિચાર દોડી ગયો,

બરાબર એ જ પળે, ઉપર, સબ ઈન્સ્પેકટર જિમીએ ફરી એકવાર ધમ્‌ના અવાજ સાથે જોરથી બંધ દરવાજા પર લોખંડની ખુરશી ફટકારી. અને આ વખતે દરવાજો તૂટી ગયો-ખૂલી ગયો.

જિમી એ દરવાજાને ધકેલીને બાજુના લેબોરેટરીવાળા રૂમમાં આવ્યો.

એ રૂમમાં અત્યારે ટેબલ પર, મોબાઈલ ફોન પડયો હતો, પણ અત્યારે એમાંની પેલી ગીતવાળી રિંગ ગૂંજવાની બંધ થઈ ગઈ હતી.

‘સોફિયા !’ બૂમ પાડતાં સોફિયાને શોધવા માટે જિમીએ રૂમમાં ઝડપી નજર ફેરવવા માંડી.

તો નીચે, બોગદામાં અત્યારે સોફિયા જમીન પર પીઠભેર પડી હતી.

સોફિયા પર એનાબેલની લાશ, એનાબેલનું પ્રેત સવાર થયેલું હતું !

એનાબેલના પ્રેતની આંખોના ડોળા સોફિયાને તાકી રહ્યા હતા.

‘પ્લીઝ !’ સોફિયાએ ભયથી કંપતા અવાજે કહ્યું : ‘પ્લીઝ, એનાબેલ ! તું..તું મને મારીશ નહિ !’

એનાબેલના પ્રેતે એ જ રીતના સોફિયાને તાકી રહેતાં પોતાનું મોઢું ખોલ્યું............

( વધુ આવતા અંકે )