Nagmani - 1 books and stories free download online pdf in Gujarati

નાગમણિ - ભાગ 1

નાગમણી ભાગ: 1.

લેખક: નાગરાજ "હ્ર્દય"

ધીરે ધીરે આદિત્ય પોતાના પ્રકાશ પુંજ સાથે અવનીના ખોળામાં રમીને ઉભો થઈ રહ્યો હતો. તેના સુવર્ણ કિરણો પોતાના પિયુને મળવા અધીરા થયા હોય તેમ પુરી પૃથ્વી પર ચોમેર દોડી રહ્યા હતા. અંતે પૂર્ણતઃ આદિત્ય ઉભો થયો. તેના કિરણો પોતાના પિયુ પર્વતરાજને મળ્યા. તેથી તે પર્વત પર રમણીય અને મનભાવન પ્રાકૃતિક દ્રશ્ય પ્રગટ થવા લાગ્યા.

તે પર્વત પર અવનવા પંખીઓ પ્રભાત સમયે જાગીને પોતાના સુમધુર સ્વરમાં પ્રભુની પ્રાર્થના કરતા હોય તેમ કર્ણપ્રિય સ્વરે કલરવ કરતા હતા. આ ઉપરાંત ખળ ખળ વહેતા નિર્મળ ઝરણાઓ તેને તાલ આપી રહ્યા હોય તેમ ઉપર નીચે પગલાં ભરતા ભરતા આગળ વધી રહ્યા હતા. અને ગિરિરાજની તળેટીમાં નાગની માફક અંગડાઈ લેતી નાગમણી નદીને ભેટી પડતા હતા.

તે સ્થળ અદભુત અને રહસ્યમય હતું. તે અડીખમ ઉભો રહેલો પર્વત નાગ પર્વત તરીકે પ્રસિદ્ધ હતો. કારણકે તે પર્વત નાગ નાગીનોનું નિવાસ સ્થાન હતું. ત્યાં મનુષ્ય નામનું સામાજિક પ્રાણી ફરકતું પણ નહીં. કારણકે તે પર્વત પર વિશેલા નાગોનું રાજ હતું એમાં જો ભૂલથી પણ માનવ ત્યાં આવી પહોંચે તો તેનું પ્રાણ પંખીડું ઉડી જતું. તે પરથી તમને લાગ્યું હશે કે આ નાગો ભયંકર હતા. તો તમે ખોટું વિચારી રહ્યા છો, કારણકે નાગો માત્ર મનુષ્યને જ પોતાનો શત્રુ માનતા હતા, કારણ એ હતું કે, મનુષ્યોએ નાગોની શાંતિ હણી નાખી હતી. પહેલા બધા નાગો શહેરમાં લોકોની વચ્ચે રહેતા હતા. પણ માણસના બીકણ સ્વભાવના લીધે તેઓ નાગોની હત્યા કરી નાખતા હતા. તેથી જીવ બચાવવા બધા નાગો વર્ષો પહેલા નાગ પર્વત પર આવી વસ્યા હતા.

નાગો વર્ષોથી પહાડ પર વસવાટ કરી રહ્યા હતા. તેથી તેમાંના ઘણા નાગોએ સો વર્ષ સુધી શિવની તપસ્યા કરી ઇચ્છાધારી શક્તિ પ્રાપ્ત કરી તેઓ ઇચ્છાધારી નાગ નાગીન બન્યા હતા ઇચ્છાધારી એટલે પોતાની ઇચ્છાએ કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકે. તેઓને શિવના વરદાન સ્વરૂપે મનુષ્યોનો ચહેરો મળ્યો હતો. એટલે કે આ નાગો ચાહે ત્યારે માનવ બની જતા અને ફરી વાર નાગ પણ બની શકતા. આવી ઘણી અદભુત અને અસિમિત માયાવી શક્તિઓ નાગો પાસે હતી.

તે નાગ પર્વત નજીક સુંદર વન પણ હતું. વનમાં ઘણા અહિંસક અને હિંસક પ્રાણીઓ વસવાટ કરતા હતા. પણ એ પ્રાણીઓ અને નાગો વચ્ચે મૈત્રી પૂર્ણ સબન્ધો હતા. તેથી એક બીજાને કોઈનો ભય ન હતો. તેથી તે વનમાં બધા નાગો મુક્ત મને વિચરણ કરતા.

એ વનના મધ્યમાં એક વિશાળ સરોવર હતું. સરોવર એટલું જ રમણીય હતું જેટલો નાગ પર્વત હતો. સરોવરમાં લાલ અને સફેદ રંગના સુંદર કમળો પણ હતા. તે જળાશયમાં સોનેરી અને રૂપેરી રંગની સુંદર માછલીઓ પણ હતી. ઉપરાંત સરોવરમાં સાચા મોતી હતા. તે બધા સુંદર પ્રકૃતિના અદભુત અને દિવ્ય આભૂષણો હતા.

સરોવર જાણે સ્વર્ગનું હોય તેવું લાગતું હતું. આવા દિવ્ય સરોવરની કાંઠે એક નાગ યુગલ ઇચ્છાધારીનું વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજીની કઠોર સાધના કરી રહ્યું હતું. તે નાગ યુગલના તપની અંતિમ રાત્રી હતી. એ રાત ચન્દ્ર પૂર્ણિમાની રાત્રી હોવાથી, તે રાત્રે નાગ યુગલને ઇચ્છાધારીનું વરદાન મળવાનું હતું. નાગ યુગલ તપના પ્રભાવના કારણે માથાથી કમર સુધી માણસ બની ગયું હતું, પણ બાકીનું અંગ હજી નાગનું હતું, બાકીનું અંગ પણ સુધાકરની હાજરીમાં માણસના અંગમાં પરિવર્તિત થવાનું હતું.


તો મિત્રો પહેલો ભાગને અહીં પૂર્ણ કરીએ છીએ. અને બીજો ભાગ ટૂંક સમયમાં પ્રકાશિત કરીશ.

તો વાચક મિત્રો કોણ છે આ નાગ યુગલ અને કેવી હશે આ બન્નેની પ્રણય ગાથા. આ બધા રહસ્યો જાણવા માટે મારી નવલકથા નાગમણી દિલથી વાંચતા રહો. અને આ નવલકથાનો પહેલો ભાગ તમને ગમે તો તમારો પ્રતિભાવ ચોક્કસપણે આપો ઇવો મારો નમ્ર અનુરોધ છે. અને હા મિત્રો આગળ શેર પણ કરજો.

ધન્યવાદ.