Premsetu hrudaythi hrudayno setu - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 1

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ

 

નમસ્કાર વાચકમિત્રો, 

ઋતુઓની રાણી એટલે વર્ષાઋતુ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને વર્ષાઋતુ પસંદ નહીં આવતી હોય. અત્યારની વર્ષાઋતુને અનુરૂપ માતૃભારતી દ્વારા મોનસૂન વાર્તા સ્પર્ધા રાખવામાં આવેલી છે. 

હું મોનસૂન વાર્તા સ્પર્ધા અંતર્ગત ત્રણ ભાગની એક નવલિકા મૂકી રહી છું. મારી અગાઉની રચનાની જેમ જ આ રચના સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે. 

આ વાર્તા મનમોહક વર્ષાઋતુ સાથે સંકળાયેલી અદ્દભૂત લાગણી અને પ્રેમને દર્શાવે છે. વાર્તામાં બે અલગ વ્યક્તિત્વ અને સ્વાભાવ ધરાવતી વ્યક્તિ કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે અને કેવી રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે તે દર્શાવે છે. 

તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમન્સથી ભરપૂર વાર્તાની સફર માણીએ. મારી અગાઉની રચનાની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમૂલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો. 

રીન્કુ શાહ

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ. . 

ભાગ-1

આજે અમદાવાદ શહેરમાં ગુલાબી સવાર હતી. સવારના સાડા આઠ થયા હતાં. આંગી ફટાફટ તૈયાર થઇને બહાર આવી, ડાઇનીંગ ટેબલ પર બેસતા બોલી, "મમ્મી, જલ્દી નાસ્તો લાવ. મારે મોડું થાય છે"

આશ્કાબેન અને પરાગભાઇનું એકમાત્ર સંતાન તેમની વ્હાલી દિકરી આંગી શાહ. આંગી એક ખુબજ સુંદર યુવતી, જેને ભગવાને અનુપમ સૌંદર્ય આપ્યું હતું પણ સ્વભાવ અને પહેરવેશ બિલકુલ છોકરાઓ જેવો. 

બસ આ જ કારણ હતું કે તે બત્રીસ વર્ષની ઊંમરે પણ અવિવાહીત હતી. 

આશ્કાબેન ચા નાસ્તાની ટ્રે લાવતા બોલ્યા, "આંગી, બત્રીસ વર્ષની થઇ હજી પણ તારી આદતો એવીને એવી જ છે. તને ઘરનું એકપણ કામ નથી આવડતું , ના છોકરીઓ જેવા કપડાં પહેરે છે કે ના છોકરીઓની જેમ શરમ, અદા અને વિવેક જેવા ઘરેણાં પહેરે. 

હવે તો ચિંતામાં મારું બ્લડ પ્રેશર વધી રહ્યું છે. થોડીક તો બદલાય કે તારા લગ્ન થાય નહીંતર તારી ચિંતામાં હું સુખેથી મરી પણ નહીં શકું. "

"મમ્મી, સવાર સવારમાં એકબાજુએ તું કચકચ કરે અને ઓફિસમાં બોસ કચકચ કરે. મારે શું કરવાનું? ઘણીવાર તો એમ થાય છે કે તમારા બંનેથી દુર ભાગી જઉં ક્યાંક. હે ભગવાન, આ બંને ત્રાસવાદીથી બચાવ મને. " ગુસ્સામાં બોલીને નાસ્તો કર્યા વગર આંગી ઓફિસ જવા નિકળી ગઇ. 

"હા હા, માઁની વાતો કચકચ લાગે છે અને માઁ ત્રાસવાદી લાગે. થોડા દિવસ માઁથી દુર રહે તો ખબર પડે કેવી રીતે બધું કામ થાય છે?આશ્કાબેને કહ્યું. 

આશ્કાબેન અને આંગીનું આ રોજનું હતું. તેમા પુરો વાંક આંગીનો પણ નહતો. પરાગભાઇએ આંગીને પહેલેથી પોતાના દિકરાની જેમ રાખી હતી અને તેને સ્વતંત્રતા આપી હતી. તેમાં તેણે સિવિલ એન્જિનિયરિંગ પસંદ કર્યું કે જેમા છોકરાઓની સરખામણીમાં છોકરીઓ ઓછી હોય. એટલે આટલા બધાં છોકરાઓ વચ્ચે રહીને બાકીનો સ્વભાવ અને પહેરવેશ પણ છોકરાઓ જેવો થઇ ગયો. 

વાત વાતમાં તડફડ કરીને જવાબ આપવો, મોઢા પર જ કહી દેવું આ બધાં કારણોસર તેના ખુબજ ઓછા મિત્રો હતા. તે ઓફિસમાં આવી ઓફિસમાં એકમાત્ર પટાવાળાકાકા સાથે તેને બનતું. 

પટાવાળાકાકા તેના માટે ચા લઇને આવ્યાં અને કહ્યું, "આંગી દિકરી, તારા માટે એક ખરાબ સમાચાર છે. આપણી કંપનીને એક અંતરયાળ ગામડાની નજીક રહેલી નદી પર પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આપણી કંપનીમાંથી જે એન્જિનિયર ત્યાં જવાનો છે તેમા તારું નામ છે. આ બધું તારા દુશ્મનોનું કામ છે. સંભાળીને રહેજે. "

આટલું કહીને તે જતા રહ્યા. આંગી ચિંતામાં આવી ગઇ અને સવારે બોલેલી વાત યાદ આવી. તે સ્વગત બોલી, "હે ભગવાન, મે તો મજાકમાં કહ્યું હતું કે મને આ બંનેથી દુર મોકલી દે અને તમે તેને ગંભીરતાથી લઇ લીધું. "

તેટલાંમાં તેને બોસે બોલાવી. આંગી ફટાફટ ચા પીને અંદર ગઇ. 

"આંગી, આપણી કંપનીને એક અંતરિયાળ ગામડાની નજીક રહેલી નદી પર પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પહેલા તે નદી પર પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ અન્ય બે કે ત્રણ કંપનીને મળ્યો હતો પણ બધાં અધુરું કામ મુકીને જતા રહેતા હતા. " આંગીના બોસે તેને કહ્યું. 

"સર, બે કે ત્રણ કંપનીએ આ કામ અધુરું મુક્યું છતાપણ તમે આ પ્રોજેક્ટ કેમ હાથમાં લીધો? કઇંક તો ગડબડ જરૂર હશે જેના માટે તેમણે આ પ્રોજેક્ટ અડધામાં પડતો મુક્યો. સર, તમે તે વાતની તપાસ કરાવી કે વધુ પૈસાની લાલચમાં તે પ્રોજેક્ટ સ્વિકારી લીધો. "આંગીએ પોતાના સ્વભાવ મુજબ બોસને તીખો પ્રશ્ન પુછ્યો. 

"આંગી, તું તારા બોસ સાથે વાત કરી રહી છે અને તું જ આ પ્રોજેક્ટ પુરો કરીશ. "બોસે ગુસ્સામાં કહ્યું. 

"સર, મને ખબર જ હતી કે તમે આ કામ માટે મને જ મોકલશો કેમ કે તમને અને ઓફિસના અન્ય કર્મચારીઓની આંખમાં હું ખટકું છું. આ તો તમારા પિતાજી શ્રી ધર્મરાજજીના આશિર્વાદના કારણે હું અહીં છું. તમારું ચાલે તો તમે મને કાઢી મુકો. "આંગીએ સ્પષ્ટ વાત કહી. 

"હા આંગી, બિહેવ યોર સેલ્ફ. આ પ્રોજેક્ટ જો તે સમયસર અને યોગ્ય રીતે પુરો ના કર્યો તો પપ્પા પણ તારી નોકરી નહીં બચાવી શકે. "બોસે લુચ્ચા હાસ્ય સાથે કહ્યું. 

"સર, હું તમને વચન આપું છું કે તમારા ચહેરા પર વિજયી સ્મિત ક્યારેય નહીં આવે. હું આ પુલ બનાવીને જ રહીશ ભલે મને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કેમ ના કરવો પડે?"

આંગી દ્રઢ નિશ્ચય સાથે બોસની કેબિનમાંથી બહાર નિકળી. 

*********

અહીં અમદાવાદ શહેરથી ખુબજ દુર એક નાનકડું અંતરયાળ ગામડું. અહીં પંચાયતની મીટીંગ મળેલી હતી. 

ગામના એક સુશિક્ષિત મોટા કહેવાતા ઘરમાં એક પંચાવન‍ વર્ષના આધેડ પુરુષે બુમ પાડી, "અગસ્ત્ય, કેટલી વાર બેટા? ચલ પંચાયતની મીટીંગ શરૂ થઇ ગઇ હશે. "

"આવ્યો પપ્પા. "અંદરથી એક મજબુત અવાજ આવ્યો. થોડીક જ વારમાં એક સુંદર યુવાન બહાર આવ્યો. પાત્રીસ વર્ષનો યુવાન, જેની પાંચ ફુટ દસ ઇંચ હાઇટ, શરીરનો બાંધો એકદમ મજબુત, ગામડામાં ખેતી કરીને કસાયેલું શરીર અને રૂપાળો ચહેરો. 

તેના ચહેરા પર હલકી દાઢી તેને વધુ સોહામણો બનાવતી હતી. સારા ભવિષ્યની આશામાં આ ગામના લગભગ ઘણાબધા યુવાનો શહેર તરફ પ્રયાણ કરી ગયા હતા. જ્યારે અગસ્ત્ય પારેખે પોતાના ગામમાં રહીને જ ગામની ભલાઈ કરવાનું વિચાર્યું હતું. તેણે ગ્રામ કલ્યાણમાં સ્નાતકની પદવી મેળવી હતી. 

"ચલો પપ્પા. "આટલું કહીને અગસ્ત્ય અને તેના પિતા ગ્રામપંચાયતની ઓફિસ તરફ આગળ વધ્યાં. અહીં ગ્રામ પંચાયતની ઓફિસમાં ખુબજ ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. ગામના સરપંચ પર ખુબજ દબાવ કરવામાં આવી રહ્યો હતો કે તે રાજીનામું આપી દે. જેનું કારણ ગામ પર વર્ષોથી બની રહેલા પુલનું અધુરું કામ જવાબદાર હતું. 

ગામના જમીનદાર વિશેષભાઇનો યુવાન દિકરો અાર્જવ તેમાં આગળ હતો. 

"સરપંચ કાકા, હવે આ કામ તમારાથી નહીં થાય. તમે રાજીનામું આપી દો અને મને આ ગામનો સરપંચ બનાવી દો પછી જુવો પુલ કેવો ઝડપી બની જાય છે. "અાર્જવે કહ્યું. 

અગસ્ત્યને તેની વાત પર ગુસ્સો આવ્યો. તેને જાણ હતી કે આર્જવની છબી ગામના એક પૈસાદાર પિતાના બગડેલા દિકરા તરીકેની હતી. તેની યુવતીઓ પ્રત્યે નજર હંમેશાં ખરાબ રહેતી. અગસ્ત્યને જાણ હતી કે જો આર્જવ સરપંચ બની ગયો તો ગામમાં ઘણી અરાજકતા આવી જશે. 

"એક મીનીટ વિશેષકાકા, હું જવાબદારી લઉં છું આ પુલ બનાવવાની. આમપણ સરપંચ કાકાએ અમદાવાદ શહેરની એક જાણીતી આર્કિટેક્ટ કંપનીને આ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે. હું પ્રણ લઉ છું કે આ ચોમાસુ પુરું થાય તે પહેલા આ પુલ બની જશે. તે સિવિલ એન્જિનિયર અને જે મજૂર આવશે તેની સાથે રહીને હું આ કામ પતાવડાવીશ. "અગસ્ત્યે પોતાના મજબુત અવાજમાં પ્રણ લીધો. 

"હું પણ જોઉં છું કે આ પુલ કેવીરીતે બને છે?"આર્જવે મનોમન પ્રણ લીધો. 

****

લગભગ દસ દિવસ પછી આંગીની જવાની તૈયારી થઇ ગઇ હતી. 

"આંગી, તે ગામમાં જવું જરૂરી છે, જ્યાં આટલી મોટી કંપનીઓના એન્જિનિયર ભાગી ગયાં. કઇંક તો મોટી ગડબડ હશે કે એક સાદો પુલ બનાવવામાં ત્રણ કંપનીઓએ હાથ પાછા ખેંચી લીધાં. " આશ્કાબેને કહ્યું. 

"હા મોમ, આ મારી જોબનો સવાલ છે. મારે મારા બોસને આ પુલ બનાવીને જડબાતોડ જવાબ આપવાનો છે. "આંગી દ્રઢ નિશ્ચય સાથે બોલી. 

"આંગી, તે ગામ અમદાવાદથી ખુબજ દુર છે અને બની શકે કે ત્યાં નેટવર્ક ઓછું હોય. તો આ તારી સાથે રાખ. તારી સુરક્ષા માટે. "આટલું કહીને પરાગભાઇએ તેને એક મોટું ધારદાર ચપ્પુ આપ્યું . 

પોતાના માતાપિતાના આશીર્વાદ સાથે પ્રેમપૂર્વક વિદાય લઇને આંગી તે ગામમાં આવી ગઇ જ્યાં તેને પુલ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી. 

અહીં અગસ્ત્યને કહી દેવામાં આવ્યું હતું કે અમદાવાદથી સિવિલ એન્જિનિયરની એક ટીમ આવી રહી છે. અગસ્ત્યએ સરપંચકાકાને વિશ્વાસ દેવડાવ્યો કે તે આ પુલ બનાવડાવીને જ રહેશે. 

અગસ્ત્યે તે સિવિલ એન્જિનિયરની રહેવાની વ્યવસ્થા તેના ઘરની નજીક કરી હતી. જેથી અગસ્ત્ય તેની પાસે રહીને કામ કરાવી શકે. અગસ્ત્યને તે બિલકુલ જાણ નહોતી કે તે આવનાર કોઇ પુરુષ નહીં પણ એક સ્ત્રી છે. 

તેટલામાં બસ આવીને હાઇવે પર આંગીને ઉતારી ગઇ. આગી પાસે બે મોટી બેગ અને એક નાનો બગલથેલો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે તેને લેવા માટે ગામમાંથી જ કોઇ આવશે. 

અગસ્ત્યની જીપ રસ્તામાં અટકી ગઇ જેના કારણે તેને આવતા મોડું થઇ ગયું. અહીં આંગી ખુબજ ગુસ્સામાં હતી. તે માંડમાંડ બે બેગ અને બગલથેલાને ઊંચકીને ચાલી રહી હતી. 

તે ગુસ્સામાં બબડી રહી હતી. તેટલાંમાં અગસ્ત્યની જીપ ધૂળ ઉડાડતી આવી. ધૂળ આંખોમાં જવાના કારણે તેના હાથમાંથી બેગ પડી ગઇ અને તે આંખો ચોળવા લાગી. 

તેને ખુબજ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં બોલી, "એય જીપવાળા, દેખાતું નથી?એક તો કોઇ લેવા ના આવ્યું અને આ બેગ પણ પડી ગઇ. "આંગીની આંખો બંધ હતી. તે અાંખો ચોળી રહી હતી. 

અગસ્ત્ય તેને જોતો જ રહી ગયો. તેણે કથ્થાઈ કલરનું ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું. તેના વાળ પોનીમાં બાંધેલા હતા, જેમાંથી અમુક લટ તેના ચહેરા પર આવીને ઉડતી હતી. ગુસ્સામાં તેનું નાક લાલ થઇ ગયું હતું. આવી બેનમૂન સુંદરતા જોઇને અગસ્ત્ય છક થઇ ગયો. 

અગસ્ત્ય હજીસુધી કુંવારો હતો. તેની સમક્ષ કોલેજમાં અનેક છોકરીઓએ પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો પણ પોતાના ગામના કલ્યાણ હેતુ તેનું ધ્યાન માત્ર ભણવામાં જ હતું. આજે પહેલી વાર તે કોઇ છોકરીને આ રીતે જોઇ રહ્યો હતો. 

"એય આમ શું જોવે છે? પહેલા ક્યારેય છોકરી નથી જોઇ?"આંગી પોતાને તાકી રહેલા અગસ્ત્ય પર તાડુકી. 

તે ખુબજ શાંતિથી બોલ્યો, "સોરી, મારે આ ગામમાં પુલનું કામ કરવા આવનાર સિવિલ એન્જિનિયરને લેવા જવાનું છે. "

અગસ્ત્ય આંગીની વાત સાંભળ્યા વગર જ જીપ આગળ ભગાવી દીધી. આંગી તેને બુમ પાડીને કહે તે પહેલા અગસ્ત્યએ જીપ ભગાવી દીધી. 

અગસ્ત્ય હાઈવે પર આવીને ઊભો રહ્યો હતો. તેને ઘડિયાળમાં સમય જોયો અને તેનું ધ્યાન ગયું કે બસ તો ક્યારની જતી રહી. 

"હે ભગવાન, તે સિવિલ એન્જિનિયર ક્યાં ગયો? અગસ્ત્ય મોટેથી બોલ્યો. 

"સિવિલ એન્જિનિયર તમારી પાછળ ઊભી છે. “આંગી કંટાળેલા અવાજમાં બોલી

અગસ્ત્યે પાછળ ફરીને જોયું તે છોકરીને જોઇને તે ચોંકી ગયો. બંને જણા એકબીજાને જોતા જ રહ્યા. આંગી પણ પહેલી વાર જાણે કોઇ છોકરાને આટલી શાંતિથી જોઇ રહી હતી. 

કેવી રહેશે અગસ્ત્ય અને આંગીની મુલાકાત?

અગસ્ત્ય અને આંગી મળીને પુલ બનાવવાનું કામ પુરું કરાવી શકશે?

શું આ નદી પરનો સેતુ તેમના હ્રદયનો પ્રેમસેતુ બનાવી શકશે?

શું કારણ હશે પુલનું કામ અઘરું રહેવાનું?

જાણવા વાંચતા રહો.