Jasus nu Khun - 6 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | જાસૂસનું ખૂન - ભાગ 6

જાસૂસનું ખૂન - ભાગ 6

જાસૂસનું ખૂન

ભાગ-6

અંધારામાં ગોળીબાર


રાત્રે સાડાનવ વાગે હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને એમના ઘરેથી લઇને ગાડી મીતા પંડિતના ઘર તરફ લઇ લીધી હતી. જમાલ પણ હરમનની જોડે જ આવ્યો હતો.

"હરમન, મીતા પંડિતના પતિને મળીને આપણને આ કેસમાં શું ફાયદો થશે એ મને સમજાતું નથી. જે માણસ સાત મહિનાથી પથારીમાં હોય એ માણસ આપણને શું જવાબ આપી શકવાનો જેને પોતાને જ આજે જ ખબર પડી હશે કે એની પત્ની મીતાને કોઇ બ્લેકમેલ કરી રહ્યું હતું. વિજય પંડિત તો આપણા કામમાં નહિ આવે પરંતુ તારા આ અંધારામાં ગોળીબાર કરવાની આદતના કારણે મીતા પંડિતનું ઘર ચોક્કસ તૂટશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે ગાડીની આગળની સીટમાં બેસીને સીગરેટ પીતા પીતા હરમનને કહ્યું હતું.

"સાહેબ, અંધારામાં ગોળીબાર કરવાના તો મને રૂપિયા મળે છે. એક જાસૂસનો સૌથી પહેલો નિયમ એવો હોવો જોઇએ કે દરેક ઉપર શંકા કરવી જોઇએ જેથી કેસમાં કોઇપણ મુદ્દો છૂટી ના જાય અને આ કેસમાં તો મારે મારી જાતને નિર્દોષ સાબિત કરવાની છે. માટે અંધારામાં બે ગોળીબાર વધારે થાય તોય મને વાંધો નથી અને મીતા પંડિતનું ઘર ચોક્કસ નહિ તૂટે એની તમને ખાતરી આપું છું." હરમને ગાડી ચલાવતા ચલાવતા ઇન્સ્પેક્ટરને કહ્યું હતું.

"બોસ કોઇપણ પતિ હોય જો એની પત્ની એના પર જાસૂસી કરાવતી હોયને તો એકવાર તો એને છોડી જ દે." જમાલે પણ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું.

ત્રણે વાતો કરતા હતાં એવામાં મીતા પંડિતનું ઘર આવી ગયું હતું. હરમને ગાડી પાર્ક કરી અને ત્રણે જણા મીતા પંડિતના બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા હતાં. મુખ્ય દરવાજા પાસે જઇ ઇન્સ્પેક્ટર પરમસિંહે ડોર બેલ વગાડ્યો હતો. મીતા પંડિતે આવીને દરવાજો ખોલ્યો હતો. એ ત્રણે જણને આવેલા જોઇને ખૂબ નિરાશ થઇ ગઇ હતી એવું એના મોં ઉપરથી દેખાઇ આવતું હતું.

"મારી તમને લોકોને વિનંતી છે કે જરૂરી હોય એટલા જ સવાલો મારા પતિને પૂછજો કારણકે મારા પતિની તબિયત સારી નથી અને એ ખૂબ જ ગભરાયેલા છે અને મેં સાંજના જ્યારે આખી વાત તેમને કહી ત્યારથી એ ખૂબ જ ગભરાયેલા છે." મીતા પંડિતે ઇન્સ્પેક્ટર પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.

મીતા પંડિતની પાછળ પાછળ ત્રણે જણા ડ્રોઇંગરૂમને અડીને આવેલા બેડરૂમમાં પહોંચ્યા હતાં. બેડરૂમની અંદર હોસ્પિટલમાં હોય એવા એક બેડ ઉપર વિજય પંડિત બેડના ટેકા સાથે બેઠા હતાં.

"આવો...આવો... ઇન્સ્પેક્ટર સાહેબ, મીતાએ મને બધી જ વાત જણાવી. મારી પત્ની બિચારી મીતા મારો પીછો કરાવવા ગઇ એમાં આવા ખોટા માણસના ચંગુલમાં ફસાઇ ગઇ." વિજય પંડિતે ત્રણે જણાને ખુરશીમાં બેસવાનો ઇશારો કરતા કહ્યું હતું.

"બોસ, આ તો એકદમ ઢીલા ઘેંસ જેવો છે. સ્વભાવથી પણ ખૂબ ઠંડો લાગે છે." જમાલે હરમનને કહ્યું હતું.

હરમને આંખના ઇશારેથી એને ચૂપ રહેવા માટે કહ્યું હતું.

"મી. વિજય પંડિત રાત્રિના આવા સમયે તકલીફ આપવા બદલ અમે ખૂબ દિલગીર છીએ પરંતુ નાયાબ માકડના ખૂનનો કેસ ખૂબ પેચીદો બની ગયો છે એટલે તમને અમારે કેટલાંક સવાલો પૂછવા છે." હરમને વિજય પંડિત સામે જોઇ કહ્યું હતું.

મીતા પંડિત ત્રણે જણ જે ખુરશી પર બેઠેલા હતાં એની પાછળ આવેલા સોફા પર બેઠી હતી.

"હા ઇન્સ્પેક્ટર સાહેબ, મને કંઇ વાંધો નથી. તમારે જે પૂછવું હોય એ પૂછી શકો છો." આંગળીના ટચાકા ફોડતા ફોડતા વિજય પંડિતે કહ્યું હતું.

"મી. વિજય પંડિત, તમે નાયાબ માકડને ક્યારેય મળ્યા હતાં ખરા? જે દિવસે નાયાબ માકડનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" હરમને વિજય પંડિતને સવાલ પૂછ્યા હતાં.

"મારા અને નાયાબ માકડના ઘર વચ્ચે પંદર થી વીસ મીનિટનું અંતર છે. અહીં નજીકમાં જ એક પબ્લીક ગાર્ડન છે જેમાં હું રોજ સવારે ચાલવા જઉં છું. અત્યારે છેલ્લા સાત મહિનાથી મને થયેલા ફ્રેક્ચરના કારણે હું જઇ શક્યો નથી પરંતુ એ પહેલા છેલ્લા દસ વર્ષથી રોજ સવારે છ વાગે ગાર્ડનમાં ચાલવા જવાનો મારો નિત્યક્રમ હતો. બરાબર એ જ સમયે નાયાબ માકડ પણ ગાર્ડનમાં ચાલવા માટે આવતા હતાં. એ વખતે એક બે વાર વાતચીત અમારા બંન્ને વચ્ચે થઇ હતી અને એમનું નામ નાયાબ માકડ છે અને એ જાસૂસ છે એ વખતે મને વાતચીત દરમ્યાન ખબર પડી હતી. આ સિવાય મારો એમની સાથે કોઇ સંબંધ નથી. જે દિવસે એમનું ખૂન થયું એ દિવસે હું અહીંયા પથારીમાં સૂઇ ગયો હતો કારણકે હું નિયમિત રીતે વર્ષોથી સાડાનવ વાગે સુઇ જઉં છું." વિજય પંડિતે હરમનને કહ્યું હતું.

"તમારી અને તમારી પત્ની વચ્ચેના સંબંધો કેવા છે?" હરમને વિજય પંડિત સામે જોઇ પૂછ્યું હતું.

"મારી અને મારી પત્ની વચ્ચે સંબંધો ઘણાં સારા છે પરંતુ મારી પત્ની મીતાને ગુસ્સો ખૂબ ઝડપથી આવી જાય છે એટલે ઘણીવાર એ મારી સાથે લડી પડે છે પરંતુ હું એને એક પણ અક્ષર કહેતો નથી કારણકે મને ખબર છે કે એ મનની બહુ ભોળી છે." વિજય પંડિતે જવાબ આપતા કહ્યું હતું.

"તમને માનસિક હતાશા કેટલા વખતથી છે?" હરમને વિજય પંડિતની આંખમાં આંખ નાંખી પૂછ્યું હતું.

હરમનની વાત સાંભળી વિજય પંડિત એકવાર તો ચોંકી ગયો હતો પરંતુ ફરીવાર સ્વસ્થતા કેળવી એણે જવાબ આપ્યો હતો.

"છેલ્લા સાત મહિનાથી હું પથારીવશ છું એટલે માનસિક રીતે થોડો હતાશ છું. બાકી કોઇ સીરીયસ હતાશા નિરાશા જેવું કાંઇ નથી. મારી પત્નીના ઓળખીતા એક હોમિયોપેથીકની ડોક્ટરની દવા હું નિયમિત રીતે લઉં છું. ડો. દિવ્યેશ મહેતા ઘણાં સારા હોમિયોપેથીક ડોક્ટર છે. આમ તો એ કોઇ કંપનીમાં જોબ કરે છે પરંતુ સાઇડમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરે છે. મીતા એ ડોક્ટરને ખૂબ સારી રીતે ઓળખે છે. એમની દવાથી મને હવે સારું રહે છે." વિજય પંડિતે ખુલાસાથી જવાબ આપતા હરમનને કહ્યું હતું.

દિવ્યેશ મહેતાનું નામ સાંભળી ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ બંન્ને ચોંકી ગયા હતાં. પરંતુ હરમને પોતાની સ્વસ્થતા કેળવી રાખી હતી.

મીતા પણ દિવ્યેશનું નામ આવવાથી ચમકી ગઇ હતી. પરંતુ કોઇપણ જાતનું રીએક્શન આપ્યા વગર સોફામાં ચૂપચાપ બેસી રહી હતી.

"સારું મી. વિજય પંડિત, અમે રજા લઇએ. તમે પોલીસને જે સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર." આટલું બોલી ત્રણે જણા રૂમમાંથી બહાર નીકળ્યા હતાં.

ડ્રોઇંગરૂમમાં પ્રવેશી હરમને મીતા પંડિતને કાલે બપોરે બારવાગે પોલીસ સ્ટેશને આવવા કહ્યું હતું. મીતાએ હકારમાં માથું હલાવ્યું હતું.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર પરમસિંહ મીતા પંડિતના ઘરમાંથી બહાર નીકળી ગાડીમાં બેઠાં હતાં.

"હરમન, આ વિજય પંડિત તો ખૂબ જ સીધો માણસ લાગે છે અને દિવ્યેશ તો એવું કહેતો હતો કે એ મીતાને ખૂબ જ ત્રાસ આપે છે. મીતા અને દિવ્યેશે ભેગા થઇ નાયાબ માકડનું ખૂન કરી નાંખ્યુ લાગે છે. બંન્ને જણા ભેગા મળીને વિજય પંડિતને ડિપ્રેશનનો દર્દી બનાવી પાગલ બનાવી દેવા માંગે છે." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને કહ્યું હતું.

"સાહેબ, કાલે સવારે હું પોલીસ સ્ટેશન આવી જઇશ. આજે રાત્રે હું આખા કેસની બધી જ કડીઓ એકબીજા સાથે જોડી અને શક્ય હોય એટલો ઝડપી આ કેસ ઉકેલી આપું છું. અડધી વાત તો હું સમજી ગયો છું પણ અડધી વાત મને સમજાતી નથી પણ છતાં આપણે કાલે પોલીસ સ્ટેશને મળીને વિગતવાર વાત કરીએ." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમસિંહને એમના ઘરે ઉતાર્યા બાદ હરમને એના ઘરે જઇ હરમન અને જમાલ ઘરમાં જ બનાવેલી ઓફિસમાં દાખલ થયા હતાં.

"તું ઘરે ફોન કરીને કહી દે કે આજે તું ઘરે નહિ આવે." હરમને જમાલને સૂચના આપતા કહ્યું હતું.

હરમન અને જમાલે આખી રાત નાયાબ માકડના ખૂનની બધી વિગતો ગ્રીન બોર્ડ ઉપર લગાવી દીધી હતી અને મળેલા પુરાવા તેમજ શંકાસ્પદ લોકોએ આપેલા બયાનોને નાયાબના ખૂન સાથે જોડી રહ્યો હતો એ સમયે અચાનક એની આંખોમાં ચમક આવી ગઇ હતી.

"અંધારામાં ગોળીબાર કરવાથી શું ફાયદો થાય છે એ કાલે હું ઇન્સ્પેક્ટર પરમસિંહને સમજાવીશ." હરમને કોફીનો કપ હાથમાં લેતા જમાલને કહ્યું હતું.

ક્રમશઃ...

(વાચકમિત્રો, જાસૂસનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ


Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Krishna Thobhani

Krishna Thobhani 6 months ago

Dharmishtha

Dharmishtha 7 months ago

Rajni Dhami

Rajni Dhami 7 months ago