Aaheli - 1 in Gujarati Fiction Stories by Vishwa Palejiya books and stories PDF | આહેલી - 1

Featured Books
Categories
Share

આહેલી - 1

પ્રકરણ - 1

વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાસ્તવમાં દર્શાવેલ કોઈ સ્થળ, વ્યક્તિ કે ઘટના સાથે વાર્તાને કોઈ સંબંધ નથી.

11:30 A. M. શિવનેરી બસ સ્ટેશન ,
દાદર, મુંબઈ
15 ડિસેમ્બર 2017

" એ એડે , કાઈ રે દિસાત નાહી કા તુલા, કસા ચાલ્તોયસ તે, ઇડિયટ " અંદાજિત બાવીસેક વર્ષ ની એક યુવતી એની સાથે ટકરાયેલા વ્યક્તિ પર ગુસ્સે થઇ રહી હતી. જમીન પર પડી ગયેલ એનો સામાન લેતા લેતા એ મરાઠીમાં પેલી વ્યક્તિ ને સંભળાવી રહી હતી, પણ એ જેને કહી રહી હતી એ વ્યક્તિ તો એની ધૂન માં ક્યારનો ત્યાંથી આગળ નીકળી ગયો હતો. સામાન લઈને ઉભી થયેલી એ છોકરી પેલા વ્યક્તિને ના જોતા મોં મચકોડતી પોતાનો સામાન લઇ ગુસ્સામાં બડબડ કરતી ત્યાંથી ચાલી ગઈ. પેલો વ્યક્તિ પોતાના બંને હાથ એના જિન્સનાં પૉકેટ માં નાખી પોતાની ધૂન માં જ જઈ રહ્યો હતો. કદાચ 24 -25 આસપાસ ની ઉંમર હશે. 5'10", ગ્રે ટી-શર્ટ , ડાર્ક બ્લૂ શેડ નું જિન્સ અને ટી-શર્ટ પર પહેરેલ બ્રાઉન કલર નું ચેકસ વાળું ખુલ્લું શર્ટ અને એક હાથ માં ટાઈટન ની ઘડિયાળ. શ્યામ વર્ણી પણ નમણાશ એટલી કે જોતા જ આંખોમાં વસી જાય. એની ખડતલ કાયા પરથી ફિટનેસ ફ્રીક હતો એ સાફ વર્તાઈ રહ્યું હતું. થોડું ચાલીને બસ સ્ટેશન પરનાં એક બાંકડા પર એ બેસી ગયો. એની આસપાસ થઇ રહેલ હલચલ થી જાણે એનાં પર કંઈ જ અસર નહોતી થઇ રહી. એની કથ્થાઈ આંખો બસ એની સામે ની બાજુ એકદમ સીધી જ દિશામાં એકીટસે જોઈ રહી હતી. એના મગજ માં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ચેહરા પર કોઈ પણ પ્રકાર નાં હાવભાવ નો અભાવ હતો. તોફાન પેહલાં ની શાંતિ હતી આ. એનાં મગજ માં ચાલતા તોફાન થી કેટલી જિંદગીઓ ઉથલ-પાથલ થવાની હતી એની જાણ તો આવનારા સમય ને જ હતી.

Time : 4:42 P M
નરોડા પોલીસ સ્ટેશન, અમદાવાદ

" સર, દુર્ગાનગર સોસાયટી નાં ચોરી ના કેસની ફાઈલ. " સબ -ઇન્સ્પેક્ટર રાજીવ પોતાના હાથ માં રહેલ ફાઈલ ઇન્સ્પેક્ટર અભિનવ દેસાઈના હાથ માં આપતાં કહે છે. અભિનવ ફાઈલ વાંચીને ટેબલનાં ડાબી બાજુમાં મુકેલ બીજી બે -ત્રણ ફાઈલ પર મૂકી દે છે.

અભિનવ : દુકાનવાળા એ આપેલ સસ્પેક્ટ નાં વર્ણન પર થી કંઈ માહિતી મળી?
રાજીવ : દિલીપ અને મુકેશ ને સસ્પેક્ટ નું સ્કેચ લઈને મોકલ્યા છે આસપાસનાં વિસ્તાર માં તપાસ કરવા.
અભિનવ : ઓકે. વિકાસનાં કેસ માં કંઈ અપડૅટ?
રાજીવ : સર, એનો મોબાઈલ હજી સ્વીચઍડ - ઑફ જ છે. કોલ ડિટેઈલ્સ અને લાસ્ટ લોકેશન માટે મનોજ ને કહ્યું છે. હમણાં આવતો જ હશે લઈને.
અભિનવ : સવારે એનાં કૉલેજ જઈને તપાસ કરવાનું કહેલું ને મેં એનું શું થયું?
રાજીવ : સર, એનાં 3 ફ્રેંડસ , પ્રિન્સિપાલ અને પ્રોફેસર્સ ની પૂછપરછ માં એનાં ગુમ થવા પર કોઈ જ માહિતી નથી મળી. પણ એનો ખાસ જીગરી મિત્ર સચીન પણ 2 દિવસ થી કૉલેજ નથી ગયો. એનાં ઘરે ગયા પણ ત્યાં તાળું હતું. પાડોસીને પૂછવા પર ખબર પડી કે એ લોકો તો 2 દિવસ થી એનાં ગામ ગયા છે કોઈ પ્રસંગ માં.
વાત ચાલુ જ હતી ત્યાં કોસ્ટેબલ મનોજ હાથ માં 3-4 કાગળિયાંઓ લઈને આવ્યો અને રાજીવને આપતાં બોલ્યો, " સર, તમે મંગાવેલ ડિટેઈલ્સ ". રાજીવ એ ડિટેઈલ્સ ધ્યાન થી વાંચે છે. અને થોડું વાંચતા જ આશ્ચર્ય સાથે અભિનવ ને કહે છે, "સર, લાસ્ટ લોકેશન તો મુંદ્રા ની છે"... " મુંદ્રા ? . " અભિનવ આગળ કંઈ બોલે એ પેહલા જ પોલિસ સ્ટેશનમાં રહેલી ઘડિયાળમાં 5 વાગ્યાનો ડંકો વાગે છે અને આ સાથે જ અભિનવ ફટાફટ પોતાની ખુરશી પરથી ઊભો થઈને રાજીવને કહે છે " મારે હોસ્પિટલ જવું પડશે, ત્યાં સુધી માં તું વિકાસની કોલ ડિટેઈલ્સ સરખી રીતે જોઈ લે"
" શું થયું સર, બધું બરાબર તો છે ને? "
" વિધી ની એપોઇન્ટમેન્ટ છે આજે. "
" કંઈ વાંધો નહીં, તમે જાઓ હું અહીંયા જોઈ લઈશ." અભિનવ ફટાફટ ઘરે જવા નીકળે છે. 8 વર્ષની વિધિ લિવિંગ રૂમમાં સોફા પર હાથમાં બાર્બી ડૉલને એક્દમ જોરથી કસીને પકડીને બેઠી છે. વિધિ ની કેર ટેકર સિસ્ટર મારિયા વારંવાર ઘડિયાળ સામે જોઈને અભિનવનાં આવવાની રાહ જોઈ રહી છે. થોડી જ વારમાં અભિનવ ઘરે આવી પહોંચે છે અને વિધિ પાસે જઈને વહાલથી એનાં માથાં પર હાથ ફેરવીને કહે છે, " આર યૂ રેડી માય પ્રિન્સેસ? " વિધિનાં ચેહરા પર કોઈ જ હાવભાવ નહોતો. એ એક જ સ્થિતિમાં બેઠી હતી. અભિનવ આંખોમાં આવેલા જળહળિયા લુંછીને સિસ્ટર મારિયા ને વિધિને ગાડીમાં બેસાડવા કહે છે. એમનાં ગયા પછી અભિનવ સોફાની બાજુમાં પડેલા ટેબલ પર રહેલી એક ફોટોફ્રેમને હાથમાં લઈને રડમસ થઈને બોલે છે, " વિધિની આ હાલત મારાથી સેહવાતી નથી યામિની... કાશ તું આજે હોત તો વિધિ પણ બીજા નોર્મલ બાળકો જેવી હોત." થોડી વાર યામિનીનાં ફોટોને જોયા પછી અભિનવ પોતાને વ્યવસ્થિત કરીને યામિની સામે જોઈને કહે છે, " હું આપણી વિધિ ને ફરી હસતી , રમતી, બોલતી કરીને જ જંપીશ. આઈ પ્રોમિસ યામી... " આટલું કહીને આંખોમાં નવી આશા નાં કિરણ સાથે અભિનવ સિસ્ટર મારિયા સાથે વિધિને લઈને બાળકોનાં મનોચિકિત્સક પાસે લઈ જાય છે.

અભિનવ અને યામિની બંનેના પ્રેમ લગ્ન હતાં. ખૂબ જ સરસ ચાલતી એમની જીંદગીમાં વિધિનાં આગમનથી એમનો જીવનરુપી બાગ ખીલી ઊઠ્યો હતો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વિધિ 5 વર્ષની થઈ ત્યારે જ યામિનીનાં દુર્ઘટનામય અવસાન થી અભિનવની જીંદગી વેરાન થઈ ગઈ હતી. હસતી , કિલકિલાટ કરતી વિધિ જાણે સાવ મૌન થઈ ગઈ હતી. એ સાવ સૂનમૂન રેહતી હતી. બસ હાથ માં બાર્બી ડૉલ પકડીને બેસી રેહતી. આ ઘટનાનાં 3 વર્ષ પછી પણ વિધિ ની હાલત આ જ હતી. અભિનવ એ મુંબઈ, અમદાવાદ, અને કંઈ - કેટલાય શહેરોનાં મોટા નામચીન ડૉકટરોને બતાવી જોયું પણ બધાનું એક જ કહેવું હતું કે વિધિ પોતે બોલવા જ નથી માગતી. એણે પોતાના ફરતે એક રેખા દોરી દીધી છે અને પોતાને એ રેખાની અંદર સુધી જ સીમિત કરી દીધી છે. હવે તો કોઈ ચમત્કાર જ વિધિનાં આ ચક્રને તોડી એને પાછી સામાન્ય બનાવી શકશે. છતાં પણ અભિનવ બની શકે એટલી બધી જ કોશિશો કરી રહ્યો હતો. પોતાની લાડકીનો અવાજ સાંભડવા માટે એ બધું જ કરી છૂટવા તૈયાર હતો.


મિરાજ કોપ્લેક્સ, મુંદ્રા (કચ્છ)
રાત્રીનાં બારેક વાગ્યાનો સમય

" ઓય શકીલ તું મરાનીએ મૂકે, કોઈ નેરીગેરે ને તો" 16-17 વર્ષ નો એક છોકરો આરીફ ડરતા ડરતા એની સાથે રહેલ એનાં થી મોટા છોકરા ને કહી રહ્યો છે. " તું હાલ ને ચુપચાપ " શકીલ એ આજુ બાજુ માં નજર નાખતા કહ્યું, " બસ, પહોંચી ગયા ". ન્યૂ મુંદ્રા માં આવેલ મિરાજ કોપ્લેક્સનાં બીજા માળ પર પહોંચી શકીલ એ આરીફ ને ચાવી આપવા કહ્યું. આરીફ પાસે થી ચાવી લઈને શકીલએ આજુ બાજુ માં ફરી એક વાર નજર કરી અને બીજા માળ પર રહેલ એક ઓફિસનું તાળું ખોલીને શકીલ અંદર પ્રવેશ્યો. ' સક્સેસ ટ્યુશન કલાસિસ' નું બોર્ડ એ ઓફિસ પર લગાવેલ હતું.
"હી છટ કોરેજી પેયતી? " હજી સુધી બહાર જ ઉભા રહેલા આરીફ ને કંઈક વિચિત્ર વાસ આવતા એ મન માં જ બોલ્યો અને એણે આજુ બાજુ માં નજર કરી. જમણી બાજુ તરફ થી વાસ આવી રહી હતી. મોબાઈલ ની ફ્લેશલાઈટ સાથે આરીફ એ બાજુ આગળ વધ્યો અને છેલ્લી ઓફિસ પાસે વાસ ની તીવ્રતા વધુ આવતા એ ત્યાં અટકી ગયો. ઓફિસનો દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશતા જ આરીફ જમીન પર પડેલ કોઈ વસ્તુ સાથે ટકરાઈને ઊંધા મોઢે નીચે પડી ગયો અને એ સાથે જ એનાં હાથની પકડ ઢીલી થતા એનો મોબાઈલ પણ પડી ગયો. આરીફએ જેવો પોતાનો ચેહરો ઊંચો કર્યો એની આંખો પહોળી થઇ ગઈ અને એનાં મોઢામાંથી શકીલનાં નામ ની એક ચીસ નીકળી ગઈ. ન્યૂ મુંદ્રા માં રેસીડેન્સી ઓછી છે. મોટા ભાગે હોટેલ્સ, ગેરેજ, કોપ્લેક્સીસ અને દુકાનો જ આવેલ હોવાથી આરીફ ની ચીસથી બીજી કોઈ હલચલ થઇ નહોતી. આરીફ ની ચીસ સાંભળીને શકીલ ત્યાં પહોંચ્યો. એની સામે એક યુવતી ની લાશ હતી. આરીફ ની હાલત તો આ જોઈને ખરાબ થઇ ગઈ હતી. પણ શકીલે બે ઘડી ફાટી આંખે લાશ ને જોઈ અને પછી ફરી નોર્મલ થઈને આરીફ ને કહ્યું " ચાલ અહીંથી ". આરીફ એ કોઈ રિસ્પોન્સ ના આપતાં શકીલ એનો હાથ ખેંચીને એને ત્યાંથી લઈને મુંદ્રા ગામ તરફ નીકળી જાય છે.


ન્યાય –અન્યાય નાં એક એવા ખેલ નો આરંભ થઇ ચુક્યો છે, જેનાથી ઘણાની જિંદગીઓ સમુળગી બદલાઈ જવાની છે.

કોણ છે આ યુવતી જેની લાશ મુદ્રામાં મળી ? કોણ છે અમદાવાદ નો વિકાસ , મુંદ્રા સાથે શું છે એનું કન્નેકશન અને શું છે એનો કેસ? મુંબઈ નાં શિવનેરી બસ સ્ટેન્ડ પર રહેલ એ યુવાન કોણ હતો ? આ દરેક સવાલના જવાબ જોઈશું નવલકથાનાં આગળનાં પ્રકરણમાં . આગળ જતા આ નવલકથા નાં ઘણા પાત્રો અને સમાજનાં એક અલગ જ પાસા સાથે આપ અવગત થશો. આ સાથે સસ્પેન્સ – થ્રિલર નવલકથા નું પહેલું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.

વાંચવા બદલ આપનો આભાર.
આ મારી પેહલી જ રચના છે એટલે આપનાં મંતવ્યો મારા માટે અગત્યનાં છે.