AME BANKWALA - 27 books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 27. સંદેશે જાતે હૈ..


સંદેશે જાતે હૈ.

1999 થી 2004 હું આઇટી ડિપાર્ટમેન્ટમાં હેડઓફિસમાં હતો. એ વખતે બ્રાન્ચોમાં ખાલી લેજર પોસ્ટિંગ માટે ALPM મશીનો એટલે ડેસ્કટોપ 2 જીબી હાર્ડડિસ્કનાં હતાં. ક્યાંક ક્યાંક પાસબુક પ્રિન્ટર પણ હતાં.

હેડઓફિસ આઇટીમાં અમારે કોઈ કોઈ પ્રોગ્રામ રાઇટર કે ટેસ્ટિંગ કરનારને 4 જીબી હાર્ડડીસ્ક મળે એટલે તો રાજી રાજી.


ઇમેઇલ નવી વસ્તુ હતી. આઉટલુક એક્સપ્રેસમાં જઈ ડાયરેકટ મેઈલ ન થાય એનું ધ્યાન રાખવું પડતું. આપણે આજે વોટ્સએપ મેસેજો કરીએ છીએ, ફક્ત એટલા જ લાંબા ઇમેઇલ કરતા.

મેલ સાથે એટેચમેન્ટ મોકલવું મોટી વાત હતી પણ ડિપાર્ટમેન્ટ માટે અત્યંત જરૂરી હતી.


હવે આખી બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રોસેસ કરી આ બ્રાન્ચે મોકલ્યા ને આ બ્રાન્ચે ચૂકવ્યા કે બાકી એનો ડેટા HODD નામનું અમારા આઇટીમાં જ આવતું ડિપાર્ટમેન્ટ પ્રોસેસ કરતું.


હું એ વખતે અપડાઉન કરતો. સવારે 9 વાગે જઈ ટેપ એટલે જૂની ફિલ્મોનાં 35 mm રીલ જોયાં છે? એવડું ગોળ ફિન્ડલું બીજે છેડે ખાલી ટેપમાં ભરાવી બેકઅપ મુકતો. ત્યાં મિત્ર પરીખ આવે એટલે બેકઅપ પૂરો થતાં સ્ટાર્ટ ડે વગેરે કરે.


ચુકવણી અને મિસમેચનો ડેટા કે કોઈ જનરેટેડ રિપોર્ટ આ ટેપ પરથી મેઇનફ્રેમ કોમ્પ્યુટરમાં અને ત્યાંથી ટર્મિનલમાં લઈ હથેળી જેવડી 5.4 ઇંચની ફ્લોપીમાં કોપી કરી મુંબઇ મેઈલ કરવાનું. મેઇલની ફેસિલિટી માત્ર ચીફ મેનેજર અને નેક્સટ મેન સિનિયર મેનેજર નાં કોમ્પ્યુટરમાં જ હતી. સાથે લાલ લીલી લાઈટ ઝબકાવતું મોડેમ ચાલુ કરવાનું. મેલ મોકલીએ ત્યારે જ.


એક દિવસ સવારે સાડાદસે ડિપાર્ટમેન્ટ શરૂ થતાં જ વર્ક ઇન્ચાર્જ સિનિયર મેનેજર શાહ સાહેબને મુંબઈથી એસટીડી આવ્યો કે અમુક ડેટા આજે બપોર સુધીમાં મોકલો. ડ્રાફ્ટનું સંભાળતા ઓફિસરોએ ડેટા ફટાફટ પ્રોસેસ તો કરી લીધો. ફ્લોપી લઈ ઓફિસર એમને ટેબલે પહોંચી ગયા. શાહ સાહેબે ડેસ્કટોપની બાજુમાં રાખેલું મોડેમ ઓન કર્યું. (કોને ખબર એ આજની જેમ ચાલુ ને ચાલુ કેમ નહોતું રાખી શકતા! કદાચ મોડેમ ચાલુ હોય એટલો વખત ફોન લાઈન ચાલુ અને વપરાશનું મોટું બિલ ચડતું.)


પહેલાં તો યુનિક્સ લોગીન કર્યું. એ વળી એક જૂની ઓપરેટિંગ સિસ્ટીમ છે. એમણે પાસવર્ડ નાખ્યો. 'You have mail' ફ્લેશ થયું. આ યુનિક્સ નો ઓપનિંગ મેસેજ. એનો અર્થ તમારી ઈનબોક્સમાં કાંઈ આવ્યું એમ નહીં.


તડાક ફડાક કરતું એમની ફાસ્ટ અંગળીઓએ કાંઈંક ટાઈપ કર્યું. પછી એ જ કોમ્પ્યુટરમાં વિન્ડો 95 સિસ્ટીમ ચાલુ કરી. કાળા સ્ક્રીનમાં સફેદ અક્ષરોની જગ્યાએ રંગબેરંગી આઇકોન ફ્લેશ થયાં. એમણે પીળા કલરનાં કવર જેવાં ચિત્ર પર માઉસથી ક્લિક કર્યું. બીજું થોડું કર્યું અને નીચે સ્ક્રીનની પટ્ટી માં વિન્ડો બાર માં એક ઘડિયાળ દેખાય તેની નજીક જમણે બે ટચુકડાં કોમ્પ્યુટરનાં આઈકોન દેખાયાં. ટી..ટ ટી..ટ અવાજ સાથે બેય કોમ્પ્યુટરને સાંકળતી પટ્ટી આગળ પાછળ થવા લાગી એટલે કે ટેલિફોન લાઈન દ્વારા બીજાં કોમ્પ્યુટરનો સંપર્ક થઈ રહ્યો છે એમ વિન્ડો પ્રોગ્રામે સમજાવ્યું.


આખરે એ લાઈન સ્થિર થઈ. હવે મેસેજ જશે. હવે એ 5.4 ઇંચની ફ્લોપી માં 1.2 mb (હા. હું ભૂલ નથી કરતો. ફક્ત 1.2 mb જ. અત્યારે 100એમબી પર સેકન્ડ સ્પીડમાં ડેટા જાય એ ઓછું કહેવાય છે. તમારી પેન ડ્રાઈવ ટેરાબાઈટ માં હોય છે.) એટલો ડેટા જ એ ફ્લાપીમાં સમાય એટલે ઓફિસરે pkzip નામની યુટીલિટી (એટલે પ્રોગ્રામનું બચ્ચું) થી ડેટા ફાઈલ કોમ્પ્રેસ કરી. કહો કે ઠાંસી ઠાંસીને ગાંસડી બાંધી. 5 ફ્લોપીમાં 6mb ફાઈલ લીધી. આનો મેઈલ કરવા સાથે શાહ સાહેબે સ્પષ્ટતા માટે અધિકારીઓ પરીખ અને બ્રહ્મભટ્ટ ને સાથે ઉભાડયા.


મેઈલ લખી, નીચે પોતાનું નામ ને હોદ્દો સહીમાં લખી એટેચ બટન પર ક્લિક કર્યું. પેલી પટ્ટી એક્ટિવ થઈ અને ભૂરા કલરમાં આગળ વધતી ગઈ. એ પુરી ભૂરી થઈ ગઈ એટલે કે ફાઈલ એટેચ થઈ.


હવે અમે પ્રોગ્રામર તરીકે આવ્યા ત્યારે અગાઉ કહેલું એમ શિક્ષક, ગુરુ કમ બોસ અસાવાજીએ કહેલું એમ 'send કા મતલબ ગયા નહીં હોતા!' એ આઉટબોક્સમાં જાય અને ત્યાંથી ફરી send કરો એટલે તમારો સંદેશ સામેવાળા 'ઓફિશિયલ પિયુ' ને પહોંચે!


લાઈન બીઝી મળી. વળી ટી..ટ ટી..ટ થયું. લાઈન બ્રેક. હતતેરેકી! પુનઃશ્ચ હરિઓમ. ફરી મેલ સેવ કર્યો. ફરી એટેચ. ફરી સેન્ડ અને એ બધું.


અગિયારને પંદરે ફ્લોપી નાખીને ફ્લોપી ડ્રાઇવમાં ગ્રીન લાઈટ થયેલી. અગિયાર ચાલીસ. પરીખે વળી નેટ બંધ કરી રી સ્ટાર્ટ કર્યું. ટ્રાફિક ઘટ્યો હશે. વળી ફ્લોપી એટેચ અને.. sending.. 10%.. 15%.. ભૂરી પટ્ટીને લીલી પટ્ટી ગળવા માંડી. ડેટા જઈ રહ્યો હતો. 75%. યોગશિક્ષક શાહ સાહેબે રાહત મેળવવા ઊંડા શ્વાસ લીધા. બસ. હવે એકાદ મિનિટ.


માય.. વળી બ્રેક. ફરીથી સેન્ડ. આ વખતે તો 90% sent આવ્યું. પરીખ અને બ્રહ્મભટ્ટ મિત્રો તાળી પાડી ઉઠ્યા. પણ તાળી અધૂરી રહી ગઈ. છેક 98.5% sent પર ફરી બ્રેક. ભૂરી પટ્ટી લીલી પટ્ટીને ફરીથી ગળવા લાગી. શાહ સાહેબે કપાળ કુટયું.


મુંબઈથી એસટીડી. હા ભાઈ હા. મોકલીએ છીએ. અંગ્રેજીમાં શાહ સાહેબે કહ્યું. ત્રણે ઓફિસરોએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી. કદાચ સવાબાર વાગેલા. એક 1.2 mb એવી 5 ફ્લોપીની zip ફાઈલ વધુમાં વધુ 6 એમબીની. તો પણ એના સ્થાને જવામાં નખરાં કરે! એવી સ્થિતિમાં 'બાપલા, જા માવડી, જા.' સહુએ મનમાં કહ્યું.


ફરીથી સટાસટ નેટ ચાલુ, ફરી send, ફરી ભૂરી પટ્ટીને મળતી લીલી પટ્ટી.. 5..20.. 40.. 55.. 80.. એ.. થોડીવાર પટ્ટી રોકાઈ અને બે કોમ્પ્યુટર આઇકોન વચ્ચે આંખ મીચામણાં શરૂ થયાં. સંપર્ક તૂટી ને ફરી ચાલુ થયેલો. ફરી એ લોકોના શ્વાસ થંભી ગયા. અને ત્યાં તો ..

એ ત્રણેએ તાળીઓ પાડી. Sent 100% કરતું મેઇલનું મેન્યુ આવી ગયું.


શાહ સાહેબે sent items માં જઈ મેઈલ ગયો છે એ ચેક કરતાં ફરી ઊંડો શ્વાસ લઈ ઇન્ટરકોમ પર કેન્ટીનમાં ત્રણ ચાનો ઓર્ડર આપ્યો. લેમન ટી. કંઈક ખાસ ઉપલબ્ધિ હતી તે! અગત્યનો મેઈલ ગયો, 'મોટાં' એટેચમેન્ટ સાથે અને જોઈએ ત્યાં સમયસર!

એથી વધુ કયો આનંદ હોય?

તો આવી હતી સંદેશ વ્યવહારની પ્રથા 1999 -2000 માં!

***