Raju Bangaya Gentleman - 4 in Gujarati Fiction Stories by PRATIK PATHAK books and stories PDF | રાજુ બન ગયા જેન્ટલમેન - 4

રાજુ બન ગયા જેન્ટલમેન - 4

બીજા દિવસે સવારે બધા ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતા હતા. મોહન કાકા ,લાલો, મહેશકાકા અને અમિતકુમાર ખુરશી પર બેઠા હતા,મોટા ફઈબા તથા બંને કાકી સામે સોફા પર બેસી નાસ્તો કરતા હતા દીપુ અને લાલા ની પત્ની નિહારિકા બધાને નાસ્તો પીરસતા હતા.મહેશ કાકા અને મીનાકાકી નું મોઢું રાતની વાતને લઈ હજી એરંડીયું પીધેલું હોય એમ ચડેલું હતું. ત્યાં અચાનક ઘરમાં રાજુ આવ્યો અને સીધો ડાઇનિંગ ટેબલ પાસે જઈને
“આહાહાહા ફાફડા અને જલેબી ,મરચા અને કઢી સાથે. વાહ ભાભી થોડી ચા મને પણ આપજો, જય શ્રીકૃષ્ણ કાકા જય શ્રીકૃષ્ણ ફુવા એટલું કહીને રાજુ લાલા ની પાસે બેઠો અને લાલા ના કાન માં બોલ્યો કેવી રહી ભાઈ ફર્સ્ટ નાઈટ??”

તું અત્યારે શાંતિ રાખ હમણાં તારા પર બોમ્બ પડવાના છે. લાલાએ તેને કહ્યું
શું વાત કરે છે બોમ્બ!!???
શાંતિથી ખાઈ લે પહેલા તું ખોટો અવાજ કર્યા વગર. લાલો બે દાંત દબાવી ને બોલ્યો .

“દીપુ થોડાક ફાફડા આપને હજી”,એમ કહીને દીપુ સામે રાજુ હસ્યો.


દિપુએ જેવા ફાફડા આપ્યા તરત જ મહેશકાકા બોલ્યા, “ જે થાળીમાં ખાધુ એજ થાળીમાં થુક્યો હરામી. ચડાવો હજી એને માથે એટલે હજી આપણી આબરૂ લઈ લે” .

મહેશ, શાંતિ રાખ એ વાતથી સાવ અજાણ છે મોહન કાકા બોલ્યા

શું અજાણ? બધા એના જ દાવપેચ હશે. સોસાયટીમાં બધાને મદદ કરી ,લગ્નમાં અત્યાર સુધી કેટલીય છોકરીઓને ફોસલાવી હશે

મામા પ્લીઝ તમે આવું ન બોલો , એને તો કઈ વાત ની ખબર જ નથી પ્લીઝ તમે એને કાંઈ ના કહો. દીપુ બોલી.
શું વાત છે લાલા મને કોઈ કહેશે? મોહન કાકા શું થયું? મારો કોઈ વાંક છે રાજુ એ પૂછ્યું
ના બેટા તારો કોઈ વાંક..... મોહન કાકા ની વાત કાપી ને
“હા વાંક છે જ તારો અમારી ભોળી દીપુ ને તે તારા પ્રેમમાં ફસાવી છે.” મહેશકાકા જોરથી ચમચી ડાઇનિંગ ટેબલ પર પછાડી ને બોલ્યા .

શું વાત કરો છો કાકા તમે? પ્રેમ અને હું, અને દીપુને અને એ પણ આ ઘરમાં આ ઘરના લોકોનો હું વિશ્વાસ કેમ તોડી શકું? તમારાથી કંઈ ભૂલ થાય છે. મેં ડાન્સ પણ દીપુ ના વધુ પડતા આગ્રહથી કર્યો હતો મારા મનમાં એવું કાંઈ નથી અને પ્રેમ? પ્રેમ માટે હું ક્યાં અને કયા દીપુ મોહન કાકા તમને તો વિશ્વાસ છે ને મારા પર. હું આવું કંઇ ના કરી શકું અને ફોસલાવું ફસાવું ?રાજુ મોહન કાકા ના પગે પડી રડવા લાગે છે.
ખોટા રોવા ધોવા ના ધંધા બંધ કર. વિશ્વાસ તોડવો તો તમારા ઘરની જૂની આદત છે. રાજુ અમે બહુ જ સારી રીતે જાણીએ છીએ તમારા જેવા લોકોના ધંધા. સારી પૈસા વાળી છોકરી જોઈ નથી એને ફસાવી નથી.

સરલા કાકી તમને પણ એવું લાગે છે હું આવો છું? તમે તો મને બાળપણ થી ઓળખો છો .મારા પર આવો ખોટો આક્ષેપ કેમ ?રાજુ સરલા કાકી પાસે જઈને પૂછે છે.

બસ હવે ખોટી સફાઈના આપ તારી પોલ ખુલી ગઈ છે અને નીકળ ઘરમાંથી બાહર હરામી.મહેશ ભાઈ ખુરશી પરથી ઉભા થઇ બોલ્યા.

બધા ડાઈનીંગ ટેબલ ની ખુરશી પરથી ઉભા થઇ જાય છે અને રાજુ મહેશકાકા પાસે જઈને બોલે છે તમે દીપુ ને પૂછો. દીપુ મે તારી સાથે આટલા દિવસમાં ક્યારેય એવો વર્તાવ કર્યો છે ?આ બાજુ દીપુ ની આંખ માંથી આંસુ વહી રહ્યા હતા.(દીપુની આંખ આંસુઓ દિપુના રાજુ પ્રત્યેના સાચા પ્રેમ ની નિશાની દઈ રહ્યા હતા. )

લાલા તું કે તને ક્યારેય એવું લાગ્યું? તું મારો ભાઈ મારો ભાઈબંધ મારો જીગરી છે તું જ કે હું એવો છું ?રાજુ હવે લાલા પાસે જઈ રડતાં રડતાં પૂછે છે.

ના ભાઈ ના તું ચિંતા ન કર હું છું ને લાલા એ રાજુ નો હાથ પકડીને કહ્યું .

તમે બોલો કંઈક અમિતકુમાર ચૂપ કેમ છો આ હરામિ ખાઈ જશે આપણા ઘરને ,મહેશકાકા રાજુ નું બાવડું પકડી તેને ધક્કો મારતાં કહ્યું.

બસ મામા બસ હવે આગળ એક શબ્દના બોલતા દીપુ રડતાં રડતાં બોલી.
“એમાં રાજુનો કાંઈ વાંક નથી રાજુ એ કાંઈ કર્યું નથી એને તો ખબર જ નથી કે હું તેને પસંદ કરું છું, પ્રેમ કરું છું”.દીપુ ની આટલી વાત સાંભળતા જ રાજુ તેની સામે જોઈ રહ્યો અને એની આંખ માં વધારે આંસુ વહી જવા લાગ્યા અને તેની પાસે જઈ બોલ્યો દીપુ આ શું બોલે છે તું ?મેં આવું તારા માટે ક્યારેય વિચાર્યું જ નથી અને ક્યારેય વિચારીશ પણ નહીં.

તો તું વિચાર રાજુ ,તું મારા માટે વિચાર દીપુ એ જોરથી બે હાથ રાજુના ખંભા ઉપર મૂકીને કહ્યું.


પણ કઈ રીતે વિચારું દીપુ? શું ભવિષ્ય આપણા સંબંધો નું? તું અમેરિકામાં રહે અને હું હળવદ જેવા નાના ગામમાં ખેતીવાડી કરૂ મને તો અંગ્રેજી પણ નથી આવડતું. મારી તો તારી સાથે ઊભા રહેવાની હેસિયત પણ નથી. દીપુ મહેરબાની કરીને આ વાત પર અહીં જ પૂર્ણવિરામ આપી દે નહી તો મારા લીધે આ ઘર, મોહન કાકા, કાકી અને લાલા ની બદનામી થશે. લોકો શું વાતો કરશે ??

ઓહ come on રાજુ લોકો શું વાત કરશે એનું તું વિચારે છે દીપુ એ પૂછ્યું .

હા હું વિચારું છું મારા લીધે મોહન કાકા નું નામ બગડે. આ ઘર જેમાં મારું બાળપણ વીત્યું અને મને પોતાના સગા દીકરાની જેમ રાખ્યો એ કાકીનું વિચારું છું . ભાઈ થી પણ વિશેષ એવા લાલાને લોકો શું કહેશે? અમારી મિત્રતા લજાશે એ વિચારું છું .

જો રાજુ મોહનકાકાને, લાલા ને કે કાકી ને કે કોઈને આપણા સંબંધોમાં કંઈ જ વાંધો નથી એ લોકો આપણને સ્વીકારવા તૈયાર છે ,દીપુએ રાજુને સમજાવતા કહ્યું.

અમિતકુમાર, મોટા બેન તમે કંઈક બોલો.દીપુએ તો હવે બધી હટાવી છે. મહેશકાકા બોલ્યા
“દીપુ પોતાનો નિર્ણય જાતે સારી રીતે લઈ શકે છે. એનું જીવન છે આખરે એને જ જીવવાનું છે એટલે એની ખુશીમાં અમારી ખુશી “
અમિત કુમાર ના એક જ વાક્ય થી મહેશકાકા બીજી બધી વાત બંધ કરી ગુસ્સામાં બોલ્યા,”તો કરો તમારે જે કરવું હોય અમારે શું?”

હા અમારી તો ક્યાં કંઈ ગણતરી થાય છે અમને તો પહેલાથી જ તમે લોકોએ અલગ જ ગણ્યા છે ને. અમને કાંઈ પૂછવાનું નહીં અમારે કંઈ કહેવાનું નહીં. હું તમને કહેતી જતી આટલું વહેલું લગ્નમાં નથી જવું. તમને કોઈએ કંઇ જવાબદારી આપી ?કંઈ પૂછ્યું? બેસાડી રાખ્યા બધે શોભના ગાંઠિયાની જેમ. આતો મામા તરીકે તમારો જીવ બળે છે એટલે તમે કહો છો પણ ભલાઈ નો જમાનો જ નથી મહેશકાકા પત્ની ઓછું બોલ્યા પણ બહુ જ કડવું બોલ્યા.
મીના વહુ તમે અત્યારે ન બોલો તો સારું હું તમને તમારું ગણાવા બેસીસ તો તમને નહીં ગમે. મોહન કાકાએ કહ્યું અને મીના કાકી તરત ચૂપ થઈ ગયા

અરે મારા લીધે તમારા ઘરમાં ઝગડો ના કરો પ્લીઝ. ફુવા તમે લોકો અમારા સંબંધોનો સ્વિકાર કર્યો પણ મારો સમાજ મારી જ્ઞાતિ દીપુ ને સ્વીકારશે? તેના માટે મારા પરિવારમાં રહેવું અઘરું છે. મારો પરિવાર એકદમ રૂઢિચુસ્ત પરિવાર છે, અને એ બધી બે નંબરની વાત છે પહેલા તો હું દીપુ માટે એવું કંઈ જ વિચારતો નથી રાજુએ કહ્યું.

પ્લીઝ રાજુ તો વિચાર મારા માટે. હું કંઈ પણ કરી એડજસ્ટ થઈ જઈશ. રાજુ હું તને અમેરિકા લઈ જઈશ તું ચિંતા ન કર દીપુએ કહ્યું.

અમેરિકા? ના દીપુ આ વાત હું સ્વીકારી ન શકું. મારા મા-બાપને છોડીને હું ત્યાં આવી ન શકું. હું એક માત્ર તેમનો સહારો છું પણ એ વાત આગળની છે મેં તને ક્યારેય એ નજરે જોઈ નથી પ્લીઝ દીપુ મને માફ કરજે.

કોણ કહે છે ફક્ત તારે જ અમેરિકા આવવાનું છે ? તારા મમ્મી પપ્પાને પણ આપણે અમેરિકા લઈ જશુ. બસ તું એક વાર હા કહી દે દીપુ એ રાજુ ને કહ્યું.

રાજુ કઈ બોલે એ પહેલા જ મહેશકાકા બોલ્યા માફ કરજો અમિતકુમાર પણ રાજુને જ આ સંબંધ પસંદ નથી તો શા માટે દીપુ આટલો આગ્રહ રાખે છે?
દીપુ મહેશકાકા પાસે જઈને કહે છે, “મામા તમે શા માટે મારા લગ્નમાં આટલો રસ લો છો એ મને બહુ સારી રીતે ખબર છે.પેલા તમારા ભાવિનના વિઝા બે વાર રિજેક્ટ થયા છે, અને હવે તે તેનું ગ્રીનકાર્ડ ગોતી રહ્યો છે અને ફ્રેન્કલી કહી દઉં એ જાડીયા કાળિયામાં મને સહેજ પણ રસ નથી.”
દીપુ... મહેશકાકાએ દીપુ પર હાથ ઉપાડ્યો..
કેમ ઊભા રહી ગયા મામા? મારો મને કેમ હાથ અટકાઈ ગયો સાચું કીધું એટલે ???

મહેશ-દીપુ બસ કરો તમે. હજી આ ઘરમાં કાલે જ પ્રસંગ પત્યો છે. હવે મારે આ ઘરમાં સહેજ પણ અવાજ જોતો નથી. મોટા બેન,અમિત કુમાર અને દીપુ ને રાજુ સાથે દીપુ ના લગ્ન થાય તો કાંઇ વાંધો નથી તો આપણને શા માટે કોઈ વાંધો હોય? અને રહી વાત રાજુની તો રાજુ ની જવાબદારી હું લઉં છું એ મારા દીકરા જેવો જ છે પરંતુ જો એ હા પાડે તો.હવે બધો આધાર રાજુ અને એના પરિવાર પર છે મોહન કાકા એ બંનેને ઠંડા પાડતા કહ્યું.

ઠીક છે હવે રાજુ જેમ કે એમ દીપુ રાજુ સામે જોઈને કહ્યું

દીપુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તું મારા વિશે મારા પરિવાર વિશે સંપૂર્ણ જાણીલે. તું ફક્ત એકવાર મારા ઘરની મુલાકાત લે. ફઈબા અને ફુવા તમે પણ મારા ઘરે આવો પછી જે નિર્ણય લેવો હોય તે લો.
પણ મારો નિર્ણય તો નાજ હશે રાજુએ દીપુ ની સામે જોઈને કહ્યું .

રાજુ નિર્ણય તો મેં લઈ લીધો છે,મને ઘર નું નઈ પણ વર નું મહત્વ છે. પરંતુ તું કહે છે એટલે ફોર્માલીટી ખાતર તારા ઘરે આવું છું ઈનફેક્ટ અહીં હાજર બધા લોકો અત્યારેજ તારા ઘરે આવી છીએ. ઠીક છે? દીપુ એ કહ્યું

તમે લોકો આગળ જાઓ હું અને ભાભી પાછળ આવી છી. દીપુ એ ઘરના બાકીના સભ્યો ને કહ્યું.

દીપુ અને નિહારિકા સિવાય બધા લોકો રાજુ ના ઘરે જાય છે.

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 2 years ago

Alpesh Shah

Alpesh Shah 2 years ago

Daxa Pathak

Daxa Pathak 2 years ago

Pradipbhai Mehta

Pradipbhai Mehta 2 years ago

વધુ વાંચવા ઉતેજના થાય છે

Ellicebridge PSI

Ellicebridge PSI 2 years ago

સરસ વાર્તા અને હજુ પણ રાહ જોવાની આગળ શું થયું એ જાણવા...!!