Parita - 9 books and stories free download online pdf in Gujarati

પરિતા - ભાગ - 9

એક રાત્રે પરિતા વિચાર કરતી બેઠી હતી, 'હજી તો લગ્ન જીવન જ બરાબર સમજમાં આવી નથી રહ્યું ત્યાં આવનાર આ બાળક. પપ્પાની તબિયત લથડતાં પોતે પરણી જવાનો લીધેલો નિર્ણય અને હવે આ બાળક...,' એને આ બધું પોતે ભરેલું ઉતાવળિયું પગલું લાગી રહ્યું હતું.

જોત - જોતામાં એનાં નવ મહિના પૂરા થઈ ગયાં હતાં ને એણે એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એણે પુત્રને જન્મ આપ્યો હોવાથી સાસુ - સસરા, સમર્થ બધાં જ એની પર ખૂબ જ ખુશ થયાં હતાં. પરિતાને આ વાત પણ મનમાં ખટકી હતી કે જો એણે પુત્રીને જન્મ આપ્યો હોત તો કદાચ આ લોકો આટલાં ખુશ ન પણ થયાં હોત..! પુત્રનું નામ દીપ રાખવામાં આવ્યું.

આમ તો દીપનાં જન્મ પછી પરિતા ખુશ જ હતી, પણ દીપને મોટો કરવાની જવાબદારી જાણે એની એકલીની હોય એવું એને લાગ્યા કરતું હતું. સમર્થની જવાબદારી તો માત્ર એને રમાડવા પૂરતી જ જાણે હતી. દીપ રડે તો એને શાંત પરિતાએ કરવાનો, દીપ રાત્રે ન સૂએ તો ઉજાગરા માત્ર પરિતાએ એકલીએ જ કરવાનાં, દીપની તબિયત નરમ - ગરમ રહે તો એની દરકાર પણ પરિતાએ એકલીએ જ લેવાની.., વગેરે જેવું બધું પરિતાએ એકલે હાથે કરવું પડતું હતું.

એક દિવસ પોતે કંઈ કામમાં હતી તો એણે સમર્થને દીપનું ડાયપર બદલાવા માટે કીધું ત્યારે સમર્થે એને .."આ કામ તારું છે..., મારું નહિ..." એવું કહી દીધું હતું. સમર્થનાં આવા વર્તને એને ચિંતામાં મૂકી દીધી હતી. પોતાને સમર્થ સાથે બહુ નહિ ફાવશે એવું જ બસ એને સતત અંદરથી થયાં કરતું હતું. દીપનાં આવ્યા પછી તો સમર્થ હવે એનાથી દૂર થઈ રહ્યો હતો એવું એને લાગ્યા કરતું હતું. સમર્થને જ્યારે એ આ વિશે કહેતી તો સમર્થ કહેતો કે, "કામનું જરા દબાણ વધારે છે તો હમણાં ખૂબ જ ટેન્શન અનુભવી રહ્યો છે.." આવું કહીને એ વાત આગળ વધવા જ નહોતો દેતો.

સાસુ સાથે તો આમેય એને પહેલેથી ઓછું જ ફાવતું હતું એટલે એમની સામે પણ એ પોતાનું મન હળવું કરી શક્તી નહોતી. દીપનાં આવ્યા પછી તો આગળ ભણવાની વાત અને નોકરી કરવાની વાત શું..., એ વિશેનો વિચાર પણ સાવ બાજુએ થઈ ગયો હતો. મોટા ભાગનો એનો સમય ઘરનાં કામો કરવામાં, દીપને મોટો કરવામાં, સાસુ - સસરાની સેવા કરવામાં ને સમર્થને સાચવવામાં પસાર થઈ જતો હતો. એ પોતાનાં માટે ઘડીક વિચારે એટલો પણ સમય પોતાનાં માટે બચતો નહિ. સ્વચ્છંદ રીતે રહેલી પરિતા હવે સમર્થની પરવાનગી અને સાસુ - સસરાની આજ્ઞા સિવાય સ્વતંત્ર રીતે કશું જ કરી શક્તી નહોતી.

લગ્ન સમયે સમર્થની વાતોમાં પોતે ખોટી રીતે ફસાઈ ગઈ હતી એ વાત હવે એને સમજમાં આવી રહી હતી. જો સમર્થે ત્યારે જ પરિતાને પોતાનાં વિચારો વિશે જણાવી દીધું હતે તો પરિતા કદાચ એની સાથે લગ્ન કરવા માટે એકદમ જ હા ન પાડી દેત. પરિતા રોજ પોતાની જાતને આ વાત કહેતી, પણ આ વાતનો કોઈ જ અર્થ નહોતો.

પરિતા હવે પોતાની આ બંધિયાર જિંદગીથી કંટાળવા લાગી હતી, પોતે બહારની દુનિયાથી જાણે એકદમ દૂર થઈ ગઈ હતી એવું એને લાગવા માંડ્યું હતું. એને હવે પોતાની આ જિંદગીથી છૂટકારો જોઈતો હતો એટલે એક દિવસ એ પોતાની મમ્મી પાસે આવી અને કહ્યું...,

"મમ્મી મારે છૂટાછેડ લેવા છે..."

"શું.....??!!!" એની મમ્મી આ સાંભળી ચોંકી જ ગઈ.

"શું થયું પરિતા....? કેમ આવું બોલે છે...? સમર્થકુમાર સાથે મોટો ઝગડો થયો છે....?"

"ના....,"

"તો...., તારાં સાસુ - સસરાએ તને કંઈ કીધું....?"

"ના....,"

"તો પછી..., તું ગાંડી થઈ ગઈ છે....?"

"ના....,"

"તો પછી તારે શું કામ જોઈએ છે...., છૂટાછેડા.....?"

બે મિનિટ માટે પરિતા વિચારમાં પડી ગઈ, કંઈ જ બોલી નહિ. બસ એની મમ્મી સામે જોયા કર્યું.

હવે પરિતાને શું કામ છૂટાછેડા લેવા છે? એનો જવાબ તો એની મમ્મીને પણ અને આપણને પણ આવતા ભાગમાં જ મળશે...

(ક્રમશ:)