Kumau Yatra - 7 books and stories free download online pdf in Gujarati

કુમાઉ યાત્રા - ભાગ- 7

કુમાઉ ટુર ભાગ - 7

હવે આપણે સાતમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.
આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

અગાઉ જણાવ્યા મુજબ હળવો નાસ્તો કરી અને અમે કૌસાની ની હોટલ તરફ જવા નીકળ્યા, કારણ કે સુર્યાસ્ત થવાની તૈયારી માં હતો. સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં સૂર્યોદય અને સુર્યાસ્ત થોડો વહેલો થઈ જતો હોય છે જેથી અંધારું વહેલું થઈ જાય છે. અંધારામાં આગળ ની મુસાફરી કરવી ના પડે એટલા માટે અમે સમયસર ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં માર્ગમાં ગરુડ ગામ આવ્યુ ત્યાંથી અમારે રાત્રી ના ભોજન માટે છાશ લેવાની હતી. કારણકે ગુજરાતી નો સ્વભાવ છે કે છાશ વિના ભોજન અધૂરું લાગે. એટલે ત્યાંની એક દુકાને તછાશ માટે પુછયું, ત્યાં અમુલ કે પતંજલી ની તૈયાર પેકેજ છાશ હતી નહીં જેથીએમની દુકાન (ડેરી) ની છુટક છાશ કોથળી માં પેક કરાવી અને અમે હોટેલ પર આવી ગયા. હોટલ પર આવીને અમે ફ્રેશ થઈ અને ગરમાં ગરમ ચા નો ઓડર આપ્યો. અંધારું થયું હોવાથી ધીમે ધીમે ઠંડીની અસર વરતાઈ રહી હતી. આવી સુંદર ઠંડીમાં ગરમ ચાય ની ચુસ્કીનો આનંદ લેવાની મજા કંઈક ઔર હોય છે. ચા વિશે એક સુંદર શેર છે.

"चस्का जो लग जाये एक बार
तो हर दफा काम आएगी,
चाय है यारो मोहबत नही,
जो बेवफा हो जाएगी ।"

હોટલના રૂમની પાછળની બાજુ બાલ્કની છે અને ત્યાંથી હિમાલયની બરફચ્છિત પર્વતમાળાનો ખુબ સુંદર વ્યુ જોવા મળે છે. અંધારાનું સામ્રાજ્ય વધવાને કારણે હિમાલયની પર્વતમાળા નું દૃશ્ય સ્પષ્ટ દેખાતું નહતું. આજે પૂનમની રાત તો નહોતી પરંતુ જો પૂનમની રાત હોય તો રાતના સમયે પણ ચંદ્રમા શીતળ પ્રકાશમાં હિમાલયના આ શીખરોની શીતળતા અને સુંદરતા બેયમાં વધારો થઈ જાય. આજે વાતાવરણ વાદળછાયું હતું જેથી ચંદ્રમાનો પ્રકાશ પણ સંતાકૂકડી રમતો હતો.

હોટેલનું બિલ્ડીંગ ઉચ્ચ પર્વતીય વિસ્તાર એટલેકે હિલટોપમાં હતું જેથી નીચેના ખીણ વિસ્તારમાં જેટલા ગામડા હતા એ ગામડા ઓનો રાત્રી વ્યુ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. દરેક ઘરમાં રાતે લાઈટ ચાલુ થઈ હોય તેથી એ વિસ્તારની બલ્બના પ્રકાશ જોઇ ને એવું લાગે કે જેવી રીતે આકાશ માં રાત્રે તારાઓ ચમકી રહયા છે. પરંતુ આ તારાઓ આભમાં નહિ પણ જમીન પર ચમકી રહયા હતા. ખૂબ જ સુંદર અને નયનરમ્ય દૃશ્ય હતું. મેં એનો એક પિક્ચર પણ મારા મોબાઈલ માં ક્લિક કરી લીધો (Image-24). સામાન્ય રીતે તમે પહાડો માં ફરવા જાવ અને અંધારા માં રાત્રીના સમયે આવા સુંદર દૃશ્ય અવશ્ય જોવા મળે. દરેક વિસ્તારની એક આગવી ખાસિયત હોય છે. એવી જ રીતે પહાડોની પણ દિવસ- રાત્રીની અલગ અલગ ખાસિયાતો હોય છે એમાની આ પણ એક ખાસિયત છે. ત્યાર પછી અમે હોટલના રિસેપ્શન કાઉન્ટર પર જઈ ને ત્યાંના મેનેજરને રાત્રીના ભોજન માટે ઓડર લખાવી દીધો. પછી રૂમ પર આવી ને થોડો આરામ કર્યો.

આજ કાલ ટ્રેન્ડ ચાલે છે કે જયાં પણ ફરવા જાવ એટલે એના પિક્ચર-વિડિઓ સોશ્યિલ મીડિયા પર અપલોડ કરીયે નહીં ત્યાં સુધી ફરવાનું અધૂરું લાગે. અને અમુક તો ફરવાને કે કુદરતી સૌંદર્ય માણવાને બદલે ત્યાં પણ ફોટો અને વિડીઓમાં ખોવાયેલા હોય. જ્યારે ઘરે આવી એ જોવે ત્યારે કહે અરે આતો મસ્ત હતું પણ જોવાનું રહી ગયું. ફરવા જઈએ તો ફરવામાં ધ્યાન આપવું જોઈએ, હા મેમરી માટે ફોટો-વિડિઓ લેવા જરૂરી છે પણ એની કંઈક લિમિટ હોય. મને એવી ખાસ આદત નથી એટલે જરૂર પૂરતા પિક્ચર અને વીડિયો શૂટ કરું અને એને સોશ્યિલ મીડિયા માં અપલોડ કરી દઉં. ખાસ કરીને મારુ ફેસબુક પર પેજ છે ટૂરિઝમનું છે એમાં અને વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં લોકોને માહિતી અને એડ માટે પોસ્ટ કરું. એટલે એ કામ પતાવ્યું. ત્યાર સુધીમાં અમારું જમવાનું આવી ગયું હતું. પનીરનું શાક, મિક્સ વેજીટેબલ શાક, રોટલી, દાલ ફ્રાય - રાઇસ અને અમારી પાસે લઈ આવેલી છાશ તો હતીજ. જમતા જમતા છાસનું પેકેટ તોડ્યું તો એમાં ખુબજ ખાટી વાસ આવતી હતી જેથી એ પીવા લાયક લાગી નહિ. બાકી મેતો છાસમાં નાખવા માટે જલજીરા પણ તૈયાર રાખેલ હતી. આ સિવાય હું ઘરેથી અમારી બેગ ચાય , કોફી, ખાંડ, મિલ્ક પાવડર લઈ લીધા હતા જેથી પહાડી હોટલ માં જો કેટલ મળી જાય તો તો ચાય-કોફી બનાવી શકાય. જમવાનું ખુબજ ટેસ્ટી હતું ધાર્યા કરતાં વધુ જમાઇ ગયું. થોડું સ્પાઈસી પણ ખરું અને એ પણ છાસ વગર જમ્યા એટલે ઠંડી ઉડી ગઈ.

જમ્યા બાદ હોટલના પરિસરમાં થોડા ચક્કર લગાવ્યા. જમ્યા પછી વધુ નહિ તો 400-500 સ્ટેપ જરુંરથી ચાલવું જોઈએ જેથી જમવાનું સરળતાથી પચી જાય. બાજુમાં કોઈક ગુજરાતી ફેમિલી રોકાયું હતું અને એમના છોકરાઓ રમતા હતા અને મસ્તી કરતા હતા. અવાજ પરથી ઓળખાઈ ગયેલા કે ગુજરાતી ફેમિલી છે કારણ કે ભાષા એવી વસ્તુ છે કે ગમે ત્યાં થી માણસો ઓળખાઈ જાય. સુંદર પહાડોની ગુલાબી ઠંડી વાળી રાત્રી હોય અને આખા દિવસનો ટ્રાવેલિંગનો થાક એટલે ઊંઘ પણ વહેલી આવી જાય એટલે સમયસર સુઈ ગયા.

તારીખ : 02-12-2021

આજે અમારે કૌસાનીથી નૈનિતાલ સુધીની લાંબી એવી સફર ખેડવાની હોવાથી અમે સવારે સમયસર જાગી ગયા. આજની સવાર ખુબજ સુંદર અને આહલાદ્દક નીવડવાની હતી. એની તૈયારી મેં રાતે સૂતી વખતેજ કરી લીધેલ. રૂમની જે બાજુએ હિમાલયની પર્વત માળા આવેલ છે તે બાજુની દીવાલ કાચની છે. ત્યાંથી ખુબજ સુંદર એવો પર્વતીય અને લીલોતરી ભર્યો વ્યુ દેખાય છે. રાત્રે સૂતી વખતે મેં પડદો ખુલો રાખેલો જેથી વહેલી સવારે ઉઠતાવેંત સૂર્યનારાયણના કિરણો અને હિમાલયરાજના સુંદર પર્વતો સાથે મારી સવારની શરૂઆત થાય.

આદત મુજબ મારી સવાર પ્રભાત વંદનાથી જ શરુ થાય. સવારમાં પથારીમાંથી ઉભા થતા જ બન્ને હાથની હથેળીના દર્શન કરું. સંસ્કૃતમાં શ્લોક છેને,

"कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति ।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥"

એટલેકે હાથના અગ્રભાગમાં માં લક્ષ્મીજીનો નિવાસ છે. હાથની મધ્યમાં માં સરસ્વતીનો વાસ છે અને હાથના મૂળભાગમાં શ્રી ગોવિંદનો વાસ છે આથી વહેલી પ્રભાતે "કર" હાથના દર્શન કરવા જોઈએ. ઉપયુક્ક્ત શ્લોક બોલતા બોલતા હથેળીના દર્શન કરવા જોઈએ.

આ શ્લોકનો મહિમા અહીં પૂર્ણ નથી થતો. આ શ્લોક આત્મનિર્ભરતા અને સ્વાલંબન વધારે છે. આપડે જે સારા અને ખરાબ કાર્ય કરીયે છીએ તે આપડા હસ્તને આધીન છે. આપડા આ હાથજ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે. મનુષ્ય જીવનને સુખરૂપ પાર પાડવા માટે ધન, જ્ઞાન અને ઈશ્વરના આર્શિવાદની જરૂર હોય છે. ઉપયુક્ત શ્લોક નિર્દેશ કરે છે કે જે જરૂરી છે એ પોતાના હસ્તને આધીન છે તો કોઈના ભરોશે ના રહી અને પોતાના સ્વહસ્તે શુભ કાર્ય આને કર્મ કરતા રહેવાથી જીવનમાં અવશ્ય સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થશે.

હવે શાસ્ત્ર અને શ્લોક વિષે વધુ વાત ના કરતા આપડી યાત્રાને આગળ વધારીએ. સવારે હાથની વંદના કરી ઇષ્ટદેવને પ્રણામ કરી આજના સુંદર દિવસ માટે આભાર વ્યકત કર્યો અને આજનો દિવસ સુખરૂપ નીવડે એ માટે પ્રાર્થના કરી. ત્યાર બાદ પથારીમાંથી જ.ભુમી-ધરતીમાને પ્રણામ કર્યા અને પછી પગ નીચે મુક્યો. આ એક સારી આદત છે અને જીવનમાં ઉતારવા જેવી છે. આજતો આપડા સંસ્કાર છે જે પુરાણો અને વેદમાંથી મળે છે. જે લોકો અધુનિકતાના નામે પુરાણો અને વેદોને ભૂલી રહ્યા છીએ તેને યાદ કરવાનો સમય છે.

પથારી માંથી ઉભાથતા વેંત હું સીધો બાલ્કનીમાં ગયો અને સામે દેખાતી પર્વતરાજ હિમાલયના સુંદર અને વિશાલ શિખરો જોઈ રહ્યો (Image-25). અહીંથી નંદા દેવી, ત્રિશુલ પર્વત અને પંચધુલી પીકના મનમોહક બરફાચ્છદિત શિખરો દેખાય છે. જેને જોઈ પરમશાંતિ અનુભવ સાથે નયનો તૃપ્ત થઇ જાય છે. આજે થોડું વાદળ છાયું વાતાવરણ હોવાથી cv જોઈએ એટલો સ્પષ્ટ વ્યુ જોવા નતો મળ્યો પણ જે જોયું એનાથી મનને ખુબજ સંતોષ હતો. ઉપરાંત જમણી બાજુએ સુંદર દેવદાર અને ચીડના ઝાડનું જંગલ દેખાતું હતુ (Image-26). અમારી હોટેલ હિલટોપ ઉપર હતી જેથી નીચેના પહાડી ગામડાઓની સુંદર સવારનો નજારો પણ દેખાઈ રહ્યો હતો. વહેલી સવારમાં પાણી ગરમ કરવા અથવા તાપણું કરવા માટે કરેલ ચુલ્હાનાં ધુમાડાના ગોટા ખુબજ સુંદર લાગી રહ્યા હતા.

મારા માટે જયારે આપણે ફરવા માટે કે પ્રવસયાત્રા એ નીકળીએ ત્યારે આ બધું જ મહત્વનું હોય છે. ખાસ કરીને પહાડોમાં કે સમુદ્ર કિનારે, નદીના કિનારે કે પછી જંગલમાં જયારે યાત્રા કરતા હોઈએ ત્યારે પ્રકૃતિને માણવાની સાથે એમાં ઓતપ્રોત થઇ જવાનું હોય છે. અને એના દરેક સ્વરૂપને મનભરીને માણવાનું હોય છે. જેમકે સવારનો સુંદર સૂર્યોદય હોય કે પછી સૂર્યાસ્ત સમયનો સંધ્યાકાળ હોય. દરેક સમયે પ્રકૃતિનું સ્વરૂપ અલગ અને સુખરૂપ હોય છે. હવે પછી જયારે પણ યાત્રાએ નીકળો ત્યારે ખાલી લોકેશન કે પોઇન્ટ જોઈ ફોટો પાડવા ઉપરાંત પ્રકૃતિના દિવસ સ્વરૂપને અવશ્ય માણજો તમને જરૂર લાગશે કે તમારી યાત્રા ખરેખર સાર્થક રહી છે.

ત્યાર બાદ નિત્યકાર્ય પતાવીને હિમાલયના સુંદર વ્યુ જોતા જોતા જ સવારના નાસ્તાની મજા લીધી. નાસ્તામાં ગરમાં-ગરમ આલુ પરોઠા, દહીં, બ્રેડ-બટર સાથે ગરમ ગરમ ચા-કોફીની ચુસ્કીઓ પણ ખરીજ. નાસ્તો કર્યા બાદ અમે હોટેલના મેનેજરને મળવા ગયા અને એમનો આટલી સુંદર મહેમાનનવાજી માટે આભાર વ્યક્ત કર્યો. ઉપરાંત હોટેલના દરેક રૂમની અને ડાઇનિંગ હોલની વિઝીટ કરી. અમે અમારા કસ્ટમરને જે કોઈ હોટેલ સજેસ્ટ કરતા હોય એ આવીજ રીતે અમારી વિઝીટ કરેલ અને ચકાસેલ હોય છે. હવે અમે સમાન પેક કરી, સ્ટાફનો સુંદર સર્વિસ માટે આભાર વ્યક્ત કરી ટીપ આપી અને નીકળી પડ્યા.

અમારું આગળનું મુકામ નજીક જ હતું. આમારે હવે કૌસાની ચાયના બગીચા જોવા માટે જવાનું હતું જે હોટેલથી કૌસાની જતા રસ્તામાંજ આવતા હતા. અમારી હોટેલ કૌસાની થી સાત કિલોમીટર બહાર છે જયારે ચાના બગીચા પાંચ કિલોમીટર બહાર આવેલા છે. આમતો ચા વધુ પડતી આસામમાં જોવા મળે છે પણ અહીં ઉત્તરાખંડમાં પણ ચાના બગીચા આવેલ છે. જે કૌસાની થી બાગેશ્વર જતા રસ્તામાં આવે છે. પ્રાપ્ત જાણકરી મુજબ આ બગીચા ૨૦૮ હેકકટર જેટલા વિસ્તારમાં નાના-મોટા એકવીસ ભાગોમાં ફેલાયેલ છે. અહીંથી મુખ્યત્વે ઉત્તરાખંડની પ્રખ્યાત "ગિરિયાસ ટી" નું ઉત્પાદન અહીં થાય છે. અહીં ઉત્પાદિત ચા જર્મની, ઓસ્ટ્રેલિયા અને કોરિયા જેવા દેશોમાં એક્સપોર્ટ થાય છે. ચા ના બગીચા મુખ્ય રોડથી થોડા ઉપર આવેલા છે. લગભગ સો એક મીટર ટ્રેકિંગ કર્યા બાદ ચાના સુંદર બગીચા દેખાવા લાગે છે. ચા ના બગીચા સ્ટેપ આકારની જમીનમાં બનેલ છે. પગથિયાં આકારના ખેતરોમાં આવા બગીચા ફેલાયેલ હોય છે. નાના હતા ત્યારે ભણવામાં આવતું કે ચા ના છોડના મૂડમાં વધુ સમય પાણી રહેવું ના જોઈએ કદાચ એટલેજ આવા ભૌગોલિક વિસ્તારમાં જ ચાની ખેતી શક્ય બની હશે. બગીચાની વચ્ચે રસ્તો આવેલ છે અમે એ રસ્તે રસ્તે થોડે ઉપર સુધી ગયા અને ચા નો છોડ અને પત્તીઓની વચ્ચે રહીને જોઈ. (Image-27,28) અહીં અમારી આઠે ૧-૨ કુતરા પણ હતા. એની જોડે થોડી રમત કરી. અહીંના કૂતરોના વાળ ખુબજ ઘટ્ટ હોય છે જેથી કરીને એની જોડે રમવાની ખુબજ મજા આવે. કદાચ એવું હોવાનું કારણ અહીંની ઠંડી આબોહવા હોવી જોઈએ જેથી એને ઠંડી સામે રક્ષણ મળે. અહીં ઉપરના ભાગે ચા ની ખરીદી માટે શોપ પણ આવેલી છે. અમે થોડા વહેલા હતા જેથી હજુ તે ખુલી નહોતી. આ પહેલા હું જયારે ૨૦૧૮ માં આવેલો ત્યારે અમે અહીંથી ચા ની ખરીદી પણ કરેલી, ઉપરાંત ચા વીણવા વાળી બહેનો સાથે મુલાકાત કરેલ અને એમના કાર્ય વિષે વિસ્તૃતમાં જાણકારી મેળવેલ. મારા શ્રીમતીજી એ તો બહેનનો સ્કાફ અને ચા વીણવાની ટોપલી લગાવી ફોટા પણ પડાવેલ. અહીંથી સામેની બાજુએ પર્વતરાજનો સુંદર વ્યુ પણ જોવા મળે છે. હવે મેં ત્યાંથી અનાશક્તિ આશ્રમ તરફ જવા નીકળ્યા.

અનાશક્તિ આશ્રમ કૌસાની મુખ્ય માર્કેટથી બસસ્ટેશનથી ઉપર આવેલ છે. અમે જે રસ્તે આવેલા એજ રસ્તેથી કૌસાની માર્કેટ ક્રોસ કરી અનાશક્તિ આશ્રમ પહોંચ્યા. મુખ્ય સડકથી ઉપરની બાજુ એક નાનકડી સડક જાયછે તેના દ્વારા અહીં સુધી પહોંચી શકાય છે. અનાશક્તિ આશ્રમ સાથે ગાંધીજીનું નામ જોડાયેલ છે. સન ૧૯૨૯ માં ગાંધીજીએ કૌસાનીની મુલાકાત લીધેલી અને આ સ્થળ ઉપર લગભગ બે અઠવાડિયાનું રોકાણ કરેલ. અહીં રહી તેઓએ અનશક્તિ યોગ ઉપર સમીક્ષા લખી હતી જેથી આ સ્થળ "અનાશક્તિ આશ્રમ" તરીકે ઓળખાય છે. ગાંધીજી અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની સુંદરતા જોઈને કૌસાનીને ભારતના "સ્વીઝરલેન્ડ" નું બિરુદ આપેલું. આ ઉપરાંત કૌસાની હિન્દી સાહિત્યના કવિ સુમિત્રાનંદન પંતનું જન્મસ્થળ પણ છે.

મુખ્ય દ્વારથી દાખલ થતા સામે વિશાળ પાર્કિંગ આવેલું છે. ત્યાંથી આશ્રમમાં જવા માટે મોટો દરવાજો આવેલ છે. દરવાજાની પહેલા પાર્કિંગમાં ડાબી બાજુ ખૂણામાં આશ્રમ અને કૌસાની વિશે માહિતી આપતી તકતી મારેલ છે (Image-29).
દરવાજામાં દાખલ થતા જમણી બાજુ એક મકાન આવેલું છે. સામેની બાજુ મુખ્ય પ્રાર્થના હોલ આવેલ છે. અને પ્રાર્થના હોલની પાછળ પણ એક બીજું મકાન આવેલ છે. જે પ્રાથના હોલ છે (Image-31). પ્રાથના હોલની બહારની બાજુ ગાંધીજીનું પૂતળું આવેલ છે (Image-32) . જેની ડાબી બાજુ એ ગાંધીજીના ત્રણ વાંદરા મુકેલ છે. જે એવું કહેવા માંગે છે કોઈનું ખરાબ બોલવું નહિ, કોઈનું ખરાબ જોવું નહિ અને કોઈનું ખરાબ સાંભળવું નહિ. આમતો આ સામાન્ય લાગતા વાંદરા જીવનનું મોટું સત્ય કહી જાય છે. જો એને જીવનમાં ઉતરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ અને મતભેદ પુરા થઈ જાય. પરંતુ વાતો કરવી સહેલી છે જીવનમાં ઉતારવું મુશ્કેલ છે. ત્યા બાજુમાંજ પ્રાર્થના હોલનો દરવાજો છે જેમાં દાખલ થતા પરમ શાંતિનો અનુભવ થાય છે. સામેની તરફ ગાંધીજીના બે વિશાળ ચિત્ર લાગેલા છે. એક ચિત્ર રેંટિયો કાંતતા હોય અને બીજા ફોટોમાં પહાડો અને ઝાડનું બેકગ્રાઉન્ડ જોતા કૌસાની વિઝીટ વખતનો હોય એવું લાગે છે.નીચે ફ્લોર પર બેસવા અને પ્રાર્થના માટે ચટાઈ પાથરેલ છે. અહીં પ્રાર્થના હોલની દીવાલમાં ફરતે ગાંધીજીની મુલાકત વખતની છબીઓ અને તેમજ જૂની છબીઓ અને દસ્તાવેજ લગાવેલ છે. અહીં સવાર સાંજ પ્રાર્થના થાય છે. હવે પ્રાર્થના હોલની પાછળ બહારની બાજુથી હિમાલયરાજનો સુંદર વ્યુ દેખાય છે (Image-30). મુખ્ય દરવાજામાં દાખલ થતા ડાબી બાજુ પાંચ પગથિયાં પછી ઉભા રહેવા માટે પ્લેટફોર્મ સાથે હિમાલય દર્શન પોઇન્ટ આપેલ છે. જેમાં સામેની બાજુ વ્યુ મુજબ હિમાલયના પર્વત નામકરણ સાથે દોરેલ છે જેથી હિમાલય દર્શન સાથે એના શિખરની માહિતી પણ મળી રહે.

હવે પછીની મુસાફરી આઠમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval ફોલો કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યૂટ્યૂબ વિડિઓ લિંક :
કૌસાની ચાના બગીચા :https://youtu.be/CVUpFo_YTw4

અનાસક્તિ આશ્રમ, કૌસાની :https://youtu.be/CVUpFo_YTw4