Love Revenge Spin Off Season - 2 - 6 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-6

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-6

                       

                 “તારો લોજિક સાચો હતો...!”  બાઇક ઉપર બેસીને સિગારેટ ફૂંકી રહેલાં વિશાલને સામે ઊભેલી લાવણ્યા હતાશ સ્વરમાં બોલી રહી હતી.  

 

            ભારે વરસાદને લીધે પોતાની કારમાં નેહાને ઘરે ડ્રોપ કરવાં જઈ રહેલાં સિદ્ધાર્થે કૉલેજની બહારના બસસ્ટેન્ડ આગળ ઓટોની વેઈટ કરતાં -કરતાં પલળી ગયેલી લાવણ્યાને લિફ્ટ આપી હતી.  વરસાદને લીધે રસ્તામાં હેવી ટ્રાફિકને જામ થતાં લાવણ્યા અને નેહાને તેમનાં ઘરે ઉતારવાં સિદ્ધાર્થે તેની કાર એસજી હાઈવે તરફથી ફરાવીને લીધી હતી. જોકે નેહા અને સિદ્ધાર્થનાં મેરેજ ફિક્સ થઈ ગયાંની વાત જાણી આઘાત પામી ગયેલી લાવણ્યાએ કામનું બહાનું કાઢીને એસજી હાઈવે ઉપર આવેલી ખેતલાપા ટી-સ્ટૉલ આગળ હાઈવે ઉપરજ સિદ્ધાર્થને તેણીને ડ્રોપ કરી દેવાંનું કહ્યું હતું. ભારે વરસાદમાં પલળી જવાથી ટ્રાન્સપરન્ટ થઇ ગયેલાં લાવણ્યાનાં ડ્રેસને જોઈને નેહા અને સિદ્ધાર્થે તેણીને ત્યાં ઉતરવાની ના પાડી હતી. છતાં પણ લાવણ્યા જિદ્દ કરીને ખેતલાપા ઉતરી ગઈ હતી. લાવણ્યાને ત્યાંજ ડ્રોપ કરીને સિદ્ધાર્થ નેહાને ડ્રોપ કરવાં નીકળી ગયો હતો.

 

            ખેતલાપા ટી -સ્ટૉલ ઉતરી જઈને લાવણ્યાએ વિશાલને કૉલ કરીને તાબડતોબ બોલાવ્યો હતો.  

 

            વિશાલનાં આવ્યાં પછી લાવણ્યાએ વિશાલને સિદ્ધાર્થ-નેહાના મેરેજ વિશેની બધી વાત જણાવી હતી.

 

            લાવણ્યાની વાત સાંભળી રહેલો સિગારેટ ફૂંકતાં- ફૂંકતાં રહેલો વિશાલ સામે ખેતલાપા ટી-સ્ટૉલ ઉપર વરસાદ અટકી જતાં ચ્હા અને દાળવડાં તેમજ ગરમ નાસ્તો ખાવાના શોખીન ગુજરાતીઓની ભીડ તરફ જોઈ રહ્યો હતો.

 

            “મારાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયા છે...! મેરેજ ફિક્સ થઈ ગયા છે...!”

 

            નેહાનાં શબ્દોનાં હજીપણ લાવણ્યાના કાનમાં પડઘાં પડી રહ્યાં હતાં.

 

            “ઘરર......!” વરસાદ થંભી ગયો હતો, છતાં આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોનો ગડગડાટ હજી નહોતો શમ્યો.

           

            “ઘરર......! ઘરર......!” ખેતલાપા ટી-સ્ટૉલની સામે સર્વિસ રોડની પેવમેંન્ટ ઉપર ઊભેલી લાવણ્યાનાં મનમાં પણ વાદળોનાં ગડગડાટની જેમજ નેહાએ કહેલી વાતોનાં પડઘા પડી રહ્યાં હતાં.

           

             “તેઓ કદાચ પહેલેથીજ એકબીજાને ઓળખે છે....!”  થોડીવાર પછી લાવણ્યા ફરીવાર એવાંજ હતાશ સ્વરમાં બોલી.

 

            “તને કોઈ વાત યાદ આવી...!?” વિશાલે લાવણ્યાના ચહેરાના હાવભાવ જોતાં કહ્યું.

 

            “હા....! લગભગ....!” લાવણ્યાએ તેની સામે જોયું “થોડાં દિવસો પહેલાં સિદ્ધાર્થ નેહાને PVRમાં કોઈ હિન્દી મૂવી જોવાં જવાનું પૂછતો હતો...! તો નેહા એવું બોલી હતી કે ‘તને કયારથી હિન્દી મૂવી જોવાનો શોખ લાગ્યો...?” 

 

        “અરે યાર તું આ વાત મને અત્યારે કે’છે...!” વિશાલે માથે હાથ દીધો અને સિગારેટ નીચે ફેંકી “મતલબ સાફ છે...યાર....’ક્યારથી’...! શબ્દ સાંભળીનેજ તારે સમજી જવું હતું કે તેઓ એકબીજાને પહેલેથી ઓળખે છે....!”

 

        “મારુ ધ્યાન PVR શબ્દ ઉપર હતું...!” લાવણ્યા બોલી.

 

        “કેમ બંને PVR જાત તો તને શું બળતું’તું....!?” વિશાલ બોલ્યો અને લાવણ્યા સામે જોઈ રહ્યો “તારે તો ફક્ત એની જોડે બદલોજ લેવો છે ને....!?”

 

            લાવણ્યા આડું જોઈ રહી.

 

             “મારાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે....! મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે....!” નેહાની એ વાત યાદ આવી જતાં હાઈવે તરફ તાકી રહેલી લાવણ્યાની આંખ ભીની થઈ ગઈ.

 

        “એક મિનિટ....!” લાવણ્યાની આંખના ભીંજાયેલાં ખૂણા જોઈને વિશાલે તેણીનો ચેહરો પકડી પોતાની તરફ ફેરવ્યો “my god…! તું તો એને પ્રેમ કરવાં લાગી....!”

 

        “Stop it યાર...!” ગળગળી લાવણ્યાએ વિશાલનો હાથ ઝાટકીને તેનો ચેહરો ફરી ફેરવી લીધો.

           

            તેની આંખોમાં આવી ગયેલાં ઝળહળીયા લૂંછતાં- લૂંછતાં તે હવે પોતાનું રડવું કંટ્રોલ કરવાં લાગી.

 

        “હાં....હાં....હાં...!” વિશાલ જાણે લાવણ્યા ઉપર હસતો હોય એમ મોટેથી હસી પડ્યો.

 

        “એમાં રાવણની જેમ હસે છે શું....! ગધેડાં....!” ચિડાયેલી લાવણ્યા રડતાં-રડતાં મોટેથી છણકો કરીને બોલી.

 

        “તું ખરેખર એને પ્રેમ કરવાં લાગી....!? ખરેખર...!?” વિશાલ પોતાનું હસવું માંડ દબાવી રાખતાં બોલ્યો “તારાં જેવી છોકરી કોઈને પ્રેમ કરી શકે...!?”

           

            વિશાલ વેધક સ્વરમાં ટોંન્ટ મારી રહ્યો.

 

            “મને તો વિશ્વાસ જ નઈ થતો....! હાં.....હાં......હાં......!”  

           

            "કેમ...!? મ...મારાં  જેવી એટલે ...!?" રડતાં -રડતાં લાવણ્યાએ ગળગળા સ્વરમાં પૂછ્યું.

 

            મોટેથી હસી રહેલાં વિશાલને લાવણ્યા ડૂસકાં ભરતી-ભરતી ચિડાઈને જોઈ રહી.

 

             “હાં....હાં....! આ તો વાઈરલ ન્યૂઝ છે...! હોં....! વાઈરલ ગ્રૂપમાં બધાંને ખબર પડવી જ જોઈએ...!”  એટલું કહીને વિશાલે સીટમાં સહેજ સીધાં થઈ તેનાં જીન્સના પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો “કોલેજની બ્યુટી ક્વિન....!”

           

            વિશાલે લાવણ્યા સામે જોઈને ચાળા પાડ્યાં –

 

            “ધી લાવણ્યા..! loves સિદ્ધાર્થ....! હાં...હાં....હાં.....!” મોબાઈલમાં મેસેજ ટાઈપ કરી રહેલાં વિશાલને જોઈને લાવણ્યા વધુ ચિડાઈ ગઈ.

 

            “બંધ કરને હવે ગધેડાં....!” લાવણ્યાએ ચિડાઈને વિશાલનો મોબાઈલ ખેંચી લીધો અને હાઈવે તરફ ફેંકતી હોય એમ હાથ ઊંચો કર્યો.

 

            “અચ્છા બાબા....! સોરી... સોરી...! બસ...!” સીટ ઉપરથી ઉતરીને  વિશાલે તેનાં કાન પકડી લીધાં અને લાવણ્યાનાં હાથમાંથી તેનો ફોન લેવાં હાથ લંબાવ્યો “હવે હું સિરિયસ બસ.....!”

 

            ઘુરકીને લાવણ્યાએ કેટલીક ક્ષણો સુધી વિશાલ સામે જોયે રાખ્યું પછી વિશાલને તેનો મોબાઈલ પાછો આપ્યો.

           

            “હવે બોલ...!” સીટ ઉપર પાછાં બેસતાં-બેસતાં વિશાલ બોલ્યો “શું થઈ ગ્યું તને અચાનક....!?”

 

            વિશાલે ફરીવાર ટોંન્ટમાં બોલતાં લાવણ્યા એક નજર તેની સામે જોઈ રહી.

 

            “બોલ...બકા....! તારું મૂડ સારું થાય એટ્લે મસ્તીમાં બોલું છું...! બોલ...!” વિશાલ કાલાવેડાં કરતો હોય એમ બોલ્યો.

 

             "કીધું તો ખરાં ....! સિડનાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે ...!" લાવણ્યા ભીની આંખે બોલી.

           

            "ઓહો ...સિડ ....એમ...!?" વિશાલ ફરીવાર લાવણ્યાને ચિડાવતો હોય એમ બોલ્યો.

           

            લાવણ્યા ફરીવાર ભીની આંખે ઘુરકીને વિશાલ સામે જોઈ રહી.

           

            "અચ્છા બાબા સોરી ...સોરી ..બસ ...! બોલ....!" વિશાલે ફરીવાર પોતાનાં કાન પકડ્યાં.

           

            “કેટલીવાર કવ...!” લાવણ્યા રડતાં-રડતાં બોલી “એનાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે...અને ઓલી ના પાડે છે....!”

 

        “ પણ તારી આખી વાતમાં તે એ ના કીધું કે નેહા સિદ્ધાર્થ જોડે લગ્ન કરવાની ના કેમ પાડે છે....!?” વિશાલે લાવણ્યાને સામે ઊભેલી પૂછ્યું.

           

            લાવણ્યા પોતાની આંખો લૂંછવા લાગી. વિશાલ રાહ જોઈ રહ્યો કે ક્યારે લાવણ્યા પોતાની વાત કહે.

*****

 

            “ઝીલ.....! ઝીલ....!” નેહાને ઘરે ડ્રોપ કરી ઘરે આવતાંજ ખુશ થઈ ગયેલો સિદ્ધાર્થ ઝીલને શોધવાં લાગ્યો.

           

            “ઝીલ તો નથી....!” રૂમમાંથી બહાર આવતાં-આવતાં કરણસિંઘ બોલ્યાં “એ અને રાગિણી માર્કેટ ગ્યાં છે....શાકભાજી લેવાં....!”

 

            “અચ્છા....!” સિદ્ધાર્થ બોલ્યો.

           

            “કોઈ ખાસ વાત....!?” સિદ્ધાર્થનાં ચેહરા ઉપર ચમક જોઈને કરણસિંઘે પૂછ્યું પછી ખુશ થઈ સોફામાં બેસતાં-બેસતાં બોલ્યાં “શેડનો મેળ પડી ગ્યો કે શું....!?”

 

            “નાં...શેડનો નઈ....!” સિદ્ધાર્થ મલકાઈને બોલ્યો.

           

            “તો....!?” કૉફી ટેબલ ઉપર પડેલું છાપું ઉઠાવતાં-ઉઠાવતાં કરણસિંઘ બોલ્યાં.  

           

            “અમ્મ...! નેહાએ મેરેજ માટે હાં પાડી દીધી....!” સિદ્ધાર્થ ખુશ થઈને બોલ્યો અને સ્મિત કરી રહ્યો.

           

            “અરે વાહ.....ખૂબ સરસ....!” કરણસિંઘ ખુશ થઈ ગ્યાં અને હાથમાં લીધેલું છાપું પાછું કૉફી ટેબલ ઉપર મૂકી કરણસિંઘ ઊભાં થતાં બોલ્યાં.

 

            “ઝીલે વાત કરીને મનાઈ....!” સિદ્ધાર્થે ઔપચારિક સ્મિત કર્યું અને બોલ્યો.

           

            “અરે કોઈ વાંધો નઈ....!” કરણસિંઘ બોલ્યાં પછી સુરેશસિંઘનાં રૂમ તરફ જોઈને સહેજ ઊંચા સ્વરમાં બોલ્યાં “અરે સુરેશ....! સુરેશ....!”

 

            “હાં...ભાઉ....!” પોતાનાં રૂમમાંથી નીકળી સુરેશસિંઘ બહાર આવતાં બોલ્યાં "શું હતું બોલો ...!?"  

 

            "નેહાએ હા પાડી દીધી ...!" કરણસીંઘ ઉત્સાહપૂર્વક બોલ્યાં.

 

            "સરસ ...! તો હવે તમે કો' એમ ભાઉ ..!" સુરેશસિંઘ પણ સ્મિત કરીને બોલ્યાં.

 

            "ટ્રીન ....ટ્રીન ....!" ત્યાંજ સિદ્ધાર્થનાં ફૉનની રિંગ વાગી.

            "બ્રોકરનો ફોન છે .....!" પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર જોઈ સિદ્ધાર્થ બોલ્યો.

 

            "તો વાત કરીલે ..! કામ પે'લું...!" કરણસિંઘ બોલ્યાં.

 

            "હાં બોલો .....!" કૉલ રિસીવ કરી સિદ્ધાર્થ બોલ્યો.

 

            "હાં ...સિદ્ધાર્થભાઈ ...! બે -ત્રણ શેડ જોયાં છે ....!" સામેથી બ્રોકરનો અવાજ સંભળાયો "તમે કો' ત્યારે જોવાં જઈએ ...!"

 

            "હાં ...તો આવતીકાલનું રાખો ...!" સિદ્ધાર્થ બોલ્યો.

 

            "ઓકે ....કેટલાં વાગે ...!?"

 

            "સવારે નવ વાગ્યે જઈએ તો ...!?" બ્રોકર બોલ્યો "વરસાદનું પણ નક્કી નઈ ...અને ટ્રાફિક પણ ઓછો નડે ..!"

 

            "તો તો કાલે કૉલેજ નઈ જવાય ...!" મોબાઈલ કાને માંડી રાખી સિદ્ધાર્થ બબડ્યો પછી બોલ્યો "સારું ....કાલે સવારે નવ વાગ્યે ...!"

 

            વાત પુરી કરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને સૉફાં પાસે ઊભેલાં કરણસીંઘ સામે જોયું.

 

            "હું પણ આઈશ જોડે ....!" કરણસીંઘ બોલ્યાં પછી સુરેશસિંઘ સામે જોયું જમતી વખતે સિદ્ધાર્થ અને નેહાનાં મેરેજ વિષે આગળ ડિસ્કશન કરીએ ...!"

 

            સુરેશસિંઘે માથું ધુણાવ્યું અને પાછાં પોતાનાં રૂમ તરફ જતાં રહ્યાં.

 

            "કાલે શેડ જોવાનું કામ પતે ...એટલે મારે બરોડાં અને સિહંલકૉટ થોડું કામ છે ...!" કરણસીંઘ પાછાં સોફામાં બેસતાં બોલ્યાં "તારે એકાદ -બે દિવસ કૉલેજમાં રજા પડશે ...તો ચાલશેને ...!?"

 

            "હાં ...વાંધો નઈ ....!" સિદ્ધાર્થ બોલ્યો.       

 

            "આપડે બેજ જઈશું ...! રાગિણી ભલે અહિયાં રે 'તી ....!" કરણસીંઘ બોલ્યાં અને કૉફી ટેબલ ઉપર પડેલું છાપું પાછું હાથમાં લઈ સૉફામાં પીઠ ટેકવી આરામથી બેઠાં "કામ પતાઈને પાછાં આઈશુ ...! પછી તમારાં મેરેજનું આગળ ગોઠવીએ ...!"

           

            "ઓકે ...!" નેહા સાથે ફાઈનલી મેરેજ નક્કી થવાનું નક્કી થઈ જતાં સિદ્ધાર્થ ખુશ થયેલો સિદ્ધાર્થ બોલ્યો અને મલકાતો-મલકાતો પોતનાં રૂમ તરફ જવાં લાગ્યો.

 

            પોતાનાં રૂમમાં આવીને સિદ્ધાર્થે નેહા સાથે વાત કરવાં માટે પોતાનાં મોબાઇલમાંથી whatsapp ઓપન કરી તેણીને મેસેજ કરવાં માંડ્યો.

 

            "hi ....! વાત થશે .....!?" સિદ્ધાર્થે મેસેજ કર્યો.

 

            નેહાનો રિપ્લાય આવવાની રાહ જોતાં-જોતાં સિદ્ધાર્થ રૂમની બાલ્કનીમાં આંટા મારવાં લાગ્યો.

           

            આંટા મારતાં-મારતાં સિદ્ધાર્થ દૂર પાછું સામેની બાજુનું દ્રશ્ય જોવાં લાગ્યો. કાળાં વાદળોથી આખું આકાશ ભરાઈ ગયું હતું. મોડેથી તો મોડેથી, પણ અમદાવાદમાં છેવટે મન મૂકીને વર્ષારાણી વરસી પડ્યાં હતાં. વરસાદને લીધે વાતાવરણ ધીરે-ધીરે ઠંડુ પડવાં લાગ્યું હતું. પહેલાં વરસાદ પછી આવતી માટીની મેહેકને સિદ્ધાર્થ ઊંડો શ્વાસ ખેંચી માણવા લાગ્યો.

 

            “સિંહલકૉટનાં ખેતરની માટી જેવી મહેક છે....!” મસ્ત મીઠી-ભીની મહેકથી ખુશ થઈ સિદ્ધાર્થ બબડ્યો.

            મોબાઈલ સ્ક્રીન ફરી ચેક કરી સિદ્ધાર્થ નેહાનો રિપ્લાય આવ્યો કે નહીં તે જોવાં લાગ્યો.

           

            “હજી મેસેજ જોયો નઈ લાગતો...!” મેસેજમાં ડબલ ટીક આવેલી જોઈ સિદ્ધાર્થ બબડ્યો પછી મોબાઈલ લોક કરી પાછો રૂમ આવી બેડ ઉપર પડ્યો.

 

            બપોરનાં લગભગ ચારેક વાગવાં આવ્યાં હતાં. વરસાદ અટક્યાં પછી બાલ્કનીનાં ખુલ્લાં દરવાજામાંથી આવતાં ઠંડા પવનને લીધે સિદ્ધાર્થની આંખો ધીરે-ધીરે ઘેરાવાં લાગી.

****

           

            “તું શું ચૂપ થઈ ગયો છે...!?” લાવણ્યા અકળાઇને બોલી “કઇંક બોલ હવે શું કરવું...!?”

 

            સાંજ ઢળવા આવી હતી. બંને હજુ પણ ખેતલાપા ટી સ્ટૉલ બેસી રહ્યાં હતાં અને સિદ્ધાર્થ-નેહાનાં મેરેજની વાત વિષે ડિસ્ક શન કરી રહ્યાં હતાં.

 

             સિદ્ધાર્થ-નેહાનાં મેરેજની વાત સાંભળીને નાસીપાસ થઇ ગયેલી લાવણ્યા સિદ્ધાર્થને મેળવવાં "હવે શું કરવું ?" વિષે મૂંઝાઈ ગઈ હતી.

 

            “શું કરવું એટ્લે...!?” વિશાલે નવાઈપૂર્વક પૂછ્યું “ બેયના મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે....! હવે કશું ના થાય....!”

 

            “કશું ના થાય એટ્લે...!?” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા મનમાં બબડી અને હાઇવે ઉપર જઈ રહેલાં સાધનો તરફ શૂન્યમનસ્ક તાકી રહી.

 

              “મારે એ જોઈએ જ....!” થોડીવાર પછી લાવણ્યાએ વિશાલ તરફ ભીની આંખે જોઈને દ્રઢ સ્વરમાં કહ્યું.

 

            “તું તો જાણે કોઈ ચોકલેટ માંગતી હોય એ રીતે બોલે છે....!” લાવણ્યાનાં ચેહરાં ઉપરનાં એ દૃઢ ભાવોને અચરજથી જોઈ રહીને વિશાલ બોલ્યો.  

           

            “મેં કીધુંને.....! મારે એ જોઈએ એટ્લે જોઈએ જ....!” લાવણ્યા હવે સાવ નાનાં બાળકોની જેમ જિદ્દ કરતી હોય એમ બોલી.

 

            કઈંપણ બોલ્યાં વગર વિશાલ લાવણ્યાની સામે આશ્ચર્યથી સહેજ મ્હોં ખુલ્લું રાખીને જોઈ રહ્યો. આંખ ભરાઈ આવતાં લાવણ્યાએ આડું જોઈ લીધું. હાથમાં પકડેલી સિગારેટ હવે ઓલમોસ્ટ બળી જતાં વિશાલે નીચે પડવાં દીધી.     

 

            બંને થોડીવાર મૌન રહ્યાં. લાવણ્યાએ હજીપણ રોડ ઉપર જઈ રહેલાં વાહનો તરફ જોઈ રહી હતી.

 

            “એ તારાં માટે એટલો important કેમ છે....!?”  થોડીવાર પછી વિશાલે ધીરેથી લાવણ્યાને પૂછ્યું.

 

        “તું મારાં મોઢે શું સાંભળવા માંગે છે...!?” લાવણ્યા ચિડાઈ અને મોટેથી બોલી “એજને કે….. હું હવે સિદ્ધાર્થને લવ કરવાં લાગી છું ....!?”

 

            વિશાલ ચૂપ રહ્યો અને લાવણ્યા સામે હેરાનીથી જોઈ રહ્યો.

 

             “તો હાં.....! બસ....! I Love him…! ખુશ...!?” બોલતાં-બોલતાં લાવણ્યા જાણે હાંફી ગઈ હોય એમ ઊંડા શ્વાસ ભરવાં લાગી અને વિશાલ સામે રડમસ ચેહરે જોઈ રહી.

 

            છેવટે તેણીની આંખમાંથી આંસુની ધાર વહીને ગાલ ઉપરથી નીચે પડવાં લાગતાં લાવણ્યાએ ફરીવાર તેનું મ્હોં ફેરવી લીધું.

 

            વિશાલને હજીપણ લાવણ્યાનાં એવાં બિહેવિયરથી નવાઈ લાગતી હતી. તેણે આજ પહેલાં કોઈ દિવસ લાવણ્યાને રડતી નહોતી જોઈ. 

 

            “મને ન’તી ખબર....કે તું આટલી ઈમોશનલ પણ છે...!” વિશાલે લાવણ્યા સામે જોઈને ધીરેથી કહ્યું.

 

            લાવણ્યા તો પણ હાઈવે સામેજ જોઈ રહી.

 

             “કોઇક મહાન માણસે બહુ સાચું કહ્યું છે...!” વિશાલ એજરીતે બોલ્યો “કે સ્ત્રીઓને કોઈ ના સમજી ના શકે....!”

 

             “કોણ મહાન માણસ છે આ...!?” લાવણ્યા ફરી ચિડાઈ.

 

             “ખબર નહીં....!?” વિશાલે તેનાં ખભાં ઉછાળ્યા.  

           

            તેનો જવાબ સાંભળી પહેલાં લાવણ્યા હળવું માંડ-માંડ હસી પછી આડું જોવાં લાગી.

           

            એક બીજી સિગરેટ કાઢીને વિશાલ સળગાવા લાગ્યો.

 

            “હવે તું સિગરેટ જ ફૂંક્યાં કરીશ....! કે પછી કઈશ....!”  સિગરેટ સળગાવી રહેલાં વિશાલને જોઈને લાવણ્યા અકળાઈ “હવે શું કરું હું....!?”

 

            “અરે યાર એજ વિચારું છું....!” લાવણ્યાનો રઘવાટ જોઈને વિશાલ પરાણે પોતાનું હસવું દબાવી રાખીને બોલ્યો “તું સિગારેટ તો પીવા દે...!”

 

            “અમારાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે....!” લાવણ્યાનાં મનમાં નેહાનાં એ શબ્દો હજીપણ પડઘાઈ રહ્યાં હતાં.

           

            તેણે ફરીવાર નજર ફેરવીને હાઈવે તરફ તાકવાં માંડ્યુ.

 

            “તું એક-બે દિવસ કોલેજ ના જતી...!” થોડીવાર પછી વિશાલ બોલ્યો.

 

               “કેમ...!?” લાવણ્યાને નવાઈ લાગી.

 

             “બસ....! નેહાને તારી રાહ જોવાંદે ...!” વિશાલ બોલ્યો.

           

            “પણ નેહા મારી રાહ શેના માટે જોશે...!?” લાવણ્યાને હજીપણ ના સમજાયું કે વિશાલ શું કહી રહ્યો છે.

 

        “એ તને એની અને સિદ્ધાર્થની લવ સ્ટોરી જ્યાં સુધી પૂરેપૂરી નહીં સંભળાવે ત્યાં સુધી એને ચેન નહીં પડે...!” વિશાલે તર્ક કર્યો “તું ભૂલી ગઈ...!? એણે વાત અધૂરી છોડી છે...!”

 

        “તું ભૂલે છે....” લાવણ્યા બોલી “એણે જાણી જોઈને વાત અધૂરી નથી છોડી....! હું કારમાંથી ઉતરી ગઈ ‘તી...!”

 

        “હાં...! ખબર છે....! એટ્લેજ કઉ છું...!” વિશાલે ભારપૂર્વક કહ્યું પછી ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “ છોકરીઓ પોતાની અધૂરી રહેલી વાતને પૂરી ના કરે ત્યાં સુધી ઝપે નઈ.....! મને લાગે છે કે નેહા પણ એની અધૂરી રહી ગયેલી વાતને પૂરી કરશે જ....!”   

 

        “તું શ્યોર છે....!?” વિશાલનાં ટોંન્ટને અવગણીને મુંઝયેલી લાવણ્યાએ પૂછ્યું “પછી એવું ના થાય કે હું એક-બે દિવસની રજા પછી જ્યારે હું કોલેજ જાઉં ત્યારે નેહા આવીને મને એનાં સિદ્ધાર્થ જોડે લગ્નની કંકોત્રી આપે...!”

 

        “જો લગ્ન થવાનાંજ હશે....! તો આપણે ગમેતે કરશું....! કઈં નહીં થાય....!” વિશાલ બોલ્યો અને લાવણ્યાને ફરીવાર જાણે તમામ આશાઓ ધૂંધળી થઈ ગઈ હોય એવું લાગવાં લાગ્યું. તેનું મોઢું ફરી ઉતરી ગયું.

 

        “આપણે હવે સૌથી પહેલાં એ જાણવું પડશે....!” લાવણ્યાનો ઉતરેલો ચેહરો જોઈ તેણીને સાંત્વનાં આપતો હોય એમ વિશાલ બોલ્યો “કે નેહા મેરેજ કરવાની ના કેમ પાડે છે...!? એ પછીજ આપણે કઇંક આગળ પ્લાન કરીશું....!”

 

        કશું બોલ્યાં વગર લાવણ્યા એમજ ઊભી રહી. તેની આંખોમાં હજી પાણી હતું.

 

        “પણ યાદ રાખજે...!” વિશાલે ચેતવણીના સૂરમાં કહ્યું “તું કોલેજ જાઉં એ વખતે તારાં કપડાંમાં કે વર્તનમાં કોઈ ફેર ના પડવો જોઈએ...! એજ સ્ટાઈલ...! એજ વર્તન...!ok….!?”

 

        જવાબમાં લાવણ્યાએ પરાણે પોતાનું માથું હકારમાં હલાવ્યું.

 

        “હવે તું કઈં કેમ બોલીશ...!?” વિશાલ જાણીજોઈને લાવણ્યાને છંછેડી રહ્યો હતો “કે ખાલી માથું જ ધૂણાવે રાખીશ....!?”

 

        “તો શું કહું....!?” લાવણ્યા રડમસ ચહરે બોલી “મારાંથી એરીતે હરવું-ફરવું જાણે મને કોઈ રસજ નથી....! એ બહુ અઘરું છે...! એમાંય જ્યારે વાત જ્યારે સિદ્ધાર્થની આવે...!”

 

        “એટ્લેજ કહું છું.....!” વિશાલ બોલ્યો “થોડાં દિવસ ના આવીશ કોલેજ...!”

 

        “હાં સારું...!” લાવણ્યા માંડ બોલી.

 

            થોડીવાર સુધી બંને મૌન થઈને ઊભાં રહ્યાં. હાઈવેનાં ભીનાં રોડ ઉપર વાછટો ઉડાડતાં પસાર થઈ રહેલાં વાહનોને લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી. વારસાદ અને વાદળોને લીધે વાતાવરણ વધુ ઠંડુ થવાં લાગ્યું હતું.

 

            “ચલ ..! હું જાઉં....! હવે.... bye…” લાવણ્યા બોલી.

         

              “bye….!” વિશાલ તેની બાઇકની સીટ ઉપર સીધો બેઠો અને બાઇક ચાલું કરવાં લાગ્યો.

 

            લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતી-ચાલતી આવી અને એક ઓટોવાળાંને હાથ કર્યો. ઓટો ઊભી રહેતાં લાવણ્યા પાછલી સીટ ઉપર બેઠી.

 

        “જોધપુર....!” “લાવણ્યાએ ઓટોવાળાંને કહ્યું. ઓટોવાળાએ ચલાવાં માડયું. લાવણ્યાનું મન ફરી વિચારે ચડ્યું. બે –ત્રણ દિવસ કોલેજ નહોતું જવાનું. એટ્લે ઘરે જઈને કોઈક બહાનુંતો બનાવવું પડશે.

 

        વરસાદ નહોતો પડતો. આમછતાં પણ અમદાવાદના ટ્રાફિકમાં કોઈ ફરક નહોતો પડ્યો. વાહનોથી ચારરસ્તાએ આવતાં દરેક સિગ્નલ ભરેલાં હતાં. જેમ રસ્તાઓ વાહનોથી ભરેલાં હતાં એમ લાવણ્યાનું મન પણ અનેક વિચારોથી ભરેલું હતું.

 

        વરસાદનાં ટ્રાફિકને લીધે લગભગ વીસેક મિનિટ પછી ઓટોવાળાંએ જોધપુર લાવણ્યાની સોસાયટીનાં ગેટ આગળ ઓટો ધીમી કરી.

 

            “મેડમ.... અહિયાં જ ને...!?” ઓટોવાળા સહેજ પાછું જોઈને લાવણ્યાને પૂછ્યું.

 

            “હમ્મ....! હાં...હાં....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યા જાણે ઊંઘમાંથી જાગી હોય એમ બોલી “અંદર લઈલો....!”

 

            ઓટોવાળાએ ડોકી ધૂણાવીને ઓટો સોસાયટીનાં ગેટમાંથી અંદર લેવાં માંડી.

 

            સોસાયટીમાં એન્ટર થતી વખતે ઓટોની પાછલી સીટમાં એક બાજુ બેઠેલી લાવણ્યાની નજર કોર્નર ઉપર આવેલાં નેહાનાં ઘર ઉપર પડી. ડૂપ્લેક્સ સ્ટાઈલમાં બનેલી સોસાયટીનાં ઘરનાં ઉપલાં માળની બાલ્કનીમાં લાવણ્યાએ નેહાને ચેયરમાં બેઠેલી જોઈ. તેનાં ખુલ્લાં વાળ કદાચ ભીનાં હશે એવું લાવણ્યાએ મનમાં વિચાર્યું. ચેયરની આગળ મુકેલાં એક નાનાં સ્ટૂલ ઉપર પગ લંબાવી ચેયરમાં આરામથી બેઠાં-બેઠાં પોતાનો ફોન મંતરી રહી હતી.

 

            “સિદ્ધાર્થ જોડે વાત કરતી હશે....!?” લાવણ્યાએ મનમાંજ પ્રશ્ન પૂછ્યો.

 

            ઓટો હવે નેહાનાં ઘરને વટાવી ચૂકી હતી.

 

            “તો એમાં શું...!?” જાણે પોતેજ પોતાનાં પ્રશ્નોનાં જવાબ આપતી હોય એમ લાવણ્યા પોતાનાં અંતરમન સાથે વાત કરવાં લાગી “બેયનાં મેરેજ થવાનાં છે....! ફિયાન્સ છે એ એનો.....! તો વાત કરેજને...!?”

 

            “મેડમ કયાં ઘર આગળ ઊભી રાખું....!?” ઓટોવાળાંએ પાછું જોઈને પૂછ્યું.

 

            “હેં...! હાં…..! અ...! થોડું આગળ આઈ ગ્યાં...!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને ખબરજ નાં રહી કે ક્યારે ઓટો તેણીનાં ઘરને પણ વટાવી ગઈ “કોઈ વાંધો નઈ.....! અહિયાં ઊભી રાખો...ચાલશે....!”

 

            ઓટોવાળાંએ ઓટો ઊભી રાખતાં લાવણ્યાએ પાછલી સીટમાં બેઠાં-બેઠાંજ ઓટોનું ભાડું ચૂકવ્યું અને ઉતરીને પાછી પોતાનાં ઘર તરફ જવાં લાગી.

           

            "શું વાત કરતાં હશે બેય ...!?" લાવણ્યા રઘવાઈ થઈ હોય એમ વિચારે ચઢી ગઈ.

 

             પોતાનાં ઘરનો લોખંડનો ઝાંપો ખોલીને પાછો વાખી લાવણ્યા ઓટલાં ઉપર ચાલી ઘરનાં મુખ્ય દરવાજે આવીને ઊભી રહી. તેણે બેલનું બટન દબાવ્યું.

 

        “તું આઈ ગઈ...!?” થોડીવાર પછી લાવણ્યાના મમ્મી સુભદ્રાબેને બારણું ખોલ્યું.

           

      “હાં....!” એટલું કહીને લાવણ્યા સીધી અંદર દાખલ થઈ ગઈ અને બીજે માળ તેનાં બેડરૂમ તરફ જવા લાગી.

 

        “શું થયું....?” સુભદ્રાબેને સીડી ચઢી રહેલી લાવણ્યાને પૂછ્યું.

 

        “તબિયત નથી સારી...!” લાવણ્યા સીડીમાં અટકીને બોલી.

 

        “તો આવાં વરસાદમાં શીદને બહાર ગઈતી…! મે ના નહોતી પાડી...!?” સુભદ્રાબેન સહેજ છણકો કરીને બોલ્યાં.

 

        “હવે નઈ જાઉં બસ....!” લાવણ્યા જાણે ચિડાઈ હોય એમ બોલી “મને લાગે છે કે એક-બે દિવસ મારે કોલેજમાં રજા રાખવી પડશે...!”   

 

        “હમ્મ....! તને ઉકાળો બનાવી આપું....!?” સુભદ્રાબેન બોલ્યાં.

 

        “હાં બનાવી આપી....!” એટલું કહીને લાવણ્યા ઉપર જતી રહી.

           

            બેડરૂમમાં આવીને લાવણ્યાએ બેડ ઉપર પડતું મૂક્યું.

 

            "શું વાત કરતાં હશે બેય ...! "શું વાત કરતાં હશે બેય ...!?"

           

            એકનાં એક વિચારોનાં લાવણ્યાનાં મનમાં પડઘાં પડવાં લાગ્યાં. આંખો બંધ કરીને લાવણ્યાએ સિદ્ધાર્થ અને નેહા અંગેના વિચારોને રોકવાનો વ્યર્થ પ્રયત્ન પણ કરી જોયો. છેવટે તેણે તે પ્રયત્ન પણ પડતો મૂક્યો.

 

***

 

            “ઓય....તે વાત કરી લીધી...ને મને કીધું પણ નઈ....!?” કિચનમાં રોટલી વણી રહેલી ઝીલને સિદ્ધાર્થે કહ્યું.

            “શેની વાત....!?” રોટલી વણતાં-વણતાં ઝીલે સિદ્ધાર્થ સામે જોયું અને બોલી.

 

            “અરે કેમ....!? તે નેહાને મેરેજ માટે મનાઈ લીધીને....!”  સિદ્ધાર્થ બોલ્યો.

 

            “મેં ક્યાં મનાઈ....!?” ઝીલે નવાઈપૂર્વક સિદ્ધાર્થ સામે જોયું “મારે કોઈ વાતજ નઈ થઈને...!”

 

            “તો પછી નેહાને કોણે મનાઈ....!?” સિદ્ધાર્થ હવે મૂંઝાયો.

 

            “નેહાએ મેરેજ માટે હાં પાડી દીધી.....!?” ઝીલ ખુશ થઈ ગઈ અને નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને બોલી “ઈ...ઈ.....ઈ.....! કોંગ્રેચ્યુલેશન....ભાઈ.....! કોંગ્રેચ્યુલેશન...!”

 

            “પાર્ટી...પાર્ટી....!” સિદ્ધાર્થનાં બંને બાવડે પોતાનાં લોટવાળાં હાથ રાખીને ઝીલ કૂદવાં લાગી.

 

            “અરે પણ....!”  સિદ્ધાર્થ હજી પણ મૂંઝાયેલો હતો, જોકે ઝીલને નાનાં બાળકની જેમ ખુશ થયેલી જોઈને સિદ્ધાર્થ પરાણે મલકાઈ રહ્યો હતો.

 

            “મેં ન’તું કીધું....!?” ઝીલ ખુશખુશાલ સ્વરમાં બોલી “તને નાં પાડવાની એની હિમ્મતજ નઈ...!”

 

            “પણ તે એને નઈ મનાઈ તો કોણે મનાઈ હશે....!?” સિદ્ધાર્થે એવાંજ મૂંઝાયેલાં ચેહરે પૂછ્યું.

 

            “અરે વિજય અંકલ મમ્મીની ખબર કાઢવાં આયાં’તાંને....!?” તર્ક આપતી હોય એમ ઝીલ બોલી “તો પપ્પા અને કરણઅંકલે કીધું હશેને....! એટ્લે વિજય અંકલે ઘેર જઈને નેહાને જોર દઈને કીધું હશે...!”

 

            “મેય બી....!” સિદ્ધાર્થ વિચારતો હોય એમ બોલ્યો.

 

            “અરે શું ફેર પડે છે યાર....!” સિદ્ધાર્થનાં બાવડે પંચ મારીને ઝીલ બોલી “એણે હાં પાડી દિધીને હવે....! તો ચીલ...! કોણે મનાઈ...!? કેમની મનાઈ...!? શું ફેર પડે.....!?”

 

            “પણ....!”

           

            “જો હવે તું છે ને નેહાને આ વિષે કશું પૂછી એનું મૂડ ખરાબ નાં કરતો...!” સિદ્ધાર્થને ચેતવણી આપતી હોય એમ ઝીલ આંગળી ધરીને બોલી “નઈ તો એ ચિડાઈ જશે....’ને પાછી ના પાડી દેશે...!”

 

            “અરે એમાં ચિડાવાનું શું પણ....!?”

 

            “અરે યાર તું સમજતો કેમ નઈ....!?” ઝીલ ધમકાવતી હોય એવાં સૂરમાં બોલી “મારાં મેરેજ પણ જબરદસ્તી થવાનાં હતાં ત્યારે મેરેજનાં નામથી હું કેવી ચિડાતી’તી...! યાદ નઈ ..!? ત્યારે પણ હું માંડ માંડ માની ‘તી....! અને મેરેજ વિષે કોઈપણ કશુંપણ પૂછતું....! હું ચિડાઈ જતી...! એટ્લે કવ છું....! હવે એણે હાં પાડી દીધી છે...! તો એને બધી પંચાત કરી-કરીને હેરાન નાં કરતો...! હમ્મ...!”

 

            “હમ્મ....!” સિદ્ધાર્થ કમને બોલ્યો અને મોઢું ઢીલું કરીને બોલ્યો.

 

            “અરે ઝીલ...! રોટલી થઈ કે નઈ....!” ત્યાંજ બહાર ડ્રૉઇંગરૂમમાંથી સુરેશસિંઘનો અવાજ સંભળાયો.

 

            “એ હાં….!” હાથમાં રોટલીનું ગરમું લઈને ઝીલ બહાર દોડી ગઈ.

 

            મૂંઝાયેલો સિદ્ધાર્થ ત્યાંજ ઊભો-ઊભો વિચારી રહ્યો.

 

****

             

          "ના અત્યારે નઈ મેળ પડે ...!" મોડી સાંજે નેહાએ whatsappમાં સિદ્ધાર્થનાં મેસેજનો રીપ્લાય આપ્યો "પ્રિપેરીંગ ફોર એક્ઝામ ....!"

 

            "આટલી શું સિરિયસ છે યાર તું ...! હજી તો ઘણો ટાઈમ છે ...!" થોડીવાર પછી સિદ્ધાર્થે ચિડાઈને રીપ્લાય આપ્યો "એકઝામ એકઝામ કરે છે .....!"  

 

            "તારાં મામાં ટ્રસ્ટી છે.....મારાં નઈ ....!" નેહાએ પણ સામે રીપ્લાય કર્યો અને જોડે હસતાં -હસતાં સ્માઈલી મોકલ્યાં.

           

            શું જવાબ આપવો એ ના સમજાતાં સિદ્ધાર્થ પોતાનાં રૂમની બાલ્કનીમાં મૂંઝાઈને ઊભો રહ્યો.

 

            “ઘર્રર.....!”

 

            થોડીવાર પહેલાંજ વીજળીઓનાં કડાકાં-ભડાકાં સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

 

            વરસાદનાં વાદાળો જાણે સિદ્ધાર્થનાં મન ઉપર પણ ઘેરાયેલાં હોય એમ તે વિચારોમાં ઘેરાઈ ગયો હતો.

 

            “મેરેજ વિષે કશું પૂછી એનું મૂડ ખરાબ નાં કરતો કરતો....!” ઝીલની વાત યાદ આવી જતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો “નઈ તો એ ચિડાઈ જશે....’ને પાછી ના પાડી દેશે...! ના પાડી દેશે...!”

 

            “જવાંદે....! એ વિષે કોઈ વાત નઈ કરવી.....!” માથું ધૂણાવી છેવટે વાત પડતી મૂકતાં સિદ્ધાર્થ બબડ્યો અને બાલ્કનીમાંથી પાછો પોતાનાં રૂમમાં આવવાં લાગ્યો.

****

 

 

 

            “બે દિવસથી સિદ્ધાર્થ નઈ દેખાતો....!?” કેન્ટીનમાં બેઠાં-બેઠાં નોટ્સ લખી રહેલી નેહાને ત્રિશાએ પૂછ્યું.

           

            “એ એનાં ગામડે ગ્યો છે....! કામ માટે....!” નોટ્સ લખવામાંથી નજર હટાવ્યાં વિના નેહા બોલી.

 

            “લાવણ્યા પણ નઈ આઈ બે-ત્રણ દિવસથી...!”  સામે બેઠેલો પ્રેમ બોલ્યો અને નોટ્સ લખી રહેલી નેહા એકાદ-બે ક્ષણ અટકી ગઈ અને વિચારવાં લાગી.

           

            “લાવણ્યા પણ નઈ આઈ બે-ત્રણ દિવસથી... બે-ત્રણ દિવસથી....!”  નોટમાં પેન ટપારતાં-ટપારતાં નેહા વિચારી રહી “પણ કેમ....!?”

 

            “હા યાર...! ખબર નઈ ક્યાં ગઈ....!?” કામ્યાની જોડે બેઠેલી અંકિતા બોલી.

 

            “અચ્છા નેહા....!” વિચારી રહેલી નેહાનાં  વિચારો ભંગ કરતાં જોડેની ચેયરમાં બેઠેલી ત્રિશાએ નટખટ સ્મિત કરતાં પૂછ્યું “સિદ્ધાર્થ તારી જોડે આટલો ક્લોઝ કેમ છે...!? તારો કોઈ ઓળખીતો છે....!?”

 

            મજાકીયાં સૂરમાં બોલી ત્રિશાએ નેહાને  પોતાનો ખભો અથડાવ્યો.

 

            “અમ્મ.....! હાં....એ મારો ફિયાન્સ છે.....!” દાંત દબાવી રાખી મલકાતાં-મલકાતાં નેહા બોલી.

 

            “વ્હોટ....!?” આજુબાજુ બેઠેલાં બધાંજ ચોંકી પડ્યાં અને લગભગ સાથેજ બોલી પડ્યાં.

 

            “આ તો બ્રેકિંગ ન્યૂઝ છે યાર....!?” અંકિતા મલકાતાં-મલકાતાં બોલી અને પોતાનો મોબાઈલ કાઢી તેનું સ્ક્રીન લોક ઓપન કરવાં લાગી.

           

            “શું બ્રેકિંગ ન્યૂઝ છે....!?” પ્રેમની બાજુમાં ખાલી ચેયરમાં બેસતાં-બેસતાં રોનક બોલ્યો.

            “સિદ્ધાર્થ નેહાનો ફિયાન્સ છે....!” કામ્યા સ્માઇલ કરતાં-કરતાં બોલી.

            “હેં....!?” રોનક પણ ચોંકી ગયો અને નેહાની ખેંચતાં બોલી “બે આટલી શું ઉતાવળ હતી....!?”

            “આ ન્યૂઝ તો વાઈરલ ગ્રૂપમાં જવીજ જોઈએ.....!” ટીખળભર્યું સ્મિત કરતાં-કરતાં અંકિતા બોલી અને પોતાનાં મોબાઈલમાં whatsapp ઓપન કરી ટાઈપ કરવાં લાગી.

 

            “અરે પણ નેહાને તો પૂછ....!” કામ્યા બોલી “તું દર વખતે કોઇની પર્સનલ વાતો ‘ને ફોટાં વગેરે આમ પૂછ્યા વગર જ્યાં-ત્યાં ફોરવર્ડ કરતી ફરે છે....તારે તો ન્યૂઝ રિપોર્ટર હોવું જોઈએ....મિસ બ્રેકિંગ ન્યૂઝ....!”

 

            “કોઈ વાંધો નઈ....!” મલકાતાં-મલકાતાં નેહા શાંતિથી બોલી અને ટેબલ ઉપરથી પોતાની નોટપેડ વગેરે સમેટી પોતાનાં હેન્ડબેગમાં મૂકવા લાગી “તું વાઇરલ ગ્રૂપમાં ફોરવર્ડ કરીદે....! મને કોઈ પ્રોબ્લેમ નઈ....!”

 

            “જો પરમિશન મલી ગઈને.....!?” અંકિતાએ પોતાની આઈબ્રો નચાવી કામ્યા સામે જોયું.

 

            “અરે તું ક્યાં ચાલી....!?” નેહાને ચેયરમાંથી ઊભાં થતાં જોઈ ત્રિશાએ પૂછ્યું નેહાનો હાથ પકડી ખેંચીને પાછી તેણીની ચેયરમાં બેસાડી  “તારે હજી અમને આખી સ્ટોરી કે’વાની છે.....!”

 

            “શેની સ્ટોરી....!?” નેહા જાણતી હોવાં છતાં અજાણ બનતાં બોલી.

 

            “અરે તારી અને સિદ્ધાર્થની....! કેમના તમે બેય મલ્યાં....!? પે’લ્લીવાર ક્યાં મલ્યાં એટસેટ્રા...એટસેટ્રા....!”

 

            “અરે...! હું અને સિડ એક મેરેજ ફંક્શનમાં મલ્યાં’ તાં...!” નેહાએ પોતાનું સ્મિત દબાવી રાખીને કહેવાં લાગી પછી સામે બેઠેલી અંકિતા સામે જોયું.

 

            નટખટ સ્મિત કરતાં-કરતાં મોબાઈલમાં ઝડપથી ટાઈપ કરી રહેલી અંકિતા સામું જોઈ નેહાએ કુટિલ સ્મિત કર્યું. નેહા જાણતી હતી કે અંકિતા શું ટાઈપ કરી રહી છે.

 

            “બીપ....બીપ....!” ત્યાંજ સામે ટેબલ ઉપર પડેલાં નેહાનાં મોબાઈલમાં મેસેજ આવ્યાની ટોન સંભળાઈ.

 

            બોલતાં-બોલતાં નેહાએ કમરમાંથી સહેજ ટટ્ટાર થઈને ટેબલ ઉપર પડેલાં પોતાનાં મોબાઈલની સ્ક્રીન સામે જોયું. અંકિતાએ મેસેજ ટાઈપ કરીને વાઈરલ ગ્રૂપમાં સેન્ડ કર્યો હતો જે નેહાનાં મોબાઈલની લોક સ્ક્રીનમાં નોટિફીકેશન સ્વરૂપે અડધો વંચાઈ રહ્યો હતો.

 

            “બ્રેકિગ ન્યૂઝ....!” સ્ક્રીન ઉપર દેખાતાં મેસેજને નેહા મનમાં વાંચી મલકાઈ રહી “સિડ એન્ડ નેહા આર એન્ગેજડ....!”

 

            “સિડનાં મામાની છોકરીનાં મેરેજ....!” મનમાં હસતાં-હસતાં નેહાએ પોતાની વાત પાછી કંન્ટીન્યુ કરી.

          “સિડ એન્ડ નેહા આર એન્ગેજડ....!” બોલતાં-બોલતાં નેહા મેસેજનાં એ શબ્દો પોતાનાં મનમાં મમળાઈ રહી હતી.

 

            નેહા જાણતી હતી કે લાવણ્યા ભલે કૉલેજમાં ગેરહાજર હોય, પણ ગ્રૂપમાં તેની અને સિદ્ધાર્થની સગાઈની વાત વાંચીને તેણી ઉપર શું અસર થવાની છે. ભલે નેહાએ પોતે લાવણ્યાએ સગાઈની વાત કહી હતી, છતાંપણ પોતાને ગમતી વ્યક્તિ વિષેની એકની એક વાત સાંભળી લાવણ્યાનાં મન ઉપર શું અસર થશે એ નેહા જાણતી હતી.

 

            “હવે તું પણ તડપીશ....!” નેહા મનમાં બબડી “આરવની જેમજ....!”

 

****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19