An innocent love - Part 1 books and stories free download online pdf in Gujarati

An innocent love - Part 1

કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ માં એક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...."

થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો.

"અરે આ શું થયું તને?" કહેતો રાઘવ હાંફળો ફાંફળો થતો સુમનની કોમળ આંગળી પરથી ટપકતા લોહીની ટસર રોકવા તેને પોતાના મોમાં મૂકી દે છે..

પછી વહાલથી એના નાના નાના હાથોથી નાનકડી સુમનની આંખોમાંથી નીકળતા આંસુઓને રોકતા પોતે પણ રડી પડે છે.

જો સુમી તને કેટલી વાર કહ્યું તું આમ રડ નહિ તને રડતી જોઈ મને પણ રડવું આવે છે. અને આ ક્યાંથી વગાડી આવી? મને મૂકી ને તારે ક્યાંય એકલા જવું નહિ તને કેમ સમજાતું નથી? જો વગાડી આવીને, કેટલું બધું લોહી વહી ગયું મારી સુમીનું. સુમી ને આમ રડતી જોઈ રાઘવ પણ રડી પડ્યો.

રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી.

આ દ્રશ્ય છે વીરપુર ગામનું જ્યાં ગામની સીમમાં આવેલ પીપળાના ઝાડ નીચે બે ભૂલકાંઓ બેઠેલા ૭ વર્ષના રાઘવ અને ૫ વર્ષની સુમનનું, જે એકબીજાનાં આંસુ લૂછી રહ્યા હતા. આમ રડતા હસતા બે ભૂલકાંઓ ને જોઈ કોઈને પણ હસવું આવી જાય સાથે બંને પર એટલો પ્રેમ પણ ઉભરાઈ આવે એવું દ્રશ્ય હતું.

ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસેલું પણ સુવિકસિત ગામ એટલે વીરપુર. એક સુંદર ગામ કોને કહેવાય? જો એવું પૂછવામાં આવે અને મનમાં તેની વ્યાખ્યા જેવી ઉપસેને, એવુંજ એક રળિયામણું ગામ. બહુ મોટું પણ નહિ ને નાનું પણ નહિ એવા 500 - 600 ખોરડાંવાળું ગામ, જ્યાં દરેક જાતના લોકો હળીમળીને વસવાટ કરે. ગામમાં ખેતી અને વ્યાપાર ધંધા પણ સારા હોવાથી એકંદરે લોકો સુખ અને શાંતિ અને ભાઈચારાની ભાવનાવાળા. બધા લોકો હંમેશા સુખ દુઃખના પ્રસંગમાં એકબીજાની પડખે ઊભા રહેતા.

દરેક ગામમાં હોય એમજ અહી પણ ગામની સીમમાં ચોરો હતો જ્યાં મોટા મોટા પીપળાના વૃક્ષો હતા. ત્યાં વચ્ચોવચ એક વડલાની બધી બાજુ ઓટલો ચણી લીધેલો હતો જ્યાં ગામના લોકો વિસામો ખાવા બેસતાં ને એકબીજાનાં ખબર અંતર પૂછતા. ગામમાં નાનામોટા ઝગડાઓના નિકાલ પણ અહીંજ થઈ જતાં એટલો માન મરતબો અને કોઠાસૂઝ ગામના વડીલો ધરાવતા હતા. ગામના મોભીઓ અહી ગામની પંચાત કરવાની જગ્યાએ ગામના વિકાસ માટેની અને દેશમાં બની રહેલ ઘટનાઓ ની ચર્ચાઓ કરતા. ગામના યુવાનો પણ વહુ દીકરીઓની અવહેલના કરવાની જગ્યાએ એમની આમન્યા વધુ જાળવતા.

ગામનુ પાદરી વનરાઈથી છવાયેલું હતું. નાનામોટા સુંદર વૃક્ષોની હારમાળા સર્જાઈ હતી અને તે વનરાજી ની વચ્ચે બનેલું મંદિર જેમાં દરેક ભગવાનની નાની નાની દેરીઓ બનાવેલ. જેથી આખો દિવસ લોકોની અવરજવરથી મંદિર ગુંજતું રહેતું. આમ મનોહર કુદરતી સાનિધ્યમાં આવેલું વર્ષો જૂનું મંદિર ગામની આભા બની રહેલ હતું. અને મંદિરની બરોબર પાછળ આવેલા વિશાળ મેદાનમાં વાર તહેવારે લોકો મેળાવડો જમાવતા અને આનંદ ઉલ્લાસ માણતા, અને મેદાનની અંતમાં બારેમાસ ખળખળ વહેતી નદી જાણે ગામના લોકોની ખુશીઓનો પડઘો પાડતી વહ્યા કરતી.

ગામની આટલી સમૃદ્ધિ પાછળ ગામના સરપંચ મનોહરભાઈ નું ખૂબ યોગદાન રહેલું, એમનાં પિતા પણ વર્ષો સુધી ગામના સરપંચ રહેલ અને પોતાની પ્રમાણિકતા અને ખંતથી ગામને એકજૂથ રીતે બાંધી રાખેલ, અને એમના વારસાને આગળ ધપાવતા મનોહર ભાઈએ પણ ખૂબ નાની વયે ગામનું સુકાનીપદ સંભાળી લીધેલું. તે ગામની અને ગામના લોકોના વિકાસ માટે અવિરત કાર્યરત રહેતા. એમની મહેનતના પરિણામે જ ગામમાં ૧૦ ધોરણ સુધીની શાળા, હોસ્પિટલ, સહકારી બેંક અને ઘણી જરૂરી સાર્વજનિક સુવિધાઓ પહોંચી હતી. મનોહરભાઈ ની જેમજ એમની પત્ની મમતા બેન, જે નામ પ્રમાણે જ ગુણી હતા. મનોહરભાઈ ને હમેશા એમના કામમાં સાથ આપતા. ગામની દરેક સ્ત્રીઓ હમેશા મમતાબેન પાસે નાના મોટા કર્યો બાબતે સલાહ સૂચન માટે આવતી રહેતી અને મમતાબેન પોતાની વ્યવહાર કુશળતાથી સલાહ સૂચન કરતા. એમના ઘરનું રસોડું હંમેશા મા અન્નપૂર્ણાની જેમ ગામના મહેમાનોની પરોણાગત માટે ખુલ્લું રહેતું. પતિ પત્નિ બંનેને જોઈને રામ સીતા ની જોડી લાગતી. બંનેને ગામના લોકો મોટા ભાઈ અને મોટા ભાભી તરીકે સંબોધતા, પછી ભલે તે નાનેરું બાળક હોય કે વયોવૃદ્ધ બધા તેમને એક નામે જ બોલાવતાં.

ગામની વચ્ચે જ આવેલું નાનકડી હવેલી જેવું બાપ દાદાનું ઘર હતું એમનું, અને જમીન જાયદાદથી પણ સમૃદ્ધ હતા. મનોહર ભાઈ અને મમતા બેનના ત્રણ બાળકો હતાં. કિશોર સૌથી મોટો ૧૨ વર્ષનો, એના પછી મીરા ૧૦ વર્ષની અને સૌથી નાનો ૭ વર્ષનો રાઘવ એટલે આપણી વાર્તાનો મુખ્ય કિરદાર, ઘરમાં બધા કરતાં નાનો હોવાથી બધાનો લાડકવાયો અને પરાણે વહાલો લાગે એવો. નાનો એટલે ઘણો મસ્તીખોર પણ સાથે માતા પિતાના સંસ્કારોથી સિંચિત રાઘવ સમજદાર પણ ઘણો હતો. હમેશા પોતાના પિતાના પડછાયા સમાન એમની આગળ પાછળ ફરતો રહેતો. અને ઘરમાં રહેતો ત્યારે એની મમ્મીની પણ મદદ કરતો રહેતો. કિશોર, મીરા અને રાઘવ ત્રણે ભાઈ બહેન પણ ખૂબ સંપ અને પ્રેમથી આપસમાં રહેતા. ત્રણે બાળકોની મસ્તી અને પ્રેમથી ઘર આખો દિવસ ચહેક્તું રહેતું.

આ ચહલ પહલની વચ્ચે બે નાના ભૂલકાં વચ્ચેની અતૂટ દોસ્તી પાંગરી રહી હતી...

💕માના આંચલમાં તો ક્યારેક વડની વડવાઇએ,
પાંગરી રહી અનોખી માસૂમ દોસ્તી...

ઘરની ડેલીએ તો ક્યારેક ગામના પાદરે,
ખીલતી રહી અનોખી માસૂમ દોસ્તી....

ક્યારેક હસતી તો ક્યારેક રડતી,
બંધાતી રહી અનોખી માસૂમ દોસ્તી...💕

✍️ધ્રુતિ મહેતા (અસમંજસ)