Varasdaar - 2 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 2

વારસદાર પ્રકરણ 2

એડવોકેટ ઝાલાના ફોનથી મંથન ઉત્તેજિત તો થઈ ગયો પરંતુ મંથનને પોતાના કાન ઉપર હજુ વિશ્વાસ આવતો ન હતો. આવું બની જ કઈ રીતે શકે ? પિતાની સંપત્તિનો પોતે વારસદાર કઈ રીતે હોઈ શકે ?

પોતાની મા જીવતી હતી ત્યાં સુધી પિતાએ ક્યારેય પણ માનો સંપર્ક કર્યો ન હતો કે દીકરા તરીકે પોતાને પણ ક્યારેય યાદ કર્યો ન હતો ! અને હવે વીલ બનાવીને મને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી દીધો !!

એણે પોતાના વિચારોને બાજુમાં હડસેલી મૂક્યા અને પિતાના આત્માના કલ્યાણ માટે અસ્સીઘાટ ઉપર જઈને એક ઉંમરલાયક પંડિતનો સંપર્ક કર્યો. પોતાની પાસે અત્યારે વધારે રકમ તો હતી નહીં એટલે છેવટે ૧૧૦૦૦ માં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન નક્કી કર્યું.

પંડિતના કહેવાથી બાજુના માર્કેટમાંથી એક સફેદ ધોતી લઈ આવ્યો. માથે મુંડન કરાવી દીધું અને ગંગાના કિનારે પિતાનું શ્રાદ્ધ કરી પિંડદાન કર્યું. એ પછી એણે ગંગામાં જઈને માથાબોળ સ્નાન કરી લીધું અને બે હાથની અંજલીથી પિતાને તર્પણ કર્યું.

અચાનક એને યાદ આવ્યું કે ગઈકાલે પોતે વિશ્વનાથના મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યો ત્યારે એક સંન્યાસી એને મળ્યા હતા અને કહ્યું હતું કે તેરા કિસ્મત બદલને વાલા હૈ .

મેં એમની વાત હસી કાઢી પણ એમની વાણી તો જાણે ઈશ્વરની વાણી હતી !! કોણ હતા એ સંન્યાસી ? હું એમને ઓળખી શક્યો નહીં. એમણે કોઈની પાસે નહીં પણ મારી પાસે જ જમવાનું માગ્યું. આટલા મોટા બનારસમાં એ સંન્યાસીને મારે ક્યાં શોધવા ? - મંથન થોડો નિરાશ થઈ ગયો.

તર્પણ વિધિ પતાવીને એણે પોતાના માટે બજારમાંથી એક કેપ ખરીદી લીધી. માથે મુંડન કરાવ્યું હતું એટલે થોડા દિવસ હવે કેપ પહેરવી પડશે. એ હોટલના પોતાના રૂમ ઉપર આવ્યો. સાદી હોટલ હતી. એ પલંગમાં આડો પડ્યો અને પોતાની જિંદગીના કપરા દિવસોને વાગોળી રહ્યો.

કેવા કેવા દિવસો એણે પસાર કર્યા હતા ? નહીં તો એને આત્મહત્યાના વિચારો શા માટે આવે ? પોતે સારો એન્જિનિયર હતો છતાં પણ પગાર સાવ મામૂલી મળતો. એ જ્યાં રહેતો હતો એ દરિયાપુરની પુનિતપોળમાં પણ એની કોઈ ઈજ્જત નહોતી. એ જ્યારે ઘરની બહાર જતો કે ઘરે આવતો ત્યારે પીઠ પાછળ પાડોશીઓ એની મજાક મશ્કરી કરતા.

પોતે એકલો એકલો બે ટાઈમ રસોઇ બનાવતો. બ્રાહ્મણનો દીકરો હતો છતાં ક્યારેય પણ કોઈ પાડોશી સારા માઠા પ્રસંગે એને જમવાનું પૂછતું નહોતું. એ તો ઠીક, કોઈના ઘરે કંઈ સારું બનાવ્યું હોય તો પણ ચાખવા માટે ય કોઈ કઈં આપી જતું ન હતું.

જ્યારે એની મા ગૌરી જીવતી હતી ત્યારે એ તમામ પડોશીઓનું કામ કરી આપતી. ગૌરી એની પોળમાં ૫૮ વર્ષની ઉંમરે પણ બે-ત્રણ ઘરમાં રસોઇ કરવા જતી. એ ઉપરાંત ઘરમાં સીવવાનો સંચો હતો. પોળની સ્ત્રીઓ એની પાસે બ્લાઉઝ સીવડાવતી. ઘરમાં કંઇ પણ સારું બનાવ્યું હોય તો ગૌરી આજુબાજુના પડોશમાં અવશ્ય વાટકી વહેવાર કરતી. કોઈને કંઈ પણ તકલીફ હોય તો ગૌરી દોડીને જતી.

લોકો બહુ જલદી આ બધું ભૂલી જતાં હોય છે. આ દુનિયા સ્વાર્થની જ સગી હોય છે એ મંથનને સમજાઈ ગયું હતું. મંથન દેખાવમાં હેન્ડસમ હતો. કસરતી શરીર હતું. સિવિલ એન્જિનિયર થયેલો હતો પરંતુ નાણાં વગરનો નાથીયો હતો.

એક તો પોતે ખૂબ જ સીધો સાદો હતો. કામ વગર કોઈની પણ સાથે લપ્પન છપ્પન કરતો ન હતો. સ્વભાવે પરગજુ હતો એટલે એ દરેકનું કામ કરી આપતો. એ બહાર જતો હોય અને આડોશ પાડોશ વાળા ક્યારેક એને કોઈ કામ બતાવે તો મંથન ક્યારે પણ ના ન પાડતો.

હજુ અઠવાડિયા પહેલાં જ મંથન જ્યારે બહાર જતો હતો ત્યારે એની પડોશમાં ત્રીજા ઘરમાં રહેતાં અનિલાબેને એને પોસ્ટ ઓફિસમાં જઇને રજીસ્ટર કરવા માટે કવર આપેલું.

" મંથનભાઈ મારું જરા આટલું કામ કરી દેશો ? આ કવર પોસ્ટ ઓફિસમાં જઈને જરા રજીસ્ટર કરી દેજો ને ? મારા હરીશને જરા પણ ટાઈમ નથી હોતો. એ બિચારો ઓફિસેથી પણ મોડો આવે છે. " અનિલાબેન બોલ્યાં.

" કંઈ વાંધો નહીં માસી. હું કરી દઈશ." મંથને કહ્યું અને પોસ્ટઓફિસની લાંબી લાઇનમાં ઉભા રહીને એણે રજીસ્ટર કરી દીધું.

ઘણીવાર તો રેશનીંગમાંથી ઘઉં-ચોખા કે ખાંડ લાવવાની હોય તો પણ મંથન બધાંને યાદ આવતો.

" મંથનભાઈ જરા રેશનીંગની દુકાનેથી આ કાર્ડ ઉપર ૨ કિલો ખાંડ લેતા આવજો ને ? તમારા ભાઈને પગ દુખે છે એટલે બિચારા લાઈનમાં ઊભા રહી શકતા નથી." કોઈ કહેતું.

મંથન ક્યારે પણ કોઈને ના પાડી શકતો ન હતો. છતાં મંથન વિશે ક્યારેય કોઈ સારું બોલતું ન હતું. પરણવાની એની ઉંમર થઈ ગઈ હતી. કોઈએ એનું નામ આપ્યું હોય એટલે છોકરી વાળા પોળમાં આવીને મંથન વિશે પૂછપરછ કરતા તો તરત જ બે-ત્રણ ઘરની સ્ત્રીઓ ભેગી થઈ જતી.

" અરે ભાઈ તમને મંથનનું નામ આપ્યું કોણે ? છોકરીને શુ કામ દુઃખી કરવાનું વિચારો છો ? એનું ઘર તો તમે જુઓ ! પાઈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી. આખો દિવસ નવરો ધૂપ રખડ્યા કરે છે. ટકીને નોકરી પણ કરતો નથી. અને આજની મોંઘવારીમાં વીસ પચીસ હજારની શું કિંમત છે ? બીજું કોઈ સારું ઘર શોધી કાઢોને ? " પાડોશીઓ કહેતાં.

અને આમ કોઈ પડોશી કન્યાવાળાને મંથનના ઘર સુધી પહોંચવા દેતા ન હતા. મંથન આ બધું જાણતો હતો. એ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. પણ પૈસા વગર બુદ્ધિની કોઈ જ કિંમત નથી હોતી.

મંથનની પોળમાં રહેતી તોરલ એને પસંદ કરતી હતી પણ મંથનના આટલા ઓછા પગારમાં એ પોતાનાં મા-બાપને વાત પણ કઈ રીતે કરી શકે ? મંથનની મા જીવતી હતી ત્યારે તોરલ ક્યારેક ક્યારેક માને રસોઈમાં મદદ કરવા માટે આવતી. તોરલને મંથન પ્રત્યે ખૂબ જ લાગણી હતી. પરંતુ માતાના મૃત્યુ પછી આ ઘરના દરવાજા તોરલ માટે બંધ થઈ ગયા હતા.

૨૫ વર્ષની તોરલ દેખાવે ખૂબ સુંદર હતી અને ગ્રેજ્યુએટ પણ થઇ ગઇ હતી. પરંતુ એનો બાપ કાન્તિલાલ મહા ખેપાની અને લાલચુ હતો. એ મકાનની દલાલી કરતો. એના બાપના કારણે તોરલ મંથન સાથે વાત કરવાની પણ હિંમત કરતી નહોતી.

એક વાર અચાનક એ પોળની બહાર મંથનને મળી હતી અને જો મંથન તૈયાર હોય તો ભાગી જઈને કોર્ટ મેરેજ કરવા પણ તૈયાર હતી પરંતુ મંથન એ માટે તૈયાર ન હતો કારણકે એની કોઈ આવક જ ન હતી.

છેલ્લા છ મહિનાથી મંથનની નોકરી છૂટી ગઈ હતી. બે-ચાર કન્સ્ટ્રકશનની કંપની માં એણે નોકરી માટે ધક્કા ખાધા હતા. પરંતુ ક્યાંય નોકરી ખાલી ન હતી. એકલા એકલા ઘરે બેસીને પણ ટાઈમ જતો ન હતો.

ઘણીવાર એને પોતાનો જ કોઈ ધંધો કરવાનો વિચાર આવતો હતો પરંતુ એની પાસે એવી કોઈ મૂડી ન હતી. મૂડી તો ઠીક પરંતુ કોઈપણ ધંધાનો એને અનુભવ ન હતો.

એક નાના કોન્ટ્રાક્ટરે એક જુના બંગલાનું રિનોવેશનનું કામ એને સોંપ્યું હતું. ખરા દિલથી મહેનત કરીને એણે મજૂરો રાખીને ત્રણ મહિનામાં આખું ય રીનોવેશન કરી આપ્યું. પોતાની આવડતથી એણે બંગલાની સિકલ બદલી કાઢી. છતાં બધો યશ કોન્ટ્રાક્ટરે લીધો. એણે ૭ લાખ લઈને મંથનને માત્ર ૩ લાખ રૂપિયા આપ્યા જેમાંથી મજૂરોને ચુકવેલી રકમ બાદ કરતાં મંથનને માત્ર ૫૦૦૦૦ મળ્યા. મંથને ઘણી વિનંતી કરી પરંતુ પહેલાંથી કોઇ ટર્મ્સ કન્ડિશન નક્કી થઈ ન હતી.

ઉપરાઉપરી નિષ્ફળતાઓથી મંથન જિંદગીથી નિરાશ થઈ ગયો હતો. આવી જિંદગી જીવવાનો કોઈ મતલબ ન હતો એટલે એણે છેવટે કાશીમાં જઈને આત્મહત્યા કરી લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કાશીએ તો એની જિંદગીની કરવટ જ બદલી નાખી હતી !! એણે ભગવાન કાશી વિશ્વનાથનો હૃદયપૂર્વક આભાર માન્યો.

મંથને તત્કાલ અમદાવાદ જવાનો નિર્ણય લઈ લીધો. એણે ફ્લાઇટની તપાસ કરી. સાંજે ૪:૩૦ વાગ્યાની ફ્લાઈટ હતી પરંતુ એમાં ટિકિટ મળે તેમ ન હતી. એ પછી બીજી ફ્લાઇટ રાત્રે ૮:૧૦ વાગ્યાની હતી. એ ફ્લાઈટમાં એને ટિકિટ મળી ગઈ.

મુંબઈથી વકીલનો ફોન આવ્યા પછી એના પગમાં જોર આવી ગયું હતું. હજુ જમવાનું બાકી હતું. એ અહીંની જાણીતી રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં જમવા ગયો. જમીને હોટલ ઉપર આવી એણે બે કલાક આરામ કર્યો. સાંજે હોટલમાં ચેક આઉટ કરીને એ સાત વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયો.

ફ્લાઈટમાં એણે જમી લીધું જેથી ઘરે પહોંચીને રસોઈની કોઈ માથાકૂટ કરવી ન પડે. રાત્રે ૧૦:૩૦ વાગે એ રીક્ષા કરીને દરીયાપુર પોતાના ઘરે પહોંચી ગયો.

ઘરે પહોંચીને એણે ઘરમાં કચરો વાળી દીધો. પાણી તો સવારે જ આવવાનું હતું એટલે એણે રસ્તામાંથી જ પાણીની બોટલો ખરીદી લીધી હતી જેથી રાત્રે કામ આવે.

એ આખી રાત એણે પોતાને મળનારા વારસાની ખુશીમાં વિતાવી. હવે એ કોઈનો મોહતાજ ન હતો. એડવોકેટે કોઈ રકમનો ઉલ્લેખ કર્યો ન હતો. એ મોટી રકમ કરોડ સુધીની પણ હોઈ શકે કે બે કરોડ પણ ! અને સ્થાવર મિલકત પાછી જુદી. કોઈ ગણતરી મનમાં બેસતી નહોતી. ઝાલા સાહેબ રૂબરૂ મળે ત્યારે જ બધી ખબર પડે !

સવારે ઉઠીને એણે આવતા નળમાંથી ઘરમાં પાણી ભરી દીધું. આજે રસોઈ કરવાની બિલકુલ ઈચ્છા ન હતી કારણકે હવે એ ગરીબ નહોતો રહ્યો. ઘરમાં ફરી કચરો વાળીને પોતું કરી દીધું. ઝાલા સાહેબ આજકાલમાં ગમે ત્યારે આવી શકે છે એટલે ઘર સ્વચ્છ રાખવું સારું.

એણે પોતાના પહેરેલા કપડાં ધોઈને સૂકવી દીધાં. અમુક કામ તો એણે જાતે કરવું જ પડે એમ હતું.

મંથન હજુ પણ સાઈકલ જ વાપરતો હતો. બાઈક ખરીદવાના એની પાસે આજ સુધી કોઈ પૈસા ન હતા. એ વારાણસી ગયો ત્યારે સાઈકલ ઘરની અંદર મૂકી હતી. એણે સાઈકલને બહાર કાઢી.

આટલા સારા સમાચાર મળ્યા હતા એટલે એની ઈચ્છા સવારમાં જ માધુપુરામાં કુળદેવી અંબાજીનાં દર્શન કરી આવવાની હતી. હજુ સવારના આઠ જ વાગ્યા હતા. એ સાઈકલને કપડાથી સાફ કરતો હતો ત્યાં જ બાજુવાળાં સરોજબેન આવ્યાં.

" મંથન કેમ માથે ટકો કરાવી દીધો ? કોઈ ગુજરી ગયું કે શું ? " સરોજબેનની પંચાત શરૂ થઈ ગઈ.

" ના કાકી. તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયો હતો. ત્યાં ઘણા યાત્રાળુઓ માથે મુંડન કરાવતા હોય છે. " મંથન બોલ્યો.

મંથને પિતા અંગે કોઈ જ ખુલાસો ના કર્યો નહીં તો આખી પોળમાં એની ચર્ચા થાય.

" ઠીક ઠીક... અત્યારે ક્યાંય બહાર જાય છે ?" સરોજબેને પૂછ્યું.

" હા કાકી, હું અહીં નજીકમાં જ માધુપુરા અંબાજીના દર્શને જાઉં છું. " મંથન બોલ્યો.

" લે... તો તો બહુ સારું. માધુપુરાના મસાલા માર્કેટમાંથી ત્રણ કિલો ધાણા તું લેતો આવીશ ? મારે ધાણાજીરુ દળવું છે. જીરુ તો હું લઇ આવી ગઈ કાલે. જે પૈસા થશે એ હું તને આપી દઈશ." સરોજબેન બોલ્યાં.

" ભલે કાકી. લેતો આવીશ." મંથન કોઈને ના પાડી શકતો ન હતો.

" અને જો પાછો ઝીણા ધાણા પસંદ કરજે અને સહેજ લીલાશ પડતા રંગના હોય એવી ક્વોલિટી પસંદ કરજે. બે-ત્રણ દુકાને ફરીને ભાવતાલ કરીને પછી જ ખરીદજે પાછો. " સરોજબેન બોલ્યાં.

" ભલે કાકી. મેં ધાણા કદી ખરીદ્યા નથી. છતાં કોશિશ કરીશ." મંથન બોલ્યો.

" અને હજુ થોડું વહેલું છે. દુકાનો નવ વાગે ખુલે છે એટલે થોડી વાર રાહ જોજે .અને મારા વતી દર્શન કરજે. " સરોજબેન બોલ્યાં.

એ પછી મંથન મકાનની જાળીને તાળુ મારીને માધુપુરા જવા નીકળી ગયો.

દર્શન કરીને અડધા કલાક સુધી બજાર ખુલવાની એણે રાહ જોઈ. બજાર ખુલ્યા પછી પણ ૧૫ મિનિટ બીજી એને રાહ જોવી પડી. વેપારીઓ શટર ખોલીને અંદર મુકેલો માલ સામાન બહાર ગોઠવતા હતા.

ત્રણ-ચાર દુકાને એણે આંટા માર્યા પરંતુ બધે એકસરખા જ ધાણા દેખાતા હતા. એને તો કોઇ જ ફરક દેખાતો ન હતો. છેવટે એક દુકાનેથી ત્રણ કિલો ધાણા લઈ એ ઘરે પહોંચ્યો અને પડોશમાં સરોજબેનને આપી દીધા.

" સાંજે તારા કાકા આવે એટલે પૈસા આપી જઈશ. " સરોજબેન બોલ્યાં.

"ભલે" કહીને મંથન પોતાના ઘરે આવ્યો.

બસ આ પ્રકારની મંથનની જિંદગી હતી. આટલી બધી સેવા કર્યા પછી પણ એને કોઈ યશ આપતું ન હતું. પોળમાં કોઈ પ્રસંગ હોય તો પણ બધે મંથન જ ધક્કા ખાતો.

આખીય પોળમાં એની ચિંતા કરવાવાળી એક જ વ્યક્તિ હતી. એની સામેના મકાનમાં રહેતાં વીણામાસી. વીણામાસી ગૌરીની જ ઉંમરનાં હતાં. મંથન એમને માસી જ કહેતો.

પતિનું ઘર છોડીને ગૌરી જ્યારે યુવાનીમાં જ અમદાવાદ આવી ગઈ ત્યારે સૌથી પહેલાં એ એની બહેનપણી વીણાના ત્યાં જ આવેલી. વીણા ગૌરીની સાથે મુંબઈમાં જોગેશ્વરીની એક જ સ્કૂલમાં ભણતી અને ત્યારથી એ બંને બહેનપણીઓ હતી. વીણાનાં લગ્ન અમદાવાદમાં થયેલાં. ગૌરી પાસે વીણાનું પોળનું સરનામું હતું.

એ સમયે અમદાવાદમાં મિલોની જાહોજલાલી હતી અને વીણાનો વર રમેશ એક મિલમાં સારી પોસ્ટ ઉપર હતો. અમદાવાદનો એ જમાનો પોળોનો હતો. પોળની અંદર પોતાનું ઘરનું ઘર હોવું એ પણ પ્રતિષ્ઠા ગણાતી. રમેશે દરિયાપુરની આ પોળમાં સામસામે બે મકાન ખરીદ્યાં હતાં. સામેનું મકાન એણે ભાડે આપી દીધું હતું અને ભાડાની આવક ઊભી કરી હતી.

ગૌરીએ જ્યારે ઘર છોડ્યું અને પહેલીવાર અમદાવાદ આવી ત્યારે એ સરનામું પુછતી પૂછતી સીધી વીણાના ઘરે જ આવેલી. એ વખતે એ પ્રેગ્નેન્ટ હતી. વીણાએ એને આશરો આપ્યો. ગૌરીના સદનસીબે ૧૫ દિવસ પછી વીણાનું ભાડે આપેલું ઘર ખાલી થવાનું હતું. વીણાએ એ ઘર ગૌરીને રહેવા માટે આપી દીધું.

ગૌરીના વર વિજયે ગૌરીને સારા એવા દાગીના કરાવી આપ્યા હતા અને થોડીક રકમ પણ આપેલી. દાગીના વગેરે વેચીને જે રકમ આવી એમાં પોતાની થોડી રકમ ઉમેરી એણે મકાનની મોટાભાગની રકમ ભરી દીધી અને મકાન ખરીદી લીધું. બાકીની રકમ એ પછી આપી દેશે એમ વીણાને વાત કરી પરંતુ વીણાએ પોતાના પતિને સમજાવીને બાકીની રકમ માફ કરી દીધી. એ જમાનામાં પોળમાં મકાનની કિંમત બહુ નહોતી.

ગૌરીના અચાનક મૃત્યુથી વીણાને ઘણો આઘાત લાગેલો. વીણાના પતિ રમેશનું પણ પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. વીણાને એક દીકરી હતી જે સાસરે વળાવી દીધી હતી. અત્યારે વીણા એના ઘરમાં એકલી જ રહેતી હતી.

પોળની સ્ત્રીઓ મંથનનો જે રીતે નોકરની જેમ ઉપયોગ કરતી હતી એ વીણાને પસંદ આવતું નહોતું અને ઘણીવાર એ પાડોશી સ્ત્રીઓ સાથે ઝગડતી પણ હતી. પરંતુ વીણાને કોઈ ગાંઠતું ન હતું.

મંથન આ જ પોળમાં જન્મીને મોટો થયો હતો. એટલે એને પોળની એક માયા બંધાઈ ગઈ હતી. બધાં જ પડોશીઓને એ નાનપણથી જ ઓળખતો હતો એટલે કોઈને એ નારાજ નહોતો કરી શકતો.

છતાં પોતાની નોકરી વગરની જીંદગી અને એકલવાયાપણાથી એ કંટાળી ગયો હતો અને એટલે જ એણે આ દુનિયા છોડી દેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વારાણસીમાં એના ઉપર જે ફોન આવ્યો એ પછી એનામાં જિંદગી જીવી લેવાની એક નવી જ ઉર્જાનો સંચાર થયો હતો.

એ આજે બેઉ ટાઈમ હોટલમાં જઈને જમી આવ્યો હતો. આજે એણે ઘણા સમય પછી પાન પણ ખાધું હતું. એ જ્યારે ખુશ થતો ત્યારે એને પાન ખાવાની ઈચ્છા થતી !

રાત્રે ફરી પાછો એ સપનાંની દુનિયામાં ખોવાઈ ગયો. બસ આજકાલમાં જ એની જિંદગીમાં એક નવો વળાંક આવવાનો હતો. એ કાગના ડોળે એડવોકેટ ઝાલાસાહેબ ની પ્રતીક્ષા કરી રહ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)