Karmo no Hisaab - 25 books and stories free download online pdf in Gujarati

કર્મોનો હિસાબ - (ભાગ ૨૫)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૫ )


સમય આવી ચૂક્યો હતો. એ જ સમય જેની મન આટલા બધા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. કર્મોનો હિસાબ જાતેજ કરવો હતો. પોતાની જીદ, પોતાનો ગુસ્સો, પોતાનો ઇગો, પોતાની જિંદગી બસ એ જ કરવું હતું જે આટલા વર્ષોથી વિચાર્યું હતું અને જેને યોગ્ય મન હતો.


કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં.


મન ઘરેથી ચાલી નીકળ્યો હતો પોતે વિચારેલા અંતની તલાશમાં. કચરાની ડમ્પીંગ સાઈટ પર. મન માટે આ જ યોગ્ય હતું અને મન આ જ લાયક હતો. કાવ્યા, ક્રિશ્વી, શાલીની, અનન્યા, પ્રિયા આ દરેક પાત્રો પોતાની ગમતી જિંદગીમાં ગોઠવાઈ ગયા હતા અને મન પોતાની ગમતી જિંદગીમાં.


ત્યાં આવતા કચરામાંથી જે પણ મળે એમાંથી ખાઈ લેતો. કચરાની ગાડીવાળા ડ્રાઇવર પણ હવે ઓળખતા થઈ ગયા હતા એટલે એ પણ ક્યારેક આ અસ્થિર મગજના પાત્રને કંઇક ને કંઇક ખવડાઈ દેતા. મન માટે બસ આ જ જીવન યોગ્ય હતું અને એ જ જીવનમાં એ ગોઠવાઈ ગયો હતો.


આમને આમ વર્ષો વીતતાં ગયાં અને મનનું શરીર ખરાબ થતું ગયું અને સડતું ગયું. બસ મન એવા અંતની રાહમાં હતો જેને એ લાયક હતો યોગ્ય હતો. એ અંત આ જ હતો. પોતે બધાજ પાત્રોના જીવનનો કચરો હતો.


****


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા.


મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન.


એટલામાં આ બધી જ ચહલપહલ ચીરતો એમ્બ્યુલન્સ ના સાઈરનનો અવાજ ઇમરજન્સી વોર્ડને ઘેરી વળે છે. હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચર લઈને એમ્બ્યુલન્સ તરફ જાય છે અને એના પણ એક વ્યક્તિને સુવડાવી લાવવામાં આવે છે.


એકદમ મેલઘેલા કપડાં, શરીરમાંથી સતત આવતી દુર્ગંધ, વધી ગયેલા દાઢી-માથાના વાળ, ઠેર ઠેર શરીરપર પડેલા ચાંદા અને એમાં ખદબદતી જીવાત જાણે કોઈ ભિખારી કે એકાંકી જીવન જીવતો વ્યક્તિ હતો.


આર્યનને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કચરાની ડમ્પીંગ સાઈટ પરથી લાવવામાં આવ્યો હતો અને એ ત્યાંજ કચરાના ઢગલાં પર ઘણા વર્ષોથી રહેતો હતો. ત્યાંથી કોઈએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને ત્યાંથી આને લાવવામાં આવ્યો. આ વ્યક્તિનું નામ તો કોઈ જાણતું નહોતું પણ બધા એને ત્યાં કચરો જ કહેતા કારણ કે એ ત્યાં કચરામાંથી જે મળે એ ખાઈ ત્યાં જ જીવતો હતો. એનું કોઈ હતું નહીં આથી એ ત્યાં એકાંકી જીવન જીવતો હતો. આટલી માહિતી ડો. આર્યન માટે પૂરતી હતી એ માહિતી લઈ આર્યન એમ્બ્યુલન્સ ને રવાના કરી પેશન્ટ પાસે જવા નીકળ્યો.


ફીક્કો પડી ગયેલો ચહેરો, સખત તાવ, શરીર પર ઠેર ઠેર પડેલા ચાંદા અંજલીના આટલા વર્ષનાં નોકરીના થયા પણ આવો ખરાબ કેસ એ પહેલીવાર જોઈ રહી હતી. આ બધું જોઈને અંજલીનું મન દ્રવી ઉઠ્યું હતું. અરેરે આ તો કેવું જીવન. ભગવાન આમ કેમ કરતો હશે કોઈ સાથે! આ જ મન.


*****


"મન થોડા જ દિવસ છે." આ બોલતાની સાથેજ આર્યન ત્યાંજ બેસી ગયો.


અંજલી એ રિપોર્ટ જોયા. મલ્ટિપલ ઓર્ગન ફેલ થઈ ગયા હતા. બ્લડ કેન્સરે મન ને પોતાની આગોશમાં જકડી લીધો હતો. અંજલી પણ સમજી ગઈ હતી કે મન બસ થોડા દિવસનો મહેમાન છે. આર્યનનો હાથ હાથમાં લઈ અંજલી ત્યાંજ એની પાસે બેસી ગઈ.


થોડીવાર પછી અંજલીએ હળવેકથી કહ્યું ચાલ આર્યન મનને આપણી જરૂર છે. આર્યન પણ તરત સ્થીર થઈ અંજલી સાથે મન પાસે પહોંચી ગયો.


ગઈકાલ કરતા મન ઘણો સ્વસ્થ દેખાતો હતો. મન પણ આર્યનને જોઈ ભાવવિભોર થઈ ગયો. આર્યને મનનો હાથ હાથમાં લીધો અને મનમાં જ બોલી ઉઠ્યો એય દોસ્ત આ શું થઈ ગયું!


આર્યન પણ મનમાં જ જાણે સવાલ જાણી ગયો હોય એમ બોલી ઉઠ્યો મારા કર્મોનો હિસાબ થઈ રહ્યો છે અને મને અસ્ત તરફ લઈ જઈ રહ્યો છે.


બે દોસ્ત હતા, એકમેકના હાથમાં હાથ હતા, લાગણીસભર થઈ આંખે આંસુ આવી ગયાં હતાં. અંજલી જાણે આ પળની શાક્ષી પૂરી રહી હતી. આખી રાતના બંને હોસ્પિટલ હોવાથી થાક પણ ભારોભાર લાગ્યો હતો. મન ને મળી બંને ઘરે ફ્રેશ થવા ચાલ્યા ગયા.


*****


આ તરફ મનના મનમાં એની જિંદગીની ફ્લેશબેક ધડાધડ ચાલવા લાગી . જિંદગીના એ પળો, એ દિવસો, એ સંબંધો, એ જઘન્ય ભૂલો બધુંજ એક પછી એક મનમાં ચાલવા લાગ્યું. પોતે કરેલા સંબંધોનાં ચીરહરણ વિચારોમાં દોડવા લાગ્યા, ફરી માથું ફાટફાટ થવા લાગ્યું.


ફરીથી મન વિચારોમાં ગરકાવ થઈ ગયો અને થયું આ અખૂટ લાગણીઓ મેળવવાની એની ઝંખના એને કેટલે દૂર લઈ ગઇ. જ્યાંથી એ ક્યારેય પાછો ફરી ના શક્યો. પોતાના જીવનમાં આવેલા દરેક પાત્રો સાથે ક્યાંકને ક્યાંક અન્યાય કર્યો.


મન સમજી ચૂક્યો હતો કે ગમે તે હોય એ આ જ યોગ્ય હતો અને આ જ એના કર્મોનો હિસાબ હોઈ શકે. બસ હવે એનું શરીર આત્મા છોડે એની રાહમાં હતો. ફ્લેશબેકમાં જઈ આવી આ બધા વિચારોમાં મન હતો.


એટલામાં ડો. આર્યન અને અંજલી મળવા આવ્યાં મન નુ મન એમને જોતાં જ ભરાઈ આવ્યું. આંખોમાંથી બસ લાગણીઓ વરસી રહી હતી.


એટલામાં આર્યન બોલ્યો "મન, કેમ તે આવું કર્યું!"


"બસ, મારા કર્મોનો હિસાબ." મન એટલુંજ બોલી શક્યો.


"તું એકદમ ઓકે થઈ જઈશ અને કાવ્યા હવે બસ આવતી જ હશે." આર્યન ખુશ થઈ કહેવા લાગ્યો.


"કાવ્યા!, પણ કેમ?" બસ આ બોલતાં જ જીભ થોથવાવા લાગી.


હૃદય સાથ છોડી રહ્યું હતું સાથે ધબકાર પણ હા એ ધબકાર જે પળે પળમાં સાથે હતો એના અંત સુધી. એ પળ આવી રહી હતી જે મન ક્યારેય નહોતો ઈચ્છતો. બસ કાવ્યના આવવાના સમાચારથી મન દેહ છોડી ચૂક્યો હતો. મન ક્યારેય નહોતો ઈચ્છતો કે એના જીવતા એનો ઓછાયો, એના કર્મોનો હિસાબ એના જીવનના કોઇપણ પાત્ર પર પડે.


હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી થઈ ગઈ. દરેક પ્રયત્નો નિષ્ફળ થઈ ગયા અને મન અનંતની વાટ પકડી ચૂક્યો હતો. આ ઘડી મન ના કર્મોનો હિસાબ પૂરો થયાની શાક્ષી પૂરતી હતી.


****


વાંચકમિત્રો અને વડીલોનો ખુબ ખુબ આભાર...


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...