Sambandh - 1 books and stories free download online pdf in Gujarati

સંબંધ - એક અજબ પ્રેમકહાની - 1

કચ્છ નું એક નાનું ગામડું. - નલિયા.
એક મિડલ ક્લાસ પરિવાર - અંજુબેન અને ભગવાનભાઈ.
એકનો એક દીકરો - શ્યામ.
શ્યામ ના મામાં-મામી - રમણીકભાઇ અને કંચનબેન.
સંબંધી - ધીરજભાઈ અને ગીતાબેન.
તેમની પુત્રી - પ્રિયા અને પુત્ર - મહેશ.

શ્યામ પોતાના મામા-મામી જોડે માતાના મઢે માનતા કરવા ગયેલો. રમણીકભાઇ અને કંચનબેન ખૂબ જ ધાર્મિક જીવ હતા. તેઓ આવી રીતે અવારનવાર માનતા રાખતા અને પોતાની નાની અમસ્તી તકલીફ માટે પણ તેઓ દોડીને માતાને મઢ જતા. એકવાર આવી રીતે જ તેઓ માનતા કરવા માટે શ્યામને પણ પોતાની સાથે લઈ ગયેલા.

માતાના મઢની નજીક આવેલું ગામ દયાપર, કે જ્યાં રમણીકભાઇ ના દૂરના સંબંધી ધીરજભાઈ અને ગીતાબેન, પોતાની પુત્રી પ્રિયા અને પુત્ર મહેશ સાથે રહેતા હતા. રમણીકભાઇ અને તેમના પરિવારનું ત્યાં ખૂબ જ માન હતું. માનતા કર્યા પછી તેઓ ઘણી વાર ત્યાં જમવા માટે જતા અને આજે પણ તેઓ શ્યામને સાથે લઈને ત્યાં ગયા હતા. બપોરનો સમય હતો. બધા સાથે મળીને બપોરો કરવા બેઠા હતા.

ધીરજભાઈ અને ગીતાબેન બધાને તાણ કરી કરીને ભાવથી જમાડતા હતા. ત્યારે જ સ્કૂલ છૂટયા પછી ઘરે પાછી ફરેલી પ્રીયાએ ઘરે પ્રવેશ કર્યો. પ્રિયા બારમા ધોરણમાં ભણતી હતી પરંતુ ખૂબ જ નમણી અને સુંદર લાગતી હતી. તે પોતાની મમ્મી ઉપર ગઈ હતી. ધીરજભાઈ વાને થોડા શ્યામ હતા પરંતુ તેમના બંને બાળકો ગીતાબેન ની જેમ જ રૂપાળા હતા.

શ્યામ અત્યારે internship કરી રહ્યો હતો અને આ વર્ષના અંતે તે એક ડોક્ટર બની જશે. તે દેખાવે તો બહુ ખાસ નહોતો લાગતો, પરંતુ તે ખૂબ જ હોશિયાર હતો. એકદમ ડાહ્યો અને સમજદાર હતો. તે સારી રીતે જાણતો હતો કે કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ. પોતાના ભણતરમાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે જ પોતાના પપ્પાના કહેવા છતાં પણ તેણે લગ્ન કે સગાઈ કરવાની મનાઈ જ કરી દીધેલી. તે પોતે નક્કી કરેલું ધ્યેય અચિવ કરી લે પછી જ લગ્ન કરવા માગતો હતો.

પ્રિયા ના આવ્યા પછી પણ શ્યામ પોતાનું ધ્યાન ભટકવ્યા વિના નીચું મોઢું રાખીને જમી રહ્યો હતો. તેનું ધ્યાન હજી પણ પ્રિયા તરફ નહોતું ગયું. આ બાબત ગીતાબેન અને ધીરજભાઈ ને ખૂબ ગમી હતી. ગીતાબેન મનોમન જ પોતાની પ્રિયા માટે શ્યામને પસંદ કરી બેઠા હતા.

થોડા સમય પછી એકદિવસ ધીરજભાઈ અને ગીતાબેન સાથે મળીને રમણીકભાઇ ને મળવા ગયા. ત્યાં તેમણે આ વાત ઉખાળી. વાતવાતમાં તેમણે રમણીકભાઇ ને શ્યામ અને પ્રિયાની સગાઈ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રમણીકભાઇ પણ પોતાની બહેનના દીકરા માટે એક સારો પરિવાર અને એક સારી છોકરી ઇચ્છતા હતા. એટલે તેમને પણ આ પ્રસ્તાવ ગમ્યો.

એકદિવસ રમણીકભાઇ સવાર સવારમાં જ પોતાની બહેનના ઘરે પહોંચી ગયા. શ્યામ ત્યારે ઘરે આવેલો. તેને તૈયાર થવાનું કહીને રમણીકભાઇ હવે પોતાની બહેન અને બનેવીને શ્યામની સગાઈ માટે છોકરી જોવા જવાનું છે એ કહેવા લાગ્યા. માણસો ખૂબ સારા છે અને આપણી ભેગા ભળી જાય તેમ છે એટલે ચિંતાની કોઈ જ વાત નથી. જો શ્યામને છોકરી ગમે તો વાત પાક્કી કરીને જ આવશું. રસ્તા માં જ તેમણે શ્યામને આ વાત કરવી એવું નક્કી કરેલું.

જ્યારે તેઓ દયાપર પહોંચ્યા ત્યારે બધાની વચ્ચે બેઠેલો શ્યામ ખૂબ શરમાઈ રહ્યો હતો. તે એકદમ નર્વસ થઈ ગયેલો. જ્યારે પ્રિયા તેને ચા નો કપ આપવા આવી ત્યારે તેના હાથ એકદમ ધ્રુજી રહ્યા હતા. ગીતાબેન અને ધીરજભાઈ પણ ખુશ હતા. તેમણે તો પહેલા જ શ્યામને પસંદ કરી લીધો હતો. પરંતુ શ્યામ પહેલી વાર પ્રિયાને મળી રહ્યો હતો. તેને પ્રિયા પહેલી નજરમાં જ ગમી ગઈ. જ્યારે તેઓ પોતાના ગામ બાજુ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ શ્યામ રમણીકભાઇ ને કહ્યું કે તેને પ્રિયા પસંદ છે. એટલે હવે તેમના સંબંધમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું ન્હોતું લાગતું. ધીરજભાઈ અને ગીતાબેન ક્યારેય પોતાની ઈચ્છાઓ પોતાના બાળકો ઉપર થોપવા નહોતા માગતા. તેમણે પ્રિયાને બેસાડીને પ્રેમથી પૂછેલું કે જો એને આ છોકરો ગમ્યો હોય તો જ આ વાત આપણે આગળ વધારવાની છે અને ત્યારે પ્રિયાએ પણ પોતાની મંજૂરી આપતા કહેલું કે જો તમને એ છોકરો ગમ્યો હોય તો મારી પણ હા છે. આવી રીતે શ્યામ અને પ્રિયાનો સંબંધ નક્કી થયેલો.

થોડા સમય માં બંનેની સગાઈ કરી દેવામાં આવી. હવે બંને પરિવાર એકસાથે મળ્યા અને ખુશી ખુશી શ્યામ અને પ્રિયાને તેમની જિંદગી આગળ ચલાવવા માટે સાથ આપવાની શિખામણ અને આશીર્વાદ આપ્યા.

હવે શ્યામ અને પ્રિયા મોબાઈલમાં એકબીજા જોડે વાતો કરતા. જ્યારે પણ સમય મળે ત્યારે શ્યામ ફોન કરતો તો ક્યારેક પ્રિયા ફોન કરતી. એકદિવસ અચાનક શ્યામને ખ્યાલ આવ્યો કે પ્રિયાનો ફોન વારંવાર વ્યસ્ત આવતો હતો. શ્યામને ખ્યાલ આવી ગયો હતો કે પ્રિયાની જિંદગીમાં કોઈ બીજું પણ છે જેની જોડે તે વાત કરતી હતી. પરંતુ જ્યાં સુધી કોઈ સબૂત ના મળી જાય ત્યાં સુધી તે કોઈને આ વાત કહેવા નહોતો માગતો.

કોણ હતું પ્રિયાની જિંદગી માં..?
પ્રિયા કોની સાથે વાત કરી રહી હતી..?
શ્યામ આ વાત બધાને જણાવશે કે નહિ..?
તેમનો સંબંધ જળવાઈ રહેશે કે કેમ..?
તેમના લગ્ન થશે કે કેમ..?
વાંચતા રહો..

ક્રમશઃ