Where did eCommerce start and where is it going - Part 2... books and stories free download online pdf in Gujarati

ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે - પાર્ટ ૨...

ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે
પાર્ટ 2...
આ લેખના પાર્ટ 1 ની લીંક કમેન્ટમાં છે, પહેલાં એ વાંચી લેજો, કારણ કે આ ભાગ ઇકોમર્સ ના ઈતિહાસ પછી વર્તમાન અને ભવિષ્યની વાત કરશે. બાહુબલી 1 જોયા પછી જ 2 જોવાય.

હાલમાં ઇકોમર્સની સૌથી મોટી સમસ્યા છે નફો, ક્યાંથી આવશે આ નફો જેટલાને ખબર છે તેઓ ટકશે બાકી બધું સમેટાઈ જવાનું છે.

હવે નફાની વાત આવી તો પહેલાં નફો કરતા ધંધાઓ કેવી રીતે નફો બનાવે છે એ સમજી લઈએ એટલે ઇકોમર્સ કેવી રીતે નફો બનાવશે એ તરત ખ્યાલ આવી જશે. માર્કેટમાં વસ્તુ વેચાણ માટે મુખ્યત્વે 3 તબક્કા હોય છે. પહેલો તબક્કો છે ઉત્પાદન, બીજો તબક્કો જથાબંધ વેચાણ અને ત્રીજો તબક્કો છે છૂટક વેચાણ.

હવે આ ત્રણે તબક્કામાં નફા પર જો કન્ટ્રોલ કરતી પ્રજા છે એ છે ઉત્પાદક. એને ખબર છે કે કેવી રીતે નફો વધારવો કે ઓછા નફામાં ટકી રહેવું. કારણ કે કાચો માલ તેઓ લાવે, એને પ્રોસેસ કરે, ઉત્પાદન કરતી મશીનો લાવે,મશીનો માટે માણસો લાવે અને માલ પેક કરવા ફરી મશીનો અને માણસો લાવે. દરેક સ્ટેજ પર કર કસર શક્ય છે. કાચા માલ લેતી વખતે કર કસર કરાવો, માણસોને સસ્તા પગાર આપો, મશીનો 3 શિફ્ટમાં ચલાવો અને પેકેજ મટીરીયલ કર કસર થી લાવો. ટુંકમાં દરેક તબક્કે ઉત્પાદકોને ખબર છે પૈસા કેવી રીતે બચે. પછી એ રીતે નફો લગાવી વસ્તુઓની વેચાણ કિંમત નક્કી થાય. એ વેચાણ કિંમતમાં નફા સિવાય કોઈ મોટા લોજીક નથી. ઉત્પાદક 10% થી લઈને 1000% સુધી નફો લગાવીને વસ્તુ વેચે. કોઈ પૂછવા વાળો નથી.
સામાન્ય ઉદાહરણ આપું તો માર્કેટ માં વેચાતું કિંડરજોય નામનું પેકેટ એક ચોકલેટ અને એક રમકડું આપે છે, એની ઉત્પાદન કિંમત ૨-૫ રૂપિયા નહીં હોય પણ વેચાય છે ૪૦ રૂપિયામાં. બોલો કેટલા ટકા નફો રાખતા હશે?

ધંધામાં બીજો તબક્કો છે જથાબંધ ખરીદ વેચાણ, એટલે ઉત્પાદક પાસેથી મોટી સંખ્યામાં ખરીદવું અને રિટેલર વગેરેને ઓછી સંખ્યામાં વેચવું. અહીં પણ જથાબંધ વેપારી નફો ઉમેરે છે પણ અહીં સંખ્યા વધે તો કુલ નફો વધે, એટલે મોટા નફા પર ધંધો કરવા કરતાં વધુ ગ્રાહકો સાથે ઓછા નફામાં કામ કરી ધંધો વધારવાની રીત હોય છે.

છેલ્લો તબક્કો છે રિટેલ એટલે છૂટક વેચાણ. અહીં વેપારી માલ ભરી ગ્રાહકને છૂટક વેચાણ કરી નફો કમાવે, આ વેપારી પાસે નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર સારો નફો કમાવવાની તક છે, કારણ કે નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર મહત્તમ વેચાણ કિંમત નથી હોતી. જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓ પર વધુ નફો મળે નહીં, ત્યાં રિટેલર માટે ફિક્સ માર્જીન હોય છે. પછી વેપારી જથાબંધ વાળાને જલદી પેમેન્ટ પર થોડાક ટકા ભાવ ઓછો કરાવી નફો બનાવે છે.

આ થઈ વાત સામાન્ય ધંધાની જ્યાં ક્યા તબક્કે કેટલા નફાની અપેક્ષા રખાય એ નક્કી થતું હોય છે. મૂળ વસ્તુ જો નોંધો તો અહીં ઉત્પાદક પાસે નફાની તક ખુબ મોટી છે જ્યારે રિટેલર ઓછા મૂડી રોકાણ સાથે થોડોક સારો નફો કરી શકે પણ જથાબંધ વેપારીઓ થોડાક નફા સાથે વધુ ધંધો કરી સંખ્યાનો લાભ લઈને નફો કમાવે છે.

ઈકોમર્સ પણ આજ માર્ગે હવે જઈ રહ્યું છે. બીજી બ્રાન્ડ અને બીજાએ બનાવેલ વસ્તુઓ વેચી નફો બનતો નથી. એટલે હવે વિવિધ ઉત્પાદકો કે જેઓ નોન બ્રાન્ડેડ વસ્તુઓ ઉત્પાદિત કરે છે તેઓ સાથે ઈકોમર્સ ભાગીદારીથી ધંધો કરે છે અને એમને ઉત્પાદન ખર્ચથી લઈને માલસામાન લાવા લઈ જવા માટે મદદ કરે છે, જેથી ઉત્પાદકનું મૂડી રોકાણ અને ખર્ચ ઓછા થાય છે. એટલે અહીં ઉત્પાદન સ્તરે જ ઇકોમર્સ કંપનીઓ પગ પેસારો કરીને નફાની ટકાવારી નક્કી કરે છે. એટલે પહેલાં તેઓ ખરીદાર હતા હવે ઇકોમર્સ કંપની ભાગીદાર બની. એટલે નફાના ભાગીદાર.

ઉદાહરણ તરીકે એમેઝોન પર તમે સોલીમો બ્રાન્ડની અનેક વસ્તુઓ જોશો. આ સોલિમો બ્રાન્ડ અમેઝોન ની પોતાની છે, અહીં કપડાં, ઘર વપરાશની વસ્તુઓ આ બ્રાન્ડ અંતર્ગત મળે છે. આ પોતાની બ્રાન્ડ અમેઝોન પોતે મેનુફેકચર કરાવે છે કે જેથી અહીં નફો પ્રમાણમાં વધુ મળશે. આ પ્રોડક્ટ ની કિંમત બીજી પ્રોડક્ટ કરતાં પણ ઓછી હોય છે એટલે ગ્રાહક અમેઝોન પર જલદી ખરીદી લે છે , એટલે વધુ સંખ્યામાં માલ વેચાય છે, એટલે ઉત્પાદક થી સીધા ગ્રાહક સુધી માલ પહોંચે છે અને અમેઝોન નફો કમાવે છે. આની વિપરીત બ્રાન્ડેડ કે બીજાઓએ બનાવેલ વસ્તુઓ નફો કમાવવા દેતી નથી અને એનો વેચાણ ખર્ચ વધુ છે.

એમાં બીજા ઉદાહરણ છે ફ્રેશો અને બી બી રોયલ બ્રાન્ડ જે બિગબાસ્કેટ ચલાવે છે, અહીં પણ કરિયાણું કે ફ્રોઝન વસ્તુઓ બિગ બાસ્કેટ પોતાના બનાવડાવે અને પેક કરાવે છે. એટલે આ વસ્તુઓ બીજી બ્રાન્ડ એટલે રામદેવ કે વાઘબકરી કે અંગુર તુવેરદાળ કરતાં બીબી રોયલ વગેરે બિગ બાસ્કેટ બ્રાન્ડ ની વસ્તુઓ સસ્તી મળે છે, કે જેથી એક વખત ટ્રાય કરવા પણ માણસ બીજી પ્રચલિત બ્રાન્ડ કરતાં આ બ્રાન્ડ ખરીદવા પ્રેરાય છે.

એવી અનેક બ્રાન્ડ ફ્લિપકાર્ટ, જીઓ માર્ટ કે બીજી પ્રચલિત ઈકોમર્સ કંપનીઓ લાવી છે જે સ્થાપિત બ્રાન્ડ કરતાં સસ્તા ભાવે વસ્તુઓ લિસ્ટ કરે છે અને દર વખતે ડિસ્કાઉન્ટ પણ આપે છે. ડિસ્કાઉન્ટ એવા કે એક પર એક મફત, એટલે તમે આ નવી બ્રાન્ડ તરફ આકર્ષાઈ ને ખરીદો.

ફૂડ ડિલિવરી એપ નફો વધારવા પોતાના ટેકઅવે કલાઉડ કિચન એટલે લોકલ એરિયામાં પોતાના જ રસોડા બનાવે છે અને ત્યાંથી જ ખાવાની વસ્તુઓ પોતાની એપ મારફતે ડિલિવરી કરી આપે છે, રસોડામાં ખર્ચને સંભાળી, માણસો અને વસ્તુઓ પોતાની રાખી નફો વધારે છે.

ટુંકમાં બ્રાન્ડેડ વસ્તુઓ કરતા આ ઇકોમર્સ પોતાની બનાવેલ વસ્તુઓ આપણને આપી પોતાનો નફો વધારી રહી છે જે આવનાર 5 વર્ષમાં એમની બેલેન્સશીટ પોઝિટિવ કરી આપશે .

ઇન બિટવિન ઓલા ઉબર વાળાઓ હવે શોર્ટ ડિસ્ટન્સ વાળી રાઈડ કેન્સલ કરી ફકત પોસાય એવા ડિસ્ટન્સ ની રાઇડ લઈ રહ્યા છે, જેમાં એરપોર્ટ પિક અપ એમને નફો કમાઈ આપે છે.

તમને શું લાગે છે, બીજી કઈ જગ્યાએ આ લોકો નફો કમાવતા હશે.

-મહેન્દ્ર શર્મા ૧૫.૦૮.૨૦૨૨