Kaliyugna Yodhaa - 4 books and stories free download online pdf in Gujarati

કળિયુગના યોદ્ધા - 4

ફ્લેશબેક :- આગળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર પાટીલ સાથે ક્રાઇમ સાઈટ નિરીક્ષણ માટે જાય છે . જ્યારે તેઓ સીડી ચડીને ઉપર હર્ષદ મહેતાના કમરામાં જવા જાય છે એજ સમયે મયુર મહેતા કોઈ સાથે ફોનમાં ધીમેધીમે વાત કરતો હોય છે અને અચાનક ચક્કર આવી જતા નીચે પડી જાય છે , કુમાર દોડીને એને પકડી લે છે હવે આગળ ...


ભાગ ૪ શરૂ.....


કુમારને મયુરની આ હરકત આંખમાં ચુભવા લાગી કારણે કે ઘણાખરા કિસ્સાઓમાં પૈસાદાર પરિવારમાં માત્ર પૈસા માટે પોતાના જ પરિવારના સદસ્યોના ઓનર કિલિંગના હજારો દાખલા કુમારે જોયા હતા . તેથી આ પણ કદાચ આવો જ કોઈ કેસ હોઈ શકે એવી શંકા એના મગજમાં ગઈ હતી . ફરી બંને ઓફિસર સીડીઓ ચડી ઉપર જવા લાગ્યા

કુમાર અને પાટીલ દાદરો ચડીને એક કમરાની બહાર ઉભા હતા જ્યાં પીળી પટ્ટી લગાવવામાં આવી હતી જેના પર લખ્યુ હતુ ' ક્રાઈમ સાઇટ , ડુ નોટ એન્ટર ...' એ પટ્ટીને ત્યાં જ રાખી નીચે ઝૂકી બંને અંદર પ્રવેશ્યા .

કમરાની અંદર હજી બધુ જ જેમનું તેમ પડેલુ હતુ . અંદર કોઈ એવા નિશાન જોવા મળતા નહતા કે જે દર્શાવતા હોય કે હર્ષદ મહેતા અને હત્યારા વચ્ચે હત્યા પહેલા કોઈ ઝપાઝપી થઈ હોય . તો કદાચ હત્યારો કોઇ ઓળખીતો નજીક નો જ હોઈ શકે એ વાત અવગણી શકાય એમ ન હતી !

વિશાળ બેડ પરની મેટ્રેસ પર બીછાવેલી બેડશીટને ફોરેન્સિક લેબમાં ડૉક્ટર પાસે મોકલી દેવામાં આવી હતી . મેટ્રેસ પર ચડાવવામાં આવેલા સફેદ ચાદર પર રક્તનો મોટો લાલ ધબ્બો પડી ગયો હતો જે કમરાની ભયાનકતા વધારી રહ્યો હતો .કમરામાં બધી દીવાલો પર લાલ રંગથી હિન્દીમાં કૈક લખાયેલું હતું

( સંસ્કુત પંક્તિઓ )

આ વાક્યો શા માટે લખાયા હતા ? એનો મતલબ શું હતો ? દીવાલ પર લાલ રંગે ચિતરાયેલા બિહામણા ચિત્ર-વિચિત્ર આકારો અને આકૃતિઓનો મતલબ શુ હતો ? કૈજ ખબર પડતી ન હતી , પરંતુ આના લીધે કમરો કૈક અલગ જ ભયાનકતા વર્તાવતો હતો .

બેડની બાજુમાં પડેલા એક ટેબલ પર એક લેપટોપનું માત્ર ચાર્જર ભરાવેલું હતું લેપટોપને ક્રાઈમ સાઇટ પરથી સવારે જ રિકવર કરવામાં આવ્યાની નોંધ પંચનામામાં હતી . એ ટેબલની બાજુમાં ભગવાન બુદ્ધની ચમકતી ધ્યાનમગ્ન આકૃતિ મુકેલી રહી . એક અદભુત શાંતિ હતી એ મૂર્તિના મુખ પર , જાણે કશું જ બન્યું જ ન હતું આ કમરામાં ....!!

જોકે ફોટોગ્રાફરે સવારમાં જ શક્ય એટલા તમામ ફોટા અલગ-અલગ એંગલથી ખેંચ્યા જ હતા છતા અત્યારે પાટીલ પોતાની પાસે રહેલા I-Phone માં થોડા ફોટાઓ ખેંચી રહ્યા હતા . જોકે ફોરેન્સિક ટીમે આખા કમરામાં તપાસ કરી લીધી હતી છતાં કુમારે ફરી ફોન કરીને ફોરેન્સિક ડૉક્ટર વિક્રમના અસીસ્ટને બોલાવ્યો હતો .

લગભગ વિશેક મિનિટમાં એક નવયુવાન રૂમમાં દાખલ થયો . લગભગ ૨૨ વર્ષની ઉંમર ધરાવતોએ યુવાન તેજસ્વી દેખાતો હતો . એની મોટી કાળી આંખો , શ્યામવર્ણી ચામડી , સામાન્યથી થોડું વધારે શરીર અને ચાલવામાં અજબ શિસ્તતા અને ભરપૂર આત્મવિશ્વાસ , હંમેશા એના મોઢા પર રહેતુ સ્મિત આપમેળે એને કોઈ સર્વશ્રેષ્ઠ સ્થાને લાવીને મૂકી દેતુ હતુ . એ યુવાન અંદર પ્રવેશ્યો એને થોડો ક્ષણો કુમારને પોતાની યુવાની યાદ આવી ગઈ . તેની તેજસ્વિતામાં બઘાઈ ગયેલા કુમારને જોઈને એક મીઠું સ્મિત કરીને એ યુવાન બોલ્યો

" હેલ્લો સર . હુ અભિષેક , જુનિયર ફોરેન્સિક ડૉક્ટર . તમે મને જુનિયર કહી શકો છો . મને ડૉક્ટર વિક્રમે મોકલ્યો છે "

" અમ્...હા મેજ ફોન કર્યો હતો વિક્રમને . પહેલી વાર તપાસ સમયે તું અહીંયા હાજર હતો ...!!? " કુમારે પૂછ્યું

" હા સર ...હાજર તો હતો ...પરંતુ સેમ્પલ કલેકશન સરે જ કર્યું હતું ... બસ ...મને શીખી રહ્યો હતો "

" ઠીક છે ....ઠીક છે ....વિક્રમે કઇ કઈ વસ્તુ તપાસી છે એ તો ખબર હશે ...!?"

" જી હા સર " જુનિયરે મોબાઇલમાં લિસ્ટ કાઢતા કહ્યું

" સર , બારણા પર , બારીના લોક પર , સ્વિચો ઉપર , લેપટોપ પર અને ચાર્જર પર , કપબોર્ડ પર , અંદરના લોકર પર , એમની ગોલ્ડન વૉચ પર , બધી જ જગ્યા એથી ફિંગરપ્રિટ્સ લીધા છે , બીજા એવીડન્સમાં એમનું લેપટોપ , લોહીથી ખરડાયેલી બેડશીટ , હેર સેંમ્પલ્સ , એમને રાત્રે લીધેલી દવાઓ , એમનું મેડિસિનસ બોક્સ , પાણીની બોટલ , કોફી અને જ્યુસનો ગ્લાસ વગેરે પુરાવા તરીકે સાચવીને લઈ લીધું છે "

" પેલા વાળના ઢગલા માંથી સેમ્પલ લીધું હતું ...? " ફોટામાં જે તાજા કપાવેલા વાળનો ફોટો હતો એ બતાવતા કહ્યું

" અમ્ ....હા સર .... ડન....." જુનિયરે એના મોબાઇલમાં ચેક કરીને કહ્યું અને ઉમેરતા કહ્યું " સર મારુ અહીંયા આવવાનું બીજુ એક કારણ ઓટોપશી રિપોર્ટ છે ..."

" હેં...!? શુ છે ઓટોપશી રિપોર્ટમાં ...? "

" સર , વિકટીમનું ગળું કાપ્યુ એના પહેલા જ કદાચ એનું મૃત્યુ થઈ ગયુ હતુ "

" શુ .....!!? મતલબ....મતલબ કે ગળુ કાપ્યા પહેલા જ હર્ષદ મહેતાનું મૃત્યુ થયેલુ છે ..!!? "

" જી હા , પરંતુ ...."

" પરંતુ....? પરંતુ... શુ જુનિયર .... " જુનિયરની વાત અધવચ્ચે કાપતા કહ્યુ

" એમનું મૃત્યુ નેચરલ ડેથ તો નથી જ , પરંતુ ગૂંગળામણથી થયુ છે . રિપોર્ટ પરથી એવુ લાગે છે કે કોઈ ઝેરી ગેસ તે સુતા હોય એ દરમિયાન લાંબા સમય સુધી શ્વાસમાં જતા ફેફસામાં ભરાઈ ગયો અને એના લીધે ગૂંગળામણ થઈ . કદાચ હર્ષદ મહેતાની ગાઢ નિંદ્રામાં જ આખી ઘટના બની ગઈ હોય તેથી વિકટીમને પોતાને જ ખબર ન હોય કે પોતે ઝેરી શ્વાસ લઈ રહ્યો છે . જો કે આ એક થિયરી જ છે

" ગેસ ...કયો ગેસ હોઈ શકે ...? અને માત્ર થિયરી છે મતલબ ...? "

" સર , લંગ્સની તપાસ કરતા એવુ લાગે છે કે મૃત્યુ ગૂંગળામણથી થયુ છે . આ કમરાને જોઈને એવુ લાગતુ નથી કે અહીંયા ઓક્સીજનની કમીથી ગૂંગળાઇને કોઈનું મૃત્યુ થઈ શકે એમ છે . હવાની અવરજવર થઈ શકે એટલી જગ્યાતો આ રૂમમાં છે જ " એરકન્ડિશનરની ઉપર નાની ખાલી જગ્યા બતાવી અને જુનિયરે આગળ કહ્યુ

" અને સર એક મહત્વપૂર્ણ વાત કે જે કહે છે કે મૃત્યુ ઓક્સીજનની કમીના લીધે નથી થયુ તેનુ સબૂત આ રહ્યુ " એરકન્ડિશનર બતાવતા આગળ કહ્યુ

" હા સર , અમે આવ્યા ત્યાં સુધી એ.સી. ચાલુ જ હતુ અમને આ ઘટનાની પહેલા માહિતી મળી ત્યારે જ અમે માહિતી આપી હતી કે કમરાની બધી વસ્તુ જેમની તેમ જ રાખજો " પાટીલે કહ્યુ

" શુ ...એ.સી.....!? એ.સી.... એ.સી. આઉટડોર ક્યાં ...?? " કુમારને કૈક યાદ આવતા કહ્યુ

પાટીલે બહાર ઉભેલા નોકરને સાથે વાતચીત કરીને અંદર પાછા આવીને જણાવ્યું . " ઉપર ટેરેસ પર છે આઉટડોર "

" ઠીક છે ચાલો જોઇયે " ત્રણે જણા ઉપર છત ઉઓર પહોંચ્યા.

છતની સફેદ ચમકતી ટાઇલ્સ સૂર્યના કિરણોમાં વધારે ચમકી રહી હતી . સફેદ ટાઇલ્સ પર ધૂળ માટીનું પાતળુ આવરણ છવાયેલુ હતુ . જેવા છત પર જવા આગળ વધ્યા ત્યાં કુમારે મોટા અવાજે કહ્યુ

" કોઈ આગળ જતા નહીં . જુનિયર છત પર દેખાઈ રહેલા પગલાના ફોટા પાડી લો " જુનિયરે છત પર ધૂળ માટીના આવરણ પર દેખાઈ રહેલા પગલના ફોટોગ્રાફ પાડ્યા જુનિયર ફોટા પાડી હવે માપપટ્ટીથી પગલના માપ લઈ રહ્યો હતો . થોડીવાર પછી જુનિયરે કહ્યુ

" સર , છત પર બે માણસોના પગલા હોય એવુ લાગે છે . એક માણસના પગ થોડા મોટા અને પહોળા છે અને બીજા માણસના પગ નાના અને પાતળા છે , કદાચ કોઈ સ્ત્રીના પગલા હોઈ શકે છે "

" અચ્છા ઠીક છે " કુમારે સાથે આવેલા નોકરને આગળ વધવાનુ કહ્યુ હવે ઘરનો એક નોકર ત્રણે જણાને દોરીને આગળ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાટીલે કુમારને પૂછ્યુ

" એસી આઉટડોરને હત્યા સાથે શુ સબંધ ? "

" જરૂરી નથી કે એસીનુ આઉટડોર ગરમ હવા બહાર કાઢી ફ્રેશ ઓક્સિજનને જ અંદર મોકલે . એની સાથે છેડછાડ કરીને કોઈ ઝેરી વાયુને અંદર પણ મોકલી શકાય છે " કુમારે પોતાનો મત રજુ કર્યો

થોડા સમય પછી સૌ એ.સી.ના એ આઉટડોર પાસે પહોંચ્યા જે હર્ષદ મહેતાના રૂમના એ.સી. સાથે જોડાયેલું હતું . કુમારે જુનિયર સામે જોઈને કહ્યુ

" જુનિયર , આ એ.સી. પરથી ફિંગરપ્રિન્ટ્સ કેલેક્ટ નહિ જ કર્યા હોય ... બરાબરને ....? "

"જી હા સર .... પરંતુ ક્રાઈમ સીન અને ટેરેસ ...... કંઈ સમજાયુ નહિ સર "

" કદાચ આ એ.સી. દ્વારા કોઈ ઝેરી ગેસ અંદર છોડાયો હોય અને એ.સી.ની ઠંડક સાથે આખા કમરામાં ફેલાઈને હર્ષદ મહેતાના ફેફસામાં ભરાઈ ગયો હોય અને ગૂંગળામણથી તેઓ મૃત્યુ પામ્યા હોય. મૃત્યુ પામ્યા પછી એજ હત્યારો અથવા હત્યારાઓ માંથી કોઈક કમરામાં અંદર પ્રવેશ્યા અને ....અને હર્ષદ મહેતાનું માથુ કાપીને .....કાપીને સાથે લઇ ગયા કૈક વિચિત્ર લાગે છે . હત્યારો આવુ સાહસ કરી શુ સાબિત કરવા માંગે છે ? " કુમારે કહ્યુ

" સર તમારી વાત સાચી છે . એવુ ચોક્કસ બની શકે . આ ઘટના આપડી થિયરીને સમર્થન પણ આપે છે . પરંતુ પુરાવો....!? કોઈ પુરાવો ગોતવો જોઇયે જે આપડી ધારણાને સમર્થન આપે " જુનિયરે કહ્યુ

" એ કામ તારુ છે જુનિયર . તુ એ.સી. નું આઉટડોર તપાસ . જો જરૂર પડે તો એને પણ તપાસ માટે લેબોરેટરી પર લઇ જા , પરંતુ કૈક એવું ગોતી કાઢ કે જેનાથી આ કેસ જલ્દી આટોપાઇ જાય , સમજ્યો ...? "

" ઠીક છે સાહેબ , હું પ્રાઇમરી તપાસ કરી લવ છુ . તમે આગળ બીજી કાર્યવાહી કરી શકો છો " જુનિયરે કહ્યુ

" ઠીક છે , અમેં હર્ષદ મહેતાના દીકરાને મળીને થોડી વાતચીત કરીયે ત્યાં સુધી તુ તારુ કામ પતાવી દે " એટલુ કહીને કુમાર , પાટીલ અને પેલો નોકર નીચે ઉતરવા લાગ્યા આ જોઈને કુમારે કહ્યુ

" પાટીલ તમે અહીંયા જ રહો , જો તમને કોઈ તકલીફ ....."

" એમા તકલીફ શુ કુમાર સાહેબ " વાત અધવચ્ચે કાપતા પાટીલે કહ્યું અને કુમારર અને નોકર નીચે જવા ઉપડ્યા

( ક્રમશ )

શુ ખરેખર AC આઉટડોરને હત્યા સાથે કંઈ સંબંધ હશે ?

શુ ACના આઉટડોર પરથી હત્યા વિશે કોઈ માહિતી મળશે ?

શુ હત્યામાં કોઈ સ્ત્રી સામેલ હશે ?


પ્રશ્નોના જવાબ જાણવા વાંચતા રહો
કળિયુગના યોદ્ધા ભાગ 5