Jivansangini - 8 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 8

પ્રકરણ-૮
(પ્રેમની તલાશમાં)

કલગીના સંતાનના મૃત્યુ પછી અનામિકાના ઘરમાં બધાં ખૂબ તૂટી ગયા હતા ત્યારે અનામિકાએ જ બધાંને સંભાળ્યા હતા. અનામિકાએ જ બધાંને હિંમત આપી હતી. આ વાતને પણ બે વર્ષ વીતી ગયા. અનામિકાનું ભણવાનું પણ હવે પૂરું થઈ ગયું હતું અને ફરી એ પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. એ જ સમય દરમિયાન કલગીએ એક સુંદર મજાની પુત્રીને જન્મ આપ્યો હતો.
અનામિકા ખૂબ જ વાતોડી હતી એટલે એને બધા જોડે વાતો કરવાની ખૂબ જ ટેવ હતી. એવામાં તેમના પડોશીમાં રહેતાં સમીરભાઈનો દીકરો રોકી એનો ખાસ મિત્ર બની ગયો હતો. એ પોતાના મનની બધી જ વાત રોકીને કહેતી. રોકી એના કરતાં ચાર વર્ષ મોટો હતો. રોકીને એ પોતાનો ભાઈ માનતી અને દર રક્ષાબંધને એને રાખડી પણ બાંધતી. એ એને રોકીભાઈ કહીને બોલવતી. પણ આ બાજુ રોકીના મનમાં તો કંઈક અલગ જ પ્રકારના વિચાર ચાલી રહ્યાં હતા.

એક દિવસની વાત છે. રોજની જેમ જ અનામિકા રોકીને મળવા આવી અને રોકીએ તરત જ એનો હાથ પકડી લીધો અને એ અનામિકાને એના ઘરના ટેરેસ પર લઈ ગયો અને ત્યાં એણે અનામિકાના હાથમાં લાલ ગુલાબનું ફુલ આપીને અનામિકાને પ્રપોઝ કરતાં કહ્યું, "આઈ લવ યુ વેરી મચ અનામિકા. હું તને ખૂબ ચાહું છું અનામિકા. શું તું મારી સાથે લગ્ન કરીશ?"
રોકીનું પ્રપોઝલ સાંભળીને અનામિકા તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી. રોકીનું આ વર્તન તો એની કલ્પના બહારનું હતું. એણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે, જેને એ ભાઈ માનતી હતી એ એને આવી રીતે પ્રપોઝ કરશે. એ ડરી તો ગઈ હતી છતાં થોડી હિંમત એકઠી કરીને એણે રોકીને કહ્યું,
"આ શું બોલો છો તમે રોકીભાઈ? તમને ખબર છે ને કે હું તમને ભાઈ માનું છું. હું તમને રાખડી બાંધું છું. હું તમારા માટે આવું તો ક્યારેય વિચારી જ ન શકું. આ તો ભાઈ બહેનના સંબંધનું અપમાન કહેવાય. આ ક્યારેય શકય નહીં બને રોકીભાઈ."
"પણ તને વાંધો શું છે? શું તને હું પસંદ નથી અનામિકા? મારામાં કમી શું છે? સારું કમાવ છું. ઘર સાચવી શકું એમ છું તો પછી તને મારી જોડે લગ્ન કરવામાં વાંધો શું છે?" રોકીએ પૂછ્યું.
"તમારી બધી વાત સાચી પણ મેં તમને હંમેશા એક મોટા ભાઈ તરીકે જ જોયાં છે. મને માફ કરી દો. આ મારાથી નહીં થાય. મારો અંતરઆત્મા મને ક્યારેય આ વાતની મંજૂરી નહીં જ આપે." આટલું કહીને અનામિકા ત્યાંથી સડસડાટ ચાલી નીકળી અને ઘરમાં જઈ અને પોતાના રૂમમાં પુરાઈ ગઈ. રોકીની આ વાતથી એ ખૂબ ગભરાઈ ગઈ હતી. અનામિકા આવી રીતે આમ અચાનક દોડીને રૂમમાં જતી રહી એ એના ભાઈ રાજવીરની નજરથી છાનું રહ્યું નહીં. એ વિચારમાં પડી ગયો. એને અનામિકાનું આવું વર્તન સમજાયું નહીં.

આ બાજુ મનોહરભાઈ અને માનસીબહેન અનામિકાના લગ્નની ચિંતા કરી રહ્યાં હતાં અને એ ચિંતાના ભાગરૂપે એમણે પોતાની જ્ઞાતિના પુસ્તકમાં અનામિકાનો બાયોડેટા આપી રાખ્યો હતો કે જેથી એના માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય. અને એમની આ ઈચ્છા ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની હતી એ વાતથી હાલ એ બંને જણા અજાણ હતાં.
****
નિશ્ચય ધીમે ધીમે પોતાની નોકરીમાં સેટ થઈ ગયો હતો. એનો પગાર પણ પહેલાં કરતા વધી ગયો હતો પરંતુ હજુ પણ વધુ સારી નોકરી મેળવવાના એના પ્રયત્નોમાં કોઈ ઓટ નહોતી આવી. એ પોતાના મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. પણ મિત્ર સાથે રહેવામાં અને એડજસ્ટ થવામાં એને ઘણી તકલીફ પડતી. એ પોતે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ માનતો અને એનો મિત્ર એની આ બાબતે ખૂબ જ મજાક ઉડાવતો. એટલે એનાથી સહન થતું નહીં અને એ મનમાં જ સમસમી જતો. એને પોતાની તકલીફ બહુ વ્યક્ત કરતાં આવડતું નહીં. એ કંઈ બોલતો નહીં અને મનમાં જ બધું ભરી રાખતો અને મનમાં ભરાયેલી વાતો ગુસ્સારૂપે વ્યક્ત થતી. પણ એને ત્યારે જાણ નહોતી કે, ભવિષ્યમાં એનો આ સ્વભાવ જ એના દુઃખનું કારણ બનશે.
થોડાં સમય પછી નિશ્ચયને સારી કંપનીમાં ડબલ પગારની નોકરી મળી ગઈ. નિશ્ચયને સારી કંપનીમાં નોકરી મળી ગઈ એટલે એના ઘરમાં હવે એના લગ્નની વાતો ચાલવા લાગી. એના પિતા એના લગ્ન માટે કોઈ સારી છોકરીની તલાશમાં લાગી ગયા હતા. એમની પાસે જ્ઞાતિના જે કોઈ પુસ્તકો આવતા એમાંથી એને લાયક કોઈ છોકરી મળી જાય એ આશા સાથે એ પુસ્તકના પાના ઉથલાવી રહ્યા હતા. એવામાં એમની નજર એક છોકરીના બાયોડેટા ઉપર પડી.
****
મેહુલ પણ પોતાના કામમાં સેટ થઈ ગયો હતો. એનું કામ પણ હવે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. નિધિની અવરજવર પણ મેહુલના ઘરમાં હવે વધી ગઈ હતી. અને મેહુલ પણ હવે નિધિ ના ઘરે બેજીજક આવતો જતો થયો હતો. અને
નિધિના પરિવારના સભ્યો પણ મેહુલને તેમજ એના પરિવારને પણ ખૂબ માન આપતા. બંને પરિવારો વચ્ચે હવે સારો ઘરોબો કેળવાઈ ગયો હતો. અને જેમ સંબંધ ગાઢ થાય એમ પરિચય પણ ઘેરો થાય. એવામાં એક દિવસ મેહુલે નિધિને લગ્ન માટે પૂછ્યું અને નિધિએ એને હા પાડી.
બંને એ પોતાના ઘરમાં વાત કરી. અને આ વાત સાંભળતાં જ મેહુલના પરિવારમાં તો બધા રાજી થઈ ગયાં. પણ નિધિના ઘરમાં કોઈ રાજી નહોતું. કારણ કે, મેહુલના પરિવાર સાથે ઘરોબો કેળવાયો હોવાના કારણે નિધિના માતાપિતાને અનુભવે એટલું તો સમજાઈ જ ગયું હતું કે, મેહુલના પરિવારના બધા લોકોના સ્વભાવ ગરમ છે અને આવી પરિસ્થિતિમાં સ્વભાવે શાંત નિધિ શાંતિથી જીવી નહીં શકે. કદાચ નિધિના પિતાને દૂરનું એ ભવિષ્ય દેખાઈ ગયું હતું જે નિધીને દેખાયું નહોતું.
****
શું અનામિકા રોકીની વાત ઘરમાં કોઈને કહેશે? શું નિશ્ચયને પોતાને યોગ્ય પાત્ર મળશે? શું નિધીનો પરિવાર નિધિ અને મેહુલના લગ્ન માટે સંમતિ આપશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.