Naamkaran - 1 books and stories free download online pdf in Gujarati

નામકરણ - ભાગ-1

નામકરણ ભાગ-૧

નિત્યા અને જતીન એક આદર્શ કપલ તરીકે ઓળખાતા. તેમની બંનેની સમજશક્તિ અને પ્રેમ એકબીજા માટેની પ્રેમ ભાવના જગજાહેર હતી. સારી નોકરી, પરિવાર અને એકબીજાનો સહકાર તેમના જીવનને પરિપૂર્ણ કરી દેતી હતી. બસ ખોટ હતી તેમના એક આધારની છે જે તેમની પ્રતિકૃતિ હોય. નિત્યાને પણ હવે આતુરતા હતી કે તેના હાથમાં કયારે તેનો અંશ આવે.

એક રાતે નિત્યાને સપનામાં શિવજીના દર્શન થાય છે. શિવજી તેને એક નાનું શિવલીંગ આપે છે અને કહે છે કે, તારા જીવનમાં પણ એક અંશનો જન્મ થશે. નિત્યા આ સાંભળી ખુશ થઇ જાય છે ને જેવા શિવજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જાય છે ત્યા તેઓ અંતરધ્યાન થઇ જાય છે. નિત્યા તેમને બેબાકળી બનીને ચારેબાજુ શોધવા લાગે છે ને બૂમો પાડે છે. ત્યાં જ જતીન તેને હચમચાવીને જગાડે છે અને કહે છે કે, તુ બૂમો કેમ પાડે છે ? નિત્યા એકદમ સફાળી જાગી જાય છે અને વિચારે છે કે, આ તો એક સપનું છે. સપનાની વાત નિત્યા જતીનને વિગતવાર જણાવે છે. જતીનને શિવજીમાં બહુ આસ્થા હતી. જતીને નિત્યાને કહ્યું કે, જો શિવજી તને એક અંશ આપવા આવ્યા હતા તો નકકી જ આપણા જીવનમાં કોઇકનું આગમન થવાનું છે જે નિશ્વિત છે. નિત્યા આ સાંભળી ઘણી ખુશ થઇ જાય છે. આ વાતને ઘણો સમય વીતી જાય છે.

થોડા સમય પછી નિત્યા અને જતીન બધાને ખુશખબરી આપે છે. ઘરના બધા ઘણા ખુશ થઇ જાય છે કે ઘરમાં નવું મહેમાન આવશે. નિત્યા અને જતીનને હવે તો શિવજી પરની આસ્થામાં વધારો થઇ ચૂકયો હતો. બંને બહુ ખુશ હતા કે શિવજીએ આપેલ સંકેત હવે સાચો પડવાનો છે. નિત્યાના શ્રીમંતનો દિવસ આવ્યો. શ્રીમંતોનયનની વિધિ ખૂબ ધામધૂમથી અને વિધિસર પૂર્ણ થઇ. જતીને કોઇ વસ્તુની કમી રાખી ન હતી. દિવસો આમને આમ પસાર થવા લાગ્યા. જતીન નિત્યાનું નાનામાં નાની વાતનું ધ્યાન રાખતો. તેને કોઇ તકલીફ પડવા ન દેતો.

ડીલીવરીનો સમય નજીક આવી ગયો. નિત્યાને દુખાવો ઉપડતાં તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરી. તે દિવસ આઠમનો હતો. નિત્યાની આઠમના દિવસે ડીલીવરી ન થઇ અને બીજા દિવસે થઇ. તેણે એક પુત્રને જન્મ આપ્યો. બીજા દિવસે નવમી અને દશેરા ભેગી હતી. જતીન તેના પુત્રને જોઇને બહુ ખુશ થઇ ગયો. નિત્યા અને જતીનના જીવનમાં બધી જ ઇચ્છાઓ હવે પૂરી થઇ હતી તેમના પુત્રના જન્મથી.

નિત્યાને હોસ્પિટલથી રજા આપવામાં આવી. ઘરના બધા તેનું નામ વિચારવા લાગ્યા. બાળકની રાશિ મકર આવી હતી ‘ખ’ અને ‘જ’. નામ શું રાખવું બસ એ જ બધા વિચારતા હતા. એવમાં જતીને એક નવી જ વાત સામે લાવી દીધી.

જતીન : મારે તેનું નામ મકર રાશિ પરથી નથી રાખવું.

નિત્યા એકદમ આશ્વર્ચકિત થઇ ગઇ.

નિત્યા : મકર રાશિમાં ખોટું શું છે ? બધા પોતાના બાળકનું નામ રાશિ પરથી જ રાખે છે.

જતીન : વાત એ નથી નિત્યા જે તું સમજે છે. પણ વાત બીજી છે.

નિત્યા : શું વાત છે પહેલા એ કહો તમે.

જતીન : સારું. પહેલા બધા મારી વાત ધ્યાનથી સાંભળો.

(નિત્યાએ હકારમાં માથું હલાવ્યું. )

જતીન : આપણા બાળકનો જન્મ કયા દિવસે થયો છે?? વાર નથી પૂછતો હું...... એ પહેલેથી કહી દઉં છું.

નિત્યા : નવમીએ જન્મ થયો છે.  

જતીન : એકદમ સાચું. પણ થોડું અધૂરું છે.

નિત્યા : અધૂરું ?? કઇ રીતે ? પણ એને શું લેવાદેવા?  

જતીન : નિત્યા, હું કહું તને. આપણે ભૂલીએ છીએ કે આઠમના બીજા દિવસે નવમી અને દશેરા ભેગી હતી.

નિત્યા : હા ભેગી હતી તો ?

જતીન : યાદ કર શિવજી તારા સપનામાં આવ્યા હતા ને તને અંશ આપવાની વાત કરી હતી. શિવજીનો આર્શીવાદ છે..

નિત્યા : હા એ વાત તો તમારી સાચી છે. સાચે જ ભગવાને આપણી ઇચ્છા પૂરી કરી દીધી.

જતીન : હા તો એ જ કે, આપણે આપણા બાળકનું નામ શિવજીને સંબંધિત રાખીએ.

  

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)

 

 -   પાયલ ચાવડા પાલોદરા